શ્રી મોરારિબાપુ : એક મુલાકાત – રાજુ દવે

[ એપ્રિલ-2005 ના ‘નવનીત સમર્પણ’ ના અંકમાં પૂ. મોરારિબાપુ સાથેની આ મુલાકાત પ્રકાશિત થઈ હતી. રીડગુજરાતીને આ મુલાકાત પ્રકાશિત કરવા માટે પરવાનગી આપવા બદલ શ્રી દીપકભાઈ દોશી, નવનીત સમર્પણ તેમજ ભારતીય વિદ્યા ભવન નો ખૂબ ખૂબ આભાર. અહીં માત્ર મુલાકાતના કેટલાક અંશો લેવામાં આવ્યા છે. ]

bapu

શ્રી મોરારિબાપુ આજના આપણા જીવનનું એક એવું નામ છે જેની ઓળખ આપવી ગુસ્તાખી લેખાય. આ મુલાકાતમાં બાપુની ઓળખ કરતાં એમની વિચારસરણીની ઓળખ મેળવવાનો પ્રયાસ છે. જીવનની તરલ અને ગહન બન્ને ગતિ સાથે બાપુનો જે સંતુલિત સ્વસ્થ અભિગમ છે તેમાં એમની વ્યાપક દષ્ટિ, નિષ્ઠા, ગુણગ્રાહિતા, નમ્રતા, પ્રેમ અને કરુણાને વિસારી શકાય નહિ. આવા સુચારુ સાયુજ્યને લીધે એમની સમક્ષ રામનું રામત્વ, સાહિત્યનું સત્વ અને જીવનનું તત્વ આપમેળે પ્રગટ થાય એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. આ પ્રતીતિ એમની મુલાકાત આપશે. – સંપાદક, નવનીત સમર્પણ

પ્રશ્ન : માનવયાત્રા વિશે શું વિચારો છો ? સમગ્ર નહીં, વ્યક્તિગત.
ઉત્તર : માનવ જન્મની યાત્રા ગંગોત્રીથી ગંગા-સાગરની છે. તે વિષયી હોય છે. એટલે જ તેનો જન્મ થયો હોય છે. રામચરિત માનસમાં લખ્યું છે ‘જન્મ હેતુ સબ કહું પિતુ-માતા.’ પછી તે મોટો થાય. એટલે મારી દષ્ટિએ એનું બીજું ક્ષેત્ર એ સાધકનું છે. જીવન વિષયી જ રહે તો માનવ-જીવનયાત્રાનો કોઈ અર્થ નથી. આહાર, નિદ્રા,ભય, મૈથુન એમાં જ જીવન પૂરું થાય. સાધકની મારી પરિભાષા માનવયાત્રમાં એ છે કે આપણા જીવનમાં કોઈને બાધક ન બનવું. માનવજીવનની યાત્રામાં છેલ્લો પડાવ સિદ્ધ છે. મૃત્યુ પણ સિદ્ધ હોય. શાંતિથી આંખો મીંચી જવાની. આ માનવયાત્રાના બિન્દુઓ છે. પોતાની યાત્રામાં માનવ સાધક બને. સાધકથી સિદ્ધ બને, એ મોટી ઉપલબ્ધિ છે. જીવ શુદ્ધતા દ્વારા સિદ્ધિ પામે છે. આ શુદ્ધતાને તમે નિર્વાણ કહો, તુલસી કહે કે ‘પાયો પરમ વિશ્રામ’ કબીર કહે કે ‘કહે કબીર મેં પુરા પાયા.’ નદી નીકળે ગંગોત્રીથી અને ગંગાસાગરમાં મળે ત્યારે એ પરમ-વિશ્રામ પામે છે. એમ માનવજીવનની યાત્રા વિષયી માનવ, પછી સાધક અને પછી સિદ્ધ થઈ વિરમે છે. એને મોક્ષ કહેવો હોય તો મોક્ષ કહો. માનવ પરમ સત્યને પામે છે.

