સિદ્ધાર્થમાંથી બુદ્ધ – સુરેશ દલાલ

મને દ્રષ્ટાંતો ગમે છે. પછી એ રજનીશજીએ કહેલાં હોય કે મોરારિબાપુએ કે સ્વામી ચિન્મયાનંદે કે અન્ય કોઈએ. દષ્ટાંતની મજા એ છે કે એક વાર સાંભળો પછી એ જો તમને સ્પર્શી જાય તો કદીય ભુલાય નહીં. ક્યારેક એવું પણ લાગે કે એક લાંબુલચ પ્રવચન કે નવલકથા ન કહી શકે એટલું બધું એક દષ્ટાંત કહી શકે. સાંભળેલા કે વાંચેલા એક દ્રષ્ટાંતને આધારે વાત માંડુ છું.

એક સમ્રાટ હતો. સમ્રાટ એટલે સમ્રાટ. એની ઈચ્છાનું પાલન થવું જ જોઈએ. એણે એક વખત એક સૂફી ફકીરને પોતાના મહેલમાં આમંત્રણ આપ્યું. સામાન્ય રીતે ફકીર મહેલમાં જાય નહિ. ફકીરને તો કોઈ ભય ન હતો, છતાં પણ એણે એ આમંત્રણ સ્વીકાર્યું અને એ બાદશાહના મહેલમાં ગયો. સંતના હૃદયની આ કરુણા છે. એને એમ હતું કે રાજાને વિવેક નથી, પણ મારી પાસે વિવેક છે. મારા સમાગમ પછી કોને બોલાવાય ને કોને ન બોલાવાય એનો એને ખ્યાલ વહેલોમોડો આવશે. ભલે સમ્રાટ રહ્યો, પણ એનામાં પણ એક સજ્જન હશે. સજ્જન કોને કહેવાય ? બે પંક્તિ યાદ આવે છે.

સ્વભાવે સજ્જનો સૌએ સુખદુ:ખે નકી સ્થિત
ડાળથી ફૂલ તોડે તો મટે શું એ સુવાસિત ?

ફૂલ ડાળ પર હોય કે ખર્યું હોય, પણ એની સુવાસ કદી છોડતું નથી. સૂફી ફકીરને એમ કે સમ્રાટને કોઈક દિવસ એવું જ્ઞાન થશે કે મને તરસ લાગી છે તો જળના સરોવર પાસે મારે જવું જોઈએ. સરોવરને શહેનશાહી ઠાઠમાં ખેંચી ન લવાય અને બન્યું પણ એવું જ.

એક દિવસ સમ્રાટ ફકીરના ખેતરમાં પહોંચી ગયો. ફકીરની પત્ની ખેતરમાં એકલી હતી. એ ફકીર માટે ભાથું લઈને આવી હતી. ફકીર ક્યાંક દૂર નીકળી ગયો હતો. ફકીરની પત્નીને થયું કે રાજા જેવો રાજા આવ્યો છે તો એની આગતાસ્વાગતા કરું. વાડ પાસે ખેતરનો એક સુંવાળો ખૂણો હતો. પત્નીએ વિનંતી કરી કે તમે અહીં બેસો. રાજાએ કહ્યું કે ના, હું તો ફકીર આવે ત્યાં સુધી ટહેલતો રહીશ. ફકીરની પત્નીને થયું કે રાજા કદાચ ખુલ્લી જમીન પર નહીં બેસે એટલે એણે જમીન પર એક જીર્ણશીર્ણ સાદડી પાથરી અને રાજાને બેસવા વિનંતી કરી. રાજાએ એની પણ ના પાડી. ફકીરની પત્નીને થયું કે રાજા આમ ઠેલ્યા કરે એ બરાબર નથી. એણે રાજાને કહ્યું કે મારી ઝૂંપડીમાં ચાલો. ત્યાં આગળ તમે આરામ કરી શકો એવી એક ખાટ છે, પણ રાજાએ એની પણ ના પાડી અને માત્ર ટહેલતો રહ્યો. પત્ની ઊંચી-નીચી થઈ અને એ રાજાની પરવાનગી લઈને ફકીરની શોધમાં નીકળી પડી. રસ્તામાં ફકીર મળી ગયો. એણે કહ્યું કે ચાલો ચાલો, ખુદ સમ્રાટ તમને મળવા આવ્યો છે. પત્નીએ રસ્તામાં ફકીરને બધી વાત કહી. કહ્યું કે રાજાને ખેતરના સુંવાળા ખૂણા પર બેસવાનું કહ્યું તોય રાજા એકના બે ન થયા. આપણી ઝૂંપડીમાં ખાટ પર આરામ કરવાનું કહ્યું તે પણ રાજાને મંજૂર નહોતું.

