મફત – રતિલાલ બોરીસાગર

[ આ કૃતિ શ્રી રતિલાલ બોરીસાગરના પુસ્તક “ ‘જ્ઞ’ થી ‘ક’ સુધી” માંથી સાભાર લેવામાં આવી છે. લેખકશ્રી એ ખલિલ જિબ્રાનના પુસ્તક ‘વિદાય વેળાએ’ની શૈલીમાં હાસ્યકટાક્ષની રચનાઓ લખી સુંદર પુસ્તક પ્રકાશિત કર્યું છે. ]

– પછી મફતિયા મેન્ટાલિટિ ધરાવતા એક ગૃહસ્થે પૂછ્યું, અમને મફત વિશે કહો.

આ પછી તે બોલ્યા : મફત એ શ્રે પ્રભુનું વિધાન છે. આ આખું બ્રહ્માંડ શ્રી પ્રભુએ સાવ ફ્રી ઑફ ચાર્જમાં આપ્યું છે. હવા, પાણી, જમીન, વનસ્પતિ, પહાડ, ઝરણાં, નદી – બધું – બધું જ મફત – સાવ મફત ! આ આખું વિશ્વ મફતનું બનેલું છે. મફતમાંથી મફત લઈ લો તો અવશેષમાં મફત જ રહેશે.

મનુષ્યજાતિએ ‘મફત’નો પરિત્યાગ કરી, બધાંની કિંમત વસૂલ કરવા માંડી ત્યારથી દુ:ખોનો ઉદ્દભવ થયો. જગતમાં દુ:ખ છે, દુ:ખનું કારણ છે, દુ:ખનો ઉપાય છે. આ જગત વિશે ક્શું મફત નથી મળતું એનાથી ચડિયાતું દુ:ખ બીજું એકે નથી. આ દુ:ખનું કારણ પણ એ જ છે – મફત નથી મળતું તે. આ દુ:ખનો ઉપાય પણ એ જ છે – બધું મફત મળવા માંડે તે. જોકે મનુષ્યમાં આવા ડહાપણનો ઉદય થાય તેવાં કશાં ચિન્હો દેખાતાં નથી. આજે ડગલે ને પગલે માણસે પૈસા આપવા પડે છે. પૈસા ખર્ચીને માણસ વિદ્યા મેળવે છે, અને પછી વિદ્યા ખર્ચીને માણસ પૈસા મેળવે છે. મોટા ભાગનાં માણસો ડગલે ને પગલે પૈસાનું પાણી કરે છે, પણ કેટલાક માણસો પાણીનું શુદ્ધિકરણ કરી, એને બોટલોમાં ભરી, પાણીના પૈસા બનાવે છે.

બધું જ મફત મળે એવો મનુષ્યસમાજ ક્યારેય બને એ સંભવિત લાગતું નથી. એટલે બધું નાશ પામવા બેઠું હોય ત્યારે ડાહ્યા માણસો અર્ધું ત્યજી દે છે એ ન્યાયે બધું મફત મળે તેમ ન હોય ત્યારે જેટલું મફત મળે તેટલું મેળવવા પ્રયત્નશીલ રહેજો. તમે ગમે તેટલા મોટા અમલદાર હો – પૈસા ખર્ચીને ડાયરી ન લેશો. ડાયરીની સાથે બૉલપેન પણ મફતમાં મળતી હોય તો ઉત્તમ ! અને બૉલપેનની સાથે અર્ધો ડઝન રિફિલ મફતમાં મળે તો તો ઉત્તમોત્તમ ! ડાયરીની જેમ કૅલેન્ડર પણ મફતમાં મેળવજો. પ્રાચીનકાળમાં ધર્મની ગાયના દાંત તપાસનો વિષય ગણાતા નહોતા. રિટાયર થઈ ગયેલી ગાય પણ મફતમાં મળતી તો લઈ લેવામાં આવતી. અર્વાચીનકાળમાં મફતમાં મળતી ડાયરી કે મફતમાં મળતાં કૅલેન્ડરની ગુણવત્તા અંગે પ્રગટ રીતે તો નહિ, પણ સ્વગત રીતે પણ પ્રશ્ન ન ઉઠાવશો. મફતમાં મળતાં ડાયરી અને કૅલેન્ડરની ગુણવત્તા ચકાસણીનો વિષય નથી એ યાદ રાખજો.