પ્રશ્ન : બાપુ, સાહિત્યની આપ શું વ્યાખ્યા કરો છો ?
ઉત્તર : કાગ બાપુ કહેતા જેમાં સહુનું હિત સમાયું હોય તે સાહિત્ય. મારે કહેવું હોય તો જે સત્ય, શુભ અને કલ્યાણકારી હોય અને સુંદર પણ હોય. સત્યમ, શિવમ અને સુંદરમ આ ત્રણે તત્વો હોય, એ સાહિત્ય. હું બહુ વાંચતો નથી, પરંતુ વિદ્વાનો તરફથી પુસ્તકો મળતાં હોય છે. મને જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે વાંચતો રહું છું. મને જે સત્ય પ્રતીત થાય, આંતર-બાહ્ય સુંદર લાગે તે મારી સ્મૃતિમાં ટેપ થઈ જાય છે અને સમયાંતરે પ્રસાદરૂપે જે તે સાહિત્યકારના નામ સાથે હું કથામાં વાત કરું છું. માલ ક્યાંથી આવે છે તેની પણ મહત્તા છે. પણ માલ આપણને કેટલો ઉપયોગી છે તે વધુ મહત્વનું છે. હું બધા દરવાજા ખુલ્લા રાખું છું બધી જ દિશાઓથી અમને શુભ વિચારો મળે. સત્ય જ્યાંથી મળે, જ્યાં મળે, જેવી રીતે મળે, સાધકે સ્વીકારવું પડે. એ સત્ય આપણા અનુભવનું સત્ય ન બને તો એને ત્યાગવાની હિંમત કેળવવી જોઈએ.

પ્રશ્ન : સત્ય તો સાપેક્ષ છે ને….
ઉત્તર : સાપેક્ષ જ હોય. પણ ઘણી વખત આપણો ભ્રમ પણ હોય. ‘ત્યજયો પિતા પ્રહલાદ’ પ્રહલાદે પિતા તજ્યા. ‘ત્યજ્યો વિભિષણ બંધુ.’ વિભિષણે ભાઈનો ત્યાગ કર્યો. ગુરૂ પણ જો સાચો ન હોય તો તેનો ત્યાગ કરવાની આપણે ત્યાં છૂટ છે.

bapuphoto

પ્રશ્ન : જ્ઞાનથી અહંકાર પુષ્ટ બને – એવું બને ?
ઉત્તર : ખતરો છે, આમ તો અહંકાર ન હોય એને જ જ્ઞાન કહેવાય. રામાયણમાં લખ્યું છે કે જ્ઞાન કોને કહેવું. તુલસીની એક ચોપાઈ છે ‘જ્ઞાન-માન જહાં એકઉં નાહીં.’ જેના જ્ઞાનમાં અભિમાન જરાય નથી. ‘દેખત બ્રહ્મ-રૂપ સબમાંહી’ તમામમાં જેને હરિ દેખાતો હોય એ જ્ઞાની. પછી ભલેને તે બોલી ન શક્તો હોય ! વાંચી ન શક્તો હોય ! ગંગાસતી ક્યાં વાંચતા હતાં, નરસિંહ મહેતા કેટલું ભણ્યા ? પણ તોય શું કહ્યું ? ! ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ સામે.’

પ્રશ્ન :
જીવનમાં સાધના અને કૃપાનું યોગદાન કેટલું ? કેવી રીતે ?
ઉત્તર : સાધનાના પાત્રમાં જ કૃપા ઊતરે. કૃપા તો ઊતરી જ રહી છે. વરસી જ રહી છે. પણ આપણી પાસે સાધના અને પુરુષાર્થનું પાત્ર નથી એટલે ઢોળાઈ જાય છે.

પ્રશ્ન : એમ કહેવાય છે કે પાત્રતા પણ પરમાત્મા જ આપે છે, તો સાધનાનો અર્થ શો ?
ઉત્તર : તોય થોડુંક તો કરવું જ પડશે. મનોરથ તો કરો ! જિજ્ઞાસા તો કેળવો ! એ પણ તમારી પાત્રતા ઊભી કરશે. ઈચ્છા તો કરો કે મારે બ્રહ્મને પ્રાપ્ત કરવો છે. ઈચ્છા પણ પાત્રતા માટે એક કારણ બને છે. દા.ત. ભરતજી ચાલતાં-ચાલતાં ચિત્રકૂટ પહોંચે છે. પછી પડી જાય છે. એટલે જ રામજીએ દોડવું પડે છે. સુદામા દ્વારિકાપુરીના દરવાજા સુધી આવ્યા, દ્વારપાળોએ અટકાવ્યા પણ એ બધું ગૌણ છે. ભૌતિક છે. ત્યાં અટકવું જ પડે. સાધકની યાત્રા સુદામાપુરીથી દ્વારિકાના દ્વાર સુધી જ હોય. પછી તો કૃષ્ણ દોડે. એટલે સાધના, યાત્રા અને કૃષ્ણકૃપા. કર્મ અને કૃપા એ બે ભેગાં થાય એટલે સાધકની યાત્રા પૂરી.

