વાત એક સવાલની… – મહેશ યાજ્ઞિક

ગઈ કાલે રવિવાર હતો એટલે અનિકેતની મદદ લઈને સુનંદાએ લગભગ પોણા ભાગનું ઘર વ્યવસ્થિત ગોઠવી દીધું હતું. દરેક પુરુષની જેમ અનિકેતમાં આ બાબતની સૂઝ થોડી ઓછી હતી છતાં ગઈકાલે આખો દિવસ એ ઘેર હતો એટલે થોડી મદદ કરી. આમ તો રવિવારે અખબારો-ટીવી અને બપોરે જમ્યા પછી ઊંઘી જવું. મદ્રાસમાં એની રવિવારની જે પ્રવૃત્તિઓ હતી એ જ અહીં અમદાવાદમાં ચાલુ રાખવાની ગઈકાલે એની ઈચ્છા હતી, પરંતુ સુનંદાએ ગઈ કાલે સ્નેહથી તેને ઘરકામમાં જોતરી દીધો હતો.

સુનંદા અને અનિકેત અહીં આ શહેરમાં અને આ સોસાયટીમાં રહેવા આવ્યા પછીનો આ આઠમો દિવસ છે. અનિકેત સવારે જમતાં-જમતાં છાપું વાંચતો હતો. ઘરમાં હજુ કેટલું બધું લાવવાનું, ગોઠવવાનું બાકી છે, એ બધું યાદ કરીને સુનંદાએ રોજની માફક બજારમાંથી લાવવાની ચીજવસ્તુઓની યાદી અનિકેતને આપી. એણે છાપું બાજુ પર મૂકીને સુનંદાએ આપેલી કાપલી બુશશર્ટના ખીસામાં મૂકી અને જમવાનું ચાલુ રાખ્યું.

સુનંદાએ અનિકેત સામે જોયું. અનિકેતે બૂટની દોરી બાંધતાં ઘડિયાળ સામે જોયું. એ બૂટ પહેરી ઊભો થયો એટલે સુનંદાએ નવા સ્કૂટર માટે દલાલને ફોન કરવાનું ફરી વાર યાદ કરાવ્યું. અનિકેતે હસીને ડોકું ધુણાવ્યું.

અનિકેતે ઑફિસની બ્રીફકેસ હાથમાં લીધી અને સુનંદાના હૃદયના ધબકારા સહેજ વધી ગયા. ટીવી સિરિયલ શરૂ થાય એ અગાઉની જાહેરાતોની માફક એ અત્યાર સુધીની તમામ ઘટનાઓ જોતી હતી. અનિકેત બહાર જવા નીકળ્યો એટલે હવે એ માનસિક રીતે સજ્જ બનીને એની સાથે બારણા સુધી આવી. અનિકેત પગથિયાં ઊતર્યો અને એણે આવજો કહ્યું. સુનંદા ઉત્સુકતાથી અનિકેતની પીઠ પાછળ જોઈ રહી. આજે પણ એવું જ બનશે એવી એની ધારણા હતી એટલે એણે અનિકેત ઝડપથી જતો હતો એ તરફ મટકુંય માર્યા વિના નજર નાખી.

પાંચેક દિવસથી એ જોતી હતી. અનિકેત ઘરમાંથી આ સમયે બહાર નીકળે એટલે આવું જ બનતું હતું. સોસાયટીમાં એમણે ભાડે રાખેલું મકાન સૌથી છેલ્લું હતું. ઘરમાંથી બહાર નીકળીને એની આદત અનુસાર અનિકેત આજુબાજુ ક્યાંય જોયા સિવાય ડોક ઊંચી રાખીને ટટ્ટાર ચાલતો મુખ્ય રસ્તા તરફ જતો અને ત્યાંથી પસાર થતી રિક્ષા પકડીને ઑફિસ જતો. એમના મકાન અને રસ્તા વચ્ચે દસેક મકાનો હતાં. છેલ્લેથી ત્રીજું જે મકાન હતું એમાંથી પોતાની જ ઉંમરની એક યુવતી અનિકેતના નીકળવાના સમયે જ બહાર નીકળતી. અનિકેત ઘરેથી નીકળે ત્યારથી જ કદાચ એ યુવતી એના પર નજર રાખતી હશે એવું સુનંદાએ વિચાર્યું. અનિકેત એના મકાન પાસેથી પસાર થાય ત્યાર પછી એ બહાર નીકળતી અને બારણાની આડાશ લઈને અનિકેત રિક્ષામાં બેસે ત્યાં સુધી તાકી રહેતી. અનિકેત જાય પછી તરત જ એ ઘરમાં ઘૂસી જતી !

