આઘાત – પ્રીતમ લખલાણી

[ આ વાર્તા ટાઈપ કરીને મોકલવા બદલ અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા) ખૂબ ખૂબ આભાર ]

કિચનની બારીના કાચ જરા ઊંચા કરી સિન્કમાં હાથ ધોતાં ધોતાં સુરેખાએ બેકયાર્ડમાં લોન કાપી રહેલા શિવકુમારને બૂમ પાડી. “શેઠ ! તમારો ફોન છે ..” સુરેખાબહેન એમના પતિને ‘શેઠ’ ના હુલામણા નામે સંબોધતાં. લોનમોવર બંધ કરી શિવકુમાર ફોન લેવા કિચનની બારી પાસે આવ્યા.
“હેલ્લો કોણ ?”
“અંકલ, હું દિશા…”
“અરે દિકરા ! બહુ દેવસે.. તને આજ અંકલ યાદ આવ્યા ?”
“અંકલ એવુ નથી, તમને કેટલા દિવસ થી ફોન કરવાની હતી, પણ તમે જાણો છો ને કે મેડિકલ સ્ટુડેન્ટ કેટલા બિઝી હોય છે.”
“હા, દિકરા તારી વાત તદ્દન સાચી છે. હું તો બે ઘડી તારી સાથી ગમ્મત કરતો હતો. બોલ શી વાત છે ?”
“અંકલ, મારે તમને અને આન્ટી ને એક અગત્યની વાત કરવી છે.”
“દિશા, જો તું વાત ફોન ઉપર કરી શકે તેમ હોય તો હું તારી આન્ટી ને બીજા ફોન ઉપર બોલાવું..”
“અંકલ, ફોન ઉપર વાત કરતાં તમને રૂબરૂમાં જ વાત કરું તો? જો તમને કાલે સાંજે ફુરસદ હોય તો હું તમારે ઘેર આવું, પછી નિરાંતે બેસીને વાત કરીએ તો કેમ રહેશે ?”
“મારા ખ્યાલ મુજબ તો અમે આવતીકાલે સાંજે ખાસ કંઇ કરતાં નથી, પરંતુ તું જો એકાદ મિનિટ ફોન હોલ્ડ કરે તો હું જરા તારી આન્ટી સાથે કન્ફર્મ કરી લઉં..” શિવકુમારે દિશાને હોલ્ડ પર મૂકી, સુરેખા ને પૂછ્યું.

“સુરેખા, સરલાની દિશાનો ફોન છે, કાલે સાંજનો આપણો શો પ્રોગ્રામ છે? જો આપણે કશું જ ના કરતાં હોય તો આપણા ઘરે આવવા ઇચ્છે છે. આપણી સાથે એને કોઇ અગત્યની વાત કરવાની છે.” સુરેખાએ શિવકુમાર ને હા પાડતાં પહેલાં એક વાર સામે ભી6ત પર લટકતા કેલેંડરમાં નજર કરી.
“શેઠ, કાલે સાંજે આપણે કંઇ ખાસ કામ નથી. તમતમારે દિશાને કહો કે આવતીકાલે સાંજે એ ઘરે આવે અને ડિનર પણ અહીંયાં આપણી સાથે જ લે.”
“હલ્લો ..દિશા બેટા, તું તારે ખુશીથી આવતીકાલે સાંજે ઘરે આવ અને સાંભળ તારી આ ન્ટી કહે છે કે ડિનર પણ તું અમારી સાથે જ લે.”
“થેંક્યુ યૂ અંકલ, તો … આવતીકાલે સાંજે સાત વાગ્યે આપણે મળીએ છીએ.”

