તળનું મલક હશે કેવું, હેં માલમા ? – રમેશ પારેખ

[ કાવ્યસંગ્રહ ‘ખડિંગ’ ને 1978-82 ના ગાળા દરમિયાન પ્રકટ થયેલા સર્વોત્તમ કાવ્યસંગ્રહ તરીકે અપાયેલ ‘નર્મદચંદ્રક’ સ્વીકારતાં કવિશ્રી રમેશ પારેખે આપેલ વક્તવ્યને નવનીત સમર્પણે આ જુલાઈ-2006ના ‘રમેશ વિશેષ’ અંકમાં તેને પ્રકાશિત કરેલ છે જે સાભાર અહીં લેવામાં આવે છે. ]

rameshparekhમારાં સ્વ. બા (નર્મદાબહેન) ધાણીફૂટ કાઠિયાવાડી બોલી બોલતાં. અમરેલી મૂળે તો ખોબા જેવડું, પણ ગાયકવાડી સૂબાની કચેરી અહીં રહેતી થઈ ત્યારથી દિનપ્રતિદિન વિકસતું ગયું. ઈ.સ. 1947 પછી તો તેનું રીતસરનું શહેરીકરણ થયું રહ્યું છે. લોકોની જીભ પર ‘સુધારુ’ ભાષાનો ‘ગિલેટ’ ચડતો રહ્યો છે. મારી બા જેવાં કેટલાકની વાણી ‘શુદ્ધ’ રહી ગયેલી. આ વાણી, આ ભાષામાંથી મારી જીભના માપનો જોડો સિવાયો છે. મારી ભાષામાં, બોલચાલની લઢણમાં જે ખરબચડાપણું છે તે અસલમાં કાઠિયાવાડી વળોટનું છે.

મારી સાત પેઢીમાં કોઈ સાહિત્યકાર જન્મ્યાની માહિતી નથી. મને હસવું આવે છે કે તો પછી, તેલ, પળી ને ત્રાજવું મૂકી હું કવિતા ‘જોડતો’ કેમ થયો ? ઘરમાં પણ સાહિત્યનું ખાસ કોઈ વાતાવરણ નહીં ! ગામમાંય નહીં અને આગળ વધીને કહું તો આખા અમરેલી જિલ્લામાં નહીં ! મોટાભાઈ શ્રી કાંતિભાઈ ભાવનગરની શામળદાસ કોલેજમાં બે વર્ષ ભણ્યા, આ અરસામાં તેમની આગળના કલાસમાં શ્રી હરીન્દ્ર દવે હતા. તેઓ કોલેજના મેગેઝિનમાં લેખો લખતા એ મેં વાંચેલા પણ કાંઈ ચાંચ બૂડી નહોતી. મોટાભાઈ હાઈસ્કૂલમાં હતા ત્યારથી તેમને હસ્તલિખિત અંકો તૈયાર કરવાનો શોખ, અહીંતહીંથી ગમેલી સામગ્રીને પોતાના હસ્તલિખિત અંકમાં ઉતારતા. એમને કૉલેજના અભ્યાસક્રમમાં ‘કાન્ત’ નો ‘પૂર્વાલાપ’ ભણાવાતો. એમાંના ‘વસંતવિજય’ કાવ્યથી પ્રભાવિત થઈ મોટા ભાઈએ ‘પ્રકૃતિવિજય’ શીર્ષકવાળું, સળંગ અનુષ્ટુપમાં દીર્ઘકાવ્ય લખી ‘કુમાર’ ને મોકલ્યું હતું. શ્રી બચુભાઈ રાવતે એ ફરી ફરી સુધારવા માટે પાછું મોકલ્યા કર્યું હતું. આ બધું હું સાક્ષીભાવે જોતો. આ વખતે હું દસેક વર્ષનો હોઈશ. એક દિવસે થયું કે ચાલ, હુંય આવું લખું ! ખૂબ મથામણને અંતે ‘હે પ્રભુ તમને નમું છું હાથ જોડીને, અરે!’ આવી બેચાર પંક્તિઓ લખી. હરિગીત ! આ છંદ કેવી રીતે આવડ્યો ? તો કે’ અમારા ઘરમાં ‘મણિકાન્ત કાવ્યમાલા’ નામની એક ચોપડી હતી. તેમાં શશિકાંતની પ્રણયકરુણ કહાણી સળંગ હરિગીતમાં હતી. તેમાંથી મારી મોટી બહેન શ્રી સવિતાબહેન હીંચકે બેસી – ‘શશિકાંત, મારાં લગ્નની કંકોતરી વાંચજો… કંકુ નથી મમ રક્તના છાંટા પડ્યા અવલોકજો….’ ગાતી. એના કરુણાલાપથી હૈયું ભરાઈ આવતું, ખબર પડે નહીં કે સાલું, આવું આવું કેમ થાય છે ! બહેન હીંચકતી હીંચકતી મને ખોળામાં સૂવડાવી થાબડે ને ઊંઘાડી દે. એ હરિગીત છંદ છે એની તો બહુ પાછળથી ખબર પડેલી. પણ કાનને હરિગીતનો પરિચય થઈ ગયો હતો. આ જ રીતે હું જે કાંઈ છંદ કે લય શીખ્યો છું તે કાન દ્વારા શીખ્યો છું. છંદ અને અલંકાર પ્રત્યક્ષ ભણવામાં આવ્યા ત્યારે તેનો ભયંકર કંટાળો આવ્યો છે. ‘યમાતારા જભાન સલગા’ એવું હું માંડમાંડ ગોખી શકતો. પણ એ યાદ રહ્યા પછી, શું કરવા ગોખ્યા હતા તે ભૂલી જતો…. હરિગીતની પેલી-પહેલી-પાંચ પંક્તિઓ પછી પ્રભુજી પ્રસન્ન થયા નહીં એટલે પ્રભુજીને અને પદ્યને મૂક્યાં પડતાં અને વ્યાયામમંદિરમાં જવાનું શરૂ કર્યું ! અમરેલીમાં બાલપુસ્તકાલય પણ ખરું. પુસ્તકાલયમાં ‘બાલમિત્ર’, ‘બાલજીવન’ અને ‘ગાંડિવ’ જેવાં બાળસામાયિકો આવતાં તે વાંચવા જતો.

