મચ્છરદાનીમાં – ગુલાબદાસ બ્રોકર

વિલેપાર્લે માં આવ્યાથી મને મોટો આનંદ એ વાતનો થયો કે જીવનના દરેક પાસામાં હું એ દરેક પાસાનો એક ભાગ બનીને રહેવા લાગ્યો. રાજકારણના પાસામાં તો હું હતો જ. પણ મુંબઈની નગરપાલિકા જોડે અમારા પરાની નગરપાલિકા જોડાઈ ગઈ ત્યારે તેમાં જરી ઉત્સાહભર્યો આવેગ આવ્યો, એ સિવાય તો બધું દૈનંદિનની શાંતિપૂર્વક ચાલતું હતું. બીજો મોટો ઉધામો મુંબઈ નગરપાલિકા માટેની ચૂંટણી લડવાની હતી ત્યારે આવ્યો. ત્યારે તદ્દન જુવાન એવા ભાઈ પ્રાણલાલ વોરાને અમારી સમિતિએ પોતાના ઉમેદવાર તરીકે ચૂંટી કાઢ્યા હતા અને ચૂંટણીમાં એમણે જવલંત વિજય મેળવ્યો હતો.

પણ એ સિવાય રાજકીય ક્ષેત્રે ઝાઝું કામ કરવાનું નહોતું. તો સામે પક્ષે ત્યાંનું સાહિત્ય, સંસ્કાર અને સમાજના કામનું પાસું વેગવંતું હતું. મને સાહિત્યમાં રસ તો પહેલેથી જ હતો, અને અહીં સરસ રીતે ચાલતી સાહિત્ય સભા હતી. સાંસ્કૃતિક ઈતિહાસના આપણા સુપ્રસિદ્ધ અભ્યાસી અને વિદ્વાન શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી એ સભાના ત્યારે અધ્યક્ષ હતા.

હું એ સભામાં જોડાઈ ગયો અને તેના કાર્યક્રમોમાં રસપૂર્વક ભાગ લેવા લાગ્યો. મુંબઈના જીવનમાં મારે માટે જે શક્ય નહોતું તે અહીં, એથી શક્ય જ નહિ, હાથવગું બની ગયું. એ સાહિત્યસભામાં એક વખત આનંદશંકરભાઈ ધ્રુવ આવ્યા હતા એ મને બરોબર યાદ છે. તે દિવસ અનેરા ઉત્સાહપૂર્વક હું એમનું વ્યાખ્યાન સાંભળવા ગયો હતો. મેં મારા કૉલેજના ગુજરાતી અભ્યાસકાળ દરમિયાન એમને વિશે પ્રશંસામય ઉલ્લેખો તો નરસિંહરાવભાઈ આગળથી વારંવાર સાંભળ્યા હતા, પણ તેમનાં પ્રત્યક્ષ દર્શન કરવાનો લહાવો મને કદીયે મળ્યો નહોતો. એમને વિશે નરસિંહરાવભાઈએ એક જે વાક્ય કહ્યું હતું તે માર ચિત્તમાં બરોબર રોપાઈ ગયું હતું.

હું મારા કૉલેજકાળમાં મુનશીનાં લખાણોનો ગજબનો શોખીન હતો, અને એમનો પ્રશંસક પણ એટલો જ હતો. પંડિત યુગના ગદ્ય પછી આવેલું તેમનું ચોટકિયું, વહી જતું અને ધારી અસર ઉપજાવતું ગદ્ય મને ખૂબ જ ગમતું.

એકવાર અમે વર્ગમાં સુંદર ગદ્ય વિશે વાતો કરતા હતા ત્યારે મેં ઉત્સાહપૂર્વક કહ્યું :
‘ગદ્ય તો મુનશીનું જ. કેટલું મધુર છે એ ?’ નરસિંહરાવભાઈ મારી સામે જોઈ રહ્યા. પૂછ્યું :
‘શું કહ્યું, બ્રોકર, કોનું ગદ્ય મધુર છે ?’
મેં કહ્યું : ‘મુનશીનું.’
એમણે સામું પૂછ્યું : ‘આનંદશંકરભાઈનું ગદ્ય તમે વાંચ્યું છે ?’
‘થોડું ઘણું વાંચ્યું તો હશે પણ એ વિશે સ્પષ્ટ અભિપ્રાય આપી શકું એટલા પ્રમાણમાં નહિ. મેં જવાબ આપ્યો.
‘તો હવે વાંચજો, એ વિશે સ્પષ્ટ અભિપ્રાય આપી શકો એટલા પ્રમાણમાં.’ કહી તે હસ્યા, અને ઉમેર્યું :
‘એ ગદ્યને મધુર ગદ્ય કહેવાય.’
‘ને મુનશીના ગદ્યને ?’ મેં જરા ઝંખવાણો પડી જતાં પૂછ્યું.
‘વેગવંતું, આકર્ષક, પણ મધુરતા અલગ વસ્તુ છે.’ તેમણે કહ્યું.