bapusmile

પ્રશ્ન : બાપુ, લોકો લાઈન લગાવીને દર્શન માટે ઊભા હોય, તમારા ચરણસ્પર્શ કરવા માટે પડાપડી કરતા હોય તે વખતે ક્યો ભાવ અનુભવો છો ?
ઉત્તર : અહંકારથી બહુ સભાન રહેવું પડે. જો એવું લાગે કે આ મને પ્રણામ કરે છે ને હું કંઈક વિશેષ છું તો એ વિશેષપણું પતન તરફ દોરી જાય છે. પણ એમ સમજાવું જોઈએ કે પ્રણામ કરનારો, કતાર લગાડનારો, આદર આપનારો, એ ઉદાર છે, કારણકે એના મનમાં આપણી જે છબી છે એવું જીવવા માટે એ આપણને સતત સંકેત કરે છે.

પ્રશ્ન : બાપુ એવુંય બનેને કે અંદર કંઈક જુદું હોય અને બહાર જુદું બતાવવું પડતું હોય.
ઉત્તર : આમાં ઘણા ખતરાઓ છે. હું ઘણી વખત કહું છું કે ઈશ્વરની કૃપાથી મારા ખભાઓ ઉપર કોઈ બોજ નથી. મારા પગ ઉપર બોજ વધતો જાય છે. હું મારી પોતાની અંગત માનસિકતાની વાત કરું તો મને ખબર છે કે આ લાઈનમાં ઊભેલાઓ મને પ્રણામ કરવાના છે. એની પહેલાં હું મનથી એને પ્રણામ કરી લઉં છું. રામાયણમાં લખ્યું છે કે ‘લોક માન્યતા અનલ સંગ.’ લોકોની માન્યતા અગ્નિ છે. સાધકના તપના જંગલને બાળી દે છે. એટલે લોક્સાગરને ખાળવા માટે ખૂબ જ સાવધાન રહેવું પડે છે. મારા દાદાજીએ મને કહેલું કે અહંકાર ક્યારે ક્યાંથી આવી જાય એ કંઈ કહેવાય નહીં. નહીં આવે એવુંય આપણે માનવું નહીં. મારામાં અહંકાર નથી એવું કહેવુંએ પણ એક અહંકાર છે. અહંકારથી સાવધાન રહેવું. નામ-સ્મરણમાં રહેવું. સતત…. સ્મરણમાં રહેવું. તે તમને આનાથી બચાવે છે.

પ્રશ્ન :
વ્યાસપીઠ પરથી જ્યારે બોલતા હો ત્યારે શબ્દો વિશેની સભાનતા એની મેળે આવી જાય છે ? આપ એને ક્યા સંદર્ભે જુઓ છો ?
ઉત્તર : મને એમ લાગે છે કે મારો કોઈ પ્રયાસ નથી. આ પ્રસાદ છે. મેં જ્યારે પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભૂલો પડ્યો છું. પ્રસંગ ભૂલી જવાય. આડોઅવળો પ્રસંગ બોલાઈ જાય. પછી વિનમ્રતાથી શ્રોતાઓ સમક્ષ ખુલાસોયે કર્યો છે. પણ પ્રસાદની રીતે જ્યારે શબ્દો આવે છે ત્યારે કોઈ કરુણા કે કૃપા વરસતી અનુભવું છું. કથા તો મારું જીવન છે. કથા મારો સ્વભાવ બની ગયો છે. પરંતુ જુદા-જુદા વિષય પર જ્યારે મારે બોલવાનું થાય છે ત્યારે કોઈ દિવસ પૂર્વતૈયારી નથી કરતો. પરમનું સ્મરણ કરીને બોલું છું ત્યારે પ્રસાદના રૂપમાં શબ્દો આવે છે, શબ્દો લાવવા નથી પડતા. કૃપા કરીને શબ્દબ્રહ્મ કરુણા કરે છે.