એક દિવસ ઓચિંતો ચિત્રો દોરવાનો ચસકો લાગ્યો (મોટા ભાઈ દિવાળીને દિવસે અવનવી રંગોળી દોરતા એમનાથી પ્રેરાયો હોઈશ?) બકરીની પૂંછડીના વાળ કાપ્યા. દાતણ સાથે દોરાથી બાંધ્યા ને પીંછીં બની. ચાંદલા માટેનું કંકુ, હળદર ને આંજણની ડબ્બીમાંથી રંગો બનાવ્યા. એક ચિત્ર બનાવ્યું – ‘શ્રી લક્ષ્મીજી’નું. એને મેં લક્ષ્મીજી તરીકે ઓળખાવ્યાં એટલું જ, ઘરના કોઈ તેમને ઓળખી શક્યા નહીં ને ગેરમાર્ગે દોરવાયા. કોઈએ ‘રાક્ષસ’, કોઈએ ‘બિલાડું’ તો કોઈએ જુદા નામે ઓળખ્યા એમને. આ ‘આઘાતજનક’ ઘટના પછીય મારું ચિત્રકામ અટક્યું નહીં. પછી તો એવો હાથ બેસી ગયો કે પૂનાના પરીક્ષા બોર્ડ તરફથી ઈંટરમિડિયેટ ડ્રોઈંગની પરીક્ષામાં મેમરી ડ્રોઈંગ માટે બોર્ડનું પ્રથમ ઈનામ મળ્યું. એ પછી રોજનાં ડઝન લેખે સ્વપ્ન આવતાં – મુંબઈની જે.જે. સ્કૂલ ઑફ આર્ટસમાં ભણવા જવાનાં. આર્થિક સ્થિતિ કંઈ એવી નહોતી. બાપુજીએ ના પાડી દીધી એટલું જ નહિ, કૉલેજમાં ભણવા જવાની ઉંમરે કમાવા માટે 1958માં નોકરીમાં જોડાઈ જવું પડ્યું. ઘરમાં ક્યારેક આવતાં ચોપાનિયાં વાંચતાં-વાંચતાં એકાએક લખવાની ઈચ્છા થઈ. બન્યું એવું કે શ્રી ઈશ્વર પેટલીકરની ‘તરણા ઓથે ડુંગર’ વાંચી તેનાથી ખૂબ પ્રભાવિત થઈ ગયો. ને પેલી લખવાની ઈચ્છા અમલમાં મુકાઈ ગઈ. એ જ નવલકથાની અસરમાં ‘કાળું ગુલાબ’ વાર્તા લખાઈ. પછી ‘ગુલાબનો છોડ’ અને ‘પ્રેતની દુનિયા’ વાર્તાઓ લખાઈ. ‘ચાંદની’ નામના સામયિકમાં સૌ પ્રથમ ‘પ્રેતની દુનિયા’ ફોટો અને પરિચય સાથે છપાઈ ત્યારે હું દસમા ધોરણમાં હતો – છપાયેલી વાર્તા વર્ગશિક્ષક સાહેબને બતાવી તો તેણે કહ્યું – ‘ડફોળ ! વાર્તા તેં જ લખી છે કે કોઈની ચોરી લીધી છે ?’ તેમના આ પ્રતિભાવે એટલો મોટો હથોડો માર્યો કે તે પછી ક્યારેય કોઈના અભિપ્રાય માટે મેં ખેવના રાખી જ નહીં. એ માસ્તરને બતાવી આપવાના ઝનૂનથી મેં ધડાધડ વાર્તાઓ લખવા માંડી. છપાય ત્યારે નામદાર સાહેબને સળગાવવાના હેતુથી જ અચૂક બતાવતો અને વૈરતૃપ્તિ માણતો. આમ 1962 સુધી વાર્તાનો દોર ચાલ્યો. સો એક જેટલી વાર્તાઓ ચારપાંચ વર્ષના ગાળામાં છપાઈ ગઈ. મુખ્યત્વે વાર્તાઓ જ લખતો. ક્યારેક ગીત કે ગઝલ જેવું પદ્ય પણ રચાતું. એકાદ નમૂનો આપું :

જાગ ઓ પંખી, જાગ !
નીંદ માણી ને હૂંફ યે માણી, ઊઠ વીતી પેલી રજનીરાણી
છેડ પ્રભાતી રાગ,
જાગ, ઓ પંખી, જાગ !
સુરખીનો ભરી થાળ ઉષા ચોગરદમ પૂરે ચોક
મંજરી ગંધ મસ્ત બનીને ભૈરવ ગાય અશોક
વાયરાને વીંટળાઈને ઘૂમે પારિજાતનો પરાગ
ઊંઘનાં ઘેરાં ધારણ ફેડી, આંખ જરા તું ખોલ !
ચેતન ને જડ ગાઈ રહ્યાં છે, પિચ્છલ, તું જ અબોલ !
પાંખ પ્રસારી નભનાં ઘેરાં ઊંડાણોને તાગ !
જાગ, ઓ પંખી, જાગ !

