કબાટનો હિંડોળો ઝાકમઝોળ – ભગવતીકુમાર શર્મા

cupboardઆ માત્ર મારી પત્નીની વાત નથી, મોટા ભાગની વયસ્ક સ્ત્રીઓની વાત છે. મારા પત્ની જો એક વાર ઘરનું કબાટ ઉઘાડે છે તો તે કલાક – દોઢ કલાક સુધી ફરીથી બંધ થઈ શકતું નથી. કલ્પી શકું છું કે ઘરેઘરે આ સ્થિતિ હશે. એમાં વાંક પત્નીનો નથી, મારો છે. કઈ રીતે ?

અમારા ઘરના મુખ્ય ઓરડામાં ચાર કબાટો છે : એક સ્ટીલનું, એક લાકડાનું અને બે દીવાલમાંના ભંડારિયાં. આમાંથી જે લાકડાનું કબાટ છે તે હંમેશા તાળાં-ચાવી વગર રહે છે, કેમ કે તે મારું છે, જેમાં મારાં કપડાં અને મારી લેખનસામગ્રીની ફાઈલો, મારે વિશે અને મારાં પુસ્તકો વિશે લખાયેલા લેખો-સમીક્ષાઓની ફાઈલો વગેરે રહે છે. ચોરી કરવાની ઈચ્છા રાખનારની દ્રષ્ટિએ આ કબાટ સૌથી વધારે નક્કામું છે અને તેથી તે પૂરું સુરક્ષિત છે. તેને તાળાં-ચાવીમાં રાખવાની કશી આવશ્યકતા જ નથી. આ કબાટ પૂરતું મારા ઘરમાં સાચા અર્થમાં રામરાજ્ય છે ! સર્વત્ર આ સ્થિતિ પ્રવર્તતી હોત તો કેવું સારું.

પણ અમારા જ ઘરમાં બાકીનાં ત્રણ કબાટો પરત્વે સ્થિતિ એકદમ જડબેસલાક છે. તેય અકારણ નથી. એ કબાટોમાં એક નિમ્ન મધ્યમવર્ગીય કુટુંબમાં હોઈ શકે તેવી કેટલીક કીમતી ચીજો છે : જેમ કે બૅન્કની પાસબુકો, એફ.ડીની રસીદો, વગેરે… આનું વર્ણન હું વિગતે નહીં કરું. કારણ વાચકો સમજી જશે.

સોગંદપૂર્વક કહું છું કે આ ત્રણમાંનું કોઈ કબાટ મેં વર્ષોથી ઊઘાડ્યું નથી ! એની આવશ્યકતા જ લગભગ પડી નથી એ વાત સાચી છે. વધારે વાસ્તવિક હકીકત એ છે કે આ કબાટો પૂર્ણસ્વરૂપે મારી પત્નીના અધિકારક્ષેત્રમાં આવે છે. આ કબાટો ઉઘાડવાની મને ક્યારેય ઈચ્છા જ નથી થઈ એમ જો હું કહું તો મારી નિખાલસતા લાજે, પણ એ ઈચ્છાને ઢબૂરી દેવામાં જ મેં શાણપણ અનુભવ્યું છે. એમ જોવા જઈએ તો ક્યારેક ક્યારેક જ હોં, એ કબાટો ઉઘાડવાનાં મેં પ્રયત્નો પણ કરી જોયા છે; ફાંફાં માર્યા છે એમ કહેવું વધારે સાચું છે, પરંતુ મને એમાં ધરખમ નિષ્ફળતા મળી છે. હું એટલું તો સમજું છું કે કબાટ ઉઘાડવા માટે ચાવીની જરૂરત પડે છે. એક વાર જો સાચી ચાવી મળી જાય તો પછી તેને કી-હૉલમાં ઘુમાવી કબાટ ઉઘાડવામાં પણ હું સફળ જ નીવડું તેની મને શ્રદ્ધા છે, પણ મૂળ પ્રશ્ન ચાવીઓનો છે : તે ક્યાંથી મેળવવી ? એક તો બધે હશે તેમ અમારે ત્યાં ચાવીઓ મોટે ભાગે ઝૂમકામાં હોય છે અને એ ઝૂમકો ગમે ત્યાં હોઈ શકે છે : ફ્રીજમાં, પત્નીના પલંગના ઓશીકા નીચે, તેની એક વેળાની પાતળી અને અત્યારની મેદસ્વી કમ્મર પર. ઘણુંખરું તો બાકીનાં બે કબાટોની ચાવીઓ એક કબાટમાં હોય છે. એનો અર્થ એ કે એક કબાટની ચાવી મેળવ્યા વિના બાકીનાં બે કબાટોની ચાવીઓ સુધી પહોંચી જ ન શકાય. ધારો કે કોઈ દિવસ મારા ગ્રહો સાનુકૂળ હોય અને મને ચાવીઓનો ઝૂમકો મળી ગયો, પણ પછી નવી સમસ્યા શરૂ થાય છે : આ દસ-બારમાંની કઈ એક ચાવી વડે આ કબાટ ઉઘાડી શકાતું હશે ? મોટા ભાગની ચાવીઓ એકસરખી હોય છે, માત્ર તેની ઉપરના નંબરો જુદા હોય છે. દસ-બાર ચાવીઓ એક જ કી-હૉલમાં એક સાથે પ્રવેશીને કબાટ ઉઘાડી શકે તેવી શોધ હજી સુધી થઈ નથી. ક્યા કબાટની કઈ ચાવી છે તેનો નંબર મને કદી યાદ રહ્યા નથી. પરિણામે કબાટ ઉઘાડવું એ મારે માટે અલીબાબાના ખજાના સુધી પહોંચવા જેવું દુષ્કર કામ બની રહે છે.

