પરમ પૂજ્ય પિતાશ્રી – ડૉ. પ્રફુલ્લ શાહ

[ આ ઘટના ‘પિતા-પપ્પા-ડૅડી’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. આ સાથે ગત શનિવારે લેખકશ્રી સાથેની પ્રત્યક્ષ મુલાકાતમાં પણ તેમણે આ વાત હૃદયસ્પર્શી રીતે રજૂ કરી જે સાંભળવાનો મોકો મળ્યો એ મારું સૌભાગ્ય છે. રીડગુજરાતી આ માટે તેમનો આભાર માને છે. – તંત્રી ]

મારા પિતાશ્રી શાંતિલાલ ગિરધરલાલ શાહ એક વખતના બજાણા સ્ટેટના દીવાન. જે દિવસે ભારત આઝાદ થયું, ત્યારે દોમદોમ સાહેબીને છેલ્લી સલામ કરી રાજીનામું આપી આઝાદ ભારતની આબોહવામાં શ્વાસ લેવા નીકળી ગયા. તેની પાછળ એક વાત હતી. બજાણા મુસ્લિમ સ્ટેટ હતું અને નવાબનો મનસૂબો પાકિસ્તાન સાથે ભળવાનો હતો. આ વાત મારા પિતાશ્રીને હરગિજ મંજૂર નહોતી. સૌરાષ્ટ્રનાં આવાં નાનાં સ્ટેટોને સ્વતંત્ર ભારતના મુખ્ય પ્રવાહમાં ભેળવી દેવા માટે આરઝી હકૂમતની રચના થઈ. ચુડા સ્ટેટના ઍડમિનિસ્ટ્રેટર તરીકે પિતાશ્રીને નિમણૂક થઈ. પિતાશ્રીનું નૈતિક ધોરણ ઘણું ઊંચું. પ્રમાણિકતા અને સચ્ચાઈના પર્યાય. ‘સાદુ જીવન અને ઉચ્ચ વિચાર’નું મૂર્તિમંત ઉદાહરણ એટલે મારા પિતાશ્રી.

બાદશાહ નાસીરુદીન માટે એવું કહેવાતું કે મીણબત્તીના પ્રકાશથી એ સરકારી કામ કરતા હોય, તે પછી પોતાનું અંગત કામ કરવાનું આવે એટલે સલ્તનતની મીણબત્તી બુઝાવી અને પોતાની અંગત મીણબત્તી જલાવે. પ્રામાણિકતાનો આવો આગ્રહ મારા પિતાશ્રી રાખતા. ઑફિસમાંથી કોઈને અંગત પત્ર લખવાનો થતો તો કાગળ અને કલમ ઘરેથી મંગાવતા. અંગત કામે જવાનું હોય, તો સરકારી વાહનનો ઉપયોગ ન જ કરે. અમે એમનાં પાંચ સંતાનો, ત્રણ ભાઈઓ અને બે બહેનો. સૌને એમની સચ્ચાઈનો, સાદાઈનો અને સંસ્કારનો વારસો મળ્યો.

હરિજનો પ્રત્યે તેમને અપાર વહાલ. એમના દુ:ખે દુ:ખી અને સુખે સુખી. એમને મદદરૂપ થવા તેઓ સદાય તત્પર. હરિજનો જેવો જ એમને વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ. વિદ્યાર્થીને જુએ અને સ્નેહની સરવાણી ફૂટે ! કોઈને અન્યાય થતો ક્યારેય સાંખી ન શકે. ઑફિસના કામે વારંવાર ગામડામાં જવાનું થતું. ત્યાં કોઈને ભારરૂપ ન બને તે માટે હંમેશાં સાથે ઘરેથી ટિફિન લઈને જતા.