પહેલા બે દિવસ તો સુનંદાને આ ઘટના આમ તો આકસ્મિક જ લાગેલી પરંતુ ત્રીજા દિવસે પણ એવું જ બન્યું. ચોથા દિવસે ઉત્સુકતાથી સુનંદા આ ઘટના તાકી રહી અને આ જ પ્રમાણે બન્યું. ગઈ કાલે રવિવાર હતો. અનિકેત ઘેર જ હતો એટલે આવું બનવાનો પ્રશ્ન ઉદભવ્યો ન હતો. સુનંદા સોમવારની જ રાહ જોઈ રહી હતી. પેલી યુવતી પણ સોમવારની જ – સોમવારના આ સમયની જ રાહ જોતી હશે એવું સુનંદાએ વિચાર્યું અને એથી જ એ ઉત્સુકતાથી અનિમેષ નજરે અનિકેતની પીઠ પાછળ તાકી રહી હતી.

અનિકેત-સુનંદાનું દાંપત્યજીવન ખૂબ સુખી હતું એટલે બીજી કોઈ આડીઅવળી વાત વિચારવાનું સુનંદા માટે શક્ય ન હતું. આમ તો આ ઘટના પણ નાનકડી જ હતી. પરંતુ પેલી યુવતીનું વર્તન એને ખૂબ વિચિત્ર એને રહસ્યમય લાગતું હતું એથી સવારથી જ એ આ સમયે આજે શું બને છે એ જોવા માટે તત્પર હતી.

અનિકેત આગળ વધતો હતો. વર્લ્ડ કપની ફાઈનલની છેલ્લી બે ઓવર જેવી ઉત્સુકતા આંખમાં લઈને સુનંદા ધડકતા હૃદયે તાકી રહી હતી. અનિકેત એ ઘર પાસેથી પસાર થયો. પસાર થઈ ગયો કે તરત જ એની નજર ન પડે એટલી કાળજી રાખીને પેલી યુવતી બહાર નીકળીને ઊભી રહી ગઈ. અનિકેત રિક્ષાની રાહ રસ્તા પર ઊભો ઊભો જોતો હતો અને પેલી યુવતી એની જાણ બહાર એની સામે તાકી રહી હતી અને એ બંને જણાની જાણ બહાર સુનંદાએ આખીય ઘટના વિસ્મયથી તાકી રહી હતી !

અનિકેત રિક્ષામાં બેસીને ગયો કે તરત જ પેલી યુવતી ઘરમાં ઘૂસી ગઈ. સુનંદા ઓટલા પર જ ઊભી રહી ગઈ. આ ઘટનાએ સુનંદાને વ્યગ્ર બનાવી દીધી. એ યુવતી શા માટે સતત ચાર-પાંચ દિવસથી આ સમયે પોતાના પતિ સામે તાકી રહે છે એ એની સમજમાં આવતું ન હતું. વળી, અનિકેતની નજર પોતાના પર પડે નહીં એની પણ એ કાળજી રાખે છે એવું સુનંદા સ્પષ્ટ જોઈ શકતી હતી. આ વિચિત્ર પરિસ્થિતિમાં શું કરી શકાય ? સુનંદાએ વિચાર્યું. પણ એની વિચારશક્તિ બહેર મારી ગઈ હોય એવું એને લાગ્યું. એની છાતીના ધબકારા વધી ગયા. અચાનક એણે એ યુવતીને ત્યાં જવાનો નિર્ણય લીધો અને ઘરમાં ગઈ. સાડી વ્યવસ્થિત કરી, ચંપલ પહેરી, બારણું વાસીને બહાર નીકળી.

