જીવનના રંગ – સંકલિત

ભાવનાનું અનેરું મૂલ્ય – વિનોબા ભાવે

એક વખત હું રેલવેમાં જતો હતો. ગાડી યમુનાના પુલ પર આવી. મારી પાસે બેઠેલા એક ઉતારુએ ઉમળકાભેર એક પૈસા નદીમાં નાખ્યો. પાસે બેઠેલા એક મહાશય બોલ્યા, ‘આમેય દેશ આપણો ગરીબ, અને આવા લોકો નકામાં પૈસા ફેંકી દે છે !’ ત્યારે મેં કહ્યું, ‘આની પાછળની ભાવનાયે જોવી જોઈએ. કોઈ સારા કામમાં એમણે આ પૈસો વાપર્યો હોત તો સારું થાય. પરંતુ આ નદી એટલે જાણે કે ઈશ્વરની કરુણા વહી રહી છે, એવી ભાવનાથી એમણે આ રીતે એક પૈસો નદીને સમર્પિત કર્યો, તેથીયે કીંમત છે.’

મને બાળપણની યાદ આવે છે. હું જમવા જતો, ત્યારે મારી મા મને પૂછતી કે ‘તુલસીને પાણી પાયું ?’ જ્યાં સુધી હું તુલસીને પાણી ન પાઉં, ત્યાં સુધી મારી મા મને ખાવા નહોતી આપતી. બાળપણથી જ આ કેવા સારા સંસ્કાર મને મા તરફથી મળ્યા ! ઝાડપાનની સેવા કર્યા વિના ખાવું નહીં.

ખાધા પહેલાં તુલસીના છોડને પાણી પાવું, ગાય ને કૂતરા કાંઈક રાખવું, એ ભારતીય સંસ્કૃતિનો વિચાર છે. તેમાં સમાજને માટે કાંઈક ને કાંઈક દેવાની વાત છે. માણસ એકલો નથી, આ વૃક્ષ-વનસ્પતિ છે, પશુ-પંખી છે, એ બધાંનોય આપણે જે ખાઈએ-પીએ છીએ, તેમાં કાંઈક ને કાંઈક હિસ્સો છે, એવી ભાવના ભારતીય સંસ્કૃતિમાં રૂઢ થયેલી છે.

એકવાર સવારમાં હું ફરવા નીકળ્યો. રસ્તામાં ખેતર આવ્યું. ફસલની રક્ષા કરવા ખેતરમાં એક માંચડો બાંધેલો અને તેના ઉપર ખેડૂત બેઠેલો. સૂર્યોદયની વેળા હતી. મેં જોયું કે પંખીઓ દાણા ખાઈ રહ્યા હતા અને ખેડૂત તો હાથ પર હાથ મૂકીને એમનેમ બેઠો રહેલો. મેં એને કહ્યું, ‘અરે, આ પંખીઓ ફસલ ખાઈ જાય છે, તારું ધ્યાન છે કે નહીં ?’ તો એ બોલ્યો, ‘અરે ભાઈ, આ તો રામપ્રહર છે. હજી તો સૂર્યનારાયણ આવી રહ્યા છે. હમણાં થોડો વખત એમને ખાઈ લેવા દો, પછી ઉડાડીશ. ફસલમાં એમનોય હક છે ને !’
******************

ખોટ વર્તાયા કરે – ‘ગની’ દહીંવાલા જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.

માફ કર નિષ્ક્રિયતા મારાથી એ બનશે નહીં !
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.

એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.

વિશ્વસર્જક, ઘાટ અને ઘડતરની આ અવળી ક્રિયા !
તારું સર્જન જિંદગીભર ઠોકરો ખાયાં કરે ?

આપણે હે જીવ ! કાંઠા સમ જવું આઘા ખસી,
કોઈનું ભરતી સમું જો હેત ઊભરાયાં કરે.

જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજ રૂપે પણ નભે ક્યારેક દેખાયાં કરે !

શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયાં કરે.

આગવી મારી પરાધીનતા ગમી ગઈ છે મને,
કોઈ જિવાડ્યાં કરે, ને આમ જિવાયાં કરે.

જિંદગીનો એ જ સાચો પડધો છે ‘ગની’
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયાં કરે.

Advertisements

5 responses to “જીવનના રંગ – સંકલિત

 1. Tena tyaktena bhoonjeethaaha….Bharatiya sanskrutina paayamaa chhe.Vinobajinu Geeta_ Pravachano pustak pan vaachvaa jevu chhe !Evuj chhe Kalelkarnu Madhpoodo.

 2. જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
  એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.

  માફ કર નિષ્ક્રિયતા મારાથી એ બનશે નહીં !
  જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.

  વાહ..! મઝા આવી ગઇ…
  કવિ અને પ્રસ્તુતકર્તા, બંને ને સલામ..!!

  જો આવું પ્રેરણાદાયી વાંચન કાયમ મળતું રહે, તો કોઇ ને ડિપ્રેશન ના આવે.

 3. ગનીચાચાની આ એક ઉત્તમ કૃતિ છે… છેલ્લાં ત્રણ શેર આપણી ભાષાના અમર રત્નો છે…

 4. Kavi ni masti ane khumari gajabni chhe

  Ghana samaye aavi kruti vanchava mali

  એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
  વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.

  Bahot khub!

  Thanks Mrugeshbhai! You made my day!

 5. ખુબ જ સુંદર ગઝલ છે..
  આ કવિની દરેક રચનાઓ એક એકથે ચડિયાતી હોય છે.

  Mrugeshbhai, Thank you for visiting my blog.
  If I can be a help in any way in your noble-act, please do let me know.

  Urmi
  https://urmi.wordpress.com