‘બસ, આવી ને ગઈ’ – ઉપેન્દ્ર ગોર

અહીં, આ બસ સ્ટેન્ડે આવતાં સમય જોયો. 8-15 થઈ છે. સમયસર જ છું. સંતોષની છાયા ચહેરે છવાઈ. 8-20ની બસ આવવી જ જોઈએ. આમ તો આ રીક્વેસ્ટ બસ સ્ટોપેજ છે પણ ક્યારેક, કદાચ ભર્યા ભીડના સમયે કયારેક બસ ડ્રાઈવરો આ સ્ટેન્ડને ગણગારતા જ નથી જોકે મારે તો પાર્કરૉયલમાં ટેલિ-પ્રિન્ટ ઑફિસે મારા ઈન્ટરવ્યૂ માટે 9-20 સમયસર પહોંચવાનું છે. પહોંચી તો જવાશે જ.

હવે મેં મારી દ્રષ્ટિ ચોમેર ફેરવી. વહેલી સવારનું પ્રસરેલું ગાઢ ધુમ્મસ ધીમે ધીમે ઓગળતું હતું પણ રાતની વધેલી શીતળ ઠંડીનો પ્રહાર તો પ્રબળતાથી તનને સ્પર્શી જાય છે. રસ્તે નિયમિત દોડતી; અન્ય રૂટની બસો તો દેખા દે છે અને આ સ્ટોપેજ પર અટકે છે. અત્રે ઉત્સુક ઉતારુઓને ઉતારી, અન્યને લઈને દોડી જાય છે પણ હજુ મારે પકડવાની બસ તો ઉત્કંઠા જગવતી રાહ જોવડાવે છે. હવે સમય પણ 8-27 થયો. તનને થરથરાતી ઠંટી હવે તો મનને પણ સ્પર્શી ગઈ.

સમયે પહોંચી શકીશ કે નહીં ? – વિચારમાત્રથી સમગ્ર દેહમાં ફફડાટ વ્યાપ્યો. મન અસ્થિર થઈ નકારાત્મક વિચારોથી ઘેરાવા લાગ્યું. કેટકેટલી અરજીઓ કરી ત્યારે આ એકમાત્ર ઈન્ટરવ્યૂ નીકળ્યો ? અને આ હવે શું થશે ? …. હાથ ઊંચો કરી જોયું તો 8-45. ત્યાં મારી દષ્ટિએ સામેના વળાંકેથી આવતી બસ દેખાઈ. ‘હાં આવી તો ખરી આખરે !’ વિચારીને સ્થિરતા કેળવી સજાગ થયો. તે નજીક આવતાં ધીમી તો પડશે જ ને ? પણ માનેલું મળે તો ? એ તો એની જ મદમસ્ત ગજગામિની ચાલે, આંખ પાસેથી અટકયા વગર પસાર થઈ ગઈ અને મૂઢમને તેને તાકતો રહ્યો.

ડગુમગુ મન, હવે તો બીજી બસની રાહ જોતું પાછું પડ્યું, આવતી બસને જોવા. અન્ય બસો તો મારી પાસે સરકતી; અટકતી; કોઈ ચડનાર ન હોય તો પણ સહેજ અટકીને પાછી. જાણે મારી મશ્કરી કરતી હોય તેમ દોડી જતી હતી. ત્યાં તો તેની પાછળ એક બસ મારા રૂટની આવતી નિહાળી. ‘હાશ !’ મન પુલકિત થયું પણ પળમાં મારી પાંપણો પહોળી થઈ ગઈ. સાઈન બોર્ડ પર લખાણ હતું – NOT IN SERVICE ! બસ ખાલીખમ. ઘડીમાં સડસડાટ દોડી ગઈ. વહેલી સવારે પણ સેવાઓ ઉપલબ્ધ નહીં. કેવું પડે આ વહીવટી તંત્ર !

થિજાવી નાખતી ઠંડીની સાથે હવે તો પવને પણ માઝા મૂકી. વૃક્ષોને ડોલાવતો, મારા માનસને પણ વીંઝાવતો હોય તેમ તીવ્ર બન્યો. મારો ચહેરો વધુ બ્લ્યૂ – ઘેરો ભૂરો થતો લાગ્યો. હારબંધ આવાસો શાંત રહીને પવનની પ્રબળતા ખમતાં હતાં પણ મારું માનસ હવે વધુ વિચારવા લાગ્યું. ‘કદાચ હાથમાં આવેલી તક. ખરા સમયે ખરેખર પહોંચી શકીશ કે નહીં ? બસ મળશે કે કેમ ?’

અત્યાર સુધી બસ પકડનારા પ્રવાસીઓ નહિવત હતા પણ હવે તો સંખ્યા વધવા લાગી. સમય 9-05 થયો. બધાને ઉતાવળ જ હોય; કદાચ હવે બસો વધારે પ્રવાસીઓને લેવા માટે વધેય ખરી. માંડ મન મનાવતો ઊભો છું હજુ ! ત્યાં વળી વળાંકેથી એક બસને આવતી દેખી. વળી પાછો સતેજ થઈ ગયો. આખરે…… !