મેં ઉત્સાહમાં ખોટો શબ્દ વાપર્યો હતો એ મને તરત સમજાઈ ગયું, અને એવા મધુર ગદ્ય લખનારા આનંદશંકરભાઈના લખાણોનો વિશેષ પરિચય મેળવવાનું મનોમન નક્કી કર્યું.

એ આનંદશંકરભાઈ પોતે જ સદેહે અહીં અમારી વિલેપાર્લે સાહિત્યસભામાં આવ્યા ત્યારે આનંદ અને ઉત્સાહ મારા મનમાં હોય જ. એમને જોયા અને સાંભળ્યા ત્યારે એ બંને સાર્થ હતા એવો અનુભવ થયો.

સાદું છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ. એમનાં કપડાંની સ્વચ્છતા, એમના મુખ ઉપર પ્રકાશતી એમના જ્ઞાનની આભા, એમના પ્રભાવને ગૌરવ બક્ષતો એમના કપાળ ઉપરનો લાલ ચટક ચાંદલો, અને એમના વ્યાખ્યાનની હૃદયમાં તરત જ પોતાનું સ્થાન મેળવી લે એવી સરળ છતાં સચોટ વાણી ! મેં આ એક જ વખત એમને જોયા છે, છતાં એમનું ચિત્ર મારા હૃદયમાં અવિસ્મરણીય રીતે જડાઈ રહ્યું છે.

એમાંયે હું ચર્ચાનો શોખીન. એમનું વ્યાખ્યાન પૂરું થયું પછી એમનું જ કોઈક વિધાન લઈને મેં એમને મુનશીના સાહિત્ય વિશે કોઈ સવાલ પૂછ્યો. શો હતો એ સવાલ એ હું ભૂલી ગયો છું. પણ એમણે એ સ્વસ્થતાથી એનો જવાબ આપ્યો, અને મુનશીની પ્રશંસા ન કરતા હોવા છતાં પણ મુનશી પોતે પણ એ સાંભળે તો નાખુશ ન જ થાય એવી રીતે બોલવાની એમની રીત, હજી આજે પણ સાંસ્કૃતિક અભ્યાસનો એક પાઠ મને શીખવતી રહી છે.

આજ રાજકારણ અને સાહિત્યના ક્ષેત્રમાં હું ભાગ લેવા આવ્યો. એની સાથે સાથે જ રમતગમતના ક્ષેત્રમાં આનંદપૂર્વક જોડાવાનો લાભ મને આ પરામાં મળ્યો. મારા ઘરથી પાંચ-છ મકાન જ દૂર એક કલબ હતી નામ હતું વિલેપાર્લે સ્પોર્ટસ કલબ. ત્યાં માત્ર બે જ રમતો રમાતી – ટેનિસ અને બ્રિજ. ટેનિસની કોર્ટ હતી અને ઘણા ભાઈઓ ત્યાં રમવા આવતા.

નાનપણથી રમતગમતન શોખીન એવા મને આ ટેનિસ કોર્ટ મારા ઘર આગળ જ મળી ગઈ એ જાણે મોટી બક્ષિસ મળી ગઈ હોય તેવું લાગ્યું. તેમાં પણ હું જોડાઈ ગયો અને હંમેશાં સવારના પહોરમાં પાટલૂન ખમીસ અને સોલો હેટ પહેરીને ત્યાં રમવા જવા લાગ્યો. રમતાં તો મને એટલું સારું નહોતું આવડતું, પણ વાતોમાંથી આનંદ મેળવતાં તો બરોબર આવડતું. એ કલબમાં આવનાર રસિકલાલ દેસાઈ, (જે વિલેપાર્લે કેળવણી મંડળના મંત્રી તરીકે સારી રીતે જાણીતા હતા) ગાંધી, જોશી, મધુસૂદન વોરા અને અન્ય મિત્રો હજી આજે પણ અત્યંત આનંદપૂર્વક યાદ આવે છે. એ બધાયે આ જગત છોડીને ક્યારનાયે ચાલી ગયા છે, તે છતાંય તે. ત્યાંની રંગભરી વાતો, મોટે મોટે અવાજે નિખાલસ રીતે હસવાની મઝા, અને હારવા, હરાવવાની કશીયે ચિંતા વિના, શરીર થાકી ન જાય ત્યાં સુધી ઊલટભેર રમ્યા કરવાનો આનંદ એ પછીના દિવસોમાં એટલા પ્રમાણમાં ભાગ્યે જ મળ્યો હશે.