એ મકાન પાસે પહોંચી ગયા પછી પણ કોલબેલનું બટન દબાવવું કે નહીં એની ગડમથલમાં પડી. અંતે એની આંગળી બટન પર પડી. બારણું ઉઘડ્યું અને એ યુવતીએ જ બારણું ખોલ્યું.
‘તમે….?’ પેલી યુવતીના ચહેરા પર વિસ્મય છલકાયું.
‘હું સુનંદા.’ સુનંદા બોલી, પછી ઉમેર્યું : ‘સુનંદા અનિકેત મહેતા –’
પેલી યુવતીનું કપાળ વિશાળ હતું. આંખ પણ મોટી હતી. બારણે હાથ મૂકીને સુનંદા સામે એ વિસ્ફારિત નજરે તાકી રહી. સુનંદા એની સામે તાકતી હજુ બારણામાં જ ઊભી રહી હતી.
‘આવો…ઘરમાં આવો.’
સુનંદા એને અનુસરતી ઘરમાં પ્રવેશી. રૂમમાં આવીને દીવાલો સામે તાકતી ઊભી રહી.
‘બેસો….’ પેલી યુવતીએ કહ્યું પરંતુ સુનંદાએ સાંભળ્યું નહીં. એ વિચારતી જ હતી.
‘તમે બેસો ને….’ પેલી યુવતી સહેજ મોટેથી બોલી.
પોતે હજુ ઊભી જ છે એવી સભાનતા આવતાં સુનંદા છોભીલી પડીને સોફા પર બેસી ગઈ. પેલી યુવતી અંદર ગઈ અને વિદેશી પ્રાકૃતિક સૌંદર્યનાં દ્રશ્યો જે વોલપેપર તરીકે લગાડ્યાં હતાં એ ચિત્રો સામે જોતી જોતી સુનંદા આ આખી વાત કઈ રીતે શરૂ કરવી એ વિચારતી રહી.

પેલી યુવતીએ એના હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો. ગ્લાસની ઠંડક સુનંદાની આંગળીઓને સ્પર્શી અને એ પોતે અહીં કેમ આવી છે એ સ્મરણ થયું. એણે એ યુવતી સામે જોયું. એ હજુ ઊભી જ હતી.
‘તમે પણ બેસો ને –’ સુનંદા બોલી.
પેલી યુવતી સુનંદાની સામે બેઠી અને ગૂંચવણભરી નજરે સુનંદા સામે તાકી રહી.
‘અમે દસેક દિવસથી જ અમદાવાદમાં આવ્યા છીએ. અગાઉ મદ્રાસ હતાં.’ વાત કઈ રીતે શરૂ કરવી એ કંઈ સૂઝ્યું નહીં એટલે એણે પ્રસ્તાવના બાંધી. પછી સીધી જ વાત કરવાનું મનોમન નક્કી કર્યું અને કહ્યું : ‘તમારું એક કામ છે….’
‘અલકા – મારું નામ અલકા છે.’ પેલી યુવતીએ કહ્યું અને સુનંદા સામે તાકી રહી.
‘અલકા…’ સુનંદા મનમાં ગણગણી અને ટિપાઈ પરથી અધૂરો પાણીનો ગ્લાસ લઈને પી ગઈ. પછી બોલી :
‘જુઓ અલકાબહેન, તમે મારી વાતથી માઠું ન લગાડશો. પણ એક વાત મને વિચિત્ર લાગી એટલે હું એ વિશે તમને પૂછવા આવી છું…’
સુનંદાના મનની ગડમથલ ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. અલકાએ ઊભા થઈ તેના ખભે હાથ મૂક્યો. કહ્યું : ‘તમે અસ્વસ્થ લાગો છો. નિરાંતે બેસો અને કહો. હું સાંભળું છું.’ અલકાની સ્વસ્થતા જોઈને સુનંદા પણ શાંતિથી બેઠી અને પોતાના મનમાં ઘૂંટાતી વાત શરૂ કરી :
‘એકાદ દિવસ તો મને આકસ્મિક લાગેલું પણ હવે લાગે છે કે આ આકસ્મિક તો નથી જ. મારા પતિ ઑફિસે જવા નીકળે છે એ સમયે તમે છુપાઈને એમની સામે તાકી રહો છો. એ જાય પછી જ ઘરમાં જાવ છો. મને તો કંઈ સમજાતું નથી. વળી, હવે અમારે અહીં જ રહેવાનું છે એટલે મને થયું કે ભલે થોડું વિચિત્ર લાગે પણ આ વિશે સીધું તમને જ પૂછી જોઉં….!’

