ભીનાશના હસ્તાક્ષર – કીર્તિકાન્ત પુરોહિત

[ આ તમામ કૃતિઓ કવિ/ગઝલકાર શ્રી કીર્તિકાન્તભાઈ પુરોહિતના બે પુસ્તકો ‘ભીનાશના હસ્તાક્ષર’ અને ‘વળાંક પર…’ થી લેવામાં આવી છે. શ્રી કીર્તિકાન્તભાઈનો (વડોદરા) આ પુસ્તકો રીડગુજરાતીને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર. વાચકો તેમનો આ સરનામે સંપર્ક કરી પ્રતિભાવો જણાવી શકે છે : home@kritonwelders.com ]

એકમેકને

હું તમને ગમું
તમે મને ગમો
એમ જ –
જીવન જીવન રમતા રહીએ
એકમેકને ગમતા રહીએ

ચાલો રમીએ
લખોટીને દાવ-ગીલ્લીનો
પકડદાવ વાઘ-બિલ્લીનો
ખોટું છોડી,
બાળસહજ હસતા રહીએ
એકમેકને ગમતા રહીએ

વચ્ચે,
યૌવનના પરિતાપ વિસરીએ
કૃપણતાનાં શાપ વિસરીએ
આંધી પછી નેવે શમતાં
વર્ષાજળ જેમ ઝમતા રહીએ
એકમેકને ગમતા રહીએ

ને છેવટ,
સમી સાંજની છાંય કરી
અનુભવની રસલ્હાણ ઘરી
મઝધારેથી ધીરે ધીરે
સામે કાંઠે સરતા રહીએ
એકમેકને ગમતા રહીએ


પરખ

ચ્હેરો વાંચતાં પરખાય એવું બને,
જાણી લઈને દિલ પસ્તાય એવું બને.

મનની સ્થિરતા ના હોય આધારમાં,
બ્હેરો અંધથી ભટકાય એવું બને.

જેવી આયનામાં જાત ખુલ્લી કરી,
ભ્રમર જોઈને વંકાય એવું બને.

જૂની દુશ્મનીને યાદ રાખી પછી,
સામસામી પરખ છુપાય એવું બને.

લીલીછમ નસો જો મૂળની ઊખડે,
આખું ઝાડ ઉતરડાય એવું બને.

આખી રાત માંડ્યા કાન પણ કીર્તિને,
છેલ્લા પ્રહરે સમજાય એવું બને.

ત્રિજયા

ભીંત, છત, બારી બારણાં ચોમેર છે,
હું ને તું ઘરઘર રમતાં એમાં ફેર છે.

શક્યતાનો વચ્ચે સમંદર ઘૂઘવે,
હું અહીં જીવનભર, તું ઓલીપેર છે.

ટોચ પર ઊંચાઈ ને ઝંઝાવાત પણ,
કોઈ ઝંઝટ તળિયે નથી, બસ લ્હેર છે.

ગાઢ જંગલ અહીં હતું અંધારિયું,
કાષ્ટના વેપારનું આજે ત્યાં શ્હેર છે.

પ્રશ્ન તો હાલતનો ઊભો છે સર્પ થઈ,
કંપ, ભય ને કુતૂહલ ભર્યું અંધેર છે.

‘કીર્તિ’ નું સરનામું ફૂલોની મ્હેક છે,
પામવાના રસ્તા બધે ચોફેર છે.

Advertisements

9 responses to “ભીનાશના હસ્તાક્ષર – કીર્તિકાન્ત પુરોહિત

 1. સુંદર રચનાઓ છે.

  આખી રાત માંડ્યા કાન પણ કીર્તિને,
  છેલ્લા પ્રહરે સમજાય એવું બને.

  જેવી આયનામાં જાત ખુલ્લી કરી,
  ભ્રમર જોઈને વંકાય એવું બને.

  સરસ…

 2. બાળસહજ હસતા રહીએ
  એકમેક ને ગમતા રહીએ.
  ખૂબ ગમ્યુ.અભિનન્દન.

 3. અમિત પિસાવાડિયા

  સરસ , સુંદર રચનાઓ માણવાની મજા પડી !!!

 4. એકમેકને ગમતા રહીએ …
  જિંદગી નાં ત્રણે પ્રહરમાં, સદા એકબીજાને ગમતા રહેવાની વાત,કેટલી સુંદરતા થી વ્યક્ત કરી છે – શ્રી કીર્તિકાન્તભાઈ પુરોહિતે.

  ત્રિજયા
  “શક્યતાનો વચ્ચે સમંદર ઘૂઘવે, હું અહીં જીવનભર,તું ઓલીપેર છે.” …
  કેટલા ઓ નાં જીવનની આ વાસ્તવિકતા હશે.

  ખુબ જ સરસ રચનાઓ. શ્રી કીર્તિકાન્તભાઈ પુરોહિતને અભિનંદન અને આ સુંદર રચનાઓ અમ સુધી પહોંચાડવા બદલ શ્રી મૃગેશભાઇ નો આભાર.

 5. એકમેકને ગમતા રહીયે….એકમેકને.
  છેલ્લે પ્રહરે સમજાય એવું બને …પરખ.
  પામવાના રસ્તા બધે ચોમેર છે…ત્રિજ્યા(શીર્ષકને ક્યાં ન્યાય મળ્યો ?).
  વાચન મનભાવન મળ્યું.આભાર !

 6. Very good thoughts presented in pleasant manner.

  Liked a lot.

  Thanks..

 7. Dear Mrugeshbhai,
  I was glad that there are 7 responses to my poems presented by you. Is it possible to get the E-mail addresses of the friends who have responded? Only if it do not break any of your established rules. I wish to communicate with those friends.

  …..Kirtikant Purohit

 8. પિંગબેક: ભીનાશના હસ્તાક્ષર- કીર્તિકાન્ત પુરોહિત | pustak