ખજાનો ઉમંગનો – સુધીર પટેલ

[રીડગુજરાતીને આ ગઝલો મોકલવા બદલ શ્રી સુધીરભાઈ પટેલનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. ]

વખત લઈને આવ

કદી આવ તું તો બરાબર વખત લઈને આવ,
વિતેલા સમયની સુગંધો પરત લઈને આવ.

પછી ના પડે ક્યાંય પસ્તાવું કોઈને પણ,
મૂલાકાતમાં કોઈ પણ ના શરત લઈને આવ.

ખજાનો ઉમંગોનો લૂંટાવવો છે હવે,
ભલે હોય થોડી ઘણી એ બચત લઈને આવ.

અમારું ગણિત કાચું છે લાગણીઓ વિશે,
ભલે હો ગલત સૌ હિસાબો, ગલત લઈને આવ !

પછી જોઈ લે મેળ કેવો પડે છે ‘સુધીર’
કદી મેળ કાજે કોઈ ના મમત લઈને આવ.

થૈ શકે

અલ્પનો પણ અર્થ ઝાઝો થૈ શકે,
શબ્દનો જો કૈં મલાજો થૈ શકે.

ભાગ્ય પણ આવી મળે છે સાથમાં,
જો ખરા દિલથી તકાજો થૈ શકે.

ક્યાં ખપે છે કોઈ એને બંધનો ?
પ્રેમમાં ના કૈં રિવાજો થૈ શકે !

ઘૂંટ જો એના સ્મરણનાં પી શકો,
જીવ કાયમ એમ તાજો થૈ શકે !

કાયમી હો કૈં અનુસંધાન તો,
ભીડ વચ્ચે પણ નમાજો થૈ શકે.

સાંભળી લ્યો આજ અંતરને ‘સુધીર’
શાંત સૌ બીજાં અવાજો થૈ શકે.

Advertisements

2 responses to “ખજાનો ઉમંગનો – સુધીર પટેલ

 1. પછી જોઈ લે મેળ કેવો પડે છે ‘સુધીર’
  કદી મેળ કાજે કોઈ ના મમત લઈને આવ.

  મેળ નહીં પડવાના કારણમાં મમત જ હોય છે. મમતા આવે એટલે મમત જાય અને મેળ પડે.

 2. ભાગ્ય પણ આવી મળે છે સાથમાં,
  જો ખરા દિલથી તકાજો થૈ શકે !
  When there is a will,
  there is a way !આભાર !