દિલનો રંગ – નાનાભાઈ ભટ્ટ

સાંજનો વખત હતો. સૂર્યનારાયણે પોતાની ઉગ્રતા સંકેલવા માંડી હતી. પંખીઓ બધાં પોતપોતાના માળાઓ તરફ પાછાં ફરતાં હતાં. સંધ્યાએ હજી આકાશમાં પોતાના સાથિયા આદર્યા ન હતા, એવે વખતે દિલ્હીના સરિયામ રસ્તા પર એક જુવાન આદમી ચાલ્યો જતો હતો.

આદમીની ઉંમર બાવીસેક વર્ષની હશે. તેના શરીર પર સાદાં પણ સ્વચ્છ કપડાં હતાં અને માથા પર બદામી રંગનો સાફો હતો. આ જુવાનનું મોં, તેના શરીર પરનાં કપડાં અને તેના માથા પરનો સાફો એકબીજાની સાથે એવાં તો મેળ ખાતાં હતાં કે ન પૂછો વાત ! મોંને લીધે કપડાં તથા સાફો શોભતાં હતાં, કપડાંને લીધે મોંને સાફો શોભતાં હતાં કે સાફાને લીધે મોં તેમ જ કપડાં શોભતાં હતાં તે કહેવું ભારે કઠિન હતું.

જુવાન હાથમાં સોટી હલાવતો ચાલ્યો જતો હતો. ત્યાં ઝરૂખામાંથી બાદશાહની નજર તેના પર પડી – થંભી ગઈ ! આવો સરસ આદમી ! આવો સરસ એનો સાફો ! શો છે એનો રંગ !
‘કાસમ !’ બાદશાહે કહ્યું.
‘જી.’
‘પેલા સાફાવાળા જુવાનને બોલાવ.’ બાદશાહે હુકમ કર્યો. ‘હું દિલ્હીનો બાદશાહ છું, આખી આલમમાં જે સારામાં સારી વસ્તુ હોય તે બાદશાહની પાસે એની મેળે ખેંચાઈને આવે છે. પણ આ સાફાએ તો હદ કરી ! કેવો સરસ એનો રંગ છે ! મેં આજ સુધી અનેક સાફાઓ બાંધ્યા છે પણ આવો રંગ મેં કોઈ દી જોયો નથી. એને પૂછું તો ખરો કે એ સાફો કોણે રંગ્યો છે ?’

દરમિયાન કાસમ તો પેલા આદમીને બોલાવી લાવ્યો ને જણાવ્યું, ‘બાદશાહ સલામત, આદમી હાજર છે. આપનો હુકમ હોય તો હાજર કરું.’
‘અરે હુકમ તો છે જ ના.’
‘જહાંપનાહ !’ આદમી આવીને સલામ કરીને ઊભો રહ્યો.
‘જુવાન’ બાદશાહ બોલ્યો, ‘તારો આ સાફો કોણે રંગ્યો છે ?’
‘જહાંપનાહ’, જુવાન બોલ્યો, ‘અહીં ચાંદની ચોક પાસે એક રંગરેજ કામ કરનાર છોકરી રહે છે, તેણે આ સાફો રંગ્યો છે.’
‘તેનું નામ શું ?’
‘એનું નામ ફાતમા.’
‘એ આ જ ધંધો કરે છે ?’
‘હા, એ કાપડ રંગવાનો જ ધંધો કરે છે.’
‘ભલે જુવાન, તમે હવે જાઓ. કાસમ, તું આ બાઈને હમણાં જ બોલાવી લાવ અને મારા માટે આવો જ સાફો તેને રંગવા આપ. જોજે હો, રંગ બરાબર આવો જ ઊઠવો જોઈએ. એથી છાંટવા ચડિયાતો જો ન ઊઠે, તો હું એને ભારે સજા કરીશ.’ કહી બાદશાહ ચાલતા થયા.

કાસમે પેલી ફાતમાને બોલાવીને બાદશાહને માટે રંગવાના સાફાની વાત કરી. એ છોકરી બોલી, ‘કાસમભાઈ, તમે મને શરબતી મલમલનો તાકો લાવી દો. અને હું એને શરબતી રંગ કરી આપું, પછી શું ? મારે તો રંગવાનો ધંધો જ છે ના ?’

