બે ટચુકડી કથાઓ – પં. ચન્દ્રશેખરવિજયજી

કોણ ચડે ? પુણ્ય કે પુરુષાર્થ ?

ન જાણે કેટલા સમયથી આ પ્રશ્ન ઉપર વાદ ચાલી રહ્યો છે. કોણ ચડે ? પુણ્ય કે પુરુષાર્થ ?
હા, ઘણા વિદ્વાનોએ પોતપોતાની રીતે તેના ઉત્તરો તો આપ્યા છે. સાચો ઉત્તર એ છે કે જો પુણ્યકર્મ નબળું હોય તો પુરુષાર્થ તેને હડસેલી દઈને જીત મેળવી શકે છે. પણ જો કર્મ જ બળવાન હોય તો ગમે તેવો પુરુષાર્થ કાંઈ કરી શકતો નથી. ડૉકટરોનો બચાવવા માટે સખત પુરુષાર્થ હોય છતાં જો દર્દી મરી જાય તો કર્મને ચડિઆતું કહેવું પડે, અન્યથા પુરુષાર્થ ને.

આ અંગે બે મિત્રો વચ્ચે વાદ ચાલ્યો. વાદમાંથી ઝગડો થતાં તે વિવાદ બની ગયો. બન્ને પોતપોતાની માન્યતામાં ખૂબ દઢ રહ્યા. પોતાની માન્યતાને પુષ્ટ તેવી દલીલો અને તેવા દષ્ટાંતો તેઓ સદા શોધતા રહ્યા અને સામાનાં માથે મારતા રહ્યા.

એક વાર ફરતાં ફરતાં એ બે મિત્રો જંગલમાં દૂર સુધી નીકળી ગયા. બન્ને ખૂબ થાક્યા હતા. ભૂખ પણ સખત લાગી હતી. કોઈ ધર્મશાળાની શોધમાં હતા ત્યાં જ એક મકાન દેખાયું. જે ધર્મશાળા હતી. વટેમાર્ગુઓ વિસામો લેવા ત્યાં રોકાતા. ધર્મશાળાના મુનીમનું ઘર મેડા ઉપર હતું. પણ કોઈ કામે તે સપરિવાર ત્યાંથી નીકળી ગયો હતો.

બે મિત્રો ધર્મશાળામાં ગયા. એક રૂમમાં પડેલા ગોદડાં લઈને સૂતા. જે પુણ્યવાદી મિત્ર હતો, તે પડતાંની સાથે ઊંધી ગયો. તેના મનમાં તો સદા એક જ વાત રમતી હતી કે પુણ્યમાં હશે તો બધું સામેથી આવીને મળવાનું છે. પુણ્યમાં નહિ હોય તો લાખ પુરુષાર્થ કરો તો ય કશું ન મળે.

જે પુરુષાર્થવાદી હતો તેને ઊંઘ ન આવી. ભૂખ પણ અસહ્ય બની હતી. થોડી વાર પડખાં ઘસીને – છેવટે તે ઊઠ્યો. ધર્મશાળાના રૂમોમાં ગયો. જે યાત્રિકો વિસામા માટે રોકાયા હતા તેમને મળ્યો. વાત કરતાં તેને ખ્યાલ આવી ગયો હતો કે કોઈ પાસે કશું નથી. જે હતું તે તેમણે ખાઈ લીધું છે. ડબ્બો તળીયાઝાટક છે.

પણ તોય તે હિંમત હાર્યો નહિ, કેમ કે તે પુરુષાર્થવાદી હતો. તે મેડા ઉપર ગયો. મુનીમે રૂમને તાળું માર્યું હતું, પણ આ તો પુરુષાર્થવાદી હતો એટલે તેણે તાળું જોરથી હલાવ્યું તો તે ‘ફટાક’ કરતું ખુલી ગયું. તે રૂમમાં પેઠો. રસોડામાં ગયો. બધું ખાલીખમ…. બધા ડબ્બા ખોલી નાંખ્યા. કશું તૈયાર ખાવાનું ન મળે. પણ તોયે નિરાશ ન થયો ને રસોડાના માળીએ ચડ્યો. ત્યાં અંધારું હતું. વીંછી વગેરે હોવાની પૂરી શક્યતા હતી પણ તેથી તે ડર્યો નહિ. તેણે બધે હાથ ફેરવ્યો તો એક ડબ્બો તેના હાથ સાથે અથડાયો. માળીએથી ડબ્બો નીચે લાવ્યો. અંદર જોતાં જ તેણે આનંદની ચીચીઆરીઓ પાડી…
‘પુરુષાર્થનો જય થયો છે. પુરુષાર્થનો જય થયો છે.’
ડબ્બામાં સુગંધિત પેંડા હતા. ગણ્યા તો પૂરા ચોવીસ નીકળ્યા. સખત ભૂખને લીધે તે પુરુષાર્થવાદી ત્યાં જ પેંડા ખાવા લાગ્યો. બાર પેંડા તો એક જ ધડાકે ઝાપટી ગયો. પેટ ભરાઈ ગયું.

