બે સુંદર પ્રેરકપ્રસંગો – બેપ્સી એન્જિનિયર

લીલી આંગળીઓવાળી છોકરી

‘સર, હું ઈચ્છું છું કે સ્કૂલમાં વટાણાનો છોડ લાવવા બદલ તમે મને માફ કરી દીધી હશે…’ તે બોલી. ગઈકાલે એક યુવાન સ્ત્રી સાથે એકાએક ભેટો થઈ ગયો અને અમે વાતે ચઢ્યાં. મારી શાળામાં તે ભણતી હતી તેની યાદો.

એકાએક મને શિયાળાની એક ગમગીન સવાર યાદ આવી. તે દહાડે જાણે બધું ઊંધું જ થવા બેઠેલું. કેટલાક શિક્ષકો ગેરહાજર હતા. એમની જગ્યા પૂરવાની હતી. તે સારું કેટલાય ફોન કરવાના હતા. એ કામમાં હું ગળાબૂડ ડૂબેલો હતો. આ સ્ત્રી તે દિવસોમાં અગિયાર વર્ષની બાળા. હાથમાં એક ઢંગધડા વગરનું પતરાંનું ડબલું અને તેમાં એક નાનો છોડ.

આવતાંની વાર બોલવા માંડી, ‘મને એમ સર, કે હું શું ઉછેરી રહી છું તે જાણવું તમને જરૂર ગમશે. આ વટાણાનો છોડ છે, વટાણાનો ! મારે ઘરે બીજા આવા છોડ છે જ. તો મને થયું તમને પણ એક રાખવો ગમશે. તેને માવજતની જરૂર ખરી.’
બેધ્યાનપણે મેં તેના આ સુકૃત્ય બદલ આભાર માન્યો ને કહ્યું, ‘જા, બારીની પાળ ઉપર રાખ એને.’ મનમાં થયું બારીની પાળ ઉપર આ ડબલું રાખવાનો તો હું વિચાર જ ન કરું પણ આવું કાંઈક બોલીને એ માસૂમ બાળાનું દિલ દૂભવવા હું તૈયાર નહોતો. એ બાળાને બિયાં ઉપર અખતરા કરવાનો શોખ હતો તે હું જાણતો હતો. ઠળિયામાંથી એણે ચૅરીના નાના છોડ તૈયાર કરેલા. પણ વટાણો ?! થોડું વિચિત્રને ? પણ આ છોકરીને માટે તો આ ભારે ગૌરવ અને આનંદની વાત હતી. તે દહાડે આ અજબગજબની ભેટની વાત મેં મારી પત્ની આગળ કરી. બાગાયતના કોઈ પુસ્તકમાં વટાણા ઉગાડવા વિષે કશી માહિતી તેને નહીં મળી. મને તો ખાતરી હતી કે એ છોડ કંઈ જીવે બીવે નહીં – મરી જ જશે.

તમે માનશો ? તે મર્યો નહીં ! એને જ્યાં રાખેલો તે ઓરડામાં પૂરતો ગરમાવો હંમેશાં રહેતો. કડકડતી ઠંડીમાં પણ. મને ખાતરી છે કે ઓરડાની સફાઈ કરનાર બાઈએ પાણી સીંચવા ઉપરાંત એની જરૂરિયાતથી વધારે કાળજી લીધી હશે. ખાતર વિગેરે જે હોય તે, પરંતુ એ છોડ જીવ્યો. કેટલીક ગણનાપાત્ર વ્યક્તિઓ શાળાની મુલાકાતે આવતી ત્યારે ઘણી વાર તેઓમાંની કેટલીકની ભ્રમરો પેલા ઢંગધડા વગરના પતરાના ડબલામાં તેવા જ એક છોડને જોઈને સહેજ ખેંચાતી. હેડમાસ્તરની રૂમમાં પતરાના ડબલામાં આ તે કેવોક છોડ ? ઓરડામાં બધેબધ સુંદર ફૂલોની વચમાં પેલું ડબલું ! પણ માન ખાતર કોઈએ અંગે ટીકાટિપ્પણ કરતું નહીં એ જુદી વાત.