અલકાએ સ્મિત કર્યું. સુનંદાએ એના ગાલ પર પડતા ખંજનની માનસિક નોંધ લીધી અને એનો ખુલાસો સાંભળવા સજ્જ બની. ‘તમે શાંતિથી બેસો…’ અલકાનો સ્વર તદ્દન સંયત હતો એનું સુનંદાને આશ્ચર્ય થયું.
‘તમે સમજો છો એવી કોઈ વાત નથી. અલબત્ત, હું અનિકેતને તાકી રહી છું, એવું તમારું નિરિક્ષણ સો ટકા સાચું છે, પરંતુ મારે એમનું બીજું કોઈ કામ નથી. માત્ર એક સવાલ પૂછવો છે અને એ માટે જ એમને અહીં જોયા ત્યારથી હું સવાલ પૂછવા મથું છું પરંતુ હિંમત ચાલતી નથી…’
સુનંદા એની આ વિચિત્ર વાત સાંભળી રહી.
‘જુઓ સુનંદાબહેન, હું પણ પરિણીત સ્ત્રી છું. મારા પતિનો અહીં અને બહાર ખૂબ મોટો બિઝનેસ છે. સુખી છું. એથી તમે મનમાં બીજુ કંઈ વિચારતા જ નહીં. મારે તો અનિકેતને માત્ર એક સવાલ જ પૂછવો છે.’
‘હું કાંઈ સમજી નહીં.’ સુનંદા બોલી.
‘હું એ વાત પર જ આવું છું. પણ તમે ચા પીશો ને ?’
સુનંદા કંઈ બોલી નહીં. અલકા રસોડામાં ગઈ. સુનંદા સમગ્ર ભીંત પર લાગેલા વોલપેપરનાં કુદરતી દશ્યો સામે તાકતી બાઘાની જેમ અલકાની શી વાત હશે ને ક્યો સવાલ એ અનિકેતને પૂછવા ઈચ્છતી હશે એ વિચારતી બેસી રહી.

ચાના કપ લઈને અલકા આવી. એણે સુનંદાના હાથમાં કપ આપ્યો. પછી બેસીને વાત આગળ વધારી.
‘દસેક વર્ષ અગાઉ, મારા માટે અનેક સ્થળેથી માગાં આવતાં. અમારી જ્ઞાતિમાં અમારું ઘર ઊંચું ગણાતું એટલે એ બહુ સ્વાભાવિક હતું. પરંતુ કોઈ યુવક મારે લાયક જણાતો ન હતો. એ વખતે અનિકેત – તમારા મિસ્ટર કૉલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હતા. એ એમના ગામથી મને જોવા અહીં આવેલા. જ્ઞાતિ ને ગોળમાં એમનું કુટુંબ પણ અમારી બરોબરીનું ગણાતું. અમે કુટુંબીજનોની હાજરીમાં મળ્યા. એ વખતે વડીલો ગોઠવણ કરે છે એ મુજબ ઘરમાં જ એકાંતમાં મળ્યાં અને એ વખતે મેં એમને પસંદ કર્યા…
સુનંદા તલ્લીન થઈને વાત સાંભળતી હતી. ચાનો ખાલી કપ એના હાથમાં જ એણે પકડી રાખ્યો હતો. અલકાએ એ લઈને ટિપાઈ પર મૂક્યો.
‘હા, તો સુનંદાબહેન, એ વખતે એકાંતમાં અમે મળ્યાં અને એમણે પણ મને પસંદ કરી. એ સમયે એમણે કહેલું કે જ્ઞાતિમાં મારા જેવી સુંદર અને ઠરેલ બીજી કોઈ છોકરી નથી. એમણે એ પાંચ-સાત મિનિટ મારી ખૂબ પ્રશંસા કરેલી અને વડીલો સાથે નક્કી કરીને સગપણની તારીખ જણાવવાનું કહેલું.’
અલકાના સ્વરમાં થોડી ભીનાશ ભળતી હોય એવું સુનંદાને લાગ્યું.
‘પછી કોણ જાણે શું થયું ? અમારા ઘેરથી એ ગયા પછી અમે એમના કે એમના વડીલોના પત્રની રાહ જોયેલી. પણ વ્યર્થ. કોઈ પત્ર કે કોઈ સંદેશ ન આવ્યો. સમય પસાર થતો ગયો અને હું રાહ જોતી રહી. મુગ્ધાવસ્થાની એ ઉંમરમાં આ વાટ જોવાનું કેટલું મુશ્કેલ કામ હોય છે એ તો તમને પણ ખ્યાલ હશે જ. આમ ને આમ એક વર્ષ વીતી ગયું. સુનંદાબહેન, બાર માસ સુધી મેં રાહ જોઈ પછી તો ઘરનાનું પણ દબાણ વધવા લાગ્યું અને એ સમયે અનિકેતનાં લગ્ન થઈ ગયાં છે એવા સમાચાર પણ કોઈએ આપ્યા. હું રડેલી. સુનંદાબહેન, સાચું કહું છું એ વખતે હું ખૂબ રડેલી. એ મને જોવા આવ્યા ત્યારે જ જો એમણે ના પાડી હોત તો કોઈ પ્રશ્ન નહતો. પણ મને વસવસો એ સમયે એ રહ્યો કે એમણે મને કંઈ જ કારણ આપ્યા સિવાય લગ્ન કરી લીધાં. હું ગમેલી એવું મને કહેલું એ છતાં… એ જ સમયે પછી એ દશામાં અમેરિકાથી આવેલા એક મુરતિયા સાથે વડીલોએ લગ્નનું નક્કી કર્યું અને લગ્ન થયાં.

