બે સત્ય ઘટનાઓ

દયાભાવ – ઉષા જોષી

એક વખત અમારા માળાના કેટલાક અવિચારી છોકરાઓએ બપોરના અચાનક સપડાઈ ગયેલા એક કબૂતરને પકડ્યું. પછી તેને પગે દોરી બાંધી તેને ઉડાડવું એવો બેત કર્યો. એમ કરવા જતાં દોરી હાથમાંથી છટકી ગઈ અને કબૂતર ઊડતું ઊડતું સામેના મકાનના છાપરા પર બાંધેલા રેડિયોના તાર પર જઈ બેઠું. ત્યાંથી ઊડવા જતાં દોરી તારમાં ભેરવાઈ જતાં તે નીચે લટકી પડ્યું. દોરી તારમાં એવી ભેરવાઈ હતી કે કબૂતરે ઘણાં ફાંફાં માર્યા પણ તેનાથી દોરી છૂટી કરી શકાઈ નહીં. લગભગ અઢી વાગ્યાથી લટકેલું કબૂતર સાંજના છ વાગ્યા સુધી વરસતા વરસાદમાં છૂટા થવાના પ્રયાસો કરતું જ રહ્યું. એ એટલું બધું થાકી ગયું કે, પછી તો થોડી થોડી પાંખ ફફડાવા સિવાય એનાથી કાંઈ બની શક્યું નહીં. સાંજના નોકરીએથી ચાલતા પાછા ફરનારા સમજુ માણસોએ જ્યારે આ જોયું ત્યારે તેમાંના બે માણસો તૈયાર થયા અને વરસતા વરસાદમાં સામેના મકાનના વિલાયતી નળિયાવાળા છાપરા પર ચડ્યા. વરસાદને લીધે છાપરું સરકણું થઈ ગયું હતું અને તેથી તેના પર પગની સ્થિરતા રાખવી મુશ્કેલ હતી, પણ જો વરસાદ બંધ થવાની રાહ જોવા જાય તો કબૂતરનો પ્રાણ જાય એમ હતું. ચાર કલાકની સતત મથામણ અને ઉપરના વરસાદથી કબૂતર એટલું બધું થાકી ગયું હતું કે એને જલદી છૂટું ન કરવામાં આવે તો એ લટકતું જ મરી જાય. ઘણું સાચવીને પગ ઠેરવતા ઠેરવતા ચાલીને પેલા બે ભાઈઓએ એક લાકડીના છેડા વતી ઊંચે રહેલા રેડિયોના તારમાંથી દોરી છૂટી કરી, જેથી નીચે ઊભેલા માણસોએ પકડેલા ધોતિયામાં કબૂતર પડ્યું. તેઓએ કબૂતરના પગની દોરી છોડી નાખી, છતાં એ એટલું બધું ગતપ્રાણ થઈ ગયું હતું કે ઊડી શક્યું નહીં. એથી બેમાંના એક ભાઈ તેને પોતાની ઓરડીમાં લઈ ગયા. અને કપડાંથી એનું આખું શરીર લૂછી તેને એક ખૂણામાં બેસાડ્યું, ચણવા માટે તેની સામે દાણા મૂક્યા. ચાર-પાંચ કલાકે તેનામાં પૂર્ણ હોશ આવ્યા અને પછી ઓરડીમાં હરવાફરવા માંડ્યું. આખી રાત એ કબૂતરે એ ભાઈની ઓરડીમાં વાસ કર્યો અને બીજે દિવસે ઊડી ગયું.

કોમલ – મીના છેડા

[રીડગુજરાતીને આ સત્ય ઘટના લખી મોકલવા બદલ શ્રીમતી મીનાબહેન છેડાનો (મુંબઈ)થી ખૂબ ખૂબ આભાર. તેઓ અનાથ આશ્રમોની સામાજિક પ્રવૃતિમાં ખૂબ સક્રિય રીતે સંકળાયેલા છે. ]

આકાશ ચોખ્ખું હતું. વરસાદ આવવાના કોઇ ચિન્હ જણાતા ન હતા. આજે આશ્રમ જઇ આવું. વિચારી ઘરેથી નીકળી. સાથે ચૉકલેટ ક્રીમવાળા બિસ્કીટ લીધા.