બાકીના બાર પેંડા લઈને તે નીચેની રૂમમાં પુણ્યવાદી મિત્ર પાસે આવ્યો. એ નસકોરા બોલાવતો ઘસઘસાટ ઊંઘતો હતો. જાણે એને તો કારમી ભૂખની આગ શમાવવા માટે કશું જ કરવું ન હતું.

બે લાત મારીને મિત્રે તેને ઊઠાડ્યો. પેલો ખૂબ ધૂંધવાયો. ઊઠતાંની સાથે તેને મારવા દોડ્યો. પેલાએ કહ્યું, ‘તારામાં કાંઈ બુદ્ધિ છે ? જો કાયમ પુણ્યની તરફેણ કરે છે અને બધે બોલ બોલ કરે છે કે ‘નસીબ (પુણ્ય)માં હોય તો સામેથી આવીને બધું મળે. પણ તને કશું મળ્યું ? બસ….ઊંઘ્યા જ કર્યું. તેમાં શું મળે ? આજે મારા પુરુષાર્થવાદનો વિજય થયો છે. મેં સખત પુરુષાર્થ કર્યો તો પૂરા ચોવીસ પેંડા મને મળ્યા. બાર તો ઝાપટી પણ ગયો. લે, હવે તારા માટેના બાર પેંડા ખાઈ લે. આ ડબ્બામાં પડ્યા છે. અને પછી કોઈ દિ’ નસીબની તરફેણ કરતો નહીં. પુરુષાર્થની જ જય બોલાવજે.’

પેંડા ખાતાં ખાતાં ઠાવકા મોંએ પુણ્યવાદીએ કહ્યું, ‘મિત્ર ! ગુસ્સો કરતો નહિ. બાકી આમાં તો મારા પુણ્યવાદનો વિજય થઈ ગયો છે. તે કેટલો બધો પુરુષાર્થ કર્યો. મેં તો તેમાંનું કશું ન કર્યું. માત્ર ઘસઘસાટ ઊંઘતો રહ્યો અને છતાં મારું પુણ્ય જોર મારતું હતું એટલે સામેથી મને પેંડા મળ્યા. બોલો, નસીબની જય…..નસીબની જય.’

બિચારો પુરુષાર્થવાદી મિત્ર ! કાપો તો ય લોહી ન નીકળે એવો થીજી ગયો !

નીતિમાનોનો જયજયકાર

કેવો હલાહલ કલિકાલ આવ્યો છે કે ઘણા બધા લોકો પોતાના વ્યવસાયમાં કે નોકરીમાં પુષ્કળ અનીતિ કરે છે : ભ્રષ્ટાચાર કરે છે. કહે છે કે, ‘અનીતિ કર્યા વિના જીવાય જ નહિ. નીતિના દિવસો ગયા. નીતિ હવે ‘આઉટ ઓફ ડેઈટ’ બની ગઈ !’

ના…. આ વિધાન સાચું નથી. ટૂંકા ગાળે ભલે કદાચ અનીતિથી જીત થતી દેખાતી હશે; પરન્તુ લાંબા ગાળે નીતિની જ જીત થાય છે. હા. તેમાં કસોટી જરૂર થાય છે. પણ તેમાંથી જે પાર ઊતરે છે એનો આ ભવ અને પરભવ-બે ય-ઉજળાં થઈ જાય છે. સાંભળો એ અંગેની સત્ય ઘટના.

સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ. ત્યાં વીરાણી હાઈસ્કૂલ. ત્યાંથી રીક્ષા પસાર થતી હતી. રીક્ષામાં જદુભાઈ અને તેમનો દીકરો જયસુખ બેઠા હતા. બૅંકમાં પૈસા ભરવા માટે જઈ રહ્યા હતા. પાકીટમાં પૂરા ચાર હજાર અને અગિયાર રૂપિયા હતા. કોણ જાણે શી રીતે ? પણ એ પાકીટ જદુભાઈના હાથમાંથી સરકી ગયું. રીક્ષામાંથી જમીન ઉપર પડી ગયું.