‘સુનંદાબહેન, આજે તો એ મુગ્ધાવસ્થા નથી. સમયના વહેવા સાથે આપણે પુખ્ત બન્યા છીએ પરંતુ મારે એમને એક સવાલ પૂછવો છે કે એવી તે કંઈ ખામી, કઈ ખોડ એમણે મારામાં જોઈ કે એમણે મારી સાથે લગ્ન ન કર્યાં ? મેં આટલાં વર્ષે એમને જોયા. એમને તો એ ખ્યાલમાં પણ નથી કે હું અહીં રહું છું. પણ મેં તમારો સામાન ટ્રકમાંથી ઊતરતો હતો એ જ દિવસે એમને જોયા ત્યારથી જ વર્ષોથી મારા મનમાં ઘૂંટાતો આ પ્રશ્ન પૂછવા હું તત્પર બની. રોજ એ પસાર થાય ને હું તાકી રહું. હિંમત ભેગી કરું પણ મારો પ્રશ્ન મારા ગળામાં જ અટકી રહે. સાચું કહું છું સુનંદાબહેન, બીજું કશુંય મારા મનમાં નથી. હવે તો બીજી કોઈ વાતનો અર્થ પણ નથી છતાં એ પ્રશ્ન પૂછવાની જ ઈચ્છા હતી કે મને હા પાડી એ પછી એવી તે કઈ એબ મારામાં એમણે ભાળી, એવી તે કઈ ખામી એમને મારામાં ખૂંચી કે મારી સાથે લગ્ન ન કર્યાં ? મારા રૂપમાં, મારા સંસ્કારમાં એવી તે કઈ ખોડ એમને નજરમાં આવેલી ?’
સુનંદાએ ઊભા થઈને અલકાને ખભે હાથ મૂક્યો અને એની પાંપણે આવેલાં ઝળઝળિયાં લૂછી નાખ્યાં. રસોડામાં જઈને પાણીનો ગ્લાસ ભરીને અલકાને આપ્યો અને કહ્યું :
‘અલકા, તું સ્વસ્થ બન. તારી વાત સાંભળીને મને તારા પ્રત્યે પૂરી હમદર્દી છે.’
અલકાએ પાણી પીધું અને સુનંદા સામે એકીટશે તાકી રહી : ‘સુનંદાબહેન, મારા મનમાં બીજું કંઈ નથી. તમે મહેરબાની કરી આજના તબક્કે બીજું કશું મારા માટે વિચારતા નહીં. મારે તો બસ એક આ સવાલ પૂછવો હતો એને એ ધૂનમાં જ હું આમ કરતી હતી.’
‘તારી વાત સ્વાભાવિક છે. તું હવે સ્વસ્થ થઈ જા. તારા સવાલના ઉત્તરમાં હું ખુલાસો કરીશ બસ, પણ તું નિરાંતે બેસ.’ સુનંદા બોલી.

બંને સ્ત્રીઓ મૌન બનીને બેઠી. સુનંદા વાત શરૂ કરે એ અગાઉ અંદર બેડરૂમમાંથી કોઈ બાળકનો રડવાનો અવાજ આવ્યો. ‘મારો બાબો રડે છે એને ભૂખ લાગી હશે.’ અલકાએ કહ્યું, ‘આવો, બેડરૂમમાં જ બેસીએ.’ બંને ઊભા થઈને બેડરૂમમાં ગયાં. અલકાએ ઘોડિયામાંથી બાબાને લીધો. સુનંદાને આપીને કહ્યું : ‘તમે એક મિનિટ આને રાખો, હું દૂધની બોટલ લઈને આવું છું.’ બાબો મોટી મોટી આંખોથી સુનંદા સામે તાકી રહ્યો હતો. અલકા રસોડામાં ગઈ અને સુનંદાની નજર બેડરૂમમાં લગાવેલી તસવીરો તરફ ફરતી રહી. એણે શાંત રહી ગયેલા બાબાના માથા પર હાથ ફેરવ્યો અને એને તેડીને ઊભી થઈ. એ તસ્વીરો જોતી હતી અને અલકા બોટલ લઈને અંદર આવી. અલકાએ બાબાને ખોળામાં લીધો, બોટલ આપી અને સુનંદાની વાત સાંભળવા એની સામે જોયું. આટલી વારમાં સુનંદા સ્વસ્થ થઈને બેસી ગઈ હતી.

