એક સુંદર લોકકથા

[ આ પ્રસિદ્ધ લોકકથા પં. ચન્દ્રશેખરવિજયજીના પુસ્તક ‘ટચૂકડી કથાઓ’ તેમજ અન્ય પુસ્તકોમાં જુદી જુદી રીતે વાંચવા મળે છે. કથાના સમાન મૂળ તત્વ સાથે પ્રસંગોમાં થોડો ફેરફાર જોવા મળે છે પરંતુ અહીં જે સર્વસામાન્ય સ્વરૂપમાં પ્રચલિત છે તે જ સ્વરૂપે આપવાનો પ્રયાસ કર્યો છે. – તંત્રી ]

નાનકડું એક ગામ હતું. એ ગામમાં એક શેઠ રહે. સ્વભાવે ખૂબ જ દયાળુ અને પરોપકાર વૃત્તિના. રોજ સવારે શેઠ વહેલા ઊઠે. સ્નાન સંધ્યા આદિથી પરવારીને ઘરના ઉપરના માળે રાખેલા પૂજા ખંડમાં જાય. સતત એક-બે કલાક સુધી પૂજામાં મગ્ન રહે. ભક્તિમાં એ ઓતપ્રોત થઈ જાય. એ દરમિયાન શેઠાણી ઘરના કામ પરવારીને શેઠ માટે પેઢીએ લઈ જવા ટિફિન તૈયાર કરે. શેઠ પૂજા વગેરેથી નિવૃત્ત થઈને પેઢીએ જવાની તૈયારી કરે. તેમનો આ રોજનો ક્રમ ચાલે.

પોતાનો માયાળુ સ્વભાવ, દિલમાં સહકારની ભાવના રાખીને તમામ પ્રત્યે આદર રાખતા આ શેઠ, ધંધામાં પણ સારુ એવું કમાયા હતા. ગુણવાન પત્ની, સુંદર ઘર વગેરે પામીને જીવનમાં ધન્યતાનો અનુભવ કરતા હતા. ઘરમાં બધી જ વાતે સુખ હતું પણ શેર માટીની ખોટ હતી. શેઠાણીને આ વાતનું બહુ દુ:ખ થતું. દિવસે દિવસે તેમની પુત્ર પ્રાપ્તિની ઈચ્છા દઢ બનતી જતી હતી. શેઠને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ પર ભરોસો હતો. કંઈક રસ્તો ચોક્કસ નીકળશે એવો તેમને વિશ્વાસ હતો.

એક દિવસ રોજના નિયમ મુજબ શેઠ સવારે વહેલા ઊઠીને ઉપલા માળે પૂજાના રૂમમાં બેસી પાઠ-પૂજામાં વ્યસ્ત હતા. કહેવાય છે કે એવામાં શેઠની ભક્તિથી પ્રસન્ન થઈને શેઠની સામે સાક્ષાત પરમાત્મા પ્રગટ થયા. શેઠને દિવ્ય અનુભૂતિ થઈ. શેઠે ગદ્દગદ્દ હૈયે પરમાત્માની સ્તુતિ કરી. પોતાના જન્મને ધન્ય માન્યો. પોતાને કોઈ કામના તો હતી નહીં પરંતુ શેઠાણીને દુ:ખી જોઈ શક્તા ન હતા, તેથી ઈશ્વર પાસે પોતાને ઘરે સંતાન થાય એવી વિનંતી કરી. ભગવાને તેમને કહ્યું, ‘જુઓ, હું તમને સંતાનમાં તમારી પત્નીને પુત્ર પ્રાપ્તિ થાય એવું વરદાન તો આપી શકું, પણ એક શરત છે કે જો તમે એ પુત્રના લગ્ન કરશો તો, જે દિવસે એના લગ્ન થશે તે જ દિવસે સવારે અગિયાર વાગે એનું સર્પદંશથી મૃત્યુ થશે. માટે તેના લગ્ન તમારે કદી કરવા નહીં.’ પુત્ર પ્રાપ્તિની પત્નીની ઈચ્છાને પૂરી થતા જાણીને ભાવવશ શેઠ ઈશ્વરની વાતથી સંમત થયા અને પોતાને જો પુત્ર પ્રાપ્ત થશે તો એના લગ્નનો કદી વિચાર પણ નહીં કરે એમ જણાવ્યું. પૂજા ખંડમાંથી બહાર આવીને નીચે જઈને શેઠાણીને આ વાતની ખુશ ખબર આપી અને સાથે સાથે ઈશ્વરે મુકેલી શરત વિશે પણ જણાવ્યું. શેઠાણીના આનંદનો પાર ના રહ્યો. પોતાને પુત્ર થશે એ આનંદથી જ તેઓ અત્યંત ખુશ થઈ ગયા.

