પ્રેમની જીત – બાળવાર્તા

crow

[ ‘ચાંદામામા’ મેગેઝીનમાંથી સાભાર ]

પ્રાચીન કાળમાં કાશી રાજ્ય પર રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરતો હતો. એને સો પુત્રો હતા. તેમાં સહુથી નાનો પુત્ર સંવર હતો. રાજાએ સંવર સિવાય અન્ય પુત્રોને ગુરૂ પાસે વિદ્યાભ્યાસ માટે મોકલ્યા. સંવરને બોધિસત્વ પાસે મોકલ્યો.

બોધિસત્વ મહાજ્ઞાની હતા. એમની પાસે અનેક વર્ષો અભ્યાસ કરીને તે પ્રવીણ બન્યો. વર્ષો બાદ રાજકુમારોના ગુરુ તેમના શિષ્યોને રાજા પાસે લઈ ગયા. તેમણે કહ્યું, ‘મહારાજ, તમારા પુત્રો તો સમસ્ત વિદ્યાઓમાં પારંગત થઈ ગયા છે.’ રાજા પ્રસન્ન થયો. તેણે ગુરુનું અપૂર્વ સન્માન કર્યું. રાજાએ છેવટે યોગ્ય ગુરૂ-દક્ષિણા આપી. રાજાએ પુત્રોને વિભિન્ન પ્રાંતોના શાસક નિયુક્ત કરી તેમને રાજધાનીમાંથી બહાર મોકલી આપ્યા. આ વાત સંવરે જાણી. તેણે ગુરુ બોધિસત્વને પુછ્યું, ‘ગુરુદેવ, જો મારા પિતા અન્ય ભાઈઓની જેમ મને પણ રાજ્યના કોઈ પ્રાંતનો શાસક બનવાનું કહે, તો મારે શું કરવું ?’

બોધિસત્વે ક્ષણ ભર વિચાર કરી કહ્યું, ‘વત્સ, જો તારા પિતા તને કોઈ પ્રાંતનો શાસક બનવાનું કહે તો એ અસ્વીકાર કરજે, કારણ કે તારા સહુ ભાઈઓ પિતાને છોડી એક પ્રાંતમાં ચાલ્યા ગયા છે. તું પિતા પાસે રહી શ્રદ્ધા-ભક્તિથી એમની સેવા કરજે. તારું આ પરમ કર્તવ્ય છે.’ સંવરે ગુરુની આજ્ઞા માથે ચડાવી.

રાજા બ્રહ્મદત્ત એક દિવસ બોધિસત્વના આશ્રમમાં આવ્યો. સંવર એના પિતાને પ્રણામ કરી ગુરુજી પાસે બેઠો. રાજાએ તેને પૂછ્યું, ‘પુત્ર, તારું શિક્ષણ સમાપ્ત થઈ ગયું ને ?’
‘પિતાજી, ગુરુદેવની કૃપાથી મેં સર્વે વિદ્યાઓ શીખી લીધી છે.’ સંવરે જવાબ દીધો. તેણે ગુરુજીને પ્રણામ કર્યા.
‘તો પછી તું શાસન કરવા માટે આ રાજ્યના કોઈ પ્રાંતને પસંદ કરી લે.’ રાજાએ કહ્યું.
સંવરે જવાબ દીધો, ‘પિતાજી, હું આપનો સહુથી નાનો પુત્ર છું. જો હું રાજ્ય છોડી બહાર જઈશ તો આપની પાસે કોણ રહેશે ? આપની સંભાળ કોણ રાખશે ? મારે કોઈ અધિકારની જરૂર નથી. અહીં આપનો પુત્ર રહે એ જ યોગ્ય છે. આપની સેવામાં જ હું મારું જીવન ગાળવા માગું છું. શાસક કરતાં આપના સેવક બનવામાં મારું જીવન ધન્ય બનાવીશ.’ આ સાંભળી રાજા અત્યંત પ્રસન્ન થયો. તે દિવસથી સંવર પિતા પાસે રહેવા લાગ્યો. ક્યારેક આવશ્યકતા પડે તો તે બોધિસત્વની સલાહ લેતો હતો.