બૅંકના સ્થળે પહોંચતા બાપ-દીકરાને બધી વાતનો ખ્યાલ આવ્યો. પણ હવે કરે ય શું ? શોધવા તો ગયા પણ ન જડ્યું. ભગવાન ભરોસે પ્રભુભક્ત જદુભાઈએ બધી વાત છોડી દીધી. ઘરે આવીને નિરાંતે ઊંઘી ગયા. પણ દીકરો જયસુખ તો અત્યન્ત બેચેન બની ગયો. નાનકડી દુકાન ચલાવતાં વેપારીને તો આટલી ખોટ હાડ બંધ કરી દે. બીજે દિ’ સવારે ઘરમાં આવીને પડેલું દૈનિક ફુલછાબ-નિત્યક્રમ પ્રમાણે ચા પીતાં પીતાં જયસુખ વાંચતો હતો. ત્યાં તેણે એકદમ રાડ પાડી; ખુરશીમાંથી ઊભો થઈ ગયો. બેસીને દાતણ કરતાં બાપુજી પાસે દોડી ગયો. તેણે કહ્યું, ‘બાપુજી ! લો આ વાંચો. આપણું પાકીટ જડી ગયું છે.’

બાપુજીએ ચશ્મા ચડાવીને વાંચ્યું. તેમાં લખ્યું હતું કે ‘વીરાણી હાઈસ્કુલ પાસેથી એક પાકીટ જડ્યું છે. લેનાર માણસ ફુલછાબ કાર્યાલયે દઈ ગયો છે. ખાતરી આપીને લઈ જવું.’ બાપ-દીકરો સમયસર ફુલછાબ કાર્યાલયે પહોંચી ગયા. કેવું પાકીટ ! કેવો રંગ ! કેટલી રકમ ! વગેરે સવાલો ધડાધડ પુછાયા. પ્રત્યેક જવાબ સાચો નીકળ્યો. 4011 રૂ. ની વાત પણ સાચી નીકળી. પાકીટમાં પૂરા 4011 રૂ. જેમના તેમ પડેલા હતા.

જદુભાઈએ ઈશ્વરનો આભાર માનીને પાકીટ લીધું. જે ભગવાનનો માણસ આ પાકીટ કાર્યાલયે દઈ ગયો હતો તેનું સરનામું કાર્યાલયેથી મેળવ્યું. રાજકોટ શહેરથી બહાર આવેલી ગંદી ગોબરી ઝૂંપડપટ્ટીમાં આ ભગવાનનો આદમી રહેતો હતો. બાપ-દીકરો ત્યાં પહોંચી ગયા. સાવ ગરીબ કુટુંબ. છોકરાનું નામ ભાવેશ લીંબડીઆ હતું. તેની સાથે વાત કરી. તેને જદુભાઈએ પૂછ્યું, ‘તને આ રકમ હજમ કરી દેવાની ઈચ્છા કેમ ન થઈ ?’

જવાબ મળ્યો કે – બાપુજીએ નાનપણમાં જ પાઠ શીખવ્યો હતો કે ઝેર ખાઈને જીવન ટૂંકાવી દેવું સારું પણ હરામનું ધન મેળવીને જીવવું કદી સારું નહિ. ભાઈ ! એક મિનિટ માટે તો હું આટલી બધી સંપત્તિ જોઈને લલચાઈ ગયો. આમાંથી તો મારું ખોરડું સુંદર રીતે તૈયાર થઈ જાય તેમ હતું. વરસાદની ઋતુમાં અમારું ઘર પાણીથી ભરાઈ જાય છે. આ બધું દુ:ખ મટી જાત. પણ મારા સ્વર્ગસ્થ બાપુજીનું મોં મને દેખાવા લાગ્યું. તે કહેતા, ‘બેટા ભાવેશ ! તારા બાપની આબરૂને કલંક લગાડીશ નહિ. તારી બા જાણશે તો ધ્રુસકે ધ્રુસકે રડશે.’

જદુભાઈ અને જયસુખ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. બહારનો આ ગરીબ અંદરનો અમીર દેખાયો. જદુભાઈએ એને મનોમન વંદના કરી. બંન્ને ઝૂપડાંમાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળતાંની સાથે દીકરા જયસુખે બાપાને કહ્યું : ‘અરે ! તમે તેને બસો, ત્રણસો રૂ જેટલી બક્ષિસ પણ ન આપી ? બાપુજી ! આ સારું ન કહેવાય !’