પ્રશ્ન : રજૂઆતમાં માધુર્ય અને આકલનમાં સુબદ્ધતા છે તો એનો યશ તમે કોને આપો છો ?
ઉત્તર : મારા ગુરુને, મારા સદ્દગુરુ મારા દાદાજી ત્રિભુવનદાસ બાપુને. એમણે મને કહેલું કે તું બોલે એ સારું, આપણા કુળમાં કોઈ બોલ્યું નથી. પણ એટલું ધ્યાન રાખજે, બોલતાં પહેલાં શ્રવણ કરજે, શ્રવણ કરતાં પહેલાં સ્મરણ કરજે, સ્મરણ કર્યા પછી આચરણ કરજે અને એ આચરણ, બીજને માટે સમર્પણ કરજે. આ ચાર કેન્દ્રો જો નિભાવી શકે તો જ ભાષણ કરવું. મારી યાત્રા સાતત્યપૂર્ણ શ્રવણથી શરૂ થઈ છે આજે પણ હું સાંભળ્યા જ કરું છું. બે કલાક સ્મશાન પાસે બેઠો બેઠો સાંભળ્યા કરું. પક્ષીને સાંભળું. પવનને સાંભળું. વૃક્ષોના હલનચલનને સાંભળું. આકાશનાં વાદળોને સાંભળું. આખું અસ્તિત્વ બોલી રહ્યું છે, સતત મુખર છે. આપણે જેટલા વધુ મૌન રહીએ તેટલું તે સંભળાવે છે. આ સાત સુરોથી ભરેલું આખું અસ્તિત્વ….. હાર્મની નથી, એટલે બધો ઘોંધાટ લાગે છે, આ બધો યશ મારા દાદાજીને આપું છું.

પ્રશ્ન : છેલ્લે, આપણી યુવાપેઢી આપણી સંસ્કૃતિ ખોઈ રહી છે, જે તરફ આખી પેઢી જઈ રહી છે. આપણાં મૂળ ખોતાં જઈએ છીએ તો એ વિશે આપનો શો સંદેશ છે ?
ઉત્તર : દેશ-વિદેશમાં રામાયણને લીધે મારું જે પરિભ્રમણ છે, એકબાજુ એક બહુ જ ધસમસતો પ્રવાહ છે. આપણા દેશમાં પણ પગપેસારો થઈ ગયો છે પણ એની સામે સત્સંગ માણસને વિવેકને બચાવવાની કોશિશ કરી રહ્યો છે. વિદેશનાં આપણાં યુવાન ભાઈ-બહેનો પોતાનાં વેકેશનો કથા માટે જ ખાલી રાખે છે. એ તેઓની આ તરફની રૂચિ દેખાડે છે. વિદેશમાં ક્થા ન હોય ત્યારે એ લોકો અહીં આવીને રહે છે. હું તેમને બહુ મળતોય નથી. પણ એમને કંઈક સારું લાગે છે. આ વસ્તુ જ તેમને બચાવશે. પથ્થર તો ફેંકાઈ જ ગયો છે. આપણને નિશાન બનાવીને ફેંકાયો છે. આ બધું જ સવાર પડવા પહેલાંનો ગાઢ અંધકાર લાગે છે. આપણે એ લોકોની સંસ્કૃતિને વધારે પડતી અપનાવીને આપણા ઘરમાં કચરો નાખ્યો છે. બીજાની ગટરોને આપણે આપણા ઘર તરફ વાળી છે. એ જ થઈ રહ્યું છે. ગર્ભ-ખંડમાં આપણો કોઈ કાબૂ નથી, પણ વર્ગ-ખંડ જો થોડું સરખું કામ કરે, જાગૃતિપૂર્વક પ્રયાસ કરે તો પછીનું કર્મખંડ માણસના વિકાસનાં ક્ષેત્રો ખોલી દેશે. માણસ સત્ય અને અસત્યને જોઈને ચાલે. મૂળમાં જાગૃતિ-વિવેકનું જાગરણ થવું જોઈએ. આપણે તો ‘વસુદૈવ-કુટુંમ્બકમ’ એટલે વિશ્વભરની યુવાનીને કંઈ કહેવું હોય તો એમ કહું કે બળવાન હોવી જોઈએ, વિદ્યાવાન હોવી જોઈએ અને બુદ્ધિમાન હોવી જોઈએ. બળવાન હોય અને બુદ્ધિમાન નહીં હોય તો એ બળ હિંસા કરશે. શોષણ કરશે. સમાજ ને પીડિત કરશે. એટલે જ બળવાન સાથે બુદ્ધિમાન હોવી જોઈએ. બળવાન અને બુદ્ધિમાન બંને હશે એ અહંકારી થશે. હું બુદ્ધિમાન, હું બળવાન…. એટલા માટે ત્રીજું સૂત્ર… વિદ્યાવાન હોવી જોઈએ. કારણકે વિદ્યા મુક્તિ અપાવશે. ‘સા વિદ્યા યા વિમુકતયે.’ ભારતીય વિદ્યા ભવન સતત લોકોને વિચારો આપે છે, વિધ વિધ કલા દ્વારા, બળવાન અને બુદ્ધિમાનીને ભારતીય વિદ્યા ભવન વિદ્યામાન બનાવે છે. તેઓ જે યજ્ઞ કરે છે તેમાં હું મારી પ્રસન્નતાની આહુતિ અર્પું છું.