નવરાત્રિ આવે ત્યારે વળી ઔર મઝા આવે. ગામના પ્રતિષ્ઠિત તેટલા જ ઉત્સાહી શહેરીઓ – અમૃતલાલ ભૂરાભાઈ પંડ્યા, ધનજીભાઈ ભવાનભાઈ મહેતા અને તેમના અન્ય સાથીદારો નવરાત્રિમંડળ શરૂ કરે અને નવે દિવસના વૈવિધ્યસભર કાર્યક્રમો યોજે. સાહિત્યની આ માનીતી નગરી હોવાથી તે નવ દિવસમાં એકાદ ઊંચી કક્ષાનો સાહિત્યચર્ચાનો કાર્યક્રમ તો હોય જ. જેમાં જ્યોતિન્દ્ર દવે, વિલેપાર્લેમાં જ રહેતા મસ્તફકીર, રામુ ઠક્કર, અને મુંબઈના ચીમનલાલ ચકુભાઈ શાહ જેવા અન્ય વિદ્વાનો હોંશથી ભાગ લે. ગોકુળભાઈ પણ એમાં ભાગ લેનારા ખરા જ. અને આ તો નાગરોની નગરી હતી એ દિવસોમાં, એટલે ગરબાના કાર્યક્રમોમાં નાગર સ્ત્રીઓ રૂપ અને રસની લહાણી આખા ગામને પીરસે. રાતે બારેક વાગ્યા આસપાસ હમેશા પૂરા થતા આ કાર્યક્રમના નવ દિવસના થકવી ન નાખે, નવું બળ આપે એટલા આનંદથી એ દિવસો ભરાઈ જતા. અમે બધા ત્યારે યુવાન હતા એટલે એવું થતું હશે ? ખબર નથી. પણ એ દિવસોનો આનંદ તો એવો ને એવો જ યાદ છે. અને હવે જ્યારે એવું કંઈ આ નગરીમાં પીરસાતું નથી ત્યારે એની ખોટ સવિશેષ સાલે છે.

એ બધાં જ્ઞાન અને આનંદનાં પાસાંઓની જોડે થોડાં હળવાં પાસાં પણ જોડાયેલાં હતાં જ.

વિલેપાર્લેમાં ત્યારે મચ્છરો ઘણા હતા. તેનાથી સહુ કોઈ ત્રાસે અને ઘેર ઘેર મચ્છરદાનીઓ તો હોય જ. પણ અમારી સાહિત્યસભાના પ્રમુખ શ્રી દુર્ગાશંકરભાઈ એ મચ્છરદાનીનો જે વિશિષ્ટ રીતે લાભ લેતા તેથી અમને સહુને ખૂબ જ વિનોદભર્યો આનંદ મળતો. દુર્ગાશંકરભાઈ વિલેપાર્લે પૂર્વમાં પણ છેક સામે છેડે રહે. અમે બધા સાહિત્યસભાના અન્ય કાર્યકરો આ બાજુ પશ્ચિમમાં એમનાથી સારા એવા દૂર રહીએ.

એટલે જ્યારે જ્યારે સાહિત્યસભાની કાર્યવાહક સમિતિની સભા રાખવાની હોય ત્યારે દુર્ગાશંકરભાઈએ પોતાને ઘેર રાખે, એ વૃદ્ધ હતા એટલે એમ કરે એ યથાયોગ્ય હતું. અમે જુવાન હતા એટલે અમને એટલા અંતરની કંઈ વિસાત નહોતી. પણ એમને ઘેર રમૂજી દશ્ય સર્જાય.

પરાઓમાં આ જાતની સભાઓ રાતે નવ પછી જ રાખવી ફાવે, જેથી સહુ શહેરમાંથી આવી, ભોજન પતાવી નિવૃત્ત થયા હોય. અમારી સભા પણ એમ નવ પછી જ રખાય જ્યારે દુર્ગાશંકરભાઈ જેવા વડીલોને સૂવાનો સમય થઈ ગયો હોય. અમારી સભા હોય એટલે એ સૂઈ તો ન જાય, પણ આખી કાર્યવાહી એ મચ્છરદાનીમાં પુરાયેલા રહીને જ ચલાવે. એમને એમાં કાંઈ ખોટું ન લાગે, પણ અમને બહુ હસવું આવે. અમારામાંના એક ડૉ. મહેન્દ્ર ઓઝા બહુ રમૂજી સ્વભાવના હતા. એ સભામાં જતાં અને ત્યાંથી પાછા વળતાં આ મચ્છરદાનીમાં ઢંકાયેલા અમારા મુરબ્બી વિશે તે જે રમૂજો કરતા એ હજુ આજે પણ ભુલાઈ નથી.

ને નથી ભુલાઈ એ મચ્છરદાનીપ્રિય વિદ્વાનની અમારા તરફની પ્રેમભાવના. એ પ્રશ્નોરા હતા એટલે વિનોદ તો એમની રગેરગમાં હોય, એટલે એમણે જ સર્જેલા આ દશ્યની વિનોદાત્મક બાજુ એ ન સમજે એમ નહોતું, એ પણ એનો વિનોદ માણતા અને છતાંયે પરિસ્થિતિ કદીયે બદલતા નહિ.

Advertisements

4 responses to “મચ્છરદાનીમાં – ગુલાબદાસ બ્રોકર

  1. અમિત પિસાવાડિયા (ઉપલેટા)

    glad to read a nice article of shree gulabdas broker,
    shows art of living….

  2. પિંગબેક: રીડગુજરાતી : પુસ્તક પરિચય » Blog Archive » સ્મરણોને સથવારે -ગુલાબદાસ બ્રોકર

  3. પિંગબેક: સ્મરણોને સથવારે -ગુલાબદાસ બ્રોકર | pustak

  4. પિંગબેક: ગુલાબદાસ બ્રોકર « ગુજરાતી સારસ્વત પરિચય