પદ્યકૃતિઓ લખાતી ખરી, પરંતુ એમાં કશુંક ખૂટતું લાગે એટલે છાપવા મોકલવાનો ઉત્સાહ થતો નહીં. બધું નોટબૂકમાં જ ભંડારી રાખતો. ગાવાનો શોખ નાનપણથી જ, હાઈસ્કૂલમાં દાખલ થયો ત્યારે બે-ત્રણ સંગીતરસિયા દોસ્તો મળી ગયા, દોલત ભૂવા અને ભૂપેન્દ્ર છગ – જેવા. ઉત્સાહ જાગ્યો ને ‘મોરલ મ્યુઝિક કલબ’ નામે સંસ્થા શરૂ કરી. 1965 સુધી આ સંસ્થા ચાલી. અમે જાહેરમાં સંગીતના કાર્યક્રમો કરીએ. ગુજરાતી ગીતો અને ફિલ્મનાં ગાયનો ગવાતાં, હું પણ ગાતો. ઠોકપાંચમ કરતાં કરતાં તબલાં ને ઢોલક પર ખૂબ સારો હાથ જામી ગયો. આમ પ્રવૃત્ત તો ઘણો બધો રહેતો, પરંતુ કોઈ ચોક્કસ દિશા વિના આમતેમ ફંગોળાયા કરતો હતો.

1966/67ના ગાળામાં અનિલ અમરેલી આવ્યો. તેના પિતા શ્રી રમાનાથભાઈ જોશી અમારા બોસ. એટલે અનિલનો પરિચય થયો. એ પરિચય થયો ન હોત તો કદાચ હજુય હું વાર્તાઓ લખતો હોત, એ જ ચીલાચાલુ અથવા તો કશું જ લખતો ન હોત. સંસારની ઘરેડમાં હું ‘અડિયલ બળદ’ છું તેને બદલે ‘આદર્શ બળદ’ હોત ! મારા જીવનમાં કવિતાનો પ્રવેશ અનિલરૂપે થયો. પહેલી મુલાકાતમાં અનિલે એનું ‘કુમાર’ માં છપાયેલું ‘ગરિયો’ કાવ્ય સંભળાવ્યું. મેં એ અરસામાં ‘ચિત્રલેખા’માં છપાયેલી મારી વાર્તા ‘બટનેચરલ’ વંચાવ્યાનું યાદ છે.

એ કાળે અમરેલીમાં સાહિત્યનું વાતાવરણ જ નહીં. જન્મ્યો, ભણ્યો, નોકરીએ રહ્યો, અમરેલીમાં જ; તે બહારની દુનિયાથી હું સાવ અજ્ઞાત. સારી લાઈબ્રેરીયે નહીં. વાર્તા કે કાવ્ય લખવાની મારી મથામણના કાળમાં કોઈ સારું પુસ્તક કે કાવ્યો વાંચવા મળ્યાં નહીં. એમ તો આજે પણ અમરેલીમાં સારી લાઈબ્રેરી નથી જ પણ એ વખતે તો એ નર્યું ચોપડાનું ગોદામ હતી. વિશ્વસાહિત્યનાં ઉત્તમ પુસ્તકો જોયાંય નથી, વાંચવાની વાત જ ક્યાં ? પૂરું ગુજરાતી સાહિત્ય પણ વાંચી શક્યો નથી, પહેલાં લાઈબ્રેરીના અભાવે ને હવે સમયના અભાવે. સૌથી વધુ પુસ્તકો વાંચ્યાં હોય તો ડિટેકટિવ સાહિત્યનાં, કેમ કે એ જ સરળ રીતે ઉપલબ્ધ હતાં. આનો મને સતત વસવસો રહ્યો છે. આમ મારી સર્જનપ્રવૃત્તિ પેલા એકલવ્યની વિદ્યા જેવી છે. આ તેની વિશિષ્ટતાયે છે ને મર્યાદાયે છે.

અનિલની દોસ્તીએ મારા અભાવોનું થોડું વળતર આપ્યું. અનિલ સાહિત્યરસિક મિત્ર જ નહીં, મારા માટે જ્ઞાન અને માહિતીનો ખજાનો હતો. એ સાહિત્યની, સાહિત્યકારોની અનેક વાતો કરતો જે મેં ક્યારેય વાંચી કે સાંભળી ન હોત. મારા મનમાં સતત ખાલી રહેતો જિજ્ઞાસુ ખૂણો પુરાતો રહ્યો. મેં નોટબુકમાં સંતાડી રાખેલાં કાવ્યો અનિલને વંચાવ્યાં ત્યારે તે કાંઈ બહુ ખુશ થયો નહીં. કહ્યું કે ‘આ તો જૂની ઘરેડનાં કાવ્યો છે. કશુંક નવું લખ તો જામે’
‘નવું એટલે કેવું ?’
‘આ “કૃતિ” જેવા મેગેઝીનમાં છપાય છે તેવું.’ અનિલે તે અરસામાં છપાયેલા ‘કૃતિ’ ના એક-બે અંક આપ્યા. હું તેને નવાઈથી જોઈ રહ્યો – ફિલ્મી ગીતોની ચોપડી જેવું કદ !
‘આવું લખતાં તને આવડે ?’ અનિલે પૂછ્યું.
‘શા માટે ન આવડે ?’ મેં છાતી ફુલાવી ગર્વથી કહ્યું – ‘આવડે જ !’
એમાં કઈ ધાડ મારવાની છે ? અનિલની વાત જાણે મને ચેલેંજ ફેંકાતી લાગી. મેં એ ચેલેંજ ઉપાડી લીધી.
કૉલેજ ખૂલતાં અનિલ અમદાવાદ ગયો. તરત મેં તેને ઝનૂનપૂર્વક લખી કાઢેલાં આઠદસ કાવ્યોનો થપ્પો પોસ્ટથી મોકલી આપ્યો. સર્વ શ્રી લાભશંકર ઠાકર, આદિલ, ચિનુભાઈ, મનહર મોદી, રાવજી, રાજેન્દ્ર શુક્લ વગેરે એ વખતે ‘રે મઠ’ માં મળતા. અનિલ પણ જતો. અનિલે એક બેઠકમાં મેં મોકલેલાં કાવ્યોનો થપ્પો મિત્રો સમક્ષ મૂક્યો. કાવ્યો વંચાયાં. કેટલાક મિત્રોને ગમ્યાં. ‘કૃતિ’ માં છપાયાં – (‘પરપોટો/’ક્યાં’ પૃષ્ઠ-104), (આંખ મીંચી દઉં તો…./’ક્યાં’ પૃષ્ઠ-81 બીજી આવૃત્તિ) ‘કૃતિ’ માં કાવ્યો છપાયેલાં જોઈને થયું – ‘લ્યો, આ છપાયાં. નવી રીતનાં કાવ્યો લખતાં આવડી ગયાં !’