સાડા સાત વાગવામાં બે મિનિટની વાર હશે ત્યાં તો દિશાની કાર શિવકુમારના ડ્રાઇવેમાં આવીને ઊભી રહી. દિશાને ગાડીમાંથી ઊતારતી જોઇને ખુરશીમાં તેઓ ઊભા થયા અને બારણાં પાસે પહોંચ્યા.
“આવ…દીકરા.. સારું થયું તું આજે આવી. તારી આ ન્ટીએ તારા આવવાની ખુશીમાં આજ સવારથી તને ભાવતી તારી મનપસંદ વાનગીઓ બનાવવી શરૂ કરી દીધી છે.” દિશાએ બારણા પાસે સેન્ડલ ઉતાર્યા. સહેજ વાંકા વળી એણે શિવકુમારને પ્રણામ કર્યા.
“અરે ! સુરેખા જો આ દિશા આવી ગઇ છે. હવે ડિનરને કેટલી વાર છે.” દિશાને ખભે વહાલ થી હાથ મૂકી શિવકુમાર રસોડા તરફ આગળ વધ્યા. પૂરી તળતાં તળતાં, કિચનમાંથી હસતાં હસતાં, સુરેખાથી બોલાઇ ગયું :
“આવ.. આવ…દિશા ઘણા દિવસે પણ બહેનબાને અંકલ આન્ટીને મળવાનો સમય મળ્યો ખરો. ચાલ, હવે તું હાથ મોં ધોઇ લે એટલે આપણે બધાં ટેબલ પર જમવા બેસી જઇએ. દીકરા તારા અંકલ તો સાંજના છ વાગ્યાના ખાવા માટે ઊંચાનીચા થાય છે.”
દિશાએ હાથ લૂછતાં લૂછતાં વિવેક કર્યો. “આ ન્ટી, તમારે કંઇ હેલ્પની જરૂર છે ?”
“દીકરા, હેલ્પ માં તું અને તારા અંકલ ખુરશી ઉપર બેસો એટલે ઘણું”
ત્રણે જણા વાતો કરતાં ડિનરટેબલ ઉપર ગોઠવાયાં. વાતવાતમાં શિવકુમારે ટેબલ પર ખીર લેવા ચમચો ઉપાડ્યો ત્યાં તો સુરેખાનું ધ્યાન જતાં જ તેનાથી જોરથી બોલાઇ ગયું, ‘અરે ! શેઠ જરા રહેવા દેજો. આ ખીર તમારા માટે નથી. તમારી ખાંડ વગરની ખીર કિચનમાંથી લાવું છું ત્યાં સુધી બીજું બધું લેવા માંડો.’ શિવકુમારે એક બટાટાવડું પોતાની પ્લેટમાં મૂક્યું અને બીજાં બે દિશાની પ્લેટમાં મૂક્યાં.
“તારી ઇન્ટર્નશિપ કેમ ચાલે છે?” આ વર્ષના અંતમાં તો તને મેડિકલ લાઇસન્સ મળી જવું જોઇએ, ખરું ને ?
“શેઠ, બહેનબા તો આવતા જાન્યુઆરીમાં ડોક્ટર થઇ જશે. મને સરલાએ બે દિવસ પહેલાં જ ફોન ઉપર જણાવ્યું હતું. સુરેખા ખીર પીરસતાં બોલી.”
“સારું સારું ! “ શિવકુમારે ખુશી વ્યક્ત કરી , “દીકરા, હવે પછી આગળ કંઇ વિશેષ સ્પેશિયાલિસ્ટ થવાનો વિચાર છે કે પછી એક માંથી બે થવું છે ?

