મન ઝરૂખે – સંકલિત

માણસ ગમે એટલી ભૌતિક સમૃદ્ધિ મેળવે કે ભૌતિક શક્તિ કેળવે – પોતાના અંતર મનને ન ઓળખે, પોતાની દુર્બળતાઓને ઓળખી અંકુશમાં ન રાખે, સદવૃત્તિઓને ઉત્તરોત્તર ખીલવી આંતરિક સમૃદ્ધિ ન વધારે, તો ભૌતિક સમૃદ્ધિ કે શક્તિ સુખ આપવાને બદલે દારૂણ દુ:ખ નોતરશે. – શ્રી અરવિંદ
*****************

વર્ષો પહેલાં ‘વિધવાવિવાહ’ થવા જોઈએ કે નહીં તે વિશે ચર્ચા કરવા સાક્ષરોનું એક સમ્મેલન મળ્યું હતું. રૂઢિચુસ્ત સાક્ષરો વિધવાવિવાહની વિરુદ્ધ હતા ને પ્રગતિશીલ સાક્ષરો વિધવાવિવાહની તરફેણમાં હતા. વાતવાતમાં ચર્ચા એટલી ઉગ્ર થઈ કે મારામારી થઈ જશે કે શું એવી બીક લાગી. એ વખતે જ્યોતીન્દ્ર દવેએ ઊભા થઈને કહ્યું કે, ‘સજ્જ્નો, વિધવાવિવાહ થવા જોઈએ કે નહીં એ મુદ્દા પર ચર્ચા કરવા જતાં સમાજમાં નવી વિધવાઓ ન બને એટલી તકેદારી તો રાખીએ જ.’ અને વીરરસને સ્થાને હાસ્યરસ….
*****************

એક સંત રસાયણ વિદ્યા જાણતા, સોનું બનાવી શકતા. પ્રદેશના રાજવીને ખબર પડી કે આ મહાત્મા સુવર્ણ બનાવી જાણે છે એટલે તેમને દરબારમાં તેડાવ્યા અને વિનંતી કરી કે સંત તેમને સુવર્ણ બનાવવાની વિદ્યા શીખવે. સંતે કહ્યું, ‘તારે આટલી સુખ-સાહ્યબી છે, તારે આ વિદ્યાનું શું કરવું છે ? તને નહીં શીખવું.’ રાજાએ ફરી વિનંતી કરી, પણ સંત ન માન્યા. રાજાએ તેમને કેદ કર્યા. હવે શું કરવું ? આ વિદ્યા કેમ શીખવી ? રાજાએ યુક્તિ કરી. રાત્રે ભિસ્તીનો વેશ ધારણ કરી કેદખાને પહોંચ્યો. સંતની સેવા કરવી શરૂ કરી. દરેક પ્રકારની સેવા પ્રેમથી કરે. સંતને પોતાની જ્ઞાનદષ્ટિથી ખબર પડી ગઈ હતી કે આ રાજા ભિસ્તીનો વેશ ધારણ કરીને આવ્યો છે, તોય તેમણે સેવા કરાવવી બંધ ન કરી. રાજા પણ ન કંટાળ્યો. એક દિવસ સંતે પૂછ્યું, ‘તારે પરિવાર કેટલો છે?’ તારી આજીવિકાનું શું કરે છે?’ ભિસ્તીવેશ ધારણ કરેલ રાજાએ કહ્યું, ‘બાપજી, બહુ કષ્ટ છે. પરિવાર તો બહુ મોટો છે. શું કરું તો બધા સુખી રહે…. શું કરું તો બધાનું કલ્યાણ થાય… સતત વિચાર્યા કરું છું. વિચારી-વિચારીને થાકી ગયો, કંઈ ઉકેલ ન જડ્યો એટલે આપની સેવા કરી શાંતિ અનુભવું છું.’ સંતને દયા આવી, તેણે ભિસ્તીને રસાયણ વિદ્યા શીખવી દીધી.

બીજા દિવસે સવારે રાજાએ સંતને મુક્ત કરી, દરબારમાં બોલાવ્યા. સંત આવ્યા એટલે રાજા કહે, ‘આપે ભલે મને ન શીખવ્યું. પણ મને વિદ્યા આવડી ગઈ છે.’ સંતે ઉત્તર આપ્યો, ‘વિદ્યા ભિસ્તીને સેવા કરવાના ફળ સ્વરૂપ મળી છે. વિશાળ પરિવારના કલ્યાણ માટે મળી છે.’ સંતની કરુણા અને દૂરદષ્ટિ જોઈ રાજાએ સંતના ચરણમાં આશ્રય માગ્યો. – સં. રાજુ દવે
*****************

સાચા અર્થમાં સમૃદ્ધ માણસ તે નથી જેની પાસે ઘણું બધું છે, પણ તે છે જે ઘણું બધું આપી શકે છે. મનુષ્ય બીજું શું આપી શકે ? પૈસા, સાધનો આ બધું તુચ્છ છે. આપી શકાય તેવી વસ્તુ માણસ પાસે એક જ છે – પોતાનું હૃદય – પોતાનું જીવન. જીવન આપવું એટલે પોતાની અંદર જે કંઈ જીવંત છે. જ્ઞાન, ઉત્સાહ, રસ, રમૂજ, આનંદ, સ્નેહ અને ઉદાસીને પોતાના પ્રિયપાત્ર સાથે વહેંચવાં. આ આપ્યા પછી શું લેવાનું રહે ? આપવામાં જ અત્યંત આનંદની પ્રાપ્તિ થાય છે. આ આપવાનું આપનારને લેનાર અને લેનારને આપનાર બનાવી દે છે. પરસ્પરની આ આપ-લે બંનેને પોતાની અંદર કોઈ નવી સત્તાના જન્મના આનંદનો કૃતજ્ઞતાપૂર્વક અહેસાસ કરાવે છે. – એરિક ફ્રોમ
*****************

Advertisements

One response to “મન ઝરૂખે – સંકલિત

  1. બધાં જ સંકલન અસરકારક છે.ધન્યવાદ !