પત્નીને મશીન નથી બનાવવી – ગુલાબદાસ બ્રોકર

[તા-10-જૂન-2006 ના રોજ આપણા લોકપ્રિય સાહિત્યકાર તેમજ ટૂંકી વાર્તાઓના સર્જક શ્રી ગુલાબદાસ બ્રોકર સાહેબનું 97 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ગુજરાતી સાહિત્યને અનેક સુંદર કૃતિઓ આપી છે. રીડગુજરાતી આજે એમનો એક લેખ રજૂ કરીને શ્રદ્ધાંજલી આપતા એટલી પ્રાર્થના કરે છે કે ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ આપે.]

મોહનલાલ મહેતા (એને અમે ‘સોપાન’ નામથી બોલાવતા) મારા પરમ મિત્ર. અઠવાડિયામાં બે-ત્રણ વાર એમને ન મળું તો મને ચેન ન પડે. ‘સોપાન’ ને પોતાને ઘેર ભોજન મજલિસો રાખવાનું ખૂબ ગમે. દર રવિવારે એમને ત્યાં એક નહિ તો બીજા, થોડા મિત્રો ભોજન માટે આવ્યા જ હોય. અનેક ક્ષેત્રના એ સજ્જ્નો એવી એવી આનંદભરી વાતો કરે કે સમય ક્યાં ઊડી જાય તેની ખબર પણ ન પડે.

અને પાછી ભોજનની કુશળતા તો ‘સોપાન’નાં પત્ની લાભુબહેનની જ. એવું સરસ સરસ જમાડે, અને એવા ભાવથી કે ઉદર તો સંતૃપ્ત થાય જ, પણ હ્રદય પણ એટલી જ સંતૃપ્તિ પામે. વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો. અમે બધા પછી એટલા જુવાન નહોતા રહ્યા, પણ આ ક્રમમાં કશો ફરક ન પડ્યો. ‘સોપાન’નો એટલો જ આનંદ અને લાભુબહેનની ભાવભરી ભોજન-સામગ્રી અમે મિત્રો માણતા રહ્યા.

તેમાં એક દિવસ કંઈક મોડું કે એવું કંઈક થયું હશે, અને ‘સોપાન’ જરા ઉતાવળા થયા. લાભુબહેને તેનો યોગ્ય વિનયભર્યો જવાબ આપ્યો. મેં એ બધું સાંભળ્યું, પણ ન સાંભળ્યું હોય તેવો દેખાવ કર્યો. પછી ‘સોપાન’ જરા આઘાપાછા થયા અને લાભુબહેન મને મળ્યાં કે તરત તેમણે હસવા જેવું મોં કરીને મને કહ્યું : ‘ગુલાબદાસભાઈ, તમારા મિત્ર મને હજી પચીસ વરસની જ માનતા લાગે છે !’ ને એ ચાલતાં થયાં પોતાને કામે. પણ એ વાક્ય હજી મારા હૃદયમાં એવું ને એવું સચવાઈ રહ્યું છે.

આપણે બધા આપણી પત્નીઓને સદાય એ પચીસ વર્ષની જ હોય એવી જાતના કામની અપેક્ષા એમની પાસેથી નથી રાખતા ? હું પણ એ બધા જમાનામાં યૌવન પછી પ્રૌઢત્વ પામ્યા પછીયે મારે ઘેર ઘણાબધા મિત્રોને વારંવાર ભોજન માટે નોતરતો હતો અને મારી પત્ની હોંશે હોંશે બધાંને જમાડતી હતી. ન કરતી ફરિયાદ કે ન બતાવતી કંટાળો. ને મને કોઈ દિવસ એના વિશે તો કશો ખ્યાલ જ નહોતો આવતો. પણ લાભુબહેને કહેલું વાક્ય યાદ આવતાં મને થતું કે એકલા ‘સોપાન’ જ નહિ, હું પણ મારી પત્ની જાણે નિરંતર પચીસ વર્ષની જ રહી હોય એવું માનતો હતો.