સુરેખા એ વચ્ચે ડબકું મૂક્યું.
“અરે શેઠ સ્પેશિયાલિસ્ટ તો પછી પણ થવાશે ! અમે પણ પરણીને જ આગળ ભણ્યાં છીએ ને ! હવે ક્યાં લગી આમ ને આમ બેચલર રહેશે ! કેમ ખરુંને દિશા ? ક્યાં સુધી સરલાને આમ રાહ જોવડાવાય ? તેને તો વરસોની હોંશ છે કે હું મારી દીકરીના લગ્ન ખૂબ ધામધૂમ થી કરીશ. બસ, તું એક વાર હા પાડ એટલી જ વાર છે. તારી સામે સો છોકરાઓનું લિસ્ટ મૂકી દેશે.” હાથમાં રહેલા ગરમ બટેટાવડાને ગોળ ગોળ ફેરવતાં દિશા થાડીક ક્ષણ ખામોશ રહી અને પછી તેણે ધીમે રહીને હોઠ ખોલ્યા. “અંકલ, હું તમારી સાથે આ બાબત માટે જ સલાહ માંગવા આવી છું.”
“તો પછી મગનું નામ મરી પાડ ને, કોની રાહ જુએ છે? ‘ અચ્છા હું સમજી ગયો…. તેં તારી જાતે જ કોઇ છોકરો પસંદ કરી લીધો છે, પણ સરલાને આ બાબત માં કહેતાં તારી જીભ ઊપડતી નહીં હોય. બરાબર ? તું એક વાર બધી વાત વિગતવાર અમને કહી દે. પછી તું એ ચિંતા તારી આન્ટી પર છોડી દે. તારી આન્ટી આ બાબતમાં ઉસ્તાદ છે.”
“એ ! દિશા જરા પણ સંકોચ કે શરમ ના રાખીશ. નિરાંતે….માંડીને વાત કર. શું એ છોકરો તારી સાથે….”
“હા, આન્ટી એ મારી સાથે જ આવતાં જાન્યુઆરીમાં ડૉક્ટર થશે.” સુરેખાબહેન વાક્ય પૂરું કરે એ પહેલાં દિશા બોલી.
“દિશા, તેં આ વાત આજ સુધી તારી મમ્મીને કેમ નથી કરી ?” શિવકુમાર હળવેક રહી ને બોલ્યા.
“અંકલ, મારી મમ્મીને તોં મેં આ વાત લગભગ આજથી બે વર્ષ પહેલાં કરી હતી પણ….”
“પણ શું ? “ સુરેખાએ આદત મુજબ અધીરાઇથી પૂછી નાખ્યું.
“આન્ટી, મારી મમ્મી ને મારો બોયફ્રેન્ડ પસંદ નથી.”
“શો વાંધો છે તારી મમ્મી ને ? દિશા, તું તારા બોયફ્રેન્ડ ને કેટલાં વર્ષોથી ઓળખે છે ? કોણ છે એ? એનાં મા બાપ શું કરે છે ? અમને પણ એનો થોડો પરિચય આપ…..” દિશાના મોં પર સંકોચ દેખાવા લાગ્યો. શું કહેવું ? કેવી રીતે પરિચય આપવો?પરિચય સાંભળીને અંકલ આન્ટીનાં શાં રિએક્શન આવશે એનો જાણે એને અંદાજો આવી ગયો હતો. આખરે તો એ પણ મમ્મીની પેઢીનાં જ હતાંને !!

હિંમત એકઠી કરીને એ બોલી. “આન્ટી આમ તો હું એને લગભગ સાતેક વર્ષથી ઓળખું છું. ગયા જૂનમાં અમારા મિત્રમંડળમાં અમારું એન્ગેજ્મેન્ટ જાહેર કરીને અમે બંને એક જ એપાર્ટમેન્ટ માં સાથે રહીએ છીએ.”
સુરેખા અને શિવકુમાર થોડી ક્ષણો એકબીજાં સામે જોઇ રહ્યાં. પોતાના મનોભાવ બહાર ન આવે એ માટે એમણે પૂરતો પ્રયત્ન પણ કર્યો.
“આટલી હદે વાત ગઇ છે તો પછી તારી મમ્મી ને વાંધો કઇ બાબતનો છે ?”
“આન્ટી, મારો બોયફ્રેન્ડ જહોન મેથ્યુ અમેરિકન છે.”
“દીકરા, અમેરિકન હોય તો તેમાં શું થઇ ગયું ?” સુરેખાએ ખીરની ચમચી મોમાં મૂકતાં દિશાને આશ્વાસન આપ્યું. “બેટા, આપણે આ દેશમાં આવ્યાં છીએ તો પછી આપણે આજે નહીં તો આવતીકાલે દૂધમાં સાકર થઇ ને ભળવાનું જ છે. આપણે આ દેશની સંસ્કૃતિમાં મિક્સ થયા વિના છૂટકો જ નથી.”
“બેટા દિશા, તારી મમ્મી ને અમે મુંબઇમાં અમારી સાથે કોલેજમાં ભણતી હતી. ત્યારથી ઓળખીએ છીએ. પહેલેથી જ મોડર્ન અને આધુનિક નવા વિચારની. વળી તે પણ અમેરિકનને જ પરણી હતી ને ! ત્યારે તેને કોઇ વાંધો ના આવ્યો અને હવે તારી બાબતમાં ….. મને તો બિલકુલ સમજાતું નથી. આંખેથી ચશ્માં ઉતારતાં શિવકુમારે પોતાનો મત દર્શાવ્યો.
“અંકલ, મારી મમ્મીને જહોન અમેરિકન છે એનો વાંધો એટલા માટે છે કે …..”
દિશા થોડીવાર માટે થંભી ગઇ. એણે થોડું પાણી પીધું. પછી બોલી, “અંકલ, એ વાને ધોળો નથી…. આફ્રિકન અમેરિકન છે એનો એને વાંધો છે.”
”ઓહ ! આઇ. સી. .. પણ દીકરા, આપણે એવા ક્યાં રૂપાળા ને કામણગારા છીએ?” આમ જોવા જઇએ તો આપણે પણ શ્યામ જ કહેવાઇએ. કેમ ખરું ને ? સુરેખા, મને તો હજી સુધી ખબર પડતી નથી, લોકોને ધોળાઓનું આટલું ગાંડપણ કેમ છે ? શું શ્યામ વર્ણના માનવી ને હ્રદય નથી હોતું?”