સમય વીતતો ગયો. દિવસો વીત્યા. ઈશ્વરે આપેલા વરદાન અનુસાર શેઠને ઘરે યોગ્ય સમયે પુત્ર અવતર્યો. ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો. મોટી ઉંમરે શેઠના ઘરે પુત્ર અવતર્યો હોવાથી ગામના લોકોએ શેઠને ખૂબ વધાઈ આપી. શેઠાણીને તો જાણે તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ ગઈ ! જીવનમાં જે કંઈ માંગ્યુ એ બધું જ ઈશ્વરે તેમને આપ્યું હોવાનો પૂર્ણ સંતોષ આ દંપતિના મુખ પર છલકાતો હતો. સુંદર રાજકુંવર જેવો દીકરો સમય જતા મોટો થવા લાગ્યો. શેઠે તેનું વિવેક, વિદ્યા અને સંસ્કારથી સિંચન કર્યું. તીવ્ર બુદ્ધિ અને વિવેક આદિથી સંપન્ન આ બાળક સમય જતા યુવાન બન્યો.

શેઠના કુટુંબની છાપ, તેમના સ્વભાવ અને આ યુવાનના લક્ષણો જોઈને શેઠના પુત્ર માટે આસપાસના ગામો અને નગરોમાંથી માંગા આવવા લાગ્યા, પરંતુ તેમને શરત યાદ હોઈ તે લગ્નને લગતી કોઈ બાબત પર લક્ષ્ય ન આપતા. આ બાજુ શેઠાણીનો જીવ ઊંચો નીચો થયા કરતો. તે આસપાસના ગામોમાં યુવાનોના લગ્ન થતા જોઈને, પોતાન પુત્રને પરણાવવાની અને વહુ લાવવાની ઈચ્છા રોકી શકતા નહિ. ગમે તેમ કરીને કોઈ રસ્તો નીકળે તો સારું એમ કરીને વિચારો કર્યા કરતા. એક દિવસ તેમણે શેઠને કહ્યું કે :
‘કહું છું સાંભળો છો ?’
‘હા.. શું ?’
‘આપણે આ રમેશના લગ્ન કરીએ તો કેવું ?’
‘તમને શરતની ખબર તો છે, તો પછી શું કરવા લગ્નની વાત કરો છો ?’ શેઠે કહ્યું.
‘અરે શરતની વાત બરાબર છે, પણ તમે વાત તો સમજો. ઈશ્વર કંઈ સાવ નિષ્ઠુર ના હોય. એ સમયે કંઈક એવું હશે એટલે પરમાત્માએ તમને એ પ્રમાણે કહ્યું હોય. પરંતુ હવે તો એ વાતને આજે ચોવીસ વર્ષ વીતી ગયા. ઈશ્વર થોડીક તો દયા રાખે ને. બધા યુવાનો આજે લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયા તો આ આપણો દીકરો એકલો જિંદગી કેમનો કાઢશે ?’ શેઠે શેઠાણીને બહુ સમજાવ્યું પણ શેઠાણી એકના બે ના થયા. એમણે પુત્રના લગ્નની બરાબર જીદ પકડી. અંતે એ જીદ સામે શેઠને ઝુકવું પડયું અને અંતે ‘જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે’ એમ બોલીને શેઠાણીને હા પાડી. શેઠને અંદરથી ખ્યાલ આવી ગયો હતો કે વિધિના વિધાન ખોટા ના હોય, હવે તેમનો પુત્ર નહીં બચે. પોતે માનસિક રીતે એ દુ:ખ સહન કરવા તૈયાર થઈ ગયા હતા.

