કાગપુરાણ – કનક રાવળ

[રીડગુજરાતીને આ રમુજી લેખ મોકલવા બદલ શ્રી કનકભાઈ રાવળનો (પોર્ટલેન્ડ, ઓરિગોન) થી ખૂબ ખૂબ આભાર]

crow આજે સોળમો દિવસ થયો. હું રોજ ગણતરી કરું છું. પહેલે દિવસે એક, બીજે દિવસે બે એમ આજે સોળ કાગડા અમારા આંગણામાં નિયમિત હાજર થઈ ગયા છે. હવે મને ખાત્રી થઈ ગઈ છે કે મારા શ્રીમતીજી શરૂ કરેલા કાકભુશુંડી વ્રતનું જ આ પરિણામ છે. તમને યાદ હશે કે રામાયણનું મહાત્મય ઋષિ કાકભુશુંડી એ જ સમજાવેલું.

આ વ્રતની વિધિ મુજબ સુવાસિની સ્ત્રીએ દર મંગળવારે ‘વંડરબ્રેડ’ સ્ટોરમાં જઈ, ત્યાંની ‘સ્પેશ્યલ ફોર ક્રિટર્સ’ ની અભરાઈમાં રાખેલી પાંઉ રોટી લાવી રોજ સવારે તેના અગણિત ટુકડા કરી આંગણામાં વેરવાના. આ ક્રિયા સવારના 7 થી 8 વચ્ચે ચા-પાન કર્યા પછી કરવાની. અન્નપ્રાશનની આ વિધિ દરમિયાન સ્વમુખે ‘કાકા…કક…કાગા..’ મંત્ર મોટા અવાજે ભણવાનો. સોળ દિવસના આ વ્રતની પૂર્ણાહુતિ પછી બધી મનોકામનાઓ ફળશે અને સમૃદ્ધિ વધશે તેવું વચન છે.

અમારા આંગણામાં અનેક જાતની ચકલીઓ, બ્લુજે, કાબરો, ખિસકોલી અને ઘણીવાર સિગલ્સ પણ આવે છે. એક કાળો કાગડો ઓરિગોનના આકાશમાં જોયો નહોતો, પણ જ્યારથી આ વ્રત અમારા ઘરવાળાએ શરૂ કર્યું છે ત્યારથી કોઈ અજાણ્યા સ્થાનેથી કાગ પક્ષીઓ આવવા માંડ્યા છે. દક્ષિણ ભારતના ‘પંછી તીર્થ’ માં રોજ બપોરે બાર વાગે હિમાલયના બે ઋષિઓ પક્ષી સ્વરૂપે નૈવેદ્ય આરોગવા આવે છે એમ સાંભળ્યું છે. જો કે 1999ની અમારી યાત્રામાં તે દેખાયાં નહોતાં, પણ આ ઓરિગોનના આકાશમાંથી રોજ આપણે ત્યાં કાગપક્ષીઓ ઉતરી આવે તે તો કળિયુગનો ચમત્કાર જ માનવાનોને ? થોડા વર્ષો પહેલા દુનિયાભરમાં ગણેશજીની મૂર્તિએ દૂધપાન કર્યું હતું એમ !

કાગડાઓના આ ટોળામાં એક લંગડો કાગડો આવતો હતો. જુવાનીના દિવસોમાં તેમનો સરદાર હશે એમ લાગે છે. ભારતમાં કહેવાય છે કે કાગડાઓ એકાક્ષી એટલે કે એક આંખે કાણા હોય છે પણ આ તો કાણો તેમજ લંગડો. એન.આર.આઈ કાગડાઓના કદાચ આ નવા લક્ષણ હશે. ભારતમાં કાગડાને લુચ્ચા અને ચતુર ગણવામાં આવે છે. તેમની સરખામણીમાં અમેરિકી કાગડા મને બોધા લાગે છે. રોજ જમીન પર પથરાયેલાં પાઉંના ટુકડા ઝાડની ડાળી પર બેસીને જોયા કરે અને ‘કા…કા…કા’ નો શોર મચાવે પણ ઝડપથી નીચે આવીને આરોગવા ન માંડે. તેમનો કાકારવ (જેમ મોરનો કેકારવ) સાંભળી ઉપર ઉડતા સિગલ્સ સડસડાટ નીચે ઉતરી આવી પાઉંના ટુકડાઓની લુંટ ચલાવે. કાગડાઓ માટે રહ્યા-સહ્યા ટૂકડા જ રહે. સાવ ડફોળિયા આ અમેરિકી કાગડાઓ !

ખેર ! આજે પત્નીશ્રીનો આ છેલ્લો સોળમો વ્રત પૂર્ણાહુતિનો દિવસ હતો એટલે તે રસોડામાં કંઈક ખાસ બનાવવામાં રોકાઈ ગયા હતા. તેમને મદદ કરવાના હેતુથી મેં મારું ડહાપણ ચલાવ્યું. મને પાઉંની બેગ જડી નહીં પણ આગલે દિવસે બાજુવાળા કરતારસીંગના સરદારણી કાંદા-લસણથી ભરપુર તીખા તમતમતા વડા આપી ગયાં હતાં એ યાદ આવ્યું. ઝડ લઈને તે બધાં વડા જમીન પર વેરી દીધાં. સોળેય કાગડા ઝાડની એક ડાળીથી બીજી પર ઉડ્યા કરે અને ‘કા….કા’ કરીને દેકારો બોલાવે પણ એક બચ્ચો નીચે ના આવે. બધાં હડતાલ પર ગયાં હતાં.