“અંકલ, હું મારી મમ્મીને આ જ વાત સમજાવી સમજાવી ને છેલ્લાં બે વર્ષથી મરી ગઇ, પરંતુ બધું ભેંસ આગળ ભાગવત થાય છે. તે કોઇ હિસાબે સમજવા તૈયાર જ નથી. તેને જહોન શ્યામ છે તેનો જ મોટો વાંધો છે. બાકી એને કશું ખટકતું નથી….. અંકલ, મેં મારી રીતે મમ્મીને વાત ગળે ઉતારવા ખૂબ કોશિશ કરી છે. એવું પણ કહ્યું કે મમ્મી તમારે ક્યાં જહોન સાથી જીંદગી વિતાવવાની છે. જીવવાનું તો મારે છે. પરંતુ તે મારી કોઇ વાત સાંભળવા તૈયાર જ નથી. એટલે આખરે મે મારી રીતે નિર્ણય કરી લીધો કે આવતી અઢાર જુલાઇએ હું જહોન સાથે રજિસ્ટર મેરેજ કરી લઇશ.”
“અઢાર જુલાઇ !”
“એટલે આવતા જ અઠવાડિયે…..” સુરેખા એ ગણતરી કરી.
“અંકલ, હું તમને એક વાત કહેવાનું તો સાવ જ ભૂલી ગઇ.”
“બોલને દીકરા…”
“જહોન ના પિતા આફ્રિકન અમેરિકન છે, પરતું તેની માતા કેરળ રાજ્યના ત્રિચુર શહેરની વતની છે. જહોન પિતા વ્યવસાયે ચર્ચના પ્રિસ્ટ હોવાથી લગભગ આજથી પાંત્રીસ વર્ષ પહેલાં ખ્રિસ્તી મિશનરીના લાભાર્થે દીનદુખિયાંની સેવા કરવા તેઓ ત્રિચુર ગયા હતા. જહોન ની માતા મરિયમ એક ખ્રિસ્તી કોન્વેન્ટ સ્કૂલની શિક્ષિકા હતી. બેચાર વર્ષના વસવાટ દરમ્યાન જહોનના પિતા માર્ટિન અને મરિયમ પરિચયમાં આવ્યાં. સમય જતાં એમનો આ પરિચય પ્રેમમાં પલટાયો. આખરે ડિસેમ્બર ના એક રવિવારે આ બંને પ્રેમપંખી ખ્રિસ્તી રીતરિવાજ મુજબ પતિપત્ની ના પવિત્ર બંધન માં બંધાઇ ગયાં”
“અરે ! દિશા આ તો હિન્દી ફિલ્મ જેવી રસિક વાર્તા છે.” શિવકુમારથી તેમના મજાકિયા સ્વભાવ પ્રમાણે બોલાઇ ગયું. પરંતુ ધીરગંભીરતાથી સાંભળતી સુરેખાથી ખામોશ ન રહેવાયું. તેણે દિશાને પૂછ્યું.
“પછી?”
“બસ, આન્ટી બે વર્ષ બાદ. જહોનનો જન્મ થયો. તેવામાં જ તેના પિતાનો મિશનરીનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં, તેઓ સહપરિવાર ફ્લોરિડા પાછા ફર્યા.”
આ વાત સાંભળીને શિવકુમાર જરા ગંભીર બની ગયા હતા.
“બેટા. તારી મા સરલા ને જો ફક્ત જહોનના રંગથી જ વાંધો હોય તો તે મારી દષ્ટિએ મૂર્ખાઇ જ કહેવાય.”
“દિશા, અમે તો અમારાં નિખિલ અને ઇશાનીને પહેલેથી જ કહી રાખ્યું છે કે એમને બીજા પટેલ પરિવારનાં સંતાનોની જેમ પટેલ જ્ઞાતિમાં જ પરણવું જોઇએ એવું અમારા તરફથી કોઇ દબાણ નથી. એમને યોગ્ય જણાય તેની સાથે નાતજાત કે ધર્મના ભેદભાવ વિના એ લોકો એમના જીવનસાથીની પસંદગી કરી શકે છે. ફક્ત એટલુ ધ્યાન રાખે કે સામેનું પાત્ર સંસ્કારી તેમ જ ભણેલગણેલ હોય. અમને રંગરૂપ કે ધર્મ જોડે કોઇ લેવાદેવા નથી. એમને જે યોગ્ય લાગશે તેની જોડે એમને રાજીખુશીથી પરણાવી દઇશું.”
“અંકલ, તમારા જેવાં માતાપિતા હર કોઇ ને મળે તો આ સંસાર સુખી થઇ જાય….” દિશાની આંખો નિરાશાથી છલકાઇ ગઇ. “દિશા દીકરા, હિમંત ના હારીશ.” સુરેખાબહેને એની પીઠ ઉપર હાથ ફેરવ્યો. “તારી મમ્મીને હું બહુ નાનપણથી ઓળખું છું. એના જિદ્દી સ્વભાવને કારણે જીવનમાં ક્યારેય સ્થિર થઇને એક ખૂણે બેસી શકી નથી. નહીંતર તારા પિતા કિશોરચંદ્રથી વિશેષ બીજો સારો પતિ એને કોણ મળી શકત ? એને આ દેવતા સમા માણસ જોડે એક સાવ સામાન્ય બાબતમાં મતભેદ થતાં ફટ દઇને છૂટાછેડા લઇ લીધા. અમે બધાં એને બહુ સમજાવતાં રહ્યાં, પણ કોઇનું માન્યું નહીં. એ વખતે તું ત્રણ વર્ષની હતી. એણે ભવિષ્યનો કોઇ વિચાર કર્યા સિવાય અભિમાની સ્વભાવને લીધે છેડો ફાડી નાખ્યો. આમેય એ ધનવાનની દીકરી. મોઢે ચઢાવેલી. એના ભાઇ અમેરિકામાં વર્ષોથી સ્થાયી થયેલા હોવાથી એ પણ પછી તને લઇ ને અમેરિકા આવી ગઇ. વ્યવસાયે પાછી ડોક્ટર એટલે પૈસે ટકે અહીં આવીને એ વધારે સધ્ધર બની ગઇ. આ દેશમાં સમય જતાં એને એકલતા સાલવા માંડી. કોઇ એક મેડિકલ કોન્ફરન્સમાં ડો. મિલર, હાર્ટ સર્જન સાથે એની મુલાકાત થઇ. આખરે આ મુલાકાત લગ્નમાં પરિણમી. લગ્નને હજી માંડ વર્ષ પૂરું નહીં થયું હોય ત્યાં તેના આપખુદી વલણને કારણે ડો.મિલર સાથે પણ છૂટાછેડા લઇ લીધા…. આ બધી અમને ખબર છે દીકરા…”

