ચિંતનકણિકાઓ – માવજી કે. સાવલા

જાણીતા હોવું, લોકોની જીભે નામ હોવું, એ એક પરિવર્તનશીલ અવસ્થા છે. જ્યાંસુધી પ્રકાશવર્તુળના કેન્દ્રમાં હોઈએ ત્યાં સુધી જ લોકો આગળ-પાછળ ફરતા રહે. આપણો અહમ્ આભને અડકતો રહે, વાહ વાહ થતી રહે અને આપણે માનીએ કે દુનિયા પર છવાઈ ગયા ! પછી જરા ઝાંખા પડ્યા, જૂના થયા અને કેન્દ્રમાં બીજું કોઈ આવી ગયું એટલે લોક બધું ત્યાં ! આ અર્થહીનતા સમજાતાં ખાસ વાર ન લાગવી જોઈએ; અને કોઈ અમથું અમથું આપણને ખુશ કરવા મિથ્યા પ્રલાપ કરે એને સાંભળીને રાજી થવા જેવી મૂર્ખતા પણ કેટલો કાળ ટકે ? દ્વેષભાવ ભરેલી વિવેચનાથી જેટલી બેચેની થાય એટલી જ બેચેની આવાં પોલાં પ્રશસ્તિ વચનોથી થવી જોઈએ.
*******************

જ્યારે તમે ચારે બાજુથી પ્રશ્નોથી મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હો, બધું જ તમારી યોજનાથી અને ધારણાથી વિપરીત જતું હોય, જ્યાં જ્યાં પગ મૂકો ત્યાં બધે જ ઠોકરો લાગતી હોય, ઘરમાં પણ તમારું ધાર્યું ન થતું હોય, સ્વજનો પણ પરાયા થઈ ગયા હોય ત્યારે પણ તમારે ભાંગી પડવાની જરૂર નથી, નથી, નથી જ. નક્કી ખાતરી રાખો કે એક દિવસ આ બધી જ પ્રતિકૂળ પરિસ્થિતિઓનો અંત આવવાનો જ છે. કોઈ પણ દુ:ખ આ જગતમાં ક્યારેય કાયમી હોતું નથી. રાત્રિના અંધકાર પછી સૂર્યોદય થાય જ છે, પ્રકૃતિનો આ સનાતન કાનૂન છે. સાગરમાં ઓટ પછી ભરતી આવે જ છે. અમાવાસ્યા પછી ફક્ત પંદર દિવસમાં જ પાછો પૂનમનો ચંદ્ર ઊગે જ છે.
*******************

સદાચાર, માનવપ્રેમ, માનવસેવા, ન્યાયબુદ્ધિ, સંસ્કારિતા, નિ:સ્વાર્થપણું વગેરે અનેક ગુણો માનવસંસ્કૃતિએ વિકસાવ્યા છે, જેનું સમગ્ર માનવજાતની સુખાકારી માટે ખૂબ જ મહત્વ છે. આવા ગુણોને આપણે જીવનનાં મૂલ્યો તરીકે ઓળખાવીએ છીએ. સામાજિક મૂલ્યો, નૈતિક મૂલ્યો, આધ્યાત્મિક મૂલ્યો અને ધાર્મિક મૂલ્યો વચ્ચેનો ભેદ અનેકવાર આપણે નજરઅંદાજ કરીએ છીએ. માનવીની જીવનશૈલી, સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓ જેટલી ઝડપથી બદલાય છે એટલી ઝડપથી મૂલ્યો આપણે બદલી શકતા નથી. પરિણામે માનવજીવનમાં અનેક પરિવારોમાં પણ સતત એક પ્રકારે આંતરિક તેમ જ બાહ્ય સ્તરે પણ સતત અથડામણો, ટકરાવો અને અસંતોષની પરિસ્થિતિ ચારે તરફ વ્યાપક બનતી જાય છે. ભૂતકાળમાં જે બાબત અત્યંત સદગુણ કે નૈતિક યા પ્રશંસનીય ગણાતી હતી તે આજની બદલાયેલી પરિસ્થિતિમાં હાસ્યાસ્પદ કે અર્થહીન પણ બની ચૂકી હોય. માત્ર પ્રાચીન હોવાને કારણે કોઈ મૂલ્ય સનાતન સત્ય હોઈ શકે નહિ. મૂલ્યોમાં જ્યારે નવસર્જનની અને વિકસિત થવાની પ્રક્રિયા અટકી પડે છે ત્યારે મૂલ્યોની કટોકટીની બૂમ દરેક પળે સંભળાતી જ રહે છે.
*******************

