માણસને મૂંઝવતો સવાલ – ભૂપત વડોદરિયા

એક માણસને અમુક સમયે અમુક શહેરમાં અચૂક પહોંચી જવું છે. આ માણસ સમયસર તૈયાર થઈને ટ્રેનના મુકરર સમય કરતાં અડધો કલાક વહેલો સ્ટેશન પર હાજર થઈ ગયો છે. બીજો એક માણસ જે આ ટ્રેન પકડવા માગે છે તે હજુ પોતાના ઘરેથી સ્ટેશન પર આવવા માટે રવાના થયો નથી. રવાના થઈને તે હજુ રસ્તામાં જ છે ત્યારે તેની ઘડિયાળનો કાંટો કહે છે કે ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગઈ હોવી જોઈએ અને ગાડી દસ મિનિટ થોભવાની એટલે તે ટ્રેન પકડી નહીં શકે. સ્ટેશન પર જે માણસ વહેલો આવ્યો છે તેને ટ્રેન મળી ગઈ છે અને ટ્રેન જો સમયસર ઊપડે અને સમયસર અમુક સ્ટેશને પહોંચાડે તો તેનું કામ થઈ જાય તેમ છે. બીજો માણસ હજુ સ્ટેશન પર પહોંચ્યો નથી તેને માટે પણ ટ્રેન પકડવાનું ખૂબ જરૂરી છે, પણ જો ટ્રેન મોડી હોય તો જ તેને મળે ! પહેલો માણસ ઈચ્છે કે ટ્રેન સમયસર હોય અને સમયસર જ આગળના સ્ટેશને પહોંચે. બીજો માણસ ઈચ્છે કે ટ્રેન જો આજે અડધો કલાક મોડી પડે તો પોતાનું કામ થઈ જાય !

આ બે માણસોમાં કોની ઈચ્છા વધુ વાજબી કે સહાનુભૂતિને પાત્ર ગણવી તે સવાલ નથી – સંભવ છે કે આપણે ગાડી સમયસર જ દોડે એવું ઈચ્છનારના પક્ષે હોઈએ ! પણ બે માણસો પોતપોતાનાં કારણોસર જ એકબીજાથી તદ્દન ઊલટું જ ઈચ્છી રહ્યા હોય તેવું બને છે. માણસો બે જ નથી. અસંખ્ય છે અને આવા અસંખ્ય માણસોની ગણતરીઓ પોતપોતાની તત્કાલીન ઈચ્છાઓ પર આધારિત હોય છે. માણસની ગણતરી સો ટકા પાકી હોય અને છતાં તે ખોટી પડે તેવું બને છે, ત્યારે તે હતાશ થાય છે. કેટલું કાળજીપૂર્વક અને વિગતવાર ગણિત પોતે ગણ્યું હતું ! પણ ટ્રાફિક, રેલવે – કોણ જાણે કોણ મારી વિરુદ્ધ કાવતરાં કરે છે ! બધી જ ગણતરી ખોટી પડી ! જેણે બિલકુલ ગણતરી કરી જ ના હોય તેને અકસ્માત અનુકૂળ ઘાટ સાંપડે છે અને તે ખુશખુશ થઈ જાય છે ! છેલ્લી ઘડીએ દોડ્યો હતો, પણ ગાડી મળી અને બેઠક પણ મળી ગઈ !

માણસોની અમુક ગણતરીપૂર્વકની ઈચ્છાઓ અને ગણતરી વગરની જ ઈચ્છાઓનું એક દ્વંદ્વ ચાલ્યા કરે છે. માણસને થાય છે કે ગણતરીઓ સાચી પડતી જ નથી. પછી ગણતરીઓ કરવાનો અર્થ શો ? ગણતરીઓ મુદ્દલ નહીં કરવા છતાં જે દોડે છે તે જ્યારે ફાવતો નથી ત્યારે વિચાર કરે છે ગણતરી મુદ્દલ નહીં કરવાનો અર્થ શો ? બરાબર ગણતરી તો કરવી જ જોઈએ.

ઘણાબધા માણસો મૂંઝવણ અનુભવે છે : ગણતરી કરવી કે ના કરવી ? કોઈ ચોક્કસ સમયપત્રક બનાવવું કે ના બનાવવું ? ગણતરી કરીને જે ફાવે તે કહે છે કે માણસે બરાબર ગણતરી કરવી જ જોઈએ. જે જિંદગીનો દાખલો બરાબર ગણિતના આધારે ગણશે તે સુખી થશે ! જેને ગણતરી ફાવતી નથી તે કહે છે કે ગણતરી કરવાનો કોઈ અર્થ જ નથી ! જીવનમાં ધારેલું બને છે તેના કરતાં અણધારેલું એટલું બધું બને છે કે નહીં ધારવું તે જ વધુ સારું છે ! સવાલ અત્યંત સતાવે છે : ગણતરીપૂર્વક જીવવું કે આડેધડ જીવવું ? આ સવાલનો જવાબ શો ? તેનો જે કંઈ જવાબ આપણે આપીશું તેના સમર્થનમાં અને વિરોધમાં જોઈએ તેટલી દલીલો અને દષ્ટાંતો આપી શકાશે.