દિશાને આછું ડૂસકું આવી ગયું.
“આન્ટી, મારી મમ્મીના આ સ્વભાવને કારણે બાપનું પ્રેમાળ સુખ મને કદી મળ્યું જ નહીં……આન્ટી, માણસને રંગરૂપ સાથે, મારી દષ્ટિએ, બહુ લેવાદેવા ના હોવી જોઇએ. જેની સાથે આખી જિંદગી વિતાવવાની છે તેનો સ્વભાવ, આચારવિચાર સમજવા જરૂરી છે. જો તેઓ એકમેક ને સારી રીતે સમજી શકતાં હોય તો પછી ત્યાં શારીરિક આકર્ષણનું બહુ મહત્વ રહેતું નથી.” આંસુ ને નાક લૂછેલા નેપ્કિનને ટ્રેશમાં નાખવા એ ઊઠી. પોતાની ખુરશી ઉપર બેસતાં એ આગળ બોલી :
“આન્ટી, એક છત નીચે જેની સાથે આખી જિંદગી વિતાવવાની તેણે તેનાં મનહ્રદય ને સમજવાની કોશિશ કરવી જોઇએ. મારા પપ્પા સાથે મારી મમ્મીએ ડિવોર્સ લીધા ત્યારે તો હું સાવ નાની હતી. મને કંઇ પણ સમજણ નહોતી, પણ ડો.મિલર પાસે શું ન હતું ? તેઓ દેખાવડા એક ધોળા અમેરિકન, યુવાન તેમજ શહેરના દસ ધનવાનોમાં ના એક હોવા છતાં મારી મમ્મી તેમના હૃદયને ન સમજી શકી. હવે તો મેં મારી મમ્મીની જિંદગીનો પૂરેપૂરો અભ્યાસ કરીને મારી રીતે મારા જીવનનો પશ્ન વિચારવાનો મક્કમ નિર્ણય લીધો છે. મેં નક્કી કરી લીધું છે કે બસ હવે પરણીશ તો ફક્ત જહોનને જ. જો મારી મમ્મી રાજીખુશીથી આશિર્વાદ આપશે તો ઠીક છે, નહીંતર હું સમજીશ કે મારા જીવનમાં પિતાની ખોટ તો હતી જ, પણ સમય – સંજોગોમાં માતા પણ ખોવાઇ ગઇ છે. હું એક અનાથ છું અને ઇશ્વર જ મારાં માતાપિતા છે.”