આપણે સામાજિક રૂઢિઓને બેડીઓ ગણીને ફગાવતા થયા છીએ અને ખુલ્લા આકાશમાં સ્વાતંત્ર્યની પાંખો ફફડાવતા થયા છીએ, પણ આપણું સ્વાર્થી અને સ્વકેન્દ્રિત મન તો દેડકા જેવું સંકુચિત જ થતું ગયું છે. ચીજવસ્તુઓના વધતા ઢગલાઓએ આપણને ઉડાઉ અને અવિચારી બનાવ્યા છે. ખરીદેલી ચીજવસ્તુઓમાંથી સંતોષપૂર્ણ આનંદ લેવાનો આપણી પાસે ફાજલ સમય જ ક્યાં બચ્યો છે ? સુખસગવડનાં સાધનોથી સજેલા નિવાસો ભલે ધરાવીએ, પણ એ ઘરોમાં કુટુંબીજનોના સહજીવનમાં સંબંધોની સુવાસ ક્યાં ગઈ ? વિવિધ વિષયના તજજ્ઞ પ્રોફેસરો, યુનિવર્સિટીઓ અને સમૃદ્ધ ગ્રંથાલયો તો આપણી પાસે ઘણાં છે, પણ એ જ્ઞાનના જથ્થાના વિવેકપૂર્ણ ઉપયોગની દષ્ટિ ગુમાવતાં જ જઈએ છીએ.
*******************

કેટલાક કળાકારો, સાહિત્યકારો ,સર્જકો પ્રસિદ્ધિ માટેની દોડમાં જીવનને, જીવનની તમામ શક્તિઓને ખર્ચી નાખે છે. પોતાને ગમતું કાર્ય કરવા, એક સુંદર-ઉત્તમ કૃતિની રચના પાછળ શક્તિઓને ધ્યાનને કેન્દ્રિત કરવાને બદલે આમ તેઓ પોતાની મહાન સંભાવનાઓને છિન્નભિન્ન કરી કુંઠિત કરી નાખે છે. હકીકતમાં એક સર્જક માટે તો પ્રસિદ્ધિ પાછળ ન પડતાં પોતાની કળાસાધનાની પાછળ પડવામાં જ પ્રસિદ્ધિનો સાચો માર્ગ આપોઆપ ખુલ્લો થાય છે અને ઈતિહાસ એનો સાક્ષી છે.
*******************

વાસ્તવમાં આપણે સૌ એકલા જ છીએ. આ હકીકતનો સ્વીકાર કરતાં આપણને ડર લાગે છે. એટલે તો આપણે આપણા જીવનને સતત સંગાથથી, કોલાહલથી, ચીજવસ્તુઓથી ભરી દઈએ છીએ. હવે તો ગૃહકાર્ય દરમિયાન પણ ગૃહિણીઓ ટીવી સિરિયલો જોતી રહે છે. આવું બધું તો વાસ્તવમાં અંદરના ખાલીપાને ભરવાનો વ્યર્થ પ્રયત્ન માત્ર છે. એકાંતનો અનુભવ જીવનને સમૃદ્ધ બનાવે. આ એકાંતનો અર્થ રખે કોઈ સ્વકેન્દ્રીપણું કે સ્વાર્થીપણું કરે. એકાંતના અનુભવ પછી માનવજગત સાથેનું સાન્નિધ્ય અર્થસભર બને-બનવું જોઈએ; નહિતર તો આવું એકાંત માત્ર આધ્યાત્મના ઓઠા હેઠળનું મહોરું બની જાય. વ્યક્તિ જ્યારે પોતાના કેન્દ્ર સાથે જોડાયેલ હોય ત્યારે જ અન્ય સાથે જોડાઈ શકે.
*******************