એક બીજા જ સંદર્ભમાં જર્મન મહાકવિ ગેટેએ એક વાત કહી છે. કાર્લ માર્કસ એ વાક્ય વારંવાર ટાંકતા હતા. ગેટેએ કહ્યું છે, ‘સિદ્ધાંતનો રંગ ભૂખરો છે, પણ જિંદગીના વૃક્ષનો રંગ લીલો છે.’ (થિયરી ઈઝ ગ્રે બટ ગ્રીન ઈઝ ધી ટ્રી ઑફ લાઈફ) ભૂખરો રંગ શાણપણનો છે. બધા જ સિદ્ધાંત, ગણિતો, ગણતરીઓ બુદ્ધિસભર અને શાણપણભર્યાં હોય છે, પણ જિંદગીની વેલ તો લીલીછમ છે અને જિંદગીના વૃક્ષ કે વેલ ઉપર નવી નવી કૂંપળો, કંઈ કંઈ નવીન ફૂલ આવ્યા જ કરે છે ! સમજવાનો મુદ્દો એ છે કે જીવન પોતે જ એક આશ્ચર્ય છે અને તે અસંખ્ય આશ્ચર્યોનું બનેલું છે. મહાકવિ કાલિદાસ કહે છે કે મૃત્યુ હકીકત છે, જ્યારે જીવન એક ચમત્કાર છે ! ચમત્કાર કરવાની જિંદગીની શક્તિ પાસે માથું નમાવવું જ પડે. માણસ માણસ શું કામ, એક પ્રાણી પણ કેટલીક ગણતરી કરે છે. જિંદગીની ગણતરી તેના પાયામાં જ ક્યાંક ગૂઢ રીતે ગોઠવાયેલી છે. જંગલમાં એક પ્રાણી ખોરાક કે પાણીની શોધમાં કેટકેટલી ગણતરી કરીને પગ ઉપાડે છે. ભલે તે બુદ્ધિની કસરત નથી હોતી, અંતરની પ્રેરણા હોય છે, પણ ‘મને હૈયામાં ઊંડે ઊંડે એમ થાય છે’ એવું કહીએ તે પણ એક ગણતરીનો ઉદ્દગાર છે. આ પણ એક અડસટ્ટો છે. માણસે કંઈ ને કંઈ ગણતરી કરવી પડે છે – રીતસર ગણિત ગણવા બેસી જવાની વાત નથી, પણ મનમાં ગણતરીની કોઈક કળ ચાલ્યા કરે છે તેની વાત છે. માણસ ગણતરી ટાળી શકતો નથી. મુશ્કેલી ત્યારે જ ઊભી થાય છે, જ્યારે તે માત્ર પોતાની જ ગણતરીને સર્વોપરી ગણવાની ભૂલ કરે છે. તમારા પોતાના જીવન માટે પણ તમારી એકલાની ગણતરી ચાલતી નથી. તમે માનો છો કે જીવન મારું છે પછી મારા વિષે બીજા કોઈની ગણતરીની બાબત વચ્ચે આવે જ ક્યાંથી ? આપણે અનુભવે જાણીએ છીએ કે આપણી સાથે કશી જ નિસ્બત નહીં ધરાવતી બાબતો આપણી ગણતરીને વેરવિખેર કરી નાખે છે. તમે ખુશીથી છલકાતા હૈયે દીકરાનો વરઘોડો લઈને નીકળ્યા છો અને એક મહત્વના વળાંક પર સામે કોઈકની સ્મશાનયાત્રા આવી રહી છે ! તમે અકળાઈને મનમાં ને મનમાં બોલી ઊઠો છો કે અત્યારે જ આ લોકોને સ્મશાનયાત્રા કાઢવાનું સૂઝ્યું ! તમે એમ પણ કહી શકો કે આ માણસને આજે જ કેમ મરવાનું સૂઝ્યું હશે ? લાગણીઓ જ્યારે જરાક ઠરીઠામ થશે ત્યારે તમને થશે કે બિચારા એ માણસને ખબર પણ નહીં હોય કે આજે એને જવાનું છે ! ગણતરી કરીએ તેમાં કંઈ ખોટું નથી – તમે નક્કી નહીં હોય તો પણ આપોઆપ તમારી અંદર ગણતરીનું એક યંત્ર ચાલ્યા જ કરવાનું ! એટલે ગણતરી કરીએ કે ના કરીએ, આપણાથી ગણતરી થઈ જાય છે તે હકીકત છે ! મુશ્કેલી ત્યાં જ છે કે આપણે માત્ર આપણી જ ગણતરીઓને આખરી અને હુકમનામા જેવી ગણી લઈએ છીએ ! શ્વાસ લીધા વિના કોઈ જીવી શકતું નથી. શ્વાસ રૂંધાય નહીં અને બરાબર શ્વાસ લઈ શકાય તેટલી કાળજી રાખવી પણ પડે પણ શ્વાસ ગણીગણીને લઈ શકાય નહીં અને શ્વાસ ગણવા બેસીએ તો જીવવાનું અઘરું પડે ! ગણતરીનું પણ એમ જ સમજવું. ગણતરી કર્યા વગર ચાલે નહીં, પણ જીવનના ભોગે ગણતરીમાં ગૂંથાઈ જવાનું પાલવે નહીં. જેમ શ્વાસ લઈએ છીએ, પ્રાણવાયું અંદર ખેંચી લઈએ છીએ અને છોડી દઈએ છીએ તેવી જ રીતે ગણતરી કરવી અને છોડી દેવી ! જિંદગીની ચાલ અને તાલ પ્રમાણે ગણતરીને ફેરવ્યા કરીએ, પણ માત્ર ગણતરીના ચોકઠામાં જિંદગીનો દમ ઘૂંટવાની કોશિશ ન જ કરીએ !