દિશા એનું ડૂસકું ખાળી શકી નહીં. છૂટા અવાજે એ રડી પડી.
“ખેર, દીકરા….ચિંતા ના કરીશ. તારા અભ્યાસના દિવસો છે, એમાં ધ્યાન રાખ. અમે તારી મમ્મીને મળીશું.”
“અંકલ, હું તમને હવે એક છેલ્લો સવાલ પૂછી વિદાય લઇશ.”
”અરે ! બેટા એક શું કામ ? તું અમારી ઇશાની જ છે. તને જ્યાં લગી મનથી સંતોષ ન થાય ત્યાં સુધી તું અમને સવાલ પૂછી શકે છે.”
“અંકલ, જો હું આફ્રિકન – અમેરિકન સાથે લગ્નગ્રંથિ એ જોડાઇશ તો શું આપણો સમાજ મને મમ્મીની જેમ ધિક્કારની નજરે તો નહીં જુએને?”
“દીકરા, તું આ ખોખલા સમાજ અને તારી મમ્મીની ચિંતા શું કામ કરે છે? જો તને જહોન જીવનસાથી તરીકે પસંદ જ હોય તો પછી તારી માને અને આ સમાજ ને માર ગોળી.”
“થેક્યું યૂ અંકલ, આઇ એમ સો હેપ્પી. સારું અંકલ, હું તમને કંકોતરી તો નહીં જ મોકલી શકું, કારણ કે છપાવી જ નથી, પરંતુ મોઢામોઢ જ આમંત્રણ આપું છું. આવતા રવિવારે હું અને જહોન કોર્ટથી રજિસ્ટર મેરેજ કરીએ છીએ. જહોન તરફથી તો રજિસ્ટર પર સહી કરવાં તેનાં માતાપિતા હાજર રહેશે, પરંતુ તમને જો મારી મમ્મીનો પ્રોબ્લેમ ન હોય તો તમે બંને મારા તરફથી રજિસ્ટર પર સહી કરવા હાજર રહી શકશો?”
સુરેખા અને શિવકુમાર એકસાથે બોલી ઊઠ્યાં:
“વ્હાય નોટ ? અમે તો બેધડક તારા તરફથી માતાપિતાની હેસિયતથી રજિસ્ટર પર સહી કરવા હાજર રહીશું. બોલ કઇ કોર્ટમાં અમારે કેટલા વાગ્યે હાજર રહેવાનું છે ?” સુરેખાએ હોંશેહોંશે વિગત લખવા પેન કાગળ લીધાં.
“થેંક્યુ યૂ અંકલ, ફોર યોર હેલ્પ એ ન્ડ ડિનર. ચાલો ત્યારે આપણે આવતા ગુરુવારે મિડટાઉન ટાવરમાં ઘડિયાળ પાસે મળીએ. બપોરે દોઢ વાગ્યે. ચાલો હું નીકળું. મારે આવતા સોમવાર ની પરીક્ષાની તૈયારી કરવાની છે.”