અગાઉ શાક ખરીદતી વખતે કોથમીર, મરચાં, આદુ મફતમાં મળતાં. અત્યારે પણ કોઈ ને કોઈ ચીજ ખરીદતી વખતે કોઈ ને કોઈ ચીજ મફતમાં મળે છે. સત્યયુગના પુનરાગમનની આ એંધાણી છે. જીવનજરૂરિયાતની ચીજો ખરીદતી વખતે સાથે મફતમાં મળતી ચીજથી પ્રાપ્ત થતો આનંદ ગુમાવશો નહિ. મૂળ ચીજ ઉત્તમ ગુણવત્તાવાળી હોય, પછી એની સાથે કશું મફતમાં મળતું ન હોય તો મૂળ ચીજની ઉત્તમ ગુણવત્તાથી લોભાશો નહિ. મૂળ ચીજની સાથે મફતમાં મળતી ચીજ નબળી ગુણવત્તવાળી હોય તો પણ – અરે મૂળ ચીજ પણ નબળી ગુણવત્તવાળી હોય તો પણ – એની સાથે કશુંક મફતમાં મળતું હોય તો એ ચીજ અવશ્ય ખરીદજો. ધારો કે તમે કોઈ ટૂથપેસ્ટ ખરીદો છો અને એની સાથે બે ટૂથબ્રશ મફતમાં મળે છે તો એ ટુથપેસ્ટ અવશ્ય ખરીદવી. તમને મફતમાં મળેલાં ટુથબ્રશથી તમારાં પેઢાં છોલાય કે પેઢામાંથી લોહી નીકળે તો તેથી સહેજે વિચલિત થશો નહિ. ભગવાને લોહી સાવ મફતમાં આપ્યું છે. મફતના ટૂથબ્રશથી મફતનું લોહી નીકળે એમાં પૂરું ઔચિત્ય છે. એ જ રીતે વૉશિંગ પાઉડર ખરીદતી વખતે સાબુની ગોટી મફતમાં મળતી હોય કે છાપું ખરીદતી વખતે રસોઈના મસાલા, પાણીની ડોલ, કે કાચના ગ્લાસ મફતમાં મળતાં હોય તો તમને વાંચતાં-લખતાં આવડતું ન હોય તોયે છાપું ખરીદવું. સામાન્ય રીતે તમે એક છાપું ખરીદતાં હો છો, પણ મફતમાં મળતી ચીજો માટે વધારે છાપાં ખરીદવાં પડે તો પણ અવશ્ય ખરીદજો. અલબત્ત, છાપાંની કૂપન કાપતી વખતે આંગળી પર કાતરનો ઘસરકો ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. આ માટે બને ત્યાં સુધી મફતમાં મળેલી કાતર ન વાપરવી. કૂપન ચોડવા માટેનો ગુંદર પણ મફતમાં મળેલો ન હોય તો સારું. કારણ કે એકાદ કૂપન પણ ઊખડીને ખોવાઈ જશે તો ઘણા મોટા આઘાતનો સામનો કરવાનો વખત આવશે. છાપાંની કૂપનના બદલામાં મફતમાં મળતી ચીજ મેળવવા માટે તમારે લાંબી લાઈનમાં ઊભાં રહેવું પડે તો તેથી થાકશો નહિ. સંકોચ તો બિલકુલ અનુભવશો નહિ. તમારાં જેવા અનેક મહાનુભાવો અને મહાનુભાવિકાઓ લાઈનમાં તમારી આગળ-પાછળ ઊભાં હશે !

તમને કશુંક ને કશુંક વ્યસન હશે. વ્યસન હોવું એ સારી વાત છે, પણ વ્યસનનું દ્રવ્ય ખર્ચવું પડે એ સારી વાત ન ગણાય. માટે જેનું વ્યસન હોય તે ચીજ મફતમાં મળે ત્યાં સુધી તમારે એના પૈસા ન ખર્ચવા. ઘેર તમે ભલે ચા ન પીતા હો, પણ બીજાંઓને ત્યાં જાઓ ત્યારે અચૂક પીઓ – બને તો બે પ્યાલા પીઓ. બીડી પીનારાઓ બીજાઓ પાસે બીડી માગતાં અચકાતા નથી. પણ સિગારેટ પીનારાઓ તેમ કરતાં અચકાય છે. ગમે ત્યાં ગમે ત્યારે સહધર્મી પાસે સિગારેટ માગતાં અચકાઓ નહિ. હું પૈસા ખર્ચીને સિગારેટ નહિ પીઉં, પણ કોઈ પાશે તો જરૂર પીશ; કોઈ સામેથી નહિ પાય તો એને પાવાની પ્રેરણા આપીશ – આવો સંકલ્પ તમે કરજો. આનાથી તમારા પૈસા તો બચશે જ, પણ આરોગ્યને ખાસ નુકશાન નહિ થાય એટલે ડૉકટરના પૈસા પણ બચશે. પાન તમારા પૈસે ન ખાતા હો તો ન ખાવ, પણ કોઈ પાન ખવરાવે ત્યારે સહેજે આનાકાની ન કરશો. મફતના પાનથી મુખમાં જે રસ ઉત્પન્ન થાય છે તે અદ્દભૂત અને અદ્વિતીય હોય છે.

યાદ રાખો : મફતનો આનંદ બ્રહ્માનંદ સહોદર છે. પરમ યોગીઓ બ્રહ્મપ્રાપ્તિનો જે આનંદ માણે છે એવો જ અદ્દભૂત આનંદ મફતિયાઓ મફતમાંથી મેળવે છે.

Advertisements

6 responses to “મફત – રતિલાલ બોરીસાગર

 1. અમિત પિસાવાડિયા

  વ્યંગ અને હાસ્ય સભર લેખ વાંચી ને મજા આવી ગઇ. 🙂

 2. ઉપરોક્ત લેખ મારફતે લાલચ અને હલકી વૃત્તિનું
  પ્રદર્શન નથી પરંતુ આપણી સાહજિક જીવનની
  વિચિત્ર પ્રકૃતિનું આદર્શ દર્શન છે.લેખકે હળવું
  હાસ્ય ઉત્પન્ન કરી સારું મનોરંજન પૂરું પાડ્યું છે.
  આભાર !

 3. Sukshma hasyaras nu khoobaj sundar niroopan karayeli katakshika ghanu kahi gai…

 4. Bueatiful Artical. Maja Aavigai.

 5. પિંગબેક: ‘જ્ઞ’ થી ‘ક’ સુધી - રતિલાલ બોરીસાગર | pustak