જીવનધ્યેય – વિજય શાસ્ત્રી

બાહ્ય દ્રષ્ટિએ જોતાં આજે કદાચ બધાં જ માનવીઓ અમુક અંશે એક સરખું જીવન વીતાવતાં જણાય, પણ તેમ છતાં આંતરિક દ્રષ્ટિએ જોતાં દરેક વ્યક્તિ પોતાનું આગવું જીવન જીવતી હોય છે. દરેકને કોઈકને કોઈક ધ્યેય હોય છે. તો કેટલાંક વળી, કવિ ચીમનલાલ ડી વ્યાસે કહ્યું છે તેમ ‘આ જીવન છે, જીવ, જીવાઈ જશે.’ ની જેમ આંખો મીંચીને જીવન વીતાવતાં હોય છે.

દરેક વ્યક્તિને પોતાની નોખી સમસ્યા, નોખો સન્દર્ભ, નોખી લાગણીઓ અને નોખા સંસ્કારો હોય છે. સમસ્યાઓ, સન્દર્ભો, લાગણીઓ અને વ્યક્તિત્વનું જુદાપણું વ્યક્તિના સંસ્કાર તેમ જ, જે પરિસ્થિતિમાં એને જીવવાનું આવે છે તે પરિસ્થિતિના આગવા સન્દર્ભ પર આધાર રાખે છે. આમ હોય ત્યારે એ સાવ દેખીતું અને સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિનું જીવનધ્યેય પણ તેના સંસ્કાર, સંદર્ભ અને વ્યક્તિત્વ મુજબનું જ હોવાનું, જેમ કે –

સંતપુરુષ પ્રાણીમાત્રના કલ્યાણનું જીવનધ્યેય ધરાવતા હશે તો અભિમાની પુરુષ બીજા સૌના અહમ્ ને કચડી નાખી, પોતાનો જ મહિમા વધે એવા કાવા-દાવા કરવાનું ધ્યેય સેવતો હશે; તો કોઈ રમતવીર, શ્રેષ્ઠ વિક્રમ સર્જવાનું ધ્યેય રાખશે. પણ આ સંદર્ભે કૃષ્ણભક્ત સુદામાનો એક પ્રસંગ ઘણો પ્રેરક બની રહે એમ છે. દ્વારિકાથી ખાલી હાથે જ પાછા ફરેલા સુદામાને જ્યારે પોતાની ઝૂંપડી દેખાતી નથી ત્યારે બેબાકળા બની બોલી ઊઠે છે કે –

આશ્રમ ગયાનું દુ:ખ નથી
પણ બાળક મારાં ક્યાં ગયાં ?

સુદામાને આશ્રમ જેવી ભૌતિક વસ્તુ ગયાનું નહીં, પણ બાળક એટલે કે માનવી ગયાનું દુ:ખ છે. આ પત્ની અને બાળકો પણ પાછાં સાવ ફૂવડ અને દળદરી છે. તે કહે છે એમ –

તૂટી સરખી ઝૂંપડી ને લૂંટી સરખી નાર
સડ્યાં સરખાં છોકરાં નવ મળ્યાં બીજી વાર

સુદામાની માનવપ્રીતિ આ પંક્તિઓમાં વ્યકત થાય છે. લૂંટી સરખી નાર અને સડ્યાં સરખાં છોકરાંઓ માટે પણ ઉત્કટ પ્રેમ એ સુદામાની જેમ માનવીમાત્રનું જીવન ધ્યેય ગણવું યોગ્ય છે. તેમાં જ જીવન અને માનવી બંનેને ન્યાય થશે.

માનવીનો માનવી માટેનો પ્રેમ આમ જોવા જઈએ તો સંસારમાં કેટલી સહેલી વાત છે, છતાં આજે સૌથી મુશ્કેલ અને દુર્લભ બાબત હોય તો તે પણ માનવી-માનવી વચ્ચેની લાગણીની જ છે. આપણા સંબંધમાં આવેલા માનવીમાત્ર માટે મમતા હોવી તેને જ જીવનનું શ્રેષ્ઠ ધ્યેય કહી શકાય. સૃષ્ટિનો શ્રેષ્ઠ પ્રદાર્થ માનવી છે. માનવી માટેનો પ્રેમ છે. જીવનમાં બધું જ મળે પણ માણસનો પ્રેમ ન મળે તો બધું જ વ્યર્થ અને બેસ્વાદ બની રહે છે. એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે તેમ –

પ્રાપ્તા: શ્રિય: સકલ કામદૂધાસૂ તત: કિમ્ |
ન્યસ્તં પદં શિરસિ વિદ્વિષતાં તત: કિમ્ ||
સમ્પાદિતા: પ્રણયિનો વિભવૈસ્ તત: કિમ્ |
કલ્પસ્થિતામ્ તનુભૃતાં તનવસ્ તત: કિમ્ ||

એટલે કે બધી ઈચ્છિત વસ્તુઓ મેળવી આપનારી લક્ષ્મીને ધારો કે મેળવી, પણ તેથી શું ? બધા શત્રુઓને હરાવી દીધા, પણ તેથી શું ? વૈભવના જોરે ધારો કે અનેક મિત્રો મેળવ્યા, પણ તેથી શું ? લાંબુ આયુષ્ય ભોગવ્યું, પણ તેથી શું ? અર્થાત્ પૈસો, શત્રુને હરાવવા, મિત્રો હોવા, લાંબુ જીવવું એ બધાંથી માણસને માપવો અયોગ્ય છે. માણસ આ બધાંથી ઉપર છે, મોટો છે. આવા બધા માપદંડોથી માણસને માપવો એ માણસનું ગૌરવ ઘટાડવા બરાબર છે. માણસ થવું એ જ શ્રેષ્ઠ જીવનધ્યેય છે.

સાથે જ નાનાંમોટાં ધ્યેયોને સિદ્ધ કરવામાં આપણે ક્યાંક ખુદ જીવનને માણવાનું તો ચૂકી નથી જતાંને એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. ફિલસૂફ ઍમર્સને કહેલું તેમ ‘આપણે જીવવા માટેની સતત તૈયારી કરતાં હોઈએ છીએ, જીવતાં કદી નથી હોતાં.’ તો, જીવવાની તૈયારીમાં, જીવવાનું ચૂકી ન જવાય એ ધ્યેય પણ નજર સામે રાખવું જરૂરી છે.

Advertisements

2 responses to “જીવનધ્યેય – વિજય શાસ્ત્રી

  1. આ ક્ષણમાં બરાબર જીવ્યા તો જીવ્યા , નહીં તો આપણામાં અને આપણા શબમાં કાંઇ ફરક નથી. બેયમાં ભૌતિક તત્વ તો તેનું તે જ છે !

  2. Highly meaningful narration to live a purposeful life.
    Thank you, Vijaybhai & readgujarati.com