અર્પિતાએ કહ્યું હતું, “ અબ આઓ તો ક્રીમવાલે બિસ્કીટ લાના.”
હું હજી પુછું…. “કૌનસે ક્રીમવાલે?” તે પહેલા જ ચિત્રા ટહુકી હતી : “ચૉકલેટ ક્રીમવાલે” હું મનોમન હસી.

આશ્રમ પહોંચી ત્યારે બધા નીચે જ હતા. મને જોતા જ દોડતા મારી પાસે આવ્યા. હંમેશની જેમ આજે પણ આરશા દૂર ઊભી રહીને મને જોતી રહી.
અર્પિતા રિસાતા અવાજે બોલી, : “ ક્યું ઇતને દિન નહીં આઇ?”
ચિત્રા ટહુકી “ક્યા લાઇ?”

મારી નજર કોઇને શોધી રહી હતી.. પણ છાયા ક્યાંય ન હતી . ક્યાંથી હોય? એ તો સ્વીટઝરલેંડ ગઇ. મેં દૂર ઊભેલી આરશાને બોલાવી, પાસે ખેંચી….. એ ખેંચાઇ આવી. એને બિસ્કીટ આપ્યા…. એ લઇને ફરી દૂર જઈને ઊભી રહી. એની આંખોમાં સ્થિર થયેલા સવાલનો જવાબ હું ક્યારેય આપી નહોતી સકી….
કૈલાસે બિસ્કીટ લેતા કહ્યું, “ નઇ લડકી આઇ હૈ.”
મારી નજર ચારે તરફ ફરી વળી.. “કહાં હૈ?”
સોનુએ હાથ આગળ ધરતા કહ્યું “વોહ તો સિસ્ટરકે પાસ હૈ.”
રોશનીએ ખબર આપતા કહ્યું, “ઉસે બુખાર ભી હૈ.”
“ઓહ… ! અચ્છા આપ બિસ્કીટ ખા લો તબ તક મૈ ઉસે મિલકર આતી હું” મેં કહ્યું.
અરવિંદે કહ્યું, “ઉસકા નામ કોમલ હૈ.”
“કોમલ” મારા કાનમાં એક નવા નામે ઓળખ બનાવી. હું પહેલા માળે ગઇ. પગમાંથી ચપ્પલ ઉતારતા જુની વાત યાદ આવી ગઇ. શરુઆતના દિવસોમાં બાળકો મારી ચપ્પલ ક્યાંક છુપાડી દેતા જેથી હું પાછી જઇ ન શકું. પણ હવે તેઓ એવું નથી કરતા. હવે તેઓ જાણે છે – હું પાછી આવવા માટે જ જતી હોઉં છું !

સિસ્ટર પાસે હું ગઇ. એમની પાસે એક નાની બાળકી બેઠી હતી. લગભગ આઠ- નવ મહિનાની લાગતી હતી. મેં કોમલના માથા પર હાથ ફેરવ્યો. શરીરની સાથે માથું પણ તપતું હતુ. આયા આવીને વાડકામાં દાળભાત આપી ગઇ.
સિસ્ટરે મારા ખોળામાં કોમલને આપતા કહ્યું, “તુમ ખિલાઓ ઇસકો…. કલ રાતસે કુછ નહીં ખાયા ઇસને….”
મેં કોમલને ખોળામાં બેસાડી. ધીરેધીરે દાળભાત ખવડાવવા માંડી.
એની આંખોએ મારી આંખમાં નજર માંડી. ક્ષણેક વાર મારી તરફ જોઇ. હળવેથી આંખ બંધ કરી. મેં એને છાતી સરસી ચાંપી. મારા દિલે એને કહ્યું, “હું તારી સાથે જ છું.”
અને…..મારી આંખોએ સિસ્ટરને એક સવાલ કર્યો – …???
ઉદાસ અવાજે સિસ્ટરે કહ્યું,“મેડિકલ રિપોર્ટ આવી ગયા છે. સોનુના જેવો જ કેસ છે. કોમલ અનાથ નથી પણ એચ.આઇ.વી. પોઝીટીવ છે. એટલે આજે અનાથ છે…..

અચાનક ચોક્ખું આકાશ વરસી પડ્યું.