‘જુઓ, અલકાબહેન, અમારાં લગ્ન થયાં એ અગાઉ જ અનિકેતે મારી પાસે આ સ્પષ્ટતા કરી હતી. તમારા નામનો ઉલ્લેખ કર્યા સિવાય એણે કહ્યું હતું કે જ્ઞાતિની એક છોકરી એને ગમેલી એને એ ત્યાં હા પાડીને આવેલો છે એવી સ્પષ્ટ વાત એણે કરેલી. પણ એ સમયે અમારી ખાસ સ્થિતિ જ એવી હતી કે અનિકેતે મારી સાથે લગ્ન કરવા પડ્યાં. એ વખતે તમને હું જાણતી ન હતી છતાં એ સમયે પણ તમારા પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ હતી અને આજે પણ છે. પરંતુ સંજોગો માણસને ક્યારેક એ હદે વિવશ બનાવી દે છે કે માણસે પોતાના મમત્વને ત્યાગીને પણ પરિસ્થિતિને અનુકૂળ બનવું પડે છે.’

‘કૉલેજના છેલ્લા વર્ષમાં હું અનિકેતની સાથે ભણતી હતી. હું વિદ્યાર્થીની પ્રતિનિધિ હતી અને એ કૉલેજનો સામાન્ય મંત્રી- આમ તો શરૂથી માત્ર બોલવાનો જ વહેવાર હતો. અમારું ધંધૂકા ગામ તો તાલુકા કક્ષાનું એટલે કૉલેજની વિવિધ પ્રવૃત્તિઓમાં સાથે રહેવાનું બને. તો પણ અન્ય વિદ્યાર્થીઓની વાતોમાં અમારું બંનેનું નામ ચર્ચાતું. એ સમયે મારું તો વિધિસરનું સગપણ થઈ ચૂકેલું હતું. હું મેટ્રિક પાસ થઈ કે તરત જ મારું સગપણ થઈ ગયેલું. મારા ભાવિ પતિ ખૂબ ધનવાન હતા અને એમનું આખું ફેમિલી અમેરિકામાં જ રહેતું હતું. હું પણ એ મુગ્ધાવસ્થામાં અમેરિકાનું સ્વપ્ન જોતી હતી. પરંતુ એ સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહ્યું. સગપણ થયાના ચાર વર્ષમાં શરૂના એક વર્ષમાં એમના પત્ર આવતા, પણ એ પછી ન કોઈ પત્ર કે ન કોઈ ઉત્તર. એમના કુટુંબીજનોની વાતો ઉપરથી એમની ઈચ્છા ઊણી બની ગઈ હોય એવું અમને અહીં બેઠા લાગતું પણ કંઈ સમજાતું ન હતું. માતા તો નાનપણમાં જ ગુજરી ગયેલી. ઘરમાં માત્ર હું અને પિતાજી. પિતાજી શિક્ષક હતા. એમણે ખૂબ કાળજીથી મને ઉછેરેલી. કોઈ ભાઈ કે બહેન નહીં. માત્ર નિવૃત્ત પિતાનો સહારો અને આંખમાં અમેરિકાનું સમણું. પણ સમણું તૂટે છે ત્યારે અવાજ પણ નથી થતો. માત્ર જેના હૃદયમાં કરચો ભોંકાય છે એ જ એની વ્યથાને સમજી શકે છે. આપણી પીડાની અન્ય કોઈને અનુભૂતિ પણ નથી થતી.