ધારો કે કોઈ વિરલતમ ઘડીએ મારા ગ્રહો સંપૂર્ણપણે સારા હોય અને હું કબાટ ઉઘાડી શકું તો પણ મારી સમસ્યાનો અંત આવતો નથી. માત્ર તેના નવા તબક્કાનો પ્રારંભ થાય છે. કબાટ ઉઘાડ્યા પછી મારી સ્થિતિ તો હતી તેવી જ રહે છે – કબાટમાંના દેખાતાં અને ન દેખાતાં ખાનાંઓ મારી સમક્ષ અપરાજિત રહ્યાનું માર્મિક સ્મિત પ્રસારી રહે છે. એ ખાનાંઓ ઉઘાડવા માટેની ચાવીઓ શોધવી, લાગુ પાડવી, એ બધું એક ભગીરથ ક્રિયાકલાપ બની રહે તે નિ:શંક છે.

પિસ્તાળીસ વર્ષ પહેલાં પિતાજીએ દીવાલમાં બે કબાટો બનાવડાવ્યાં હતાં ત્યારે તેમણે મહિનાઓ સુધી ગૌરવની જે લાગણી અનુભવી હતી તે હજી મારાથી ભુલાઈ નથી. તેમ વળી એક કબાટમાંનું પેલું ચોરખાનું. પિતાજીને મન કોઈક સેઈફ ડિપોઝીટ વૉલ્ટના લોકર કરતાં એ ચઢિયાતું હતું. કંઈ કેટલાય લોકોને તેમણે એ ચોરખાનું એટલી મોકળાશની બતાવ્યું હતું કે એ ચોરખાનું જ રહી શક્યું નહિ હોય. જો કે સદભાગ્યે કોઈ ચોરનો હાથ એ ચોરખાના સુધી પહોંચી શક્યો નથી, કેમ કે ચોરને આકર્ષી શકે તેવી ચીજવસ્તુઓનો અમારા ઘરમાં ત્યારે પણ એકંદરે અભાવ હતો અને આજેય ઝાઝું નથી, છતાં ચોરખાના વિશેનું પિતાજીનું ગૌરવ છેલ્લે સુધી અખંડિત રહ્યું હતું. તેની પાછળ કદાચ તેમની એવી આશા હશે કે ચોરખાનું છે તો ક્યારેક તેમાં મૂકતાં શોભે તેવી વસ્તુઓ પણ ઘરમાં આવશે.

આ ચોરખાના સહિતનાં કબાટમાંના બધાં ખાનાઓ મારી પત્નીને પ્રિય છે, એટલું જ નહિ, ભૂલા પડવાના કશા જોખમ વિના તે તેમાં સરળતાથી વિહરી શકે છે – અર્થાત્ એ ખાનાંઓની ઉઘાડબંધ અને તેમાંની ચીજવસ્તુઓની લે-મૂક કરવામાં કશી જ ભૂલ તેને હાથે થતી નથી. હું બહુ સમજી-વિચારીને, ખાસ તો મારી કંગાળ વ્યવહાર-બુદ્ધિની રહીસહી આબરૂના ધજાગરા ન નીકળે, તે માટે કબાટો, ખાનાંઓ અને તેમાંની ચીજવસ્તુઓની આખી દુનિયાથી જોજનો છેટો રહ્યો છું. હકીકતે મેં મારી સમગ્ર હયાતીને પેલા લાકડાના જૂના, ખખડધજ, ખુલ્લાફટાક કબાતમાંના લેખન-સાહિત્ય પૂરતી સીમિત કરી દીધી છે. અને સાચું કહું ? મને એનો લેશમાત્ર પણ રંજ નથી. પિતાજીને પેલાં ચોરખાનાં માટે હતું તેટલું અને તેવું તો નહિ, પણ મને આ લક્કડિયા કબાટ માટે કંઈક તો ગૌરવ છે જ.

