મંડૂકોનું ઉપનિષદ – વીણેલાં ફૂલ

[ આ કૃતિ ટાઈપ કરીને મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા) ખૂબ ખૂબ આભાર ]

ગામ પછવાડે એક ખાબોચિયું હતું. એમાં અસંખ્ય દેડકાઓનો વાસ. એમાં જ ખાય, એમાં જ પીએ, એમાં જ સૂએ, એમાં જ રમે, એમાં જ જમે, એમાં જ ભમે. રમતમાં ને રમતમાં એક દિવસ દેડકાંઓ વચ્ચે તકરાર પડી. એક કહે ‘હું પહેલો દાવ લઉ,’ બીજો કહે ‘હું.’ વાત વધતી વધતી રજની ગજ થઇ. થોડા દેડકાં એક બાજુ થયાં, થોડા બીજી બાજુ. બન્ને પક્ષો વચ્ચે તુમુલ યુદ્ધ થયું. ખાબોચિયા નુ પાણી ડોવાઇ ગયું. ઘણો કાદવ ઊછળ્યો. કેટલાક દેડકાંઓ તો અધમૂઆ થઇ ને પડ્યાં. ઘરડેરા દેડકાંઓએ વિચાર કર્યો – ‘આવી અંધાધૂંધી તો ન પોષાય.’ સંધ્યા ટાણે ખાબોચિયાને તીરે બેસી સૌ દેડકાંઓએ એકાગ્રચિત્તે શતકોટિવાર ડ્રાઉંકાર મંત્રનો જાપ જપ્યો. આશુતોષ મહાદેવ દેડકાંઓની આ ભક્તિ જોઇ પ્રસન્ન થયા. કહે – ‘માગો, માગો, જે માગો તે આપું !’ ઘરડાં દેડકાં કહે – ‘મહારાજ ! અમારે ત્યાં અંધાધૂંધી પ્રવર્તે છે. અમારી વ્યવસ્થા જાળવવા કોઇ શાસનકર્તા આપો.’

મહાદેવ કહે : ‘તથાસ્તુ !’

મહાદેવે દેડકાંઓ પર શાસન કરવા કૈલાસ શિખર પરથી એક શિલાને મોકલી આપી. ખરરર….કરતી શિલા ધરતી ઉપર ઊતરી આવી. ધબાક કરતી શિલા ખાબોચિયા પર પડી. કેટલાંય દેડકાં એ શિલા તળે ચગદાઇ મૂઆં. કેટલાંયનાં તો એ અવાજ ને લીધે જ હ્રદય બંધ પડી ગયાં. એમનાં દેડકાંઓએ કલ્પાંત કરવા માંડ્યું. ઘરડેરા દેડકાં કહે ‘એ તો શહીદ થયાં.’ પણ એનાથી સગાંવહાલાંને હૈયે ટાઢક થઇ નહીં. સૌ દેડકાંઓએ ફરી એક વાર મહાદેવની પ્રાર્થના કરી. સંધ્યા ટાણે ખાબોચિયાને તીરે બેસી સૌ દેડકાંઓએ એકાગ્રચિત્તે શતકોટિવાર ડ્રાઉંકાર મંત્રનો જાપ જપ્યો. આશુતોષ મહાદેવ દેડકાંઓની આ ભક્તિ જોઇ પ્રસન્ન થયા. કહે – ‘માગો, માગો, જે માગો તે આપું !’ ઘરડેરાં કહે – ‘ મહારાજ ! આપે જડ શાસક મોકલ્યો. એણે અમારાં પૈકી અનેકના પ્રાણ લીધા. અમને કોઇ ચેતન શાસક આપો.’

મહાદેવ કહે : ‘તથાસ્તુ.’

મહાદેવે દેડકાંઓ પર શાસન કરવા પોતાના નંદીને મોકલી આપ્યો. ધસમસ કરતો નંદી ઘરતી ઉપર ઊતરી આવ્યો. ધબાક કરતો તે ખાબોચિયા માં પડ્યો. કેટલાંય દેડકાં નંદીની વિશાળ કાયા તળે છુંદાઇ મૂઆં. કેટલાંયના તો નંદીના ફૂંફાડા સાંભળીને જ હોશકોશ ઊડી ગયા. એમનાં સગાંવહાલાંઓએ કલ્પાંત કરવા માંડ્યું. ઘરડેરાં દેડકાં કહે – ‘એમનું આપણે સ્મારક રચીએ.’ પણ એનાથી સગાંવહાલાંને શાંતિ વળી નહીં. સૌ દેડકાંઓએ ફરી એક વાર મહાદેવની પ્રાર્થના કરી. સંધ્યા ટાંણે ખાબોચિયાને તીરે બેસી સૌ દેડકાંઓએ એકાગ્રચિત્તે શતકોટિવાર ડ્રાંઉંકાર મંત્રનો જાપ જપ્યો. આશુતોષ મહાદેવ દેડકાંઓની આ ભક્તિ જોઇ પ્રસન્ન થયા. કહે – ‘માગો, માગો, જે માગો તે આપુ !’ ઘરડેરાં દેડકાં કહે – ‘મહારાજ ! આપે ચેતન શાસક મોકલ્યો, પણ તે છેવટે બહારનો જ રહ્યો. એ એક એક પડખું ફરે છે અને અમારામાંથી ઘણાના જાન જાય છે. માટે હવે તો મહારાજ અમારામાંથી જ એકને શાસક નીમો !’ મહાદેવ કહે – ‘તથાસ્તુ !’ મહાદેવ તરતોતરત તેમના પૈકી સૌથી ઘરડાને જોઇને કપાળમાં કાદવનું તિલક કર્યું. ખાબોચિયાનું પવિત્ર જળ છાંટી તેનો અભિષેક કર્યો.

થોડા દિવસ તો ઘરડેરા રાજમંડૂકની આગેવાની હેઠળ ખાબોચિયામાં શાંતિ રહી. પણ દુર્ભાગ્યે થોડા દિવસોમાં જ રાજમંડૂક રાજકાજના ભારને લીધે લોહીનું દબાણ વધવાથી મૃત્યુ પામ્યો. એનો દીકરો રાજપુત્ર મંડૂક કુપુત્ર નીવડ્યો. તે આખો દિવસ દેડકીઓ સાથે તર્