અનિલ અમદાવાદથી અમરેલી અવારનવાર આવે. એટલે અમારી દોસ્તીને વળ ચડતા રહ્યા. એ થોડા સમય પછી અભ્યાસ પૂરો કરી અમરેલીમાં સ્થાયી થયો અને અમારી ‘ફુલટાઈમ’ મૈત્રી જામી. રોજરોજ અનિલ ને હું કંઈક નવું લખીએ, વાંચીએ, માથાફાડ ચર્ચા કરીએ, જીવલેણ ઝઘડીએ ને કાકી વઢે ત્યારે જમી લઈએ (અનિલનાં બાને અમે કાકી કહીએ). અનેક પ્રકારના આનંદો હતા – લખવાનો, વાંચવાનો, ચર્ચા કરવાનો, ઝઘડવાનો, મુક્ત રીતે રખડવાનો ને હસવાનો આનંદ. આ આનંદ અમારાં સર્જનોમાં પ્રાણ પૂરતો. ‘કૃતિ’ ઉપરાંત બીજાં મેગેઝિનો, ખાસ કરીને શ્રી સુરેશ દલાલ અને શ્રી હરીન્દ્ર દવેના તંત્રીપદે પ્રકટતાં ‘કવિતા’ અને ‘સમર્પણ’ માં – અનિલની અને મારી રચના પ્રકટ થતી. એ વખતે મને તો એક જબરો નશો હતો કવિતાનો, પ્રસિદ્ધિનો !

1968ની દિલ્હીમાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પહેલી જ વાર ગયો એ અનુભવ રોમહર્ષણ હતો. જિંદગીનો પહેલો જ સાહિત્ય અંગેનો મારો આ પ્રવાસ, ગુજરાત બહારનો પ્રવાસ. પહેલી જ વાર મેં જેમની વાર્તાઓ, નવલકથાઓ ને કાવ્યો વાંચ્યા હતાં, જેમનાં નામો સાંભળ્યાં હતાં એ સૌ સાહિત્યકારોને પ્રત્યક્ષ ભાળ્યા – ‘પન્નાલાલ પટેલ ! ઓહોહોહો મડિયા… ! ઉમાશંકર…! ઓહોહોહોહો….! ગુલાબદાસ બ્રોકર, પ્રિયકાન્ત, સુરેશ દલાલ, ઓહોહોહો ! જાણે વંડરલૅન્ડમાં આવી ચઢેલી પેલી ઍલિસ ! વળી સોનામાં સુગંધ ભળી તે એ કે ઉમાશંકર જોશીના વડપણ નીચે રાત્રે કવિસંમેલન થયેલું તેમાં એક ગઝલ પણ બોલ્યો – ‘હવાઓ..’

વળી થોડા દિવસ પછી, ‘નવચેતન’ નો દિવાળી અંક અનિલે વાંચ્યો હશે તે તેણે કહ્યું – ‘હરીન્દ્ર દવેનો ઈન્ટરવ્યુ લીધો છે કોઈએ, વાંચજે.’

વાંચ્યો ને સુન્ન થઈ ગયો ! નવી પેઢીના પ્રોમિસિંગ કવિઓ કોણ કોણ તે પ્રશ્નના ઉત્તરમાં હરીન્દ્રભાઈએ અનિલનાં ને મારાં નામો આપેલાં. એ ઘટના હતી મારા ઉપવિત સંસ્કારની. એ લેખ વાંચ્યો તે જ ક્ષણે હું દ્વિજ બન્યો; કવિરૂપે જન્મ્યો. થયું હરીન્દ્રભાઈ જેવા ઉત્તમ પુરોહિત (અથવા સુયાણી) છે ને આપણુંય કિસ્મત બુલંદ ! બસ ત્યારથી ધડાધડ લખવા માંડ્યું, છપાવા માંડ્યું અને 1970માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્યાં’ પ્રકટ થયો. અનિલની ‘કદાચ’ અને મારી ‘ક્યાં’ ની સ્ક્રિપ્ટ તૈયાર થતી હતી તે અરસામાં અનિલે વસંતતિલકા છંદમાં લાંબુ કાવ્ય લખ્યું. મને થયું – હું શા માટે ન લખું ? તાબડતોબ ‘કુરુક્ષેત્રે’ લખ્યું – વસંતતિલકામાં (‘ક્યાં’ પૃષ્ઠ 26 બીજી આવૃત્તિ) પણ સાચું પૂછો તો સંસ્કૃત વૃત્તમેળ છંદોની મને ગતાગમ નહીં. ગીત અને ગઝલના વિવિધ લય પણ આમ તો કાન દ્વારા શીખ્યો હતો. છતાં આ વૃત્તમેળ છંદો ? ના રે ભાઈ ! એને તો સ્પર્શ કરવાની હિંમત નહોતી. શ્રી સુરેશ દલાલે ‘કવિતા’ નો સોનેટ વિશેષાંક પ્રકટ થવાનો હતો તે માટે સોનેટો મોકલવા લખ્યું. બાપુ, આપણને પરસેવો વળી ગયો. છેવટ રજપૂત થયા તે યુદ્ધે જવું જ પડે ! કાનથી સાંભળેલા લયને સાબદા કરી, વૃત્તમેળ છંદમાં એક સોનેટ ગબડાવ્યું પણ એ જ વખતે માંહ્યલાને કહ્યું કે મોટા ! આ બધા છંદો છે ‘ચેલેંજિંગ’, આમાં તારું કાનવાળું જ્ઞાન નહીં ચાલે. તપ કર ! તપ કર !! નીચી મૂંડીએ, પ્રાણાયામપૂર્વક, પાકા ઘડે કાંઠા ચડાવવાના જીવલેણ પ્રયત્નો આદર્યા. અંતે છંદમાં ખંડકાવ્યો લખાયાં – ‘આલા ખાચરની સવાર’, ‘આલા ખાચરની સાંજ’, અને તે પછી ‘આલા ખાચર’ સિરીઝનાં કેટલાંક સોનેટોનો ગુચ્છ, વિવિધ છંદોમાં ગઝલ….