‘ગ્લાસબીડ ગેમ’ નવલકથા માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર અને સિદ્ધાર્થના લેખક તરીકે ભારતમાં ઠીક અંશે જાણીતા હરમાન હેસે પોતાની જિંદગીમાં ઘણી ચડતી-પડતી જોઈ હતી. કીર્તિ પણ ખૂબ મળી, અપકીર્તિ પણ ઘણી મળી. તેમણે કહ્યું છે : ‘ગણતરીઓ ઘણી કરી હતી. કેટલીક સાચી પડી. ઘણીબધી ખોટી પડી. બધી જ ગણતરીઓ સાચી પડી હોત તો ? કલ્પના કરતાં પણ અકળામણ થાય છે ! મારું જીવન કેવું હોત ! ઈચ્છાઓ અને ગણતરીઓનો ચરખો મનમાં ચાલ્યા જ કરે છે. સારું છે કે આમાંથી ઘણીખરી ઈચ્છાઓ અને ઘારણાઓ ફળીભૂત નથી થતી ! નાનો હતો ત્યારે ક્યારેક રેલવે એન્જિનના ડ્રાઈવર થવાની પ્રબળ ઈચ્છા થતી !

આવી કેટલીક ઈચ્છાઓ આવી ને ગઈ ! કોઈને કદી ખબર નથી હોતી કે તેની ઈચ્છા અને કઈ ગણતરી તેના હિતમાં છે અને કઈ નથી ! બધી જ ઈચ્છાઓ કે ગણતરીઓ પાર પડે તો તમારું અભિમાન સંતોષાય ! તમારો અહંકાર હર્ષથી ગર્જના કરી ઊઠે ! પણ કદાચ એ સિવાય તમને બીજું કંઈ જ પ્રાપ્ત ના થાય ! એવું બને કે તમારી ઘણીબધી ઈચ્છાઓ અને ગણતરીઓ ખોટી પડે, તમારા અભિમાનના ટુકડેટુકડા થઈ જાય, પણ તમને ઘણુંબધું પ્રાપ્ત થાય અને તમે ઈશ્વરનો પાડ માનો કે માર અહંકાર અને ડહાપણ ઉપર તમે તમારો ચઢિયાતો ચુકાદો ફરમાવીને સારું કર્યું !

હું એવું માનતો હતો કે મારું શ્રેષ્ઠ હિત હું જ જાણું છું અને સમજું છું ! પણ મારા સહિતના મોટાભાગના માણસોનો આ ભ્રમ હોય છે કે તેઓ જ તેમના હિતના પરમ રક્ષક છે ! હકીકત એ છે કે માણસમાં પોતાનું શ્રેષ્ઠ હિત સિદ્ધ કરવાની શક્તિ હોય તો પણ તે કદાચ વાપરી શકત નહીં, કેમ કે તેનું સાચું હિત શું છે તેની જ પૂરી સમજ તેને હોતી નથી.

એટલે જ્યારે જ્યારે ઈચ્છાઓ અને ગણતરીઓની ભુલભુલામણીમાં અટવાઈ જઈએ કે કોઈ ઈચ્છા ગણતરી ખોટી પડતાં નિરાશ થઈ જઈએ ત્યારે એટલું યાદ રાખીએ કે આપણા હિતની ચિંતાના સંપૂર્ણ અધિકારો પણ આપણા એકલાના નથી !

Advertisements

3 responses to “માણસને મૂંઝવતો સવાલ – ભૂપત વડોદરિયા

  1. ખરેખર સુંદર અને વિચાર કરતા કરી મૂકે તેવો લેખ. ભૂપતભાઇના દરેક લેખમાં કોઇ નવો જ વિચાર જાણવા મળે છે.

  2. very touchy article.this dose happen in my life.