એ પછી તો પાસેના ગામની એક વણિક કન્યા સાથે આ રમેશનું નક્કી થયું અને દિવસો જતાં લગ્ન લેવાનો સમય પણ આવી પહોંચ્યો. શેઠાણી પ્રસંગના આનંદમાં ડૂબી ગયા હતા પણ શેઠનું મન આજે અંદરથી ઉદાસ હતું. દીકરાના લગ્નનો પ્રસંગ હોવાથી બહાર આનંદ દેખાડવો પડતો પણ અંદરથી તેઓ જાણતા હતા કે જે ઘટના બનવાની છે એ તો બનીને જ રહેશે. પરમાત્માની વાણી કોઈ દિવસ ખોટી ના પડે. શેઠ હૃદયમાં અપાર દુ:ખ અનુભવતા હતા.

એ સમયે ગામમાં રાત્રી લગ્નો થતા તેથી આખી રાત લગ્નની વિધિ પતાવીને જાન સવારે 6 વાગે પોતાને ગામ પરત ફરી. સ્નેહીઓ અને મિત્રોને વિદાય આપતા પહેલા સવારે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો તેથી શેઠાણી આવ્યા ત્યારથી જ વ્યસ્ત હતા…. મહેમાનોને નીચે ઉતારો અપાયો હતો…. તેમજ નવી આવેલી વહુને પૂજાની રૂમની સામેના પશ્ચિમ તરફના ગેલૅરીવાળા ઓરડામાં ઉતારો અપાયો હતો. આ બાજુ, શેઠના મન પર ઉદાસી સતત વધતી જતી હતી. એમના હૃદયમાં સતત એક જ વાત ચાલ્યા કરતી કે ‘હમણાં અગિયાર વાગશે અને આ પુત્ર હતો-નહતો થઈ જશે.’ શેઠાણી વાત માન્યા નહીં એનો તેમને પારવાર રંજ હતો.

સમય વીતતો જતો હતો. એક બાજુ બધી રસોઈ બની રહી હતી, મહેમાનો બધા નીચે વરરાજા સાથે ગપ્પાં મારવામાં વ્યસ્ત હતાં – જ્યારે બીજી બાજુ નવી આવેલી વહુ, સમગ્ર ઘટનાઓથી અજાણ, પોતાના સરસામાન સાથે ઉપરના રૂમમાં આરામ કરી રહી હતી. શેઠને સ્નેહીઓ તથા મિત્રોને જમાડવાની ઘણી હોંશ હતી પણ, ઘડિયાળના કાંટાને જોતાં તેમની બેચેની વધતી જતી હતી. સ્નાન આદિથી પરવારીને તેમણે શેઠાણીને કહ્યું :
‘મને બેચેની થાય છે એટલે હું ઉપર પૂજાના ખંડમાં જઈને કથા-કિર્તન આદિ કરું છું જેથી મારું મન સ્વસ્થ બને.’
‘કેમ ? તમારી તબિયત નથી સારી ?’
‘બસ, મને પેલી વાત યાદ આવે છે ને બેચેની વધતી જાય છે.’ શેઠે શેઠાણેને સમજાવ્યું.
‘તમે પણ શું આજના સારા દિવસે જૂની વાતોને યાદ કરો છો. જાઓ તમે આરામ કરો. હું અહીં બધું સંભાળી લઈશ.’
શેઠાણીને બધું કામ સોંપી, પોતાને કોઈ ખલેલ ન કરે એમ વાત જણાવીને શેઠ બરાબર નવ વાગે પૂજા ખંડમાં પ્રવેશ્યા. અંદરથી બારણા બંધ કર્યા. આર્તભાવથી પરમાત્માનું કિર્તન કર્યું. આંખોમાં અશ્રુધારા વહેવા માંડી. શેઠ ભક્તિમાં ઓતપ્રોત થઈ ગયા. એમનું હૈયું આજે હાથમાં નહોતું રહેતું. એક પછી એક પદો સ્મરણ કરતા ગયા. ભગવદ સ્મરણમાં દોઢ કલાક વીતી ગયો. અને ઘડિયાળમાં સાડા દશનો સમય થયો. હવે તો માત્ર અડધો કલાક જ બાકી હતો એ પછી તો રોક્કળ શરૂ જ થવાની હતી. બીજી બાજુ, નવી આવેલી વહુના રૂમની બરાબર નીચે, ઘરના પાછળના ભાગમાં એક રસ્તા પર ફરીને કાગળ વીણનારી અત્યંત ગરીબ એક દેવીપૂજક યુવાન સ્ત્રીની પ્રસુતિનો સમય નજીક હોઈ, દર્દથી કણસતી હતી. પીડાના કારણે એ ઘરની પાછળના ભાગમાંજ બેસી પડી અને સમય થતાં એણે એક બાળકને જન્મ આપ્યો. પરંતુ એ પછી અત્યંત ભૂખ ને કારણે તે ચીસો પાડવા લાગી. ‘અરે કોઈ ખાવાનું આપો…હું મરી જઈશ….. કોઈ કંઈક તો આપો….’ એમ તેની વેદના અસહ્ય બની. આ અવાજ ઉપર બેઠેલી પેલી વહુએ સાંભળ્યો. ‘અરે આ કોણ બૂમો પાડે છે ? ચોક્કસ કંઈ થયું લાગે છે….’ પાછળની તરફ ગેલૅરીમાં જઈને તેણે જોયું તો ગરીબ સ્ત્રી, ફાટેલા વસ્ત્રો સાથે, નવજાત બાળકને લઈને ઉપર તરફ જોઈ, હાથ ફેલાવતી ઊભી હતી….
‘બેન કંઈક ખાવાનું આપો. મારાથી ભૂખ સહન નથી થતી… આ બાળક…..’
વહુ તમામ પરિસ્થિતિ પામી ગઈ. પણ આ તો નવું ઘર. કોને જઈને કહું ?……. મર્યાદાના કારણે એમ સામે તો જવાય નહીં….. અચાનક એને રૂમમાં પડેલી પિયરથી આપેલી માહમાટલી (લગ્નની પહેલી રાતે પતિને વ્હાલથી પત્ની દ્વારા મીઠાઈ ખવડાવવા માટેનો પિયરમાં તૈયાર થયેલો થાળ) યાદ આવી. ભેટમાં આવેલી સાડીઓનું એણે દોરડું બનાવ્યું અને મીઠાઈ ભરેલી આખી માટલી એણે એ સાડીઓના દોરડા વડે નીચે ઊતારી. તમામ મીઠાઈ એ દેવીપૂજક બહેનને આપી દીધી. અત્યંત ભૂખથી પીડાતી એ સ્ત્રી, ખાવાનું જોઈને રીતસર તૂટી પડી અને ધડાધડ બધી મીઠાઈ ખાઈ ગઈ. વહુએ ફરી દોરડું લંબાવીને રૂમમાં પડેલું પાણીનું માટલું નીચે ઉતાર્યું. ખાઈ-પીને તૃપ્ત થયેલી એ પ્રસુતાએ ખૂબ હશકારો અનુભવ્યો અને તેના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા, ‘ઓ બૂન, તેં આજે મને ખાવાનું દઈને તૃપ્ત કરી, એ બદલામાં ઈશ્વર તારો ચૂડલો અખંડ રાખે. તારા પતિને દીર્ધાયું કરે.’