Advertisements

8 responses to “બે સત્ય ઘટનાઓ

 1. પ્રથમ ઘટના:જડભરતની યાદ આપી !
  બીજી ઘટના :’એક ઘા’ કાવ્ય યાદ આવ્યું !
  મારી લાગણી ઉમેરું ?
  “પૂછો તો જરા…ઘાયલને શું થાય છે ????? “.
  ઉમાબહેન અને મીનાબહેન ખૂબ જ સમર્પિત છે જ !તંત્રીશ્રીનો આભાર !
  લેખિકાઓને ધન્યવાદ !

 2. both the stories are too good
  congrats to writers.

 3. મીના છેડાની વાર્તા અદબૂત લાગી… શબ્દોથી એ સુંદર ચિત્રો કંડારી શકે છે. આશ્રમ કયો એ આખી વાર્તામાં ક્યાંય લખ્યું નથી. પણ વાર્તાના પડ જેમ જેમ ઉખડતા જાય છે તેમ મીનાજી માત્ર પોતે આશ્રમમાં પહોંચ્યા હોય એવું નથી લાગતું, આપણને પણ પરાણે ખેંચી ગયાં હોય એવી અનુભૂતિ થાય છે. નાની નાની મહત્ત્વહીન લાગતી ઘટનાઓ, જેમકે ચોકલેટ ક્રીમવાળા બિસ્કીટ અથવા છાયાનું ન હોવું કે પછી આરશાનું દૂર ઉભા રહેવું, આપણને ખબર ન પડે એ રીતે આપણને વાર્તામાં ઘસડી જાય છે. ચપ્પલવાળી અભિવ્યક્તિ ભલભલી વ્યક્તિને અનાથ બાળકોની પ્રેમની ભૂખથી માહિતગાર અને બેકરાર કરી દે એવી છે. અને છેલ્લા બે વાક્યો:

  “કોમલ અનાથ નથી પણ એચ.આઇ.વી. પોઝીટીવ છે. એટલે આજે અનાથ છે…..અચાનક ચોક્ખું આકાશ વરસી પડ્યું.”

  વાર્તાનો અચાનક આવી ચડતો અંત એવી ઘૂમરી દિલમાં જગવે છે કે ચોખ્ખા આકાશના વરસવાની સાથે વાર્તાની શરૂઆતમાં કોરી રહેલી આપણી આંખ પણ અચાનક વરસી પડે છે…

  અભિનંદન, મીનાજી!

 4. હમમ,

  એઇડ્સનો દર્દી આજે કેટલી પણ ઉંમરનો હોય, પોતે અનાથ જ ફીલ કરે છે. અને તે મેં જાતે જોયું છે..

 5. i have no word to say anything but bravo!!!!

 6. આ કૃતિ ફરીથી વાંચી તો એક બીજી વાત વીજળીની જેમ માનસમાં ઝબકારો કરી ગઈ.

  એઈડ્સ…!

  કેટલી સહજતાથી આ સામાજીક દુષણને પણ મીનાજીની વાર્તામાં વણી લેવાયું છે. સોનુને એચ.આઈ.વી. ચેપ છે, છતાં આશ્રમમાં એ બીજા બાળકોની સાથે મુક્તમને રમે છે… કોમલને પણ એ રોગ હોવાથી ઘરવાળાઓએ એનો ત્યાગ કર્યો…પણ આશ્રમના સંચાલિકા એને ખવડાવવાની કોશિશ કરી રહ્યાં છે અને લેખિકા એને ખોળામાં બેસીને ખવડાવે છે.

  સાથે રમવાથી, જમવાથી કે રહેવાથી કે ભેટવાથી એઈડ્સ થતો નથી એ વાતનું વૈજ્ઞાનિક તથ્ય ખબર પણ ન પડે એ રીતે વણી લેવા બદલ અભિનંદન.

  ઉષાબેન જોષીની વાર્તા પણ કાબિલ-એ-દાદ છે. એમને પણ અભિનંદન.

 7. બન્ને ઘટનાઓ હૃદયસ્પર્શી છે.
  બન્નેને અભિનંદન.

  નીલા

 8. I like both stories. First one relates to my personal experience. My dad saved one crow who was hanging near our apartment on the top of the tree. It was impossibble to reach him thru any other resource, so he finally called fire-brigade! To the top of our surprise, the fire department sent their truck in less than half an hour and they saved the poor crow!! FYI – this incident took place in Ahmedabad, India. My dad took care of the crow for that night and he flew away the other day… I really worship this kind of “jiv-dayaa”

  The second story is excellent too. Keep it up.