આ બધી વાતનું, નાનીમોટી ઘટનાઓનું અને વિગતોનું મૂલ્ય મારા સર્જનવ્યાપારને જીવંત અને વહંત રાખવાના સંદર્ભે ઘણું મોટું છે જ. કિન્તુ જ્યારે મનના ગહવરમાં ઊંડો ઊતરું છું ને સંવેદનોનું મૂળ શોધવા પ્રવૃત્ત થાઉં છું ત્યારે કંઈક જુદી જ વાત હોવાની શંકા થાય છે. શું થાય છે ? જે થાય છે એવું જ જણાય છે, જોવાય છે ? – ખબર નથી.

મારા ઉછેરમાં કશીક બેચેનીનો ઉદ્વેગનો એક ભાવ અંદર અંદર સતત ઊછરતો રહ્યો છે અને વયપ્રાપ્તિ સાથે એ પણ ઉદ્દામ અને સુરેખ બનતો રહ્યો છે. હવે તો તે કલ્પી શકાય તેટલો સુલભ હોય છે ને નામે-ગુણે વેદના – કશાકથી છૂટા પડી ગયાની વેદના (ની અનુભૂતિ) રૂપે અંદર અંદર ધબક્યા કરે છે. ઘણા જેને ઈશ્વર કહે છે તેમાં મને રસ પડ્યો નથી પણ છૂટા પડી ગયાના મારા મનોભાવમાંનું પેલું ‘કશુંક’ છે તેને ઈશ્વરના પર્યાયરૂપે મૂકી જોવાનું દુ:સાહસ મેં જરૂર કર્યું છે. પણ તેમાં સફળ થયો નથી. પેલા ‘કશુંક’ના સ્વાંગમાં ‘લાખો વણજારો’ પણ હોઈ શકે, પેલી ‘પદમણી’ પણ હોઈ શકે અને અબક કે ચછઝ પણ હોઈ શકે અથવા હું પણ હોઈ શકું. આ બધા Second thoughts છે. હકીકતમાં હું ક્યાંય બેધડક આંગળી મૂકી શકું તેમ નથી. જુઓ તો, કશી પ્રતીતિજનક પ્રાપ્તિ નથી. પેલા ‘કશુંક’ ને શોધવાની મારી પ્રલંબ નિષ્ફળ મનોયાત્રા એની લંબાઈને પુન: પુન: વધારતી જાય છે. ‘લાખા સરખી વારતા’ – આ લાંબા કાવ્ય પ્રત્યે થોડો પક્ષપાતી છું તેથી તેની વિગતે વાત કરું છું. આ કાવ્યમાં આવતાં ‘સમળી જગદંબા’ સહિતનાં, નામવાળાં કે નામ વગરનાં પાત્રો, સ્થળો અને સમયોનો જન્મ એક જ કેન્દ્રમાંથી થયો છે (એમ માનું છું). વધુ વિશદ કહેવું હોય તો એમ કહી શકાય કે પ્રત્યેક પાત્ર અન્ય સર્વ પાત્ર સાથે સૂક્ષ્મ અવિચિછન્ન તંતુથી સંકળાયેલ છે. જુદાપણું તો આભાસી છે. હું તો ત્યાં સુધી કહું છું કે અહીં પ્રત્યેક શબ્દ પણ એક પાત્ર જ છે. આ વિશિષ્ટ પાત્રરૂપ શબ્દ કાવ્યના કેન્દ્રગત સંવેદનવિશ્વનો મોભાદાર અને વગદાર નાગરિક છે ! એ વ્યક્તિ પણ છે ને સમષ્ટિ પણ છે. ખરું જોઈએ તો કેન્દ્રગત સંવેદનાનું વિશ્વ બીજું કંઈ નથી, પરંતુ કાવ્યનાયકના મનનો ચેતોવિસ્તાર છે. કાવ્યનાયકના કેન્દ્રબિંદુમાંથી એક ચોક્કસ ત્રિજ્યા પરિદશ્યમાન વિશ્વને અતિક્રમતી કોઈ અગમ્યબિંદુ પર્યંત લંબાય છે ને એક ચોક્કસ વર્તુળ રચે છે. આ વાતનો સીધો સાદો તરજૂમો તે ‘લાખા સરખી વારતા’. પરંતુ હું માનું છું કે આવું તો કોઈ પણ સર્જનાત્મક કૃતિના સંદર્ભે કહી શકાય. ‘લાખા સરખી વારતા’ ના સંદર્ભે વાત આગળ ચલાવીએ તો કહેવાય કે આ કાવ્ય તો નકશાનો અધૂરો હિસ્સો છે, આખો નકશો નહીં. બીજા અગત્યના અંશો પણ છે, છૂટાછવાયા છે, તેને જોડી જોવા જોઈએ; જેમ કે – ‘નમાયા બાળકનું ગીત (‘ખડિંગ’ પૃ. 98), ‘પોરબંદર તારીખ 25-12-74 – એક ઘટના ધર્માન્તરની (‘ખડિંગ’ પૃ. 99), મંદિરમાંથી કાઢી મૂક્યા પછી (‘ખડિંગ પૃ. 134), ‘મારા ઈડિપસનું ગીત’ (‘ત્વ’, પૃ. 98). ક્યારેય કોઈ રચનામાં એકાદ – ‘થોરનું લીલું પાન તોડીને મા સમોવડ દૂધ ને ઝરી પડતું જોવું (‘ફાંસી પહેલાની ઈચ્છા’ – ‘ખડિંગ’ પૃ.94) જેવી પંક્તિમાંય નકશાનો નાનકડો હિસ્સો મળી આવે. આમ છતાં આખો નકશો હાથમાં આવી જ જાય તેવું ન બને તે શક્ય છે, કારણકે કેટલોક હિસ્સો એવો હશે જે પ્રકટ્યો જ ન હોય !