‘ફાતમા’, કાસમ બોલ્યો, ‘અમે નહિ. ઊંચામાં ઊંચો શરબતી મલમલ તું કહે તેવો હું લાવી આપું; પણ તારે સારામાં સારો રંગ કરી આપવાનો છે. જો પેલા જુવાનના જેવો રંગ ન થાય તો બાદશાહ કોપી ઊઠશે અને તને ભારે સજા કરશે. પછી હું ન જાણું !’ ‘કાસમભાઈ’, ફાતમા બોલી, ‘તમે મને જેમ ઊંચામાં ઊંચો મલમલ લાવી આપશો, તેમ જ હું પણ ઊંચામાં ઊંચો રંગ વાપરું, સારામાં સારો ઉકાળું, બીજી ચીજો પણ સારામાં સારી નાખું. પછી શું?’
‘પછી બસ !’ કાસમ બોલ્યો. ‘બાદશાહ તો માગે છે પેલા જુવાનના સાફા જેવો રંગ. તું એના કરતાં ચડિયાતો રંગ કરી આપ એટલે બસ.’
‘તો કાસમભાઈ, સાંભળો : મને બાદશાહની રૂબરૂ વાત કરવા દો. તમે સારામાં સારો મલમલ લાવો, હું સારામાં સારાં વસાણાં નાંખું અને છતાં બાદશાહ રાજી ન થાય તો શું કરવું ? માટે મને બાદશાહની રૂબરૂ જ નક્કી કરવા દો; એટલે તમને ય વાંધો નહિ અને મને ય વાંધો નહિ !’

કાસમ ફાતમાને બાદશાહની પાસે તેડી ગયો અને બધી હકીકત જણાવી. ‘ફાતમા’, બાદશાહે પૂછ્યું, ‘કાસમે કહ્યું તેવો રંગ તમે મારા સાફાને કરી દેશો કે ?’
‘જી, હા; મારે તો એ જ કામ છે ના ?’
‘પણ પછી રંગ બગડવો ન જોઈએ.’
‘શા માટે બગડે ?’
‘બગડવો ન જોઈએ એટલું જ નહિ, પણ એ જુવાનના સાફાના રંગ કરતાં મારા સાફાનો રંગ જરા ય ઊતરતો ન જોઈએ, બરાબર તેના જેવો જ.’
‘જહાંપનાહ, મારી વાત સાંભળવાની અરજ ગુજારું છું. આ કાસમભાઈ મને સારામાં સારો શરબતી મલમલ લાવી આપે અને હું તેના પર સારામાં સારો રંગ વાપરું; છતાં પણ એ સાફાના જેવો રંગ નહિ થાય.’
બાદશાહ ચમક્યો, ‘તો પણ નહિ થાય ? કારણ ?’
‘જહાંપનાહ, કારણ છે. એ સાફા પર બે રંગ ચડ્યા છે. એક આ પડીકાનો રંગ અને બીજો મારા દિલનો રંગ. હું એ જુવાનની સાથે પ્રેમમાં પડી છું. આપના મલમલ પર ઊંચામાં ઊંચો રંગ તો ચડશે પણ આપના સાફા પર મારા દિલનો રંગ નહિ ચડે; એટલી એમાં ઝાંખપ રહી જશે.’
બાદશાહ સાંભળી રહ્યો, અને ગણગણ્યો : ‘દિલનો રંગ.’

Advertisements

6 responses to “દિલનો રંગ – નાનાભાઈ ભટ્ટ

 1. એક્દમ સાચી વાત.

  આ નાનક્ડી વાર્તા માં શ્રીનાનાભાઇ ભટ્ટે પ્રેમનાં (કે દિલ નાં?!) રંગ વિશે ઘણું બધું કહી દીધું છે.

  આ વાર્તા ખરેખર પસંદ આવી.

  આભાર – નાનાભાઇ ભટ્ટનો તથા મૃગેશજીનો.

  અજય.

 2. bodhak varta chhe
  anukarn kadi mauliktani tole nahi aave.
  anukarn no rang baharno chhe
  mauliktano rang unterno chhe.
  premno rang pragat chhe…
  varta gami, nanabhai ane mrugeshno aabhar
  dilip

 3. વાહ ! સરસ વાર્તા છે.
  એકદમ સાચી વાત છે , પ્રેમ નો તો રંગ જ સૌથી નીરાળો છે.

 4. મધપૂડો પુસ્તક શીખવતી વેળા એક પાઠ
  ‘હૃદયનો રંગ’ હતો. ચિતારાએ તેના
  હૃદયમાં પીંછી ખોસીને ચિત્ર બનાવેલું,
  જે અજોડ બનેલું.આ વાત અનન્ય છે !
  સાનંદ નમસ્કાર !નાનાભાઈને અને
  ભાઈશ્રી મૃગેશભાઈને !

 5. This is so true…If you have love and/or respect for somebody, your work will show that automatically….

 6. વાહ..
  સરસ વાર્તા..