પણ પત્નીની વાત જુદી છે, કેમ કે તેની દુનિયા અલગ છે. એક ઘરમાં રહેવા છતાં કેટલીક બાબતોમાં અમે અમારા પોતપોતાના ટાપૂઓ પર રહીએ છીએ. એના ટાપુ પર કબાટો છે, ખાનાંઓ છે, એમાંની ચીજ-વસ્તુઓ છે અને ચાવીઓના ઝૂડાઓ છે. હું કદી એ ઝૂડામાંની એક ચાવી સુધ્ધાં ન બની શક્યો. કવિઓ વારંવાર તેઓની પ્રિયતમાના અંબોડાનું ફૂલ બનવાની ઈચ્છા પોતાની કવિતા દ્વારા વ્યકત કરતા હોય છે : ‘જી ચાહતા હૈ, તુમ્હારે ઝૂડે કા ફૂલ બન જાઉં.’ પણ પ્રિયતમા પત્ની બને છે પછી ઝૂડાનું સ્થાન ચાવીઓનો ઝૂમકો લે છે અને આખો પરિવેશ જ બદલાઈ જાય છે !

ક્યારેક એવું બને છે કે પત્નીને એક સાથે ત્રણેય કબાટો સાથે કામ પડે છે અને ત્યારે જોવા જેવાં દ્રશ્યો સર્જાય છે : ઘડીકમાં એક કબાટ ઉઘાડ્યું, ઘડીકમાં બીજું બંધ કર્યું. હમણાં આનું ખાનું ખોલ્યું, પેલાનું બંધ કર્યું. ત્યારે મને થઈ આવે છે કે કવિઓ અને અધ્યાત્મવાદીઓ જેને ‘વિરાટનો હિંડોળો’ કહે છે તે કંઈક આ અથવા આવો જ હશે. પત્ની ત્રણેય કબાટો, એનાં ખાનાંઓ અને એમાંના પ્રદાર્થો વચ્ચે રીતસર ઝૂલતી, ઝૂલતી, હીંચોળાતી, હિલ્લોળાતી અનુભવાય છે. સાડીઓ બહાર આવે છે અને પછી અંદર ગોઠવાય છે. ઓર્નામેન્ટ બોક્સ તપાસાય છે અને બંધ કરી દેવાય છે. ક્યારેક તો કેવળ નિરુદ્દેશે એ પદાર્થો અંદર-બહાર થતા રહે છે. મારી સ્થિતિ ત્યારે વિસ્મયલોકના દૂરના દર્શનાર્થી જેવી બની રહે છે. પત્ની માટે નિ:શંક એ તેનો એક ‘ફાઈનેસ્ટ અવર’ હોય છે ! ઊંઘડતાં અને બિડાતાં કબાટોનાં બારણાંઓ અને ખાનાંઓના કિચૂડાત અને ઝૂમખાંમાની ચાવીઓનો ખણખણાટ અને ઊઘડેલા કબાટમાંથી આવતી ડામરની ગોળીઓની વાસ અને…. એવું બધું પ્રત્યેક આદર્શ, સંનિષ્ઠ ગૃહિણીના હોવાપણાની આ અને આ જ સાર્થકતા છે. ‘ગૃહિણી ગૃહમુચ્યતે’ ની ઉક્તિ પ્રસિદ્ધ છે. એમ કહી શકાય કે કબાટો, ખાનાંઓ અને ચાવી-ઝૂમખાઓથી ગૃહ અને તેઓ દ્વારા ગૃહિણીની એક અખંડ આકૃતિ ઘડાય છે. પુરુષો એ જ્યુરિસડિકશનથી અળગા રહેતા આવ્યા છે. તેઓની શોભા કે શરમ બંને અથવા એમાંથી એક તેમાં છે.