ઘડિયાળમાં અગિયારમાં પાંચ બાકી…….
ઘરની પાસેની ઝાડીઓમાંથી અત્યંત ઝેરી કાળોતરો નીકળ્યો, જાણે સાક્ષાત યુવાનનો કાળ. નિયતિમાં નિર્માણ થયેલી એ ઘડી આવી પહોંચી. એક બાજુ શેઠ કિર્તનમાં વ્યસ્ત… રસોઈની તાડમાર તૈયારીઓ…. સ્નેહીઓના વરરાજા સાથે હસી-મજાક… અને બીજી બાજુ આ બધાથી નજર ચૂકવીને નાગનો એ ઘરમાં પ્રવેશ. સડસડાટ સરકતો એ કાળોતરો ઘરના ઓટલે જઈ પહોંચ્યો. હવે એ પુત્ર અને નાગ વચ્ચે માત્ર સાતેક ફૂટનું જ અંતર બાકી હતું.
અને…. એટલામાંજ….. ઓટલા પરનો સ્તંભ ધડાકા ભેર તૂટી પડ્યો……
એ કાળોતરો નાગ એની નીચે જ દટાઈ મર્યો……
ચારે બાજુ હોહા થઈ ગઈ…. અચાનક શું બન્યું એની કોઈને સમજણ પડી નહીં….. સાપ મરાયો એમ કહીને લોકો બૂમો પાડવા લાગ્યા….. ચારેબાજુ જાત જાતની વાતો થવા લાગી….
પણ અહીં શેઠાણીની આંખમાંથી આંસુ સરી પડ્યાં…. એમને થયું કે દીકરાના માથે ઘાત ટળી… ઈશ્વરે લાજ રાખી….એ દોડયા ઉપર શેઠને ખબર આપવા….પૂજાના ખંડનું બારણું ખખડાવ્યું…