‘મારી ચિંતા પિતાજીને કોરાતી હતી. આ હૈયાવરાળને લીધે જ એમને હૃદયરોગનો જોરદાર હુમલો આવ્યો. અને એ ગંભીર પ્રસંગ નિમિત્તે જ અનિકેત સાથેનો મારો સંપર્ક વધ્યો. મારા ઘરનાં તમામ કામકાજમાં એ ખડે પગે ઊભો રહેતો, અને પિતાજીની ચાકરી કરતો. પિતાજીએ જ એને શાળામાં એકડો ઘૂંટતા શીખવેલું એ સંબંધ એણે જાળવી રાખ્યો. એ સમય દરમિયાન મારી સામે એણે ઊંચી આંખ કરીને પણ નથી જોયું. અલકાબહેન, કોણ જાણે ક્યા ઋણાનુંબંધથી એ મારી, મારા પિતાજીની કાળજી લેતો હતો એ જ સમજાતું ન હતું. આ તરફ અમારું ધંધૂકા ગામ નાનું એટલે મારા અને અનિકેતના નામની વાતો ચર્ચાતી. પિતાજી સુધી પણ કેટલીક ઉપજાવેલી વાતો પહોંચેલી. એ ખૂબ વ્યગ્ર હતા. એટલામાં જ એમના પર હૃદયરોગનો બીજો હૂમલો આવ્યો. ડૉકટરોએ આશા છોડી દીધી હતી. એ સમયે પિતાજીએ મને બોલાવીને અનિકેત વિશે પૂછ્યું. એ પણ ત્યાં જ ઉપસ્થિત હતો. એણે મને બહાર બોલાવીને એ સમયે તમારા વિશેની વાત મેં અગાઉ તમને કહી એ મુજબ કહી હતી. પિતાજી છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. અમેરિકાવાળા મારા ભાવિ પતિ વિશે હવે પિતાજીને કોઈ શ્રદ્ધા ન હતી. એમના છેલ્લા શ્વાસની ઈચ્છા અનિકેતને જમાઈ બનાવવાની હતી. અનિકેતે પિતાજીના હાથમાં હાથ લઈને વચન આપ્યું અને બીજે દિવસે પિતાજી સ્વર્ગવાસી થયા. આ અગાઉ મેં અમેરિકા લખેલા વિગતવાર પત્રોના કોઈ ઉત્તર ન હતા. મારી પાસે કોઈ વિકલ્પ જ ન હતો. મેં અને અનિકેતે લગ્ન કર્યાં અને તરત જ એને મદ્રાસમાં નોકરી મળી અને અમે મદ્રાસ ગયાં અને હમણાં બદલી થઈ તો અહીં આવ્યા.’

અલકાએ બાબાને પાછો ઘોડિયામાં સુવડાવી દીધો અને સુનંદાની પાસે આવીને બેઠી.
‘અલકા, આ જે મેં વાત કરી એમાંથી મને લાગે છે કે તારા પ્રશ્નનો ઉત્તર તને મળી ગયો હશે. સાચું કહું ? અનિકેતે તારી વાત મને કહેલી એ વખતે પણ તારા પ્રત્યે લાગણી હતી જ –’

અલકા કંઈ બોલી નહીં. વિષાદી આંખ ઢાળીને જ બેસી રહી. પાંપણ ઊંચી કરીને એણે સુનંદા સામે જોયું અને પાંપણની ધાર પર આવેલાં મોતીને લૂછી નાખ્યું.

સુનંદાએ દીવાલ પરની તસ્વીરો ધ્યાનથી જોઈ. અલકા એની સામે તાકી રહી. ‘હવે સવાલ તો મારે પૂછવાનો છે.’ સુનંદા બોલી. અલકા કંઈ સમજી નહીં.
‘હવે સવાલ તો મારે તારા પતિને પૂછવાનો છે બહેન અલકા પ્રમોદરાય જાની !’
વીજળી પડી હોય એમ અલકા ચમકી ગઈ.
‘મારા પતિનું નામ – તમે ઓળખો છો ?’
સુનંદાએ કહ્યું : ‘તારો ઉત્તર તો તને મળી ગયો, પણ મિસ્ટર પ્રમોદરાય જાની…’ તસ્વીર સામે આંગળી ચીંધીને સુનંદા બોલતી રહી. એનો અવાજ સહેજ મોટો થયો.

‘સગપણ થઈ ગયું હતું એ માત્ર સગપણ જ રહ્યું ને મારા કોઈ પત્રના ઉત્તર કેમ ન આપ્યા ? ચાર ચાર વર્ષ સુધી હું ઘરમાં તમારી રાહ તાકતી બેસી રહી અને તમે હું જીવું છું કે નહીં એ જાણવાનીયે પરવા ન કરી ! એવો તો કયો દોષ હતો મારો, એવી તે કઈ ખામી હતી મારામાં કે સગપણ કર્યા પછીય લગ્ન કરવાનું ટાળતા રહ્યા – અરે, પત્રનો ઉત્તર દેવાનો વિવેક પણ ભૂલી ગયા ?’
સુનંદા બોલતી રહી.
‘સાંભળે છે તુ અલકા, સવાલ તો મારે તારા પતિને પૂછવાનો છે કે ગામડામાં રહીને બીમાર બાપની ચાકરી કરતી એક છોકરીને તિરસ્કારીને તારી સાથે લગ્ન કેમ કર્યાં ? જો.. મને જો, કઈ ખામી હતી મારામાં કે મારી સાથે એમણે લગ્ન ન કર્યાં ? બોલો, પ્રમોદરાય જાની ! બોલો, શી ખામી હતી મારામાં ?’