બસ તો આવી; અટકી પણ ખરી, દરવાજો ખૂલ્યો અને રુક્ષ ચહેરે ડ્રાઈવર બોલ્યો : ‘ONLY ONE PLEASE ! એક જ આવે.’ હારમાં હું પહેલો જ હતો; આગળ આવ્યો અને આનંદમાં ‘હવે તો પહોંચી જવાશે જ.’ એ વિચારમાં મગ્ન ! મેં આગળ આવી મારો પગ બસના પગથિએ ટેકવવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો કંઈક સમજુ એ પહેલાં કોણ જાણે કોના ધક્કે હું એકબાજુ ધકેલાયો અને મારી બરાબર પાછળ ઊભેલોય બાજુમાં ગબડતો જોયો અને ત્યાં તો એ ગબડેલાની પીઠ પર પગ મૂકતાં જ ત્રીજો માણસ એકાએક બસમાં ચડી ગયો. માંડ માંડ સમતુલા જાળવીને બસનો સળિયો પકડવા જાઉં છું ત્યાં તો…. બસનો દરવાજો વસાતો જોયો અને બસ તો સહસા ગતિમાં આવી દોડી ગઈ ! ક્ષણ માત્રમાં !

‘આ શું થઈ ગયું ?’

‘બસ, આવીને ગઈ !’ ચોથા માણસે ઉપહાસમાં પાછળ જોતાં કહ્યું, ત્યાં દષ્ટિ કરી તો એને તો સ્થળ છોડી જતો જોયો અને બસ સ્ટોપેજ પર લખેલા શબ્દો : ‘KEEP QUIET ANOTHER COMES BEHIND’ (શાંતિ જાળવો; પાછળ બીજી આવે છે).

સાચે જ; આખરે ખરું થયું – હું મનોમન બબડ્યો.

બસ, આવી ને ગઈ કે પછી….

તક આવી ને ગઈ…..

થવાનું તો થઈને જ રહ્યું. ઘડિયાળમાં 9-20 થયા હતા. ઈન્ટરવ્યૂનો સમય તો અહીં જ થયો મારો તો…. Outer View – ‘બાહ્ય દેખાવ’ જોનાર પણ કોણ હતું ત્યાં ?

હું નિરાશ વદને પાછો વળું છું. ઘર ભણી. અને રસ્તે તો હવે બસ-વ્યવહાર વધેલો લાગે છે પણ….

હવે બસ આવે ને જાય મારે શું ? સમયનો સાથ ન સાંપડે તો ? સમયસર આવે તો પણ શું ? નોકરીનું એવું છોકરીનું.. કેમ ખરું ને ? મારા જેવો અનુભવ કોઈનેય ન થાય. વધતી ઠંડીનો પ્રહાર ખમવા વ્યર્થ પ્રયાસ કરતો પાછો વળું છું.

Advertisements

5 responses to “‘બસ, આવી ને ગઈ’ – ઉપેન્દ્ર ગોર

 1. 5 મહિના અમદાવાદમાં રહી, ત્યારે બસમાં દરરોજ મુસાફરી કરી હતી. ઘણીવાર આવું થયું છે. કલાક સુઘી રાહ જોવડાવે 60 નંબરની બસ. અને આવે ત્યારે એક ની પાછળ બીજી. અને ઘણીવાર લેખકે કહ્યું એવું, આવી અને ગઇ…

  એટલુ સારુ છે કે નોકરીની તક ખોવી પડે એટલો ખરાબ અનુભવ નથી થયો બસને લીધે.

 2. ખરેખર , બસ આવી ને ગઇ , બસ મા અપ-ડાઉન પણ એક મજા છે. મને પણ સારા નરસા ઘણાં અનુભવો થયા છે.
  પણ ,,,KEEP QUIET ANOTHER COMES BEHIND 🙂

 3. MR.UPENDRA,
  YOU ARE RIGHT, MANY PEOPLE IN LONDON EXPERIENCE THE SAME, EVENTHOUGH LONDON TRANSPORT BOASTING THAT ” A BUS IS YOUR SECOND CAR” !!! OBVSERVE ROUTE NO. 83 SOMETIMES, ITS AMAZING. SOMETIMES YOU HAVE TO WAIT FOR 45 TO 55 MINUTES AND WHEN IT ARRIVES, THE DRIVER STOPS THE ENGINE SAYING ‘LAST STOP’ AGAIN YOU HAVE TO WAIT !!!

 4. આ વાંચતાં એક હાઇકુ યાદ આવ્યું :
  બસની બારી ખુલી
  પડદો ખુલ્યો,
  ટાઢક વળી !(વાંચેલું ).
  સૌએ યાતના વેઠી છે જ !આભ ફાટે ત્યાં થિંગડું
  કોણ મારે ?

 5. Nice story…Even i have experienced the highs and lows of thoughst while waiting for the buses in london..Sometomes in rain, sometimes in cold…Nothing seems to help at thoese moments.