જદુભાઈએ કહ્યું, ‘બેટા ! આટલામાં આપણે ઋણમુક્ત થવું નથી. ક્યારેક એ મોટી મુશ્કેલીમાં આવશે ત્યારે આપણે એને મોટો ટેકો કરી દઈશું.

પણ ત્રણ વર્ષ વીતી ગયા. ભારે સ્વમાની ભાવેશ ક્યારે પણ જદુભાઈને ઘેર ગયો નહિ. આ બાજુ જયસુખને પોતાની ફૅકટરીમાં કલાર્કની જરૂર પડી. તેણે ફૂલછાબમાં તે અંગેની જાહેરાત આપી. લગભગ બસો જેટલા ગ્રેજ્યુએટોની અરજીનો ઢગલો થઈ ગયો. તેમાં ભાવેશ લીંબડીઆની અરજી હતી. ના, તે ગ્રેજ્યુએટ ન હતો.

બાપાએ તેની અરજી મંજૂર કરવા માટે દીકરાને કહ્યું. બાપાએ કહ્યું, ‘ભલે ને ડિગ્રીધારી ન હતો પણ તેની નીતિમત્તા એ કેટલી મોટી ડિગ્રી છે ? આપણે એને જ કલાર્ક તરીકે લઈ લો. ઓલા ઋણમાંથી મુકત થવાની આ સરસ તક છે.’ બીજા દિવસથી ભાવેશ કલાર્કની પોસ્ટ ઉપર ગોઠવાયો. સખત મહેનત, ઉત્કૃષ્ટ પ્રામાણિકતા, સંપૂર્ણ વફાદારી વગેરે દ્વારા ભાવેશે જયસુખની ફૅકટરીને પ્રથમ હરોળમાં મૂકી દીધી.

જયસુખ માલામાલ થઈ ગયો. તેણે બીજી ખૂબ મોટી ફૅકટરી નાંખી. તેમાં મૅનેજરની જરૂર પડી. તેને તે માટે ફુલછાબમાં અરજી આપવાની તૈયારી કરતો જાણીને બાપાએ કહ્યું, ‘બેટા ! ભાવેશ કરતાં બીજો કોણ વધુ સારો મૅનેજર થવાને લાયક છે ? ભલે એ ‘ઈન્ટર’ થયો હોય પણ ગ્રેજ્યુએટ માણસોની બુદ્ધિમાં કાળના શાપે વ્યાપેલી ભ્રષ્ટતાથી તો આ સર્વથા પર છે. દીકરા ! આને જ ‘મૅનેજર’ બનાવ. આપણે ઓલા 4011 રૂ. ના ઋણમાંથી ચક્રવર્તી વ્યાજ સાથે મુકત થઈશું.’

દીકરાએ પિતાની આજ્ઞા શિરસાવંદ્ય કરી.

અઢળક પાપોથી ખદબદી ઊઠેલી ધરતી આવા બત્રીસ લક્ષણાઓનો પણ ભેગાભેગો ભોગ લેવાઈ જાય એ કારણથી એવાઓના પુણ્યબળથી જ કંપતી નથી. લાખો પાપીઓને પોતાના પેટમાં ગરકાવ કરી દેતી અટકી ગઈ છે !

Advertisements

4 responses to “બે ટચુકડી કથાઓ – પં. ચન્દ્રશેખરવિજયજી

 1. koba pase baadako maate TAPOVAN chalaavta Maharaj Saheb Chandrasekharvijayji maharaj mara maate sadaai prerna murti bani rahya chhe.
  mane temna lekh ane pravachano khoob priya naanpan thi.aaje atla durr besi ne maharaj saheb na 2 sundar lekh vanchi ne dhanya banyo.
  Mrugeshbhai, tamaaro aabhar maanu tetlo ochchho chhe.

  Jai Jinendra,
  Mital

 2. khubaj saras che
  atlu saras lakhva badal lekhak shri no ne mrugeshbhai no aabhar.. ne a sundar lekh bahu badhu kahee jaay che ne aamthi ghanu badhu zindagi ma utarva j vu che…

  jay dwarkadhish….

 3. both stories are very nice…specially the first one.
  Ami

 4. આમાં પ્રથમ વાતમાં સુદામાના તાંદુલની જેમ
  ક્ષુધાતૃપ્તિ અર્થે ચૌર્યવિદ્યાનો ઉપયોગ થયો !
  નિતીમત્તાને ભોગે પુરુષાર્થની જીત થઈ.
  બીજી વાતમાં આદર્શ પ્રામાણિકતા છે.
  સચ્ચાઇનો સુંદર રણકો છે !નમસ્કાર !