પ્રાચીન-અર્વાચીન ભજનો – સંકલિત

ભૂતળ ભક્તિ – નરસિંહ મહેતા

ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે;
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે. ભૂતળ ભક્તિ….

હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મોજનમ અવતાર રે:
નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે. ભૂતળ ભક્તિ….

ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન્ય ધન્ય એનાં માતપિતાને, સફળ કરી એણે કાયા રે. ભૂતળ ભક્તિ….

ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય વ્રજનાં વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી, મુક્તિ થઈ રહી દાસી રે. ભૂતળ ભક્તિ….

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુકજોગી રે,
કાંઈએક જાણે વ્રજની વનિતા : ભણે નરસૌંયો ભોગી રે. ભૂતળ ભક્તિ….

શામળો ઘરેણું મારે – મીરાં

મુજ અબળાને મોટી મિરાત બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે.
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે;
ચિતમાળા ચતુરભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે ? મુજ અબળાને….

ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;
વિંછુવા ઘૂઘરા રામનારાયણના અણવટ અંતરજામી રે. મુજ અબળાને…..

પેટી ઘડાવું પુરુષોત્તમ કરી, ત્રિકમ નામનું તાળું રે;
કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે. મુજ અબળાને….

સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે. મુજ અબળાને….

શીદને – દયારામ

ચિત્ત તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. (ટેક)

સ્થાવર જંગમ જડ ચેતનમાં, માયાનું બળ ઠરે;
સમરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મમરણ ભય હરે. કૃષ્ણને…

નવમાસ પ્રાણી કૃષ્ણચંદ્રનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવ્રણ કર્યું ત્યારે, લક્ષચોરાસી ફરે. કૃષ્ણને…

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે;
ધણીનો ધાર્યો મનસૂબો, હરબ્રહ્માથી નવ ફરે. કૃષ્ણને…

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર વગાડે જંત્રી. તેવો સ્વર નીસરે. કૃષ્ણને…

થનાર વસ્તુ થયા કરે જ્યમ, કૃષ્ણ ફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેર જાશે, જ્યમ ગજ કોઠું ગરે. કૃષ્ણને…

જેહવું જેટલું જે જ્યમ કાળે, તે તેહને કર ઠરે;
એહમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુટાઈ તું મરે. કૃષ્ણને…

ત્હારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુ:ખ હરે;
આપપણું અજ્ઞાન કુળએ, મૂળ વિચારે ખરે. કૃષ્ણને…

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોંસો રાધાવરનો, દયા શીદને ડરે. કૃષ્ણને…

સ્મૃતિ – કલાપી

દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ?

દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહું ?
સહશું રડશું, જળશું, મરશું,
સહુ માલિકને રુચતું કરશું !

કઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું;
પણ તે દિલને વિસરાવીશ ના;
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં !

તો રસ ના આવે – સુરેશ દલાલ

કાયર થઈએ તો રસ ના આવે, શામલિયાના સંગે રે
ખુલ્લેખુલ્લું કહી દઈએ કે આવ તું મારે અંગે રે.

આ સાજ સજ્યા, શણગાર સજ્યા,
આ ઝાંઝરનો ઝણકાર વહે;
આ સાંજ સુંવાળી, રાત રૂપાળી,
તને કહેવાનું તો બધું કહે,

થોડું થોડું અજવાળું તો ભલે રહે આરંભે રે,
કાયર થઈએ તો રસ ના આવે, શામલિયાના સંગે રે.

હું તારી સંગે પોઢી લઉં,
તું મોરપિચ્છની રજાઈ જેવો;
તને અંગે અંગે ઓઢી લઉં,
હું તારી સંગે પોઢી લઉં.

મધમીઠી કોઈ સ્પર્ધા ચાલે કોને કોણ આલિંગે રે,
કાયર થઈએ તો રસ ના આવે શામળિયાના સંગે રે.

Advertisements

2 responses to “પ્રાચીન-અર્વાચીન ભજનો – સંકલિત

  1. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
    શકટનો ભાર જેમ શ્વાન ખેંચે
    એવું મનમાં રાખવું તેનાં કરતાં જીવનદોરી પ્રભુને સોંપવી શું ખોટી?

    શિવશિવા

  2. બહેનશ્રી નીલાબહેનની વાત સાચી છે.
    સમર્પણ એ જ સર્વસ્વ હોવું યોગ્ય છે.