દિશા એ ડ્રાઇવેમાંથી અંકલ-આન્ટી ને આવજો કરતાં કાર સ્ટાર્ટ કરી અને શિવકુમારનો ફોન રણક્યો. “અત્યારે રાત્રે આગિયાર વાગ્યે કોનો ફોન હશે ?” સુરેખ ગણગણી.
“હલ્લો કોણ ?”
“મમ્મી હું નિખિલ !”
“અરે ! બેટા, અત્યારે રાતના આગિયાર વાગ્યે ફોન કરી તે અમને એકાદ ક્ષણ માટે ચિંતામાં નાખી દીધાં. બોલ….બધું બરાબર છે ને ?”
“હા, મમ્મી એવરીથિંગ ઇઝ ફાઇન.”
“તો પછી આ સમયે ફોન કેમ કરવો પડ્યો?”
“ આમ જ મમ્મી, ડેડી ક્યાં છે?”
“આ રહ્યા, કેમ તારે શું કામ છે ?”
“તમે એમને કહો કે બીજી રૂમમાંથી ફોન પિકઅપ કરે. મારે તમને બંનેને અક ખુશીના સમાચાર આપવા છે.”
લિવિંગરૂમમાંથી ફોન લેતાં આદત મુજબ મજાક કરતાં શિવકુમારે પૂછ્યું : “કેમ દીકરા, ફરીથી નોકરી ગઇ કે ?”
“નો ડેડી, એન્ડ ડોન્ટ વરી અબાઉટ માય જોબ. આ વખતે તો હું તમને બંનેને નોકરી કરતાં પણ વિશેષ ખુશીના સમાચાર આપવાનો છું.” બીજા ફોન ઉપર ધ્યાનથી સાંભળતી સુરેખાથી અધીરાઇથી પુછાઇ ગયું:
“શું બેટા નિખિલ, ક્યાંક લોટરી લાગી છે કે શું?”

શિવકુમારે ખડખડાટ હસતાં કહ્યું:
“બેટા, જલ્દી થી તારી માને કહી દે કે કેટલા મિલિયનની લાગી, એટલે હું અને તારી માં બંને જલ્દીથી રિટાયર્ડ થઇને તારી પાસે શિકાગો રહેવા આવી જઇએ.”
“ડેડી, લોટરી તો લાગી છે, પણ જુદા પ્રકારની છે. હેલ્લો મમ્મી, તમે પણ સાંભળો છો ને ?”
“હા, તું તારે બોલ, હું તારી વાત ધ્યાનથી સાંભળું છું.”
“મમ્મી ડેડી, મેં મારી જીવનસંગિની પસંદ કરી નાખી છે.”
“બહુ સરસ, મારે તને પૂછવું ના જોઇએ, પણ મને ખાતરી જ છે કે તેં આપણા પટેલ સમાજની કન્યા પસંદ કરી હશે.”
“નો મમ્મી, યુ આર કમ્પ્લિટલી રોંગ.”
“તો પછી શું છોકરી ઇ ન્ડિયન છે કે……?”
“ના…..મમ્મી શુ ઇઝ અમેરિકન.”
શિવકુમાર વચ્ચેથી બોલ્યા :
“કંઇ વાંધો નહીં દીકરા, તને જે ગમી તે રાણી. બેટા એ શું ભણેલી છે ? અને હમણાં શું કરે છે ?”
“ડેડી, એ એક રેસ્ટોરેન્ટમાં વેઇટ્રેસ છે. ડેડી શી ઇઝ વેરી સ્માર્ટ એન્ડ પ્રીટી ટુ.”
“અચ્છા સુરેખાએ ખુશી વ્યક્ત કરતાં પૂછ્યું, નિખિલ શું નામ છે તારી ફિયાન્સીનું ?”
“સેન્ડી વ્હાઇટ.”
“બહુ જ સરસ !”
“હેલ્લો મમ્મી, ડેડી, હું તમને એક વાત કહેતાં તો સાવ જ ભૂલી ગયો, સેન્ડી અમેરિકન છે, પણ આફ્રિકન અમેરિકન છે. તમને આ બાબતનો કોઇ વાંધો તો નથી ને ?”
અને સુરેખા એ છાતી ઉપર હાથ મૂકતાં ધીમેથી પૂછયું : “નિખિલ, તે હમણાં શું કહ્યું ? જરા ફરી થી બોલ તો … હું કંઇ સમજી શકી નથી.”
વચમાં શિવકુમાર બોલ્યા : “સુરેખા, તને શું સંભળાતું નથી? નિખિલ કહી રહ્યો છે કે તેની ફિયાન્સી સે ન્ડી આફ્રિકન અમેરિકન છે.”
“બેટા, તને આખા અમેરિકામાં આ શ્યામ જ મળી ?”
“વોટ્સ ધ ડિફરન્સ ? વાય આર યુ વરીડ અબાઉટ ધ કલર ઓફ એ પર્સન ?”