મારા સર્જનમાં લોકગીતોનો કે લોકસાહિત્યનો પાશ અગર પાસ, જે કંઈ વિદ્વાનોને દેખાય છે તે તો મારા કાનની કમાલ છે. આસપાસથી જે કંઈ સાંભળ્યું તેમાંથી જે કાંઈ સ્મૃતિમાં રહ્યું, સ્મૃતિમાં નહીં તો અજ્ઞાત મનમાં સંધરાઈ રહ્યું તે ખાતર બનીને સર્જનના મૂળમાં પુરાય છે. પ્રત્યક્ષ રીતે તો લોકસાહિત્યનો ગંભીર કહી શકાય તેવો મેં કદી અભ્યાસ કર્યો નથી. મારી એક વિચિત્ર ખાસિયત છે, વળગણ પણ કહી શકાય – તે એ કે પરિસ્થિતિ – આગંતુક હોય કે અંદરની – ઉભયને યથાતથ સ્વીકારી લેવાની મારી માનસિક તૈયારી હોતી નથી. પરિણામે માનસિક રોગીને હવામાં, ભૂતો દેખાય એમ મને ચેલેન્જ દેખાય છે. અને હું પ્રત્યગ્ર થઈ જાઉં છું (ડોન ક્વિંકઝોટની જેમ!) અને મારામાં બેઠેલો લડાયક કારીગર રંધો ને ફરસી લઈ ઝનૂનપૂર્વક પરિસ્થિતિના ‘પિંડ’ ને છોલવા માંડે છે અને એનું રૂપાવિધાન – આકૃતિવિધાન નવેસરથી – સારું કે નઠારું કરીને જંપે છે અને ‘કવિતા’ એમાં ક્યારેય પ્રાણપ્રતિષ્ઠા કરી જાય છે.

મારાં બા તથા તેમના સમવયસ્કો – સમકાલીનોના સહજ સંપર્કને કારણે મારામાં આપોઆપ ગ્રહણ થયેલ શબ્દ-શબ્દરૂપો મારી ભાષાના અંગત ખજાનામાં એકત્ર થયા છે તેની ના નહીં; પરંતુ એ શબ્દ હંમેશ એને એ જ સ્વરૂપે મુકાય છે એમ નથી. બા પાસેથી ક્યારેક એવો શબ્દ સાંભળ્યો હોય જેનો અર્થ હું જાણતો ન હોઉં. પ્રથમ વાર જ એ શબ્દ સાંભળ્યો હોય ત્યારે હું બાને શબ્દાર્થ પૂછી લેતો. એ શબ્દાર્થ અધકચરો જ સમજાયો હોય. છતાં એ પણ મનપેટીમાં ભરી લીધો હોય. કોઈ અપૂર્વ એવા સંવેદનને અભિવ્યક્ત કરવા માટે એવો જ અરૂઢ શબ્દ, અરૂઢ જ નહીં નવો શબ્દ જોઈએ ત્યારે પેલો અધકચરો માલ ખપમાં લાગે. તેને ધોઈફોઈને ઊજળો કરવાનો, ઝબલુંટોપી પહેરાવવાનાં, એનાં આંખકાન ઘડીને સંપૂર્ણ બનાવવાનો, ‘Coin’ કરવાનો. આના ઉદાહરણ તરીકે ‘પગ ડાબાને ખૂણે (‘ખડિંગ’ પૃ. 105) ગીત ચીંધીંશ. એમાં અપૂર્વ સંવેદન, અપૂર્વ શબ્દોમાં, અપૂર્વ રીતે મૂકવાની મથામણ છે. જ્યારે વિદ્વાનો વિવેચકો આવા ‘કોઈન’ કરેલા શબ્દોને કાઠિયાવાડી લોકબોલીના શબ્દો તરીકે ઓળખાવે છે ત્યારે હસી પડાય છે. આટલે સુધી આવીને એટલું સમજ્યો છું કે સર્જન એ રતિ અને પીડાની બ્લુ ફલેમ છે, જે બળે છે ને બાળે પણ છે. છતાં આપણે જાણીએ છીએ તેમ, બળવું – બાળવું સાપેક્ષ છે. કોઈ દ્રવ્ય કે પ્રદાર્થ બળી જતો નથી, એનો નાશ થતો નથી, તે સ્વરૂપાંતર પામે છે. રતિ અને પીડાનું રૂપાંતર એટલે કવિતા !