શેઠેને ધ્રાસ્કો પડ્યો. ચોક્કસ રમેશ ગયો….. હવે રોક્કળ ચાલુ થશે…. હૈયું કઠણ કરીને બારણું ખોલ્યું. સામે શેઠાણી આંખમાં ખુશીના આંસુ સાથે હસતા હસતાં ઊભા હતા…
‘જો મેં તમને કહ્યું હતું ને કે ઈશ્વર આપણી લાજ રાખશે. કાળોતરો નાગ નીકળ્યો હતો પણ આપણા રમેશને કંઈ ના થયું. ઊલટાનો એ જ પેલા સ્તંભ નીચે દટાઈ મર્યો….’ શેઠાણી એકી શ્વાસે બોલી ગયા..
‘શું વાત કરો છો તમે ?… ઈશ્વરની વાત ખોટી ના હોય….’ શેઠ આનંદ મિશ્રિત આશ્ચર્ય સાથે બોલ્યા.
‘તમે જાતે જ આવીને જોઈ લો ને… જુઓ નીચે કેટલા બધા લોકો ભેગા થયા છે….’

શેઠ-શેઠાણી તુરંત નીચે ઉતર્યાં. બધી ઘટનાના પ્રત્યક્ષ પુરાવાઓ જોયા. ખુશીની પુત્રને ગળે લગાડ્યો. આનંદના અશ્રુ આંખમાંથી નીકળી ગયા. પરંતુ એક વાત મનને સતત દુભવતી રહી કે ‘શું ઈશ્વરે મારી અને મારી પત્નીની ખુશી માટે પ્રકૃતિનો નિયમ તોડી નાંખ્યો ?’ એ મનનું સમાધાન નહોતા મેળવી શકતા. એમણે શેઠાણીને બોલાવીને ફરી કહ્યું :
‘જુઓ હું આ ખુશીમાં ફરીથી ઈશ્વરને યાદ કરવા ઈચ્છું છું. તમે અહીં બધી વ્યવસ્થા સંભાળો હું થોડીવારમાં આવું છું.’ શેઠ ફરી પૂજાના ખંડમાં પ્રવેશ્યા. બારણા બંધ કર્યા. આર્તસ્વરે ઈશ્વરને પ્રગટવા આજીજી કરી. કિર્તન કરતાં કરતાં જાણે ભાવ સમાધિ લાગી. ભક્તિમાં મન એકાગ્ર થયું અને ત્યાં તો સાક્ષાત્ શ્રી હરિ ચતુર્ભૂજ સ્વરૂપે પ્રગટ થયા. શેઠે સ્તુતિ કરી, ભક્તિ પૂર્વક પ્રાર્થના કરી અને પછી પોતાની મૂંઝવણ ઈશ્વર સમક્ષ રજૂ કરી.’

