અટવાઉં છું – ડૉ. સતીન દેસાઈ ‘પરવેઝ’

અજવાસ-આગ વચ્ચે અટવાઉં છું હજી હું,
શ્વાસોના તાગ વચ્ચે અટવાઉં છું હજી હું.

ત્યાગીને જાત છોને જોજનનાં તીર્થ સાધું,
મારા સુરાગ વચ્ચે અટવાઉં છું હજી હું.

રૂડું રૂપાળું તો પણ મોસમનું છે પરીક્ષણ,
ખુશ્બૂ ને રાગ વચ્ચે અટવાઉં છું હજી હું.

ખુશ્બૂ થઈને ઝૂલું તડકાનાં તોરણોમાં,
આ ગ્રીષ્મ-ફાગ વચ્ચે અટવાઉં છું હજી હું.

મથતો રહું યુગોથી હું કોને નાથવાને !
કે કૃષ્ણ-નાગ વચ્ચે અટવાઉં છું હજી હું.

જગને તો એમ લાગે કે પાર ઉતર્યો છું,
જગના દિમાગ વચ્ચે અટવાઉં છું હજી હું.

લંબાવું સ્હેજ કર તો ચૂંટી લઉં ચરમને,
હું એના લાગ વચ્ચે અટવાઉં છું હજી હું.

ક્યાં ધૂમ્રના પ્રલયથી અંધાર મોક્ષ પાસે,
બૂઝતા ચરાગ વચ્ચે અટવાઉં છું હજી હું.

નિત સાંજની અદાલતમાં હાજરી ભરું છું,
ઝાકળના દાગ વચ્ચે અટવાઉં છું હજી હું.

શબ્દોના વંશ મેલી ગઝલો સ્વધામે પહોંચી,
વસિયત ને ભાગ વચ્ચે અટવાઉં છું હજી હું.

‘પરવેઝ’ ને શું આપ્યું ફૂલોનો વેશ દૈને !
જન્નતના બાગ વચ્ચે અટવાઉં છું હજી હું.

Advertisements

3 responses to “અટવાઉં છું – ડૉ. સતીન દેસાઈ ‘પરવેઝ’

 1. અમિત પિસાવાડિયા

  સરસ !!!

 2. Nice gazal..
  Hello Satin kaka are you reading this website?
  I would like to have the poet’s email Id if possible.

 3. બુઝતા ચરાગ વચ્ચે અટવાઉં છું હજી હું…….
  કવિને એમાંથી બહાર નીકળવાનો કોઇ
  માર્ગ હજુ સાંપડ્યો લાગતો નથી !અરેરે !!