ફકીર એકાએક હસવા લાગ્યા. પત્ની એમના હાસ્યનો મર્મ ઉકેલી ન શકી. એણે ફરી ફરીને પૂછ્યું કે હસો છો કેમ ? ફકીરે કહ્યું કે તું હજી સમજતી નથી. આ રાજામાં એટલો વિવેક આવ્યો છે કે પોતે ફકીરને મળવા જવું જોઈએ. એ મળવા આવ્યો તો ખરો, પણ એ બેસતો નથી એનું એક કારણ છે, એ ભૂલી શક્તો જ નથી કે એ સમ્રાટ છે. બેસવામાં એને આડે આવે છે એનું સમ્રાટપણું. સમાગમને કારણે એનામાં નમ્રતા આવી છે, પણ એનો અહમ્ હજી એવો ને એવો ખડક જેવો છે. જળના સ્પર્શથી ખડક સહેજ મુલાયમ થયો છે, પણ એનો અહમ્ નો ખડક જળની ધારાના સતત મારથી ભાંગ્યો નથી.

મહત્વની વાત એ છ કે માણસે સામી વ્યક્તિ પાસેથી કંઈ પામવું હોય તો પોતાપણું ભૂલી જવું જોઈએ. જામ ખાલી થાય છે પછી જ એમાં કશુંક નવું ભરાય છે. માણસ પાસે પાત્ર હોય એટલું પૂરતું નથી, એની પાસે પાત્રતા પણ હોવી જોઈએ.

મોટાભાગના માણસો પોતાનું વડપણ ભૂલી શક્તા નથી. જયંતી દલાલની એક વાર્તામાં આવે છે એમ ઊતરી ગયેલો અમલદાર જેમ પોતાના અમલદાર-કાળની દીવાલ પર ટાંગેલી છબીને જોઈજોઈને રાજી થાય એમ ઘણા માણસો જીવતા હોય છે. મારા નામના એક વખત સિક્કા પડતા હતા. મારો રુઆબ એટલે ભલભલા હાંફી જાય. નિવૃત્ત થયા પછી પણ પેલી ખુરશીની માયા કે સિંહાસનની છાયા એવીને એવી જ રહે છે.

સિદ્ધાર્થ ગૌતમબુદ્ધ થયા, પછી એમણે ક્યારેય કહ્યું નથી કે હું રાજાનો કુંવર હતો. મારો મહેલ હતો. યશોધરા જેવી પત્ની હતી. રાહુલ જેવો બાળક હતો. સિદ્ધાર્થમાંથી બુદ્ધ થવું એ એક પ્રક્રિયા છે. બુદ્ધ થવું એટલે પ્રબુદ્ધ થવું અને પ્રબુદ્ધ થવું એટલે ભવિષ્યના ભાર વિનાની અને ભૂતકાળના ખ્યાલ વિનાની આ ક્ષણમાં જીવવું.

Advertisements

7 responses to “સિદ્ધાર્થમાંથી બુદ્ધ – સુરેશ દલાલ

 1. અમિત પિસાવાડિયા

  અહમ જ માણસને નડે છે !!!

 2. Pratibhav Garavi Gujaratima apava male to eni maja kai judi chhe

 3. “નમે,તે પ્રભુને ગમે ! ”

  “અભિમાન અશ્વ પર ચઢી ચઢી
  છે સમય ઘડી કે બે ઘડી “(નાટકની પંક્તિ).

 4. liked the article, esepcially the last para – the process of becoming buddha from Sidharth..superb.

 5. Ghani ja saras vat chhe

  પ્રબુદ્ધ થવું એટલે ભવિષ્યના ભાર વિનાની અને ભૂતકાળના ખ્યાલ વિનાની આ ક્ષણમાં જીવવું.

 6. પિંગબેક: તમે વાતો કરો તો … - સુરેશ દલાલ « મોરપિચ્છ