રસોડાની બારીમાંથી આ ભુખ હડતાળ જોઈને મારા શ્રીમતી પણ બહાર દોડી આવ્યાં. તેમણે મોટે મોટેથી કાકમંત્ર બોલી કાક મહાશયોને આહ્વાન આપવા માંડ્યા, પણ આજે તો જુદો જ ખેલ હતો. એક કાગ દેવ મચક ના આપે ! આવી પરિસ્થિતિમાં ‘હલકું લોહી હવાલદારનું’ તે ન્યાયે હંમેશા પતિને જ સાક્ષીની ઉલટ તપાસ માટે પિંજરામાં લાવવામાં આવે છે. ચંડિકા સ્વરૂપ ધારણ કરી મને ઘરવાળાએ દબડાવ્યો, ‘અરે, આજે મારો કાગવ્રતનો છેલ્લો દિવસ છે. મેં ખાસ તૈયારી કરી છે. તમે મને પૂછયા વગર આ શું બધું વેર્યું છે ?’

ઓશિયાળે મ્હોંએ મેં જવાબ આપ્યો, ‘છે ને તે, ગઈકાલે કરતાલસીંગના ઘરેથી વડા આવ્યા હતા તે કાગડાને નાખ્યાં.’ બસ, પછી તો મારા પર બોંબમારો શરુ થયો, ‘હાય હાય, તમે તો દાટ વાળ્યો. આજે એક વર્ષથી તમે જોબ વગર ઘરે બેઠાં છો. તમે ઠેકાણે પડો માટે મેં આ ખાસ વ્રત શરૂ કર્યું હતું. મારા આ અનુષ્ઠાનનો આ છેલ્લો દિવસ હતો અને કાકભુશુંડિજીને ધરવા માટે મેં ખાસ ખીર બનાવી છે. તમે દોઢ ડાહ્યા થઈને વાસી કાંદા-લસણના વડા દુરથી આવેલા કાગઋષિઓને આપી તેમનું ઘોર અપમાન કર્યું. આજે સપરમે દિવસે કાગદેવોને કાંદા-લસણથી અભડાવી દીધાં. મારું બધું વ્રત પાણીમાં ગયું.’

ત્યાં જ મારા સેલફોનની ઘંટડી વાગી. બીજે છેડે મારા બોસનો ઉત્સાહિત અવાજ હતો,
‘ગુડમોર્નિંગ મિ. વ્યાસ. ઈન્ટેલ કંપનીમાં ફરી કામ શરૂ થયું છે. સોમવારથી પાછલા પગાર સાથે તમારી નોકરી શરૂ થશે. જલ્દી કામ પર આવી જાવ.’

જય હો, કાકભૂશુંડિજીનો ! ધન્ય હો તેમના વિશાળ હૃદયને ! ‘થોટ ધેટ કાઉન્ટસ’ (મનમાં ‘ભાડામાં ગયા કાંદા-લસણ’) ! શબરીના એંઠા બોર ખાઈને રામજીએ શબરીનો ઉદ્ધાર કરી દીધો હતો, કારણકે સાચી ભક્તિથી તેણે પ્રભુને નૈવેદ્ય ધર્યું હતું. કાગદેવોએ પણ કાંદા-લસણને શ્રદ્ધાનું પ્રતિક માની સ્વીકાર કર્યો હતો.

કાકભુશુંડી વ્રતનો ફલાદેશ સાચ્ચો પડ્યો ! ઘરવાળીનો જય હો !

ઈતિ શ્રી કાગ પુરાણ સમાપ્ત.

Advertisements

7 responses to “કાગપુરાણ – કનક રાવળ

 1. આખરે એન .આર .આઇ કાગડો વિજયી બન્યો !
  શ્રદ્ધા,અંધશ્રદ્ધા,અશ્રદ્ધા ક્યાં નથી ?કાકદેવો પણ
  એવા જ ને !પુરાણ રસપ્રદ છે;વાંચવા જેવું.
  કનકભાઈ અને મૃગેશભાઈનો આભાર !

 2. અમિત પિસાવાડિયા

  કાગ પુરાણ નુ વ્રત કરવા જેવુ હો !!! 🙂

  સરસ રમુજી લેખ છે. 🙂

 3. કાગભુશંડિજી મહારાજની જય હો,
  ચાલો એમને લીધે તમારી નોકરી તો પાકી થઈ ગઈ ને. પાડ માનો શ્રીમતીજીના કાગભુશંડિજીનો.
  જય હો કાગપુરાણનો

  નીલા

 4. very nice.enjoyed,congrats.hasylekho savara ma mana ne fresh kari de che.

 5. After reading this enjoyable and tongue in cheek fable, one should not be surprised if a ‘Kagadeshwar’ or ‘Kagadimata’ mandir is established somewhere. We have plenty of room to reach the number of thirtythree crore ‘devatas’. And then ‘Kagpuran’, and ‘Kagchalisa’, would be authored and ‘Kagsaptah’ would be organised. A film depicting the travails of the ‘ Kag bhagats’ and their ultimate ‘Moksh’ would be screened.

  Congratulations, Kanakbhai