Advertisements

8 responses to “શ્રી મોરારિબાપુ : એક મુલાકાત – રાજુ દવે

 1. Thank you, Mrugeshbhai.

  Baapu saathe maalakat no avasar aapyo tame..!!

 2. I was looking forward to this article from the day you wrote about it. And I was not disappointed. Shri Moraribapu sperads Bhakti-ras to everybody who listens to him. He has an aura, aura of a true devotee that has very powerful vibrational effect. He doesn’t need to remember and speak Ram-Katha. Whatever is spoken by such Bhaktas become Ram-katha.The self itself is enough for such Katha.

  Official website of Moraribapu : http://www.iiramii.net/
  Jay Shri Ram

 3. શ્રી.ઉદયભાઈ ત્રિવેદીની સાથે હું સંમત છું.મેં પૂ.મોરારરિબાપુની રામકથાઓ સાંભળી છે.કથા પ્રાણપૂરક બની છે.ધૂન વખતનો સૌના અંતરનો અવાજ વાતાવરણ ને ખૂબ જ ગજાવી મૂકતો ,તેનો હું સાક્ષી છું.પરદેશમાં પણ સ્વદેશની જેમ જ હજારો માણસો ખૂબ જ શાંતિ જાળવે,એવું અદ્વિતીય કથાશ્રવણ કર્યું છે .આ પ્રશ્નોત્તરીમાથી પણ ઘણું જ
  મળે તેમ છે જ !આ શુભ પ્રયાસ બદલ સૌનો આભાર !પૂ.બાપુને પ્રણામ !

 4. Namskar,
  Pu. Bapu ni satheni aapni Mulakat gami.
  Pu. bapu ne hu RAMAYANI karta Vishesh RASHTRAYANI ganu chhu.
  Komi Ekta ane Setu Bandh na Mukhya hatu mate Gavati RAMKATHA have PREM YAGNA thai gayo chhe.
  Dt. 7 to 15th Feb. Darmyan Bhuj talukana Kera game Yojayli “MANAS CHANDRAMA” Ramkatha Darmyan Kutch ni Komi Ekta Vishe no maro Puro Lekh Pu. Bapu ne gami jata vyas pith par thi pathan karyo hato. mare mate a rashtriya award hato. Pu. Bapu ni Pakistan ma pan Katha karvani taiyari batavi chhe. “MANAS MUSHAYRA” na mukhya Shirshak hethal Ek Krantikari paglu levai rahiyou chhe.
  Aape Puchhela Dhyanakarshak Prashno ne karne aap Abhinandan ne patra chho.
  – DHAIRYA CHHAYA,
  “JIGAR”, 600, New Umed Nagar Colony,
  Garbi Chowk,
  BHUJ ( GUJARAT ) INDIA.
  Pin. 370001.
  E mail: dhairya_jc@yahoo.co.in
  09825271826.

 5. BAPU NE PRANAM

  THANKS TO READ GUJARATI.

 6. Dear Sir Inform Me More site address For moraribapu’s Photographs And wallpapers & Screensavers

 7. bhai tmoe morari bapuno intrvyu chapi ne abhinndannu kam karyu che aavaj lekho chapta rho tvi mari nmra vinnti che tmo aama safal tha tevoi prabhu pase prarthana karu chu tmo jrur safalta mle ej abhilasha tatvachintak

 8. bapu aap kaise hain? bapu jai siya ram