એમની એક ખૂબી હતી. કદીયે સંતાનો સમક્ષ સલાહનાં પોટલાં છોડતા નહીં, પરંતુ તેમની ઊંચી જીવનપદ્ધતિ જ અમારામાં સંસ્કાર રેડતી રહી. સ્વાર્થના કૂંડાળામાં અમારો પગ ન પડી જાય એની દૂર રહ્યાં રહ્યાં પણ કાળજી રાખ્યા કરતા.

સાવરકુંડલામાં મેં ખાનગી પ્રૅક્ટિસ શરૂ કરી. શરૂઆતથી જ દર્દીઓની ભીડ જામવા લાગી. તેના કારણે આવક પણ સારી થવા લાગી. મિત્રોની સંખ્યા પણ વધવા લાગી. કોઈએ નાણાં બચાવવાનો કીમિયો બતાવ્યો. ખેડૂત થવું અને ઈન્કમટૅક્ષમાંથી બચવું. આવું ઘણા ડૉકટરો અને ઉદ્યોગપતિઓ કરતા હોય છે. આ માટે હું પણ ખેડૂત બન્યો. કાળાં નાણાંને રંગીને ઘોળા બનાવવાનો આ નુસખો સરસ લાગતો હતો !

મારા એક દર્દીએ નાણાં લીધા વિના તેમની જમીન મારા નામે ચઢાવી, મને ખેડૂત બનાવ્યો. પરંતુ કાંઈક ખોટું થયું છે એવું મને લાગવા માંડ્યું. મનમાં ડંખ રહ્યા કરતો હતો. મેં મારા પિતાશ્રીને આ વાત વિગતે લખી જણાવી. પિતાશ્રી તો આવી વાતોના માહેર. આખું ચિત્ર એમની અનુભવી આંખો સમક્ષ આવી ગયું. એમણે તુરત જ ગાડી પકડી અને સાવરકુંડલા આવી પહોંચ્યા. આવતાં જ પહેલો પ્રશ્ન જ હતો, ‘ભાઈ, ખેડૂત બનીને શું કરવું છે ? તે મને સમજાવ.’ મને સમજાવવામાં આવી હતી તે બધી વાત તેમને કહી દીધી. તેઓ કાંઈ બોલ્યા નહીં અને કહે, ‘ખેડૂત બનવા માટે તને જે ભાઈએ સમજાવ્યું છે તેમને અને જે ભાઈએ તારા નામે જમીન લખી આપી છે, તેમને મારે મળવું છે.’

બપોરના સમયે મળવાનું ગોઠવ્યું. મારા મિત્રે મારા પિતાશ્રીને ખેડૂત થવાના લાભ વિશે વિગતે વાત કરી. જેમ-જેમ વાત આગળ ચાલતી ગઈ, તેમ તેમ પિતાશ્રીના ચહેરા પરના ભાવ બદલાતા ગયા, જે હું પામી ગયો. મારે તે જ સમયે વિઝિટે જવાનું થયું. ઘોડાગાડીમાં (એ સમયની આ વાત છે) વિઝિટે ગયો અને મારી આંખ સામે પિતાશ્રીનો ચહેરો દેખાયો. તેમના ચહેરાની રેખાઓમાં મેં કંઈક અજુગતું કર્યાનો ભાવ જોયો. પસ્તાવાના વિપુલ ઝરણામાં આખે રસ્તે હું ડૂબકી મારતો રહ્યો.

ઘરે આવીને તુરત માથેથી પાપનો બોજો ઊતારી દીધો. પિતાજીને કહ્યું, ‘બાપુજી, આપણે આ કામ કરતા નથી.’ તેમની સમક્ષ ખેડૂત થયાના સર્ટિફિકેટના ટુકડેટુકડા કરી નાખ્યા. તેમની આંખોમાં આનંદ છવાઈ ગયો. બસ એટલું જ બોલ્યા, ‘ભાઈ, આ કહેવા જ હું અહીં આવ્યો છું. યાદ રાખ, એક ખોટું કામ કરતાં હજાર ખોટાં કામ કરવાં પડે.’ પછી કહે, ‘લોકોની નજરમાંથી આપણે ઊતરી જઈએ અને જીવને કદી શાંતિ મળે નહીં.’ પિતાનાં આવાં વચનો મેં ગાંઠે બાંધ્યાં અને આજ સુધી જતનથી જાળવી રાખ્યાં છે.