જ્યારે સેઈફ ડિપોઝિટ વૉલ્ટ અસ્તિત્વમાં નહોતાં અથવા આટલાં પ્રચલિત નહોતાં ત્યારે પ્રત્યેક ઘરમાં એક ઓરડો સંપૂર્ણપણે સેઈફ ડિપોઝીટ વૉલ્ટની ગરજ સારતો. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતનાં ઘરોમાં મેં મારા બાલ્યકાળે આવા ઓરડાઓ જોયા છે. એનું વિશેષ નામ જ ‘ઓરડો’. ઘરમાં ઓરડા તો પાંચ-સાત હોય, પણ ‘ઓરડા’ શબ્દથી ઓળખાતો આ એક જ ખંડ. પૂછીએ કે ‘બા ક્યાં છે ?’ જવાબ આટલો જ મળે. ‘ઓરડામાં.’ એટલે સમજી લેવાનું કે બા જેમાં થોડી ઝાઝી સંપત્તિ છે તે ઓરડામાં પેઠેલા છે અને હવે કલાકો સુધી તેમાંથી તે બહાર નીકળે તે શક્ય નથી. શી જાહોજલાલી હતી આ ‘ઓરડા’ની. તેના પર ‘બા’નો જ સંપૂર્ણ અબાધિત અધિકાર. ‘બાપુજી’નું પણ ત્યાં કશું ન ઊપજે. મગદૂર નથી કે ઘરની અન્ય વ્યક્તિ એ ‘ઓરડા’માં પગ પણ મૂકી શકે. એની ચાવી ‘બા’ પાસે જ હોય. ઘરમાં કે સગાંસંબંધીમાં કોઈક શુભ પ્રસંગ આવવાનો હોય ત્યારે એ ઓરડો વારંવાર ઊઘડે-બિડાય. ઓરડો ઉઘાડતી વખતે ‘બા’ ખાસ્સાં ટેન્શનમાં પણ હોય. ઓરડામાં પ્રવેશ્યા પછી તરત તેઓ અંદરથી સાંકળ ભીડી દે. ‘બા’ ઓરડામાં હોય ત્યાં સુધી તેમને કોઈએ જરા પણ ડિસ્ટર્બ ન કરવાં તેઓ અલિખિત નિયમ. ‘ઓરડો’ અને ‘બા’ એકરૂપ. ગૃહિણી જ્યારે ‘ઓરડા’ની અધિકારીણી બને ત્યારે સમજાય કે તેનું ગૃહિણીપદ સર્વમાન્ય શિખરે પહોંચ્યું છે. નારીશક્તિના મહિમાના રેકગ્નિશન માટે એ જમાનામાં પણ આવા કેટલાક ઉપક્રમો હતા જ. આજની આધુનિક ગૃહિણીઓને બૅન્ક, લોકર્સ, એલ.આઈ.સી. વગેરે ઓપરેટ કરતી જોઉં છું, ત્યારે મનમાં સંતોષની ટાઠક પથરાય છે. ‘ગૃહિણી ગૃહમુચ્યતે’ સૂત્ર હવે નવા પરિપ્રેક્ષ્યમાં પણ સમુચિત છે.

Advertisements

6 responses to “કબાટનો હિંડોળો ઝાકમઝોળ – ભગવતીકુમાર શર્મા

  1. Aa mara ghar ne pan maltu aave che. Mara Ba pan ekad be kalak to kaadhij nakhta – e kabat kholta tyare. Ane Damar Ni Goli ni vaas atyarey mari nasika ma praveshi jay che. Any way, I like that smell a lot so when I was small, and when my mon use to open up the Kabat, I would just sit there for entire time and try to take that smell. Also was the curiosity that played very important role when ever that Kabat was opened. Yaaden.. Khatti Meethi Yaaden….. Khabar nahi pan mara balpan pachi ni evi koi yaad kem nathi aavti je mari aankhon ne bhinjavi jaay?

  2. આ કબાટ પુરાણ વાંચવાની મજા આવી હોં….

  3. શીર્ષક સાર્થક છે.લેખકને ઝૂમખું મેળવતાં તક્લીફ પડી.
    આત્મદર્શી લેખ છે.રસાળ લાગ્યો !ધન્યવાદ !

  4. ba ORDAMA kahevu pade maza avi

  5. ભગવતી કુમારને કવિ અને પત્રકાર તરીકે તો વાંચ્યા છે, પણ હાસ્ય લેખ પણ આવા સરસ લખે છે તે મૃગેશ્ભાઇ પાસેથી જ ખબર પડી. આભાર.