અને…….
શિવકુમારને નિખિલ સાથે આ બાબતમાં વધારે ચર્ચા કરવી યોગ્ય ન જણાતાં, મનમાં લાગેલા આઘાત સાથે ફોનને હેન્ગઅપ કરી દીધો. એમને ખાતરી થઇ કે પારકાને સલાહ આપતી વખતે મન બહુ ડાહ્યું અને વિશાળ રહે છે, પણ એ જ સંજોગોનો ઘા પોતાની ઉપર થાય ત્યારે એ મન સંકોચાઇને કોકડું બની જાય છે, બહું સાંકડું થઇ જાય છે.
સુરેખા લમણે હાથ મૂકી બાજુના સોફા ઉપર બેસી પડી. રડમસ અવાજે એણે નિસાસો નાખ્યો.
“શે…ઠ.., મને ખબર નહોતી કે આ લંકાની આગ આપણા ઘરને પણ લાગશે…….તમે જરા જલદીથી 911 માં ફોન કરો તો…. … ….. મને ..મને છાતીમાં ભારે આઘાત લાગ્યો છે. બહુ દુઃખે છે….”

Advertisements

11 responses to “આઘાત – પ્રીતમ લખલાણી

 1. aa varta vanchine gher gher matina chula kahevat yaad aavi

 2. KHOOB SARAS STORY CHE.

 3. GOOD SHOT ! BAHU J SARAS! JYARE POTANI PER AAVE CHHE TYARE MANAS NI ASLI PARICHAY THAY CHHE! KHARU KE NAHI???

 4. There is a saying in sanskrit – “paropdeshe panditya”
  To tell others to keep patience in bad time is very easy but when it comes to us, we can’t keep patience.

 5. Yes ! Good Story… Very easy to give advise to others, hard to follow it !!

 6. The point is not only that whether one can practice something that he/she is preaching to others.

  What about accepting genuine things with open mind? We all say that physical appearance doesn’t matter much in relationships. and it is true in our relation with parents, siblings. Is there any mother or father who is not beautiful? we don’t see whether our parents are beautiful. Their love for us make them beautiful irrespective of they physical appereance. Isn’t it true? then can’t it be true for our spouce? We have to define our priorities and there can never be any priority greater than LOVE.

 7. After reading, I asked myself. What will be my reaction, if it happens to me?
  To be honest, I too will have a shock of my life!

 8. અરે ! મૃગેશભાઈ ! તમારો આભાર માનવાનું તો ભૂલી જ જવાયું ! માફ કરજો ભાઈ ! પ્રીતમ લાખલાણીનો થોડો પરિચય અમિતભાઈએ આપ્યો હોત તો કેવું સારું થાત ?

 9. nice story
  it’s not only that we are racial toward blacks but we are racial toward our OWN people in our OWN country. we still have lower cast n upper cast.its just that we dont realize the situation till we face it. . back in days when Europeans were sagrigated against us then that felling was unbearable. but now that we have got our ways out, we dont care about others. as far as human nature goes one only cares to fulfill ones wish.

  thanks fot the story.

 10. Good story!

  This is fact of life. Salaah aap vi saheli chhe pan anusarvu aaghru chhe.

 11. It’ Realy very nice STORY.
  Ae story parthi apane ganu bhudu shikhava made che ke
  bija ne salah apvai sahali che pan ae vastu jayaer potani par ave tyera je khabar pade ke tano samano kavi rita karovo