ને મન વિચારે ચઢી જતું. આપણે આપણી પત્નીઓ પાસે કેટલી મોટી અપેક્ષાઓ રાખીએ છીએ ? અને એમનો એક માત્ર, ગુનો કહેવો હોય તો ગુનો કહો, કે સાલસતા કહેવી હોય તો સાલસતા કહો, પણ એક માત્ર સ્વભાવ કદી ફરિયાદ કરવાનો હોતો નથી; એટલે આપણે આ એક બાબતમાં તેને માણસ નહિ પણ મશીન જ માનતા હોઈએ તેમ વર્તીએ છીએ. ખ્યાલ જ નથી આવતો આપણને કે એનું શરીર પણ માણસનું શરીર છે, ને એ પણ થાકતું હોય, આરામ માગતું હોય, તેને ધારી ઝડપથી કામ ન કરવા દેતું હોય !

આવા વિચારો જોર કરતા ગયા એટલે મારા મનમાં એક નિર્ધાર થઈ ગયો કે આ બધું જોયા, સાંભળ્યા, સમજ્યા પછી મારે મારી પત્નીને આવી મશીન જેવી નથી જ બનાવી દેવી.

એટલે એ પછી કે રીતની મોજ ખાતર નોતરેલા મહેમાનોની સંખ્યા મેં ઓછી કરી નાખી. કોઈકને ખરાબ લાગશે એ ભાવ પણ મનમાંથી કાઢી નાખ્યો, કેમ કે એ કોઈને ખાતર, આ કોઈકને, જેને મારી પત્ની થવાનું નસીબમાં લખાયું હતું તેને, મારે હેરાન પરેશાન થવા દેવી, એ કંઈ વાંધો ન લે એથી ? (મુંબઈ સમાચાર, 1994 તેમજ ‘અરધી સદીની વાંચનયાત્રા’ પુસ્તકમાંથી સાભાર)

Advertisements

6 responses to “પત્નીને મશીન નથી બનાવવી – ગુલાબદાસ બ્રોકર

 1. હવે સમયનું ચક્ર બદલાયું છે !મહેમાન તો :કોક આવે ત્યારે ખુશી થાય
  અને કોક જાય તો ખુશી થાય એવું નથી બનતું ? ભૂતકાળની ભાવના
  અવર્ણનીય પ્રેમભાવ વાળી હતી,જેનો હવે લોપ થતો દેખાય છે.ખરું ને ?

 2. માનવંતભાઈ,
  આપની વાત સંપૂર્ણપણે સાચ્ચી છે. પરંતુ જીવનચક્ર તો એનું એજ રહ્યું ને સ્ત્રીઓ માટે ભલે પહેલાનાં જમાનાની હોય કે આ જમાનાની. ખરું ને ?

  નીલા

 3. પત્ની ની ડેફીનેશન બદલાય એ જરુરી છે. આજ ઈ મહિલા ઘરે બેસી ઘરના કામ કરે તે વાત હજમ થાય તેમ નથી. let them use there iq. give them chance. all the best.

 4. અમિત પિસાવાડિયા (ઉપલેટા)

  સરસ લેખ છે , આજ ના જમાના મા સ્ત્રીઓ પણ પુરૂષ સમોવડી થઇ છે અને ઘરકામની સાથે સાથે નોકરી પણ કરતી થઇ છે. તેઓને પણ પોતાના વિચારો હોય મંતવ્ય હોય શકે છે.

 5. NOT JUST WITH WIFE,THE SITUATION IS DARKER WHEN IT COMES TO ‘MOTHER’.IT IS THE WORD WHICH IS JUST TAKEN FOR GRANTED IN THE NAME OF SACRIFICE.SHE IS ONLY SUPPOSE TO HAVE ADMIRATION IF SHE TREATS HERSELF AS SELFLESS(MACHINE?)
  AND THEN, “HUSBUND BHEE KABHI BETA THA” HAI NA!
  BUT IT IS REALLY A VERY UNIQUE REALIZATION.VERY HUMAN ONE.MRS.BROKER MUST FELT LUCKY.

 6. i agree with the article. most of the man have this attitude toward women. Its okay as far as the appriciate our work but rather than appriciating it, they say, ” akho divas ghar ma shu kam hoy che??” eventhough its dad’s word but it is very annoying. one thing i dont understand is that why does ONLY a girl have to learn everything such as cooking, taking care of family and other choir work from thier childhood. what does boys have to learn???… just how to be annoying???…