સુનંદા પાગલની જેમ બોલતી હતી. એના શબ્દોમાં છેલ્લે ડૂસકાં ભળી ગયાં.

બે મિનિટ પછી એ ઊભી થઈ અને અલકાને ભેટીને તદ્દન સંયત અવાજે બોલી : ‘અલકા, સવાલ તો પૂછી શકાય. પણ ના, ક્યારેય એમને કોઈ પ્રશ્ન પૂછવાનું વિચારીશ નહીં. અમુક પ્રશ્નો, પ્રશ્નો જ રહેવા સર્જાયેલા છે. એના કોઈ ઉત્તર હોઈ શકે નહીં. અમુક પ્રશ્નોના ઉત્તર એક સ્ત્રી તરીકે આપણે જ મનમાં સમજી લેવાના હોય છે અને એમાં જ આપણું હિત સમાયેલું હોય છે !’

અલકા સ્તબ્ધ બનીને તાકી રહી હતી અને સુનંદા ઊભી થઈને હળવે હળવે આવી હતી એ જ રીતે ઘરની બહાર નીકળી ગઈ !

Advertisements

8 responses to “વાત એક સવાલની… – મહેશ યાજ્ઞિક

 1. It was interesting initially and in middle part, but the end sounds Filmi.

  Still, it was nice.. enjoyed reading the twists.

  સમણું તૂટે છે ત્યારે અવાજ પણ નથી થતો. માત્ર જેના હૃદયમાં કરચો ભોંકાય છે એ જ એની વ્યથાને સમજી શકે છે. આપણી પીડાની અન્ય કોઈને અનુભૂતિ પણ નથી થતી.

  એકદમ સાચી વાત.

 2. અમુક પ્રશ્નો, પ્રશ્નો જ રહેવા સર્જાયેલા છે. એના કોઈ ઉત્તર હોઈ શકે નહીં. અમુક પ્રશ્નોના ઉત્તર એક સ્ત્રી તરીકે આપણે જ મનમાં સમજી લેવાના હોય છે અને એમાં જ આપણું હિત સમાયેલું હોય છે !’
  એમાં તો એક સ્ત્રીનું હીર ઝળકાય છે.
  નીલા

 3. અમુક પ્રશ્નો, પ્રશ્નો જ રહેવા સર્જાયેલા છે. એના કોઈ ઉત્તર હોઈ શકે નહીં. અમુક પ્રશ્નોના ઉત્તર એક સ્ત્રી તરીકે આપણે જ મનમાં સમજી લેવાના હોય છે અને એમાં જ આપણું હિત સમાયેલું હોય છે !’
  એમાં તો એક સ્ત્રીનું હીર ઝળકાય છે.
  નીલા
  http://shivshiva.wordpress.com/

 4. an incident with good coincident. can such thing happen in real lifi?

 5. streeni vat stree j samji shake good story
  thanks
  ashalata

 6. જયશ્રીબહેન અને નીલાબહેનનાં શોધેલાં
  સુવાક્યોમાં મારો સુર પુરાવું છું.અલકા
  અને સુનંદાબહેનને સમાન અનુભવને
  લઈને કોણ કોને ન્યાય આપે ?પતિદેવોને
  લીધે બલિનો બકરો બંને બન્યાં !આભાર !

 7. સવાલ તો પૂછી શકાય. પણ ના, ક્યારેય એમને કોઈ પ્રશ્ન પૂછવાનું વિચારીશ નહીં. અમુક પ્રશ્નો, પ્રશ્નો જ રહેવા સર્જાયેલા છે. એના કોઈ ઉત્તર હોઈ શકે નહીં. અમુક પ્રશ્નોના ઉત્તર એક સ્ત્રી તરીકે આપણે જ મનમાં સમજી લેવાના હોય છે અને એમાં જ આપણું હિત સમાયેલું હોય છે !’…..ha e vaat sachi chhe..pan man ma e prashn no utar na samjie tya sudhi to shanti naa j male….zindgi bhar a prashn satavto rahe….bhale ne man ma kai ketlay jawabo ave pan sacho jawab na male tya sudhi man to ashant j rahe…

 8. forget past and future, just live in present time. after death i will not be what i am today, same way past is not property of anyone, it’s just a past and batter to forget.