પ્રકૃતિને ચોપડે માનવજાતના હિસાબ-કિતાબ મંડાતા રહે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતીને પરિણામે માનવી વધુ ને વધુ સુખસગવડો ભોગવતો થયો છે. સાથોસાથ માનવી એ થકી વધુ ને વધુ બૌદ્ધિક એટલે કે વધુ ગણતરીબાજ અને સ્વકેન્દ્રિત થતો ગયો છે. માનવીની મૂળભૂત આકાંક્ષાઓ-વૃત્તિઓ અને એના બૌદ્ધિક જગત વચ્ચેનું એનું ભાવજગત દબાતું – પિસાતું – ઘસાતું ગયું છે. ભાવજગતની આંતરિક સરવાણીઓ સુકાતી જાય છે. ભાવજગતનાં આ આંતરિક વહેણોની વાત શબ્દોમાં વ્યવસ્થિત મૂકી શકાતી નથી – એ તો મનોજગતનો એક પ્રકાશપુંજ છે. મનુષ્યમાત્રને વ્યવહારિક – સામાજિક જીવનમાં પ્રસંગોપાત્ત એ જગતના અનુભવો તો થતા જ રહે છે; પરંતુ રોજિંદા જીવનની અતિ વ્યસ્તતા અને જાતે ઊભી કરેલ આંતર-બાહ્ય ગિરદીના કારણે આવા અનુભવોને પણ અંત:કરણમાં ઊંડે સુધી પ્રવેશ મળતો નથી અને છેવટે સ્લેટ-પાટી પરના લખાણની જેમ એ બધું ભૂંસાતું જાય છે. ‘ક્યા ખોયા – ક્યા પાયા’ ના આ હિસાબ પ્રકૃતિ પોતાના ચોપડે આમ લખતી રહે છે.

Advertisements

7 responses to “ચિંતનકણિકાઓ – માવજી કે. સાવલા

 1. ચિંતનીય વિચારો.

  છેલ્લા થોડા દિવસોમાં શ્રી સિતાંશુજી સાથેનો વાર્તાલાપ, કાલે અમેરિકન વાચન તથા આજે ચિંતનીય કણિકાઓ વાચકોની વિચારશક્તિ જાગૃત કરશે.

  સૌ વાચકોને તથા સૌ ગુજરાતી નેટ જગતના મિત્રોને આ ત્રણેય લેખ સાથે વાંચવા ખાસ ભલામણ કરું છું. મૃગેશ ભાઈ! રીડ ગુજરાતી પર મનનીય વાચન માટે અભિનંદન. … હરીશ દવે

 2. વાહ… ઘણી સરસ વાતો છે.

  નક્કી ખાતરી રાખો કે એક દિવસ આ બધી જ પ્રતિકૂળ પરિસ્થિતિઓનો અંત આવવાનો જ છે. કોઈ પણ દુ:ખ આ જગતમાં ક્યારેય કાયમી હોતું નથી.

  એકાંતનો અનુભવ જીવનને સમૃદ્ધ બનાવે. વ્યક્તિ જ્યારે પોતાના કેન્દ્ર સાથે જોડાયેલ હોય ત્યારે જ અન્ય સાથે જોડાઈ શકે.

  આ વાંચીને ગુરુજીની એક વાત યાદ આવી.. “એકાંતનુ તો એવું ને, માનો તો ત્રાસ છે અને માનો તો તપ છે.”

 3. કાલિદાસે લખ્યું છે કે :પુરાણું એટલે બધું સારું નહીં;
  કાવ્ય નવું હોય તેથી અવગણનાને પાત્ર નથી.સંતો
  તો પરીક્ષાને અંતે વખાણે,જ્યારે પારકાની બુદ્ધિએ
  ચાલનારો મૂઢ હોય છે.ચિંતનકણિકાઓ સારી છે.
  ધન્યવાદ !

 4. પિંગબેક: રીડગુજરાતી : પુસ્તક પરિચય » Blog Archive » ફૂટપાથી બોધબોતેરા - માવજી કે સાવલા

 5. khub saras vicharava jevi j vato chhe 🙂

 6. It’s a pleasure,pure and simple ,to read Shri Mavjibhai Savla’s considered musings on life.Here is a thinker who thinks piecemeal about various assets of life and yet manages to convey their meaning fully.

  I congratulate the readgujarati.com for opening up online the vast richness of such Gujarati writings..

  Nimesh Patel
  Porbandar

 7. પિંગબેક: ફૂટપાથી બોધબોતેરા - માવજી કે સાવલા | pustak