તે પછી પિતાજી અમારી સાથે બે દિવસ આનંદથી રહ્યા. પછીના દિવસે ફરી સુરેન્દ્રનગર જવા તૈયાર થયા. અમે તેમને વળાવવા ગયા. તેમની અવસ્થાએ પગની પકડ પહેલી કરી. ચાલવામાં મુશ્કેલી હતી એટલે અમે પ્રથમ વર્ગની ટિકિટ લીધેલી. પ્રથમ વર્ગના ડબ્બા પાસે જઈ જ્યાં બારણું ખોલવા જાઉં છું, ત્યાં તો મને કહે, ‘ભાઈ, તું મને અહીં ક્યાં લાવ્યો ? મારે તો ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરવી છે. મને જે ગમે તે મને કરવા દે.’ આ શબ્દો સાંભળી વળાવવા આવેલાં એવાં અમારી – પુત્ર અને પુત્રવધૂની – પાંપણો ભીની થઈ ગઈ. સ્ટેશનમાસ્તર પાસે જઈને ટિકિટ બદલવી પડી. પિતાશ્રી ત્રીજા વર્ગમાં ગોઠવાયા. એમના મોં પર આનંદ ફરી વળ્યો. એમની આ સફર જિન્દગીની સફર જેવી જ ખુશબોદાર હતી. અમે બન્ને અમારી ભીની આંખે તેમને જતાં જોઈ રહ્યાં.

નિવૃત થયાં પછીનાં વર્ષો પેન્શન પર રહ્યા. કદી અમારી પાસેથી કાંઈ લીધું નહીં. મારા પૂ. બા પણ જીવ્યાં, ત્યાં સુધી તે પણ આવા આદર્શોથી ચાલ્યાં.

Advertisements

5 responses to “પરમ પૂજ્ય પિતાશ્રી – ડૉ. પ્રફુલ્લ શાહ

 1. Hi there,

  Yes this is the story which give us guideline how to live life. Thanks very much for all.

 2. Really, a life worth living ! There are many occasions in life where you need to be very aware about your choices. A seemingly small choice can create/encourge many dark hidden motives inside us. It is like walking over a lazer’s surface. We all need such awareness.

  What surprised me more was my own ignorance. Being from Savarkundla and having known Dr. Praful Shah as my father’s friend , I didn’t know anything about his father. I surely missed something very meaningful.

 3. શ્રીમાન્ પ્રફુલ્લભાઈને આખરે સ્વાર્થના કુંડાળામાંથી બહાર નીકળીને પસ્તાવાના ઝરણામાં ભીંજાવું જ પડ્યું !એમના પિતાશ્રીની ચોકસાઈને બિરદાવવી જ પડે !શ્રી.
  મૃગેશભાઈની મુલાકાતમાંથી ઘણું શીખવાનું મળ્યું છે.આભાર એમનો !

 4. સુરેશ જાની

  આ સચ્ચાઇ માટેનો આગ્રહ આપણા સમાજની કેટલી વ્યક્તિઓ સ્વીકારવા તૈયાર છે? જાણે કે, ગુલામીને તિલાંજલી આપીને આપણે આપણી નૈતિકતાને પણ છૂટાછેડા આપી દીધા છે.
  આવી વધુ ને વધુ સત્યકથાઓ આપણે સૌએ, ખાસ કરીને યુવાનો અને વયસ્કોએ, વાંચવાની અને થોડી ઘણી તેને પોતાના જીવનમાં પણ ઉતારવાની જરૂર છે. મારા જેવા આ વાંચીને બળાપો કાઢે તે અરણ્ય રૂદનનો શો અર્થ છે?

 5. very nice.
  kash even 5% of people in the world were like ur father