પરમાત્મા શેઠની વાત સાંભળીને મંદ મંદ હસ્યા અને પછી કહ્યું કે, ‘મેં તમને ચોક્કસ કહ્યું હતું કે તમારા પુત્રનું મૃત્યુ થશે. મારો કોઈ વચનભંગ થયો નથી. પરંતુ આજે તમારો પુત્ર બચી ગયો છે એ તમારી પુત્રવધુના કારણે.’
‘પુત્રવધુના કારણે ?’ શેઠે આશ્ચર્ય અનુભવ્યું.
‘હા. તમારી પુત્રવધુના કારણે. આપના સગાસંબંધીઓ જ્યારે લગ્નની વ્યવસ્થામાં વ્યસ્ત હતા ત્યારે આ ઘરની પાછળના ભાગમાં એક દેવીપૂજક સ્ત્રીને પ્રસુતિ થતાં તેના માટે અનાજ-પાણી તમારી પુત્રવધુએ આપ્યા હતા. તૃપ્ત થયેલી એ મહિલાના મોંમાથી અનાયાસે જ ‘તમારી પુત્રવધુનો ચૂડલો અખંડ રહે’ એવા આશીર્વાદ નીકળી ગયા. ગરીબની આંતરડી ઠરીને નીકળેલા એ આશીર્વાદની બરાબરી કરી શકે એવું મારી કોઈ શરતોનું ગજું નથી. હું આખા બ્રહ્માંડનો પ્રલય કરી શકું છું, સૃષ્ટિના તમામ તત્વો મારી વશ છે પણ એક ગરીબ માણસને તૃપ્ત કર્યા પછી જે શબ્દો એના મુખમાંથી નીકળે છે તેનાથી હું બંધાઈ જઉં છું. સમગ્ર પ્રકૃતિના નિયમોને ઊલટા-સુલટા કરીને પણ મારે તેનું પાલન કરવું પડે છે માટે તેમાં કોઈ આશ્ચર્ય નથી. હું નથી વસતો કોઈ વૈકુંઠ માં કે યોગીઓના હૃદયમાં… જ્યાં જ્યાં આ પ્રકારના શુભ કર્મો થાય છે ત્યાં હું સ્વયં પ્રગટ રહીને મારા ભક્તોની વિશેષ કાળજી રાખું છું. મારી શરત તૂટે એનો મને વાંધો નથી પણ એ મહિલાના આશીર્વાદ નિષ્ફ્ળ ન જાય એ મારે માટે વધારે મહત્વનું છે અને એ સાચા હ્રદયથી નીકળેલા આશીર્વાદનું એટલું બધું બળ છે કે હવે તમારા પુત્રનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. માટે હવે આપ નિશ્ચિંત રહો…’ એમ કહી ભગવાન અંતર્ધાન થયા.

શેઠે ફરી સ્તુતિ કરી અને શેઠાણીને બનેલી તમામ હકીકત જણાવી. સૌએ પ્રસન્નતા અનુભવી અને શેષ જીવન ગરીબોની સેવામાં અને ઈશ્વર ભજનમાં વિતાવાનો નિર્ણય કર્યો. અસ્તુ.

Advertisements

4 responses to “એક સુંદર લોકકથા

 1. Mrugeshbhai,

  New Jersey ma besine Aa lekh vanchta India ma joyela prasngo yaad aavya ane aankhmathi aasu sari padya. Kyarek karelo maro niyam “jivan na moj-shokh thoda ochha karine pan thodi seva karvi” yaad aavi gayo. Aapno khub khub aabhar , maro j nirnay mane farithi yaad apavava mate.

  Sukhi gharna darek manav jo aavo nirnay kare to samaj ketlo aagal aavi jay !

  Mari ek j aasha ke aa lekhnu hard sau samji shake ane jivan ma utare.

  Thanks,

  Ami

 2. આ વાર્તા વાંચીને મમ્મી એ એક વાર કહી’તી એ વાત યાદ આવી. જ્યારે મારો ભાઇ ઘણો નાનો હતો, ત્યારે ઘરમાં જ એક અકસ્માતમાં જરા માટે બચી ગયો હતો. ત્યારે કોઇએ મમ્મી ને કહ્યું હતું, “બેન, તેં જરૂર કોઇ ગરીબની આંતરડી ઠારી હશે, એની દુઆ લીઘી હશે, જેને લીઘે આજે તારો દિકરો બચી ગયો”.

  આ વાર્તા વાંચીને એવું થાય છે કે જ્યારે પ્રભુ એવા સંજોગ આપે કે હું કોઇને મદદરૂપ થઇ શકું, તો સાથે એટલી સદબુધ્ધિ પણ આપે.

 3. ekdham hradey ne sparshi jaay tevi varta che ne vachi ne aansu avi jaay che. khub sari che ne. sara karela karma kadi fogat nathi jata..

  aabhar…

 4. Excellent ,sir please forward such stories of great human values to be in spell of good environment.

  awating such good story in next turn

  Best regards.

 5. Priy Mrugeshbhai,

  Hu 1996 batch no IAS officer chhu ane hal srinagar, kashmir khate posted chhu. hamna jyare amdavad ghare gayo tyare chitralekha ma tamari sahityik pravruttio visheno lekh vachyo. hu aam to physics no vidyarthi rahyo chhu pan mane sahitya ma ane khas karine gujarati sahitya ma khuba j ras chhe. aap je rite sahitya ni ane janta ni seva karo chho te vishe jani ne gad gad thai javayu. computers ane web vishe hu pan janu chhu, jo mara thi aap ne koi pan rite aa kam ma madad thai shake to to hu krutkrutya thaish. jawab jaroor thi aapjo.
  jaydeep tatmia.