દિલતણો રાજા – દિલીપ ગજ્જર

[રીડગુજરાતીને આ ગઝલો મોકલવા બદલ શ્રી દિલીપભાઈ ગજ્જરનો (યુ.કે.) ખૂબ ખૂબ આભાર ]

શબ્દનાતો

ક્યાં કવિની નાતજાતો હોય છે
એક તેનો શબ્દનાતો હોય છે
એક તેનો એકડો જો ઘુંટિયો
તો પછી ક્યાં રક્તપાતો હોય છે
ભાવતાલોની કશી પરવા નથી
પ્રેમીઓની દીલની વાતો હોય છે
દુનિયા આખી ચહે જે ઢૂંઢવા
પામનારો ગીત ગાતો હોય છે
ના કશો ડર તૂટવાનો હોય તો
તે જ થઈ તારક ચમકતો હોય છે
દિલતણો રાજા ‘દિલીપ’ જે થૈ ગયો
વંશ માટે ક્યાં ભટકતો હોય છે

કલાકાર

કલાકારને બસ કલાકાર જાણે
વધુ કોણ તેની કલાને પિછાણે
ઘડી મૂર્તિ સુંદર પ્રભુદ્વાર લાગે
કો કામીને મન કામનાપૂર્તિ જાણે
સમજદાર શ્રોતાની દાદો જુદી છે
ગઝલ સારી ભીંતો કદી ના વખાણે
ન દૂર સમીપે આ ક્ષણમાં જુએ તે
નમીને ઝુકીને જીવનભેટ માણે
સદા સાથ દેશે સૃહદ સાથી તારો
સહુ દિલથી ભાષા ન જાણે અજાણે
પ્રસવ પીડાદાયક ખુશી અંતમાં છે
ગઝલપીડા ‘દિલીપ’ જે શાયર તે જાણે

Advertisements

3 responses to “દિલતણો રાજા – દિલીપ ગજ્જર

 1. બહુ જ સુંદર પંક્તિઓ છે. કવિની ક્યા નાત જાત હોય છે , તેની તો એક શબ્દજાત હોય છે. સરસ !!!
  શ્રી દિલિપભાઇ ને અભિનંદન.

 2. Really very good, a person living in the UK and expressing such good thoughts in own mothertongue is worth to appreciate.

 3. આવી રચનાઓ વાંચતાં વેંત જ કલાપી
  યાદ આવે !” કલા છે ભોજ્ય મીઠી તે
  ભોક્તા વિણ મળે નહીં:કલાવાન કલા
  સાથે,ભોક્તા વિણ ફળે નહીં”.ભાઈશ્રી
  દિલિપભાઈની ‘કલાકાર’ રચના સુંદર છે !