રહી રહીને એમેય થાય છે કે અગાઉ કહ્યાં તે ઉપરાંતના પરિબળો મારા સર્જનને પ્રેરે છે. દા.ત. જ્યોતિષ અને હિપ્નોટિઝમ. મારા સર્જનમાં પ્રચછન્નપણે તેના અનુભવો પણ કાર્યરત હોય એ અશક્ય નથી. આ તો ઠીક ક્યારેક વિચિત્ર-વિશિષ્ટ અનુભવો થાય છે. થાય છે કે નિયતિએ મારું જે કંઈ ભવિષ્ય રચી રાખ્યું છે, જેમાં પ્રત્યક્ષરૂપે હજુ મારો પ્રવેશ થયો નથી અને જે જીવવા માટેની ક્ષણો હજુ આવી નથી તે જ ક્ષણોને, તે જ સમયખંડને ભૂતકાળનાં મારાં કોઈક સર્જનમાં હું જીવી ગયો છું ! આવી પ્રતીતિ, પછીથી જ્યારે એ સમયખંડ પ્રત્યક્ષ થાય છે ત્યારે થાય છે. એટલે કે હું મારા ભૂતકાળમાં ચાલુ વર્તમાનને જીવી ગયો છું એવું થાય છે ! બહુ વિચિત્ર અનુભવ છે આ. આવું કેમ થાય છે તે ખબર નથી. આવું થાય છે ત્યારે આ અભેદ્ય અને રહસ્યમય અનુભવથી બેબાકળો બની જાઉં છું. કુતૂહલ બુઝાઈ જાય છે. રોમાંચ અને આનંદ ઉજ્જડ થઈ જાય છે. રહે છે માત્ર નિર્વેદ. આવું કેમ થાય છે ? આવા વ્યર્થ, નર્થ કે સાર્થ અથવા સમર્થ પ્રશ્નોની સામે જાત અસહાય અને મૌન બની ઊભી રહે છે. આ બખડજંતરને પામવા કદાચ હું જ્યોતિષ અને હિપ્નોટિઝમ ભણી ખેંચાયો છું. આમ સર્જન અને ગુપ્તવિદ્યાઓ એકબીજા પર હાવી છે. અને બન્ને એકબીજાની સરહદો ગમે ત્યારે ઓળંગી લે છે.

મેં કદી પતંગ ઉડાડ્યો નથી. નાનપણથી જ એ પ્રવૃત્તિમાં કદી રસ પડ્યો નથી, પરંતુ નાની વયથી તે આજ સુધી મનમાં એક ‘બાલિશ’ ઈચ્છા બળવત્તર બનતી રહી છે કે પતંગને નહીં, તેને બદલે મારી જાતને દોર બાંધીને ઉડાડવી છે. હસવું નથી આવતું આવી ઈચ્છા પ્રકટ કરતાં – ‘આવું તે કાંઈ થાય, ગાંડા !!’ તેમ શાણપણથી મનને ટપારીયે શકતો નથી. આવું કેમ ન થાય ? તેવી ચેલેંજ હું મારી સામે ફેંકું છું ! કાવ્યસર્જન એ જાતને દોર બાંધીને આકાશમાં ઉડાડવની મથામણ છે કદાચ.

છતાં સર્જનનો ઉપક્રમ એ જ છે તેમ ચોક્કસપણે કહી શક્તો નથી. સો કારણો આંગળીના વેઢે ગણી શકું છું ને તેમાંથી એક્કે સાચું નથી તેવી પણ પ્રતીતિ હોય જ છે ! ખરજવું વલૂરવાનો પણ કદાચ કોઈ અર્થ હશે, પરંતુ સર્જનની સકળ પ્રક્રિયા કયારેક આખેઆખી નિરર્થક લાગે છે. તથાપિ એ છૂટતી નથી. છેવટે એક એવું સમાધાન શોધી શકાયું છે કે સર્જનનો ઉદ્યમ શા માટે, તેનો અર્થ શો છે તે જાણવા માટે જ સર્જનપ્રક્રિયા લંબાતી જાય છે ! લાગે છે કે આ માણસજાતની નિયંત્રણ બહારની લીલા છે, એમાં સંડોવાવું એ સંચેતનાની તાકીદ છે, પ્રતિબદ્ધતા. કદાચ મારી એ શ્રદ્ધા છે કે સર્જન દ્વારા જ કશોક ચમત્કાર બનશે, કશુંક રહસ્ય ભેદાશે, જાતને પતંગની જેમ ઉડાડી શકાશે, જેનાથી છૂટા પડ્યાની વેદના છે તેનો કયારેય પત્તો લાગશે એટલે જ કાવ્યસર્જન છોડી દેતો નથી. મારું સાચું કાવ્ય સર્જાયું છે જ ક્યાં ? થાય છે કે ક્યારેક જરૂર સર્જાશે, મારી સુક્ષ્મ કાયા ફાડીને જન્મ લેશે અને જો જન્મશે જ તો છંદોની ચામડીવાળું જન્મશે. મને છંદો પર ઊંડે ઊંડે શ્રદ્ધા છે, એક વિશિષ્ટ અર્થમાં છંદની કાવ્યને મંત્ર બનાવી નાખતી શક્તિમાં શ્રદ્ધા છે. આજ સુધી મેં છંદો સાથે આછીપાતળી જે કંઈ મથામણો કરી છે તેના પરથી આવી પ્રતીતિ થઈ છે કે છંદ તો નાદ, સ્વર અને તાલનું એક વિશિષ્ટ અને સમતોલ રાસાયણિક પરિણામ છે, અને તેમાં અપરિમિત શક્તિ છે. છંદની નાભિમાં એક એવી ઊર્જા છે જેના સ્પર્શમાત્રથી શબ્દને નિર્વીર્ય ભાષાની ભ્રમણકક્ષાની બહાર, એક નવા જ અવકાશી પ્રદેશમાં- જ્યાં તર્કાતીત આનંદના અનુભવો આપણી રાહ જોઈ રહ્યા છે ત્યાં પહોંચાડી શકાય છે…. છંદનાભિનું ભેદન થાય તો જ નવું વિશ્વ ખૂલી શકે.

કમનસીબે અછાંદસ કાવ્યપ્રવૃત્તિ વધુ પ્રચલિત છે આજે. અછાંદસ-પ્રવૃત્તિ એ તો છંદના અગોચર, અસ્પર્શ્ય, ઊર્જામય નાભિકેન્દ્રથી વિમુખ થવાની પ્રવૃત્તિ છે. ગીત અને ગઝલ એ અછાંદસ અને છંદ વચ્ચેના વિસામા છે, પરંતુ છે છંદોમુખી, ઊર્જામુખી…. એટલે જ કદાચ અછાંદસ કાવ્યો તરફ મારી વિશેષ ગતિ થઈ શકતી નહીં હોય. મને સ્ત્ર્ગ્ધરા છંદ બેસતો નથી, પઠન પણ આવડતું નથી, એકવાર શ્રી દેવજીભાઈ મોઢા અમરેલી આવ્યા ત્યારે એમણે શીખવવા કોશિશ કરેલી છતાંય- ભવિષ્યમાં સ્ત્ર્ગ્ધરામાં પ્રલંબકૃતિ લખવાની ઈચ્છા છે, પરંતુ અત્યારે મારી સામેની ચેલેંજ સ્ત્ર્ગ્ધરાની નથી, મીરાંની છે – મીરાં – એને તમામ રીતે પામવા – સમજવા, આત્મસાત્ કરવા મથું છું. મીરાં ચેલેંજ છે મારા માટે.

આચાર્ય રજનીશ મૌન થઈ ગયા. કેટકેટલું બોલ્યા હતા! છતાં બોલતા હતા ત્યારે નહીં ને હવે મૌન થયા ત્યારે એમનામાં મને રસ પડ્યો. કવિઓ કવિતામાં ખખડાવે છે તે મૌન કરતાં આચાર્ય રજનીશનું મૌન કંઈક જુદું અને વિશિષ્ટ છે એવું લાગ્યા કરે છે. મૌનનો શો અર્થ હશે ! શબ્દ કે વાણીનું અટકી જવું એવો ? વિચારનું અટકી જવું એવો ? શબ્દ, વાણી કે વિચારનું જ નહીં, સમસ્ત ચેતનાનું ઊર્જામાં રૂપાંતરિત થઈ જવું એવો ? મૌનનો અર્થ શું હશે ?

ભવિષ્યમાં કલમનો ને વાચાનો ઘોંઘાટ બંધ કરીને, મૌનની દિશામાં જાઉં તો જાઉં…. !

Advertisements

7 responses to “તળનું મલક હશે કેવું, હેં માલમા ? – રમેશ પારેખ

 1. મૃગેશભાઈ,

  મારે શું કહેવું એ મને સમજાતું નથી…. ર.પા.નો આ લેખ કોઈપણ નવા સર્જક માટે દીવાદાંડી સમાન છે. એને નવનીત સમર્પણના પાનાંઓમાંથી ઉંચકીને નેટ-જગત પર બહોળું ફલક આપવા માટે આપનો આભાર કેવી રીતે માનવો? આટલા મોટા લેખને ટાઈપ કરવાની જે જહેમત આપે ઉઠાવી છે એ કાબિલ-એ-તારીફ છે. અને જે વાંચકો ગુજરાતી સહિત્યમાં રસ ધરાવતાં હોય એ તમામને મારી એક નમ્ર અપીલ પણ છે કે ‘નવનીત સમર્પણ’, ‘કુમાર’, ‘અખંડ આનંદ’ જેવા સાવ નજીવી કિંમતે મળતા ગુજરાતી ભાષાના રીડર્સ ડાયજેસ્ટ મંગાવીને આપણી ભાષાને જીવંત રાખે.

 2. We could get the glimpse of “True” Ramesh Parekh. My salute to one of the best Gujarati Poets…

 3. Many thanks for making this article availabe to all of us. Ramesh Parekh was the most creative poet of modern times and he has inspired a number of new wonderful poets (Geet kavio) including Vinod Joshi and Krushna Dave.

 4. ર.પા.ના સાહિત્ય જગતનું પારદર્શક અવલોકન થયું !

 5. Thanks a lot. It was a great pleasure to read this article.

 6. એક સરસ લેખ, સાચ્ચે સમયે. રમેશનાં પોતાનાજ શબ્દોમાં રમેશને જાણ્યો. અફસોસ, ટોચ પર હતો અને ચાલ્યો ગયો. આ માણસે હજુ આપણા સાહિત્યને કેટલું આપ્યું હોત?

  પ્રભુ, પ્રભુ,

  મૃગેશ, સમગ્ર રમેશ આપી શકે?, કોશિશ કર.

  આશિર્વાદ

 7. સમગ્ર રમેશ પારેખને નેટ પર લાવવામાં કદાચ મહિના નીકળી જાય. પણ જો ર.પા.ને વાંચવામાં અને જાણવામાં સાચે જ રસ હોય તો નીચેની લિન્ક પર ર.પા.ના બે ડઝનથી પણ વધુ શ્રેષ્ઠ કાવ્યો, ફોટોગ્રાફ અને જીવન ચરિત્રની નાની ઝલક એક સાથે જોવા મળી શક્શે:

  http://layastaro.com/?cat=18&submit=view

  -વિવેક