મસ્તીની મહેફિલ – સંકલિત

જાણું છું – ‘શયદા’

હું મૌન રહીને એક અનાહન નાદ ગજાવી જાણું છું
ભરનિંદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.

હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું,
ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું.

કોઈ ધર્મ નથી કોઈ કર્મ નથી કોઈ જ્ઞાન નથી અજ્ઞાન નથી,
તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.

અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહિ આવે,
હું એમ તો મારા અનુભવમાં ઈશ્વરને લાવી જાણું છું.

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે,
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.

તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે,
તું આગ લગાવી જાણે છે, હું આગ બુઝાવી જાણું છું.

ઓ પ્રેમ રમતના રમનારા તું પ્રેમ રમતને શું સમજે !
તું આંખ લડાવી જાણે છે હું પ્રાણ લડાવી જાણું છું.

આભાર ભરેલા મસ્તકને ઉચકવું ‘શયદા’ સ્હેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી આકાશ ઉઠાવી જાણું છું.

જીવી ગયો છું – અજય પુરોહિત

હું તરસને આંખ વાટે પી ગયો છું;
એટલે કે ઝાંઝવાં જીવી ગયો છું.

હાથથી હું સૂર્યને ઢાંકી શકું છું;
શ્વાસમાં આકાશને રોપી ગયો છું.

કોઈ પડછાયો હતો અંધારનો હું;
હું જ મારી આંખમાં ડૂબી ગયો છું.

શુષ્ક તૃણની જેમ તૂટે શબ્દ તારા;
સ્પર્શથી હું ટેરવે ખીલી ગયો છું.

સૂર્યના હું સાંજના ઘરમાં વસું છું;
ઘાસનું પણ સ્વપ્ન હું તોડી ગયો છું.

Advertisements

3 responses to “મસ્તીની મહેફિલ – સંકલિત

  1. તું વાત બનાવી જાણે છે,હું વાત નિભાવી જાણું છું !
    કેવડો મોટો સંદેશ છે ?આપણે સાંભળીશું ?

  2. સુંદર ગઝલો…મનવંતભાઈની અભિવ્યક્તિ સાથે સહમત છું…

    અભિનંદન, મૃગેશભાઈ… રીડગુજરાતી જે રીતે આગળ ધપી રહ્યું છે એ જોઈને આનંદ થાય છે.