મને બરાબર ખબર હતી – પેલી નાની વિદ્યાર્થીનીને મન એ તંદુરસ્ત છોડને પાંગરતો જોવો એ કેવડી મોટી વાત હતી ! રિસેસ પડે એટલે એ બાળા પોતાની આંગળી વડે કોઈ ને કોઈનું એ છોડ ભણી ધ્યાન દોરતી જ હોય….

પછી ઉનાળાની રજાઓ શરૂ થાય તે પહેલા તે મને મળવા આવી. તેનું કુટુંબ હવે બીજે ગામ જતું રહેવાનું હતું. હવે નવી જગા અને નવી શાળા…. ‘મારે તો નથી જવું… શિક્ષણખાતાના માણસો… ફીની કાંઈ પંચાત…’ તેને આશ્વાસન આપતાં મેં એણે આપેલા પેલા ડબલા તરફ આંગળી ચીંધતાં કહ્યું : ‘તું તારી પાછળ તારી યાદગીરી મૂકતી જાય છે, ખરું ?’ ડૂસકું રોકતાં તેણે હકારમાં માથું ધુણાવ્યું.

પછી કોણ જાણે કેમ મારાથી બોલાઈ જવાયું : ‘એક નાના છોડનું તું આટલા પ્રેમભાવથી જતન કરે છે તે જોતાં મને લાગે છે કે ભવિષ્યમાં તું અવશ્ય તારો જે કાંઈ વ્યવસાય હશે તેમાં તારી આ કુદરતી બક્ષિસનો સદુપયોગ કરીશ…’

….અને ગઈકાલે આટલાં વર્ષો બાદ જ્યારે તે મને મળી ત્યારે બોલી : ‘તમે માનશો સર, મેં શાળા છોડી ત્યારે તમે કહેલા એ શબ્દો હું કદી ભૂલી નહોતી. એટલે જ તો આજે મેં નર્સનો વ્યવસાય સ્વીકાર્યો છે.’

મૈત્રીનું મૂલ્ય

એ મુલકનો પાદરી થઈને આવ્યો ત્યાં સુધીમાં પેલો તસ્કર પૂરી આઠ વેળા જેલની રોટી ભાંગી ચૂકેલો. પાદરી આવ્યાને પાંચ વર્ષ વીત્યાં ત્યાં તો એ બીજી ચાર વાર જેલની ચક્કી પીસી આવ્યો. કેટલાં થયાં ? પૂરાં બાર વર્ષ ! એને કોઈની મદદની તાત્કાલિક જરૂર હતી. કોઈ હાથ ઝાલનાર, એને દોરનાર. પાદરીને લાગતું હતું કે તેઓ એને માટે પૂરતો સમય ફાળવી શકતા નથી. એને જોઈએ તેવી સહાય નથી કરી શકતા. વળી વિચારતા – કરી કરીને આવા રીઢા ગુનેગાર માટે કરું પણ શું ? એક વાર તેઓ એની મુલાકાતે જેલમાં પણ ગયેલા. બીજી વાર મળ્યા ત્યારે એ જેલમાંથી છૂટી એના ભાઈના ભાંગ્યાતૂટ્યા ઘરમાં આશરો શોધતો આવેલો.

પાદરીએ પ્રાર્થનાનો આશરો લીધો. આવા ગોરખધંધા છોડી દેવા અનુરોધ કર્યો પણ બધું પથ્થર પર પાણી. જૂનો ધંધો ચાલુ રહ્યો.

રજાઓ ગાળવા એ મુલકમાં મોટા પાયે પ્રવાસીઓ ઊતરી આવતા. તેઓ આગળ એ પહોંચી જતો. ‘તમે ફરમાવો એ કામ ચપટી વગાડતાંકને કરી દઉં – ચાહો તે હાજર કરું’, એવા તુક્કા ઉડાડી પ્રવાસીઓને ભોળવતો. જબરો વાચાળ હતો એ. પછી એના તસ્કરવેડા શરૂ. પ્રવાસીના ખીસામાંથી પૈસા એના ખીસામાં ક્યારે સરકી જતા ખબર નહીં. પછી ત્યાંથી ભાઈ પહોંચે સીધા પીઠે ઢીંચવા. પ્રવાસી હાથ ઘસતો ઘરભેગો થાય ને તસ્કરભૈયા જેલભેગા. કોર્ટમાં હાજર થતાં જ એ પોતાનો ગુનો કબૂલ કરી લેતો. કેદી તરીકેની વર્તણૂક નમૂનેદાર. પૂરી વશવર્તી. એટલે જેલની હવા થોડા સમય પૂરતી મર્યાદિત રહેતી. થોડા થોડા સમયને અંતર આ સિલસિલો ચાલુ રહેતાં લંબાયે જતો હતો.

