બે ગઝલો – સંકલિત

આધાર છું આધારનો – અમૃત ઘાયલ

હું નથી આ પાર કે તે પારનો,
મુક્ત યાત્રી છું હું પારાવારનો

વૃદ્ધ છું કિન્તુ નીરસ કે જડ નથી
રૂક્ષ છું પણ સ્ત્રોત છું રસધારનો

ભોગ છપ્પન નિત્ય સ્પર્શે છે ચરણ
દેવદુર્લભ થાળ છું કંસારનો

આમ હું આધારને શોધ્યા કરું
આમ હું આધાર છું આધારનો !

હોય વિધ્નો હોય કષ્ટો તોય પણ
પ્રાણ મારા આ મુલક છે પ્યારનો

તર્જની છેડી ગઈ છે ત્યારથી
ઔર કૈં છે તોર ના રે તારનો

વિશ્વભરનાં સુખ મળ્યા આળોટવા
મોહ ના છૂટ્યો છતાં સરધારનો*

તો જ ઘાયલ તેજના દર્શન થશે
ઊતરાવો મોતિયો એંકારનો
(*સરધાર શ્રી અમૃત ઘાયલનું જન્મસ્થળ છે.)

પીઠ પાછળ – અબ્બાસ મલિક ‘પોશીદા’

પીઠ પાછળ વાર કરનારા હશે !
તે બધાં સ્વજન હશે, મારા હશે !

છળ-કપટથી મન ભરેલા છે અહીં :
શી ખબર કે ફૂલ હત્યારા હશે !

ઊંઘ કેવી ? ચેન શું ? આરામ ક્યાં ?!
જેમના માથે અગન-ભારા હશે !

કોણ જાણે ક્યાં હશે તારા કદમ ?
કોણ જાણે ક્યાં કદમ તારા હશે ?!

તું હશે તો ક્યાં હશે ? જાણું નહીં :
પામનારા પણ તને પ્યારા હશે !

જે વફાના રાહમાં પોઢી ગયા :
આદમી ભોળા હશે, સારા હશે !

લો હવે દીવાનગી દેખાય છે :
આયનામાં સેંકડો ચહેરા હશે !

ધડકનો થંભી ગઈ છે ‘પોશીદા’ !
આવનારાના જ ભણકારા હશે ?!

Advertisements

5 responses to “બે ગઝલો – સંકલિત

 1. ઘાયલની ગઝલના મત્લાની બીજી કડીમાં ‘પારવાર’ની જગ્યાએ પારાવાર શબ્દ હોવો જોઈએ…. ઉતાવળે થયેલી ટાઈપીંગની ભૂલ કવિતાના મૂળ અર્થનું હનન કરે છે. દખલગીરી બદલ ક્ષમાયાચના.

 2. સુરેશ જાની

  “ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા
  પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.” – ઘાયલ

  “દુશ્મનો તો મર્દ છે,ટકરાય સામી છાતીએ.
  પીઠ પાછલ ઘા કરે એ દોસ્ત હોવા જોઇએ.” – ?

  આ બે ગઝલો ‘પોશીદા’ ની ગઝલ વાંચતાં યાદ આવી ગઇ.
  ‘પોશીદા’ નો અર્થ શું થાય તે કોઇ કહી શકશે?

 3. ધડકનો થંભી ગઈ છે ‘પોશીદા’ !
  આવનારાના જ ભણકારા હશે ?!

  Its really good..
  thanks for these nice gazals.

 4. વિશ્વભરનાં સુખ મળ્યા આળોટવા
  મોહ ના છૂટ્યો છતાં સરધારનો*

  Wow… Thats really touching..

 5. તું હશે તો ક્યાં હશે ? જાણું નહીં :
  પામનારા પણ તને પ્યારા હશે !
  Abbas Malik is a good poet of Gujarati Gazal. I like his excellent gazal.