એક વાર સંવરે બોધિસત્વની સલાહ લઈ થોડી પડતર જમીનને સમતલ બનાવી. તેમાં ફળ-ફૂલનાં છોડો રોપ્યા. ત્યાં એક સુંદર ઉદ્યાન બન્યો. હવે એ ઉદ્યાન નગરવાસીઓ માટે આકર્ષક સ્થળ બન્યું. શ્રેષ્ઠીઓ પણ ઉદ્યાનમાં સાંજે ફરવા આવતા. તેમની સાથે સંવરનો પરિચય થયો. નગરજનો સંવરની પ્રશંસા કરતા.

એક દિવસ સંવરે પિતાની સંમતિ લઈ નગરના સહુ લોકોને જમણ આપ્યું. પછી રાજ્યના અધિકારીઓ ઘોડેસવારો, પાયદળ સેનાને ભોજન દીધું. પરદેશોથી આવતા રાજદૂતો તથા વેપારીઓની સગવડ માટે વિશાળ અતિથિગૃહો બંધાવ્યાં. આથી સંવરનો યશ આખા રાજ્યમાં ફેલાયો.

આમ અનેક વર્ષો વીત્યાં. રાજા વૃદ્ધ થઈ ચૂક્યો હતો. હવે એનો અંતિમ સમય પણ આવી પહોંચ્યો તેથી તેણે મંત્રીઓને બોલાવી કહ્યું, ‘મારા મૃત્યુ બાદ મારા સો પુત્રોને ગાદીએ બેસવાનો હક્ક છે તેથી તમે લોકો ખૂબ વિચાર કરી સહુથી યોગ્ય રાજકુમારને ગાદીએ બેસાડજો.’ આમ કહી રાજાએ સદાને માટે આંખ મીંચી દીધી. રાજાના મૃત્યુ બાદ સહુ મંત્રીઓએ ચર્ચા વિચારણા કરી નિર્ણય કર્યો કે સંવર જ સિંહાસન માટે યોગ્ય રાજકુમાર છે. પછી ધામધૂમથી એનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. પ્રજામાં હર્ષ ફેલાયો. તે દિવસથી સંવર એના ગુરૂ બોધિસત્વની સલાહ મુજબ ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યો.

સંવર રાજા બન્યો તે બાકી નવ્વાણું કુમારોને ગમ્યું નહિ. તેઓ એની નિંદા કરવા લાગ્યા. તેમણે ભેગા મળીને એક દૂત પાસે ખબર મોકલી કે એ રાજ્ય છોડી દે નહિ તો બૂરું પરિણામ આવશે. પછી તેમણે સહુ પોતપોતાની સેનાઓ સાથે કિલ્લાને ઘેરી લીધો. સંવરે આ ખબર એના ગુરુ બોધિસત્વને આપી, તેમણે એને સમજાવ્યું, ‘પોતાના ભાઈઓ સાથે દુશ્મનાવટ વહોરવી મહા-પાપ છે. પિતાના રાજ્યને સરખા ભાગોમાં વહેંચી તારા ભાઈઓનો પ્રેમ પ્રાપ્ત કર.’ સંવરે ગુરુ-આજ્ઞા યોગ્ય માની. ભાઈઓ તો નવાઈ પામ્યા. સંવરનો મોટો ભાઈ ઉપાસત તો આભો જ થઈ ગયો.

તેણે એના નાના ભાઈઓને કહ્યું, ‘આપણે એમ માન્યું હતું કે સંવર રાજા બની આપણા સહુનો દુશ્મન બની ગયો હશે. તેથી આપણે એના ઉપર હુમલો કરવા આવ્યા હતા. પણ તેણે આપણી સાથે ન્યાયથીવર્તી સહુનો પ્રેમ સંપાદન કર્યો છે. આવા ભાઈ પર હુમલો શાનો ?’
‘પછી હવે આપણી શી ફરજ છે ?’ એક ભાઈએ પૂછ્યું.
‘આપણે નાના ભાઈ સાથે સંધિ કરીએ એ જ ઉત્તમ માર્ગ છે. પિતાજીના સિંહાસનના આપણે સહુ અધિકારીઓ છીએ એ સાચી વાત છે પણ આપણે સહુ એકી સાથે તો રાજા બની શકીએ નહિ તેથી મને તો એ વાત યોગ્ય લાગે છે કે આપણાને જે ભાગ પ્રાપ્ત થયો છે તેમને એના હાથમાં પાછો આપી દઈએ.’ ઉપાસતે સમજાવ્યું.

સહુએ સંમતિ દીધી. તેઓ સંવરનો જયજયકાર કરતાં સેના સહિત નગરમાં પહોંચ્યા. સિંહાસન પર બેઠેલ સંવરે સહુ ભાઈઓનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું. તેમને સહુને યોગ્ય આસને બેસાડ્યા.

પછી ઉપાસતે સંવરને પૂછ્યું, ‘પ્રિય ભાઈ, તમારો ધર્મ ગુણ પ્રશંસનીય છે. સહુની સાથે આવો સારો વ્યવહાર કરવાની શક્તિ તમને કેવી રીતે પ્રાપ્ત થઈ ?’

‘ભાઈઓ, એ શક્તિ મને ક્દાચ એથી પ્રાપ્ત થઈ હશે કે હું માનવ માત્રનો દ્વેષ નથી કરતો. હવે રહી રાજ્યશાસનની વાત. હું સમયે સમયે કર્મચારિયો તથા સૌનિકોને પૂરો પગાર આપું છું આપણા રાજ્યમાં આવતા રાજદૂતો તથા વેપારીઓનો યોગ્યરૂપે આદર-સન્માન કરું છું. પ્રજાનું હિત એ જ મારું હિત છે એમ માનું છું.’

આ સાંભળી મોટા ભાઈએ પોતાના સહુ લધુ બંધુ તરફથી સંવરને આશીર્વાદ દીધો. તેમણે કહ્યું, ‘ધર્મપંથ પર રાજ્ય ચલાવતાં તમે યશસ્વી બનો. અને તમને દરેક રીતે સહકાર આપી શત્રુ-ભયથી મુક્ત રાખીશું. તમે આજ લોકમાં ઈન્દ્રાસનનો અનુભવ કરો.’

બોધિસત્વના શિષ્ય સંવરે આમ પોતાના ભાઈઓનો પ્રેમ સંપાદન કરી સહુનું આદર-સન્માન મેળવતાં અનેક વર્ષો સુધી રાજ્ય કર્યું. તે એક મહાન રાજાના રૂપમાં પ્રસિદ્ધ થયો.

Advertisements

3 responses to “પ્રેમની જીત – બાળવાર્તા

 1. aww.. really nice… everyone should learn how to stay together without jealousy and other bad stuff. really great story.

  thanks..

 2. This story shows how to leave togather. This story really pointing to todays generation.
  Good.

  Neela

 3. ઈશાવાસ્યમિદંસર્વં…યત્કિંચ જગત્યાં જગત..
  તેન ત્યક્તેન ભૂંજીથા:મા ગૃધ:કસ્યસ્વિદ્ધનમ..
  આ જે કંઇ છે તે જગતમાં જગતનું, ઈશ્વરનું છે.
  કોઈનું ધન લેવા કરતાં,ત્યાગીને ભોગવી જાણો !
  ઈશાવાસ્યોપનિષદની આ પંક્તિઓ કેટલી અનુરૂપ
  લાગે છે ?