એક દહાડો પાદરીના અભ્યાસખંડમાં એ બેઠેલો. જેલમાં ન હોય ત્યારે ઘણીવાર એ પાદરીને મળવા આવતો. એલાર પેલાર ગામગપાટા મારી ચાલતી પકડતો. એકવાર એમ જ થએલું. ટપ્પાં મારતો હતો ત્યાં જ ટેલિફોનની ઘંડડી રણકી. ‘ઝટ આવો… મરીજ છેલ્લી ઘડીઓ ગણે છે…’ પાદરીને જવાનું થયું. મરીજનું રહેણાંક ગામને છેવાડે. લાંબો રસ્તો કાપવાનો હતો. છતાં જવું જ રહ્યું અને તેય તાબડતોબ. આ વાત જાણીને પેલો તસ્કર વિદાય લેવા ખુરશી પરથી ઊભો થઈ ગયો. ત્યાં જ પાદરીને વિચાર આવ્યો – શા માટે પેલાએ (તસ્કરે) જતા રહેવું ? જવાનું તો મારે છે. શા માટે એ જાય ? એક ક્ષણ પાદરી પોતાની આ મૂર્ખામી પર હસી ગયા. પોતાના અભ્યાસખંડમાં એક રીઢા ચોરને એકલો છોડી… અને હા…. આ હજી તો ગયા રવિવારનું ચર્ચમાંથી ભેગું કરેલું ભંડોળ પણ બૅન્કમાં જમા કરાવવું બાકી હતું – એ જ ઓરડામાંના એક ખાનામાં… પેલાને માટે તો ધીકેળાં ! છતાં પાદરી બહાર નીકળી ગયા. પેલી રકમ તો ભરપાઈ કરવી જ પડશે તો… છતાં…. મન શંકાકુશંકાથી ચિન્તાતુર. ત્યાં જ યાદ આવ્યું કે – મે આને અનેકવાર કહ્યું છે કે હું તને મારો મિત્ર ગણું છું અને મૈત્રીની બાજી પરસ્પરના વિશ્વાસ પર ખેલાય છે ! પછી પાદરી મોટેથી બોલ્યા, ‘ભાઈ, હું જાઉં એટલે તારેય જતા રહેવું એવું નથી. તું તારે આરામથી અહીં રહે. આ પડ્યું છાપું. વાંચજે ને ચ્હા બનાવવી હોય તો રસોડામાં બધું મળી રહેશે.’

આટલું કહી પાદરી બહાર નીકળી ગયા. થોડા પ્રહરો બાદ ઘરભેગા થયા ત્યારે પેલો ઘરમાં નહોતો. પણ બાકી બધું અકબંધ હતું. એક વસ્તુને તે અડ્યો નહોતો. ત્યારબાદ તેને માટે જેલના દરવાજા સદાને માટે બંધ થયા.
તે બોલ્યો, ‘તમે મારા પર વિશ્વાસ મૂક્યો. હું તમને જૂઠા કેમ પાડી શકું ?’
પાદરી વિચારી રહ્યા – સાચી મૈત્રી એટલે વિશ્વાસ.

Advertisements

3 responses to “બે સુંદર પ્રેરકપ્રસંગો – બેપ્સી એન્જિનિયર

 1. નિર્દોષ બાલિકાનું દિલ મોટા થતાં કેવું
  માવજતથી મુલાયમ બની યોગ્ય રસ્તો
  ગ્રહણ કરે છે !
  સાચી મૈત્રી એટલે વિશ્વાસ!
  બંને લઘુવાર્તા બોધદાયક છે,આભાર !

 2. good one. ( “le misarebal)book yaada aavi gai.saras.congrats

 3. પિંગબેક: રીડગુજરાતી : પુસ્તક પરિચય » Blog Archive » વાસંતી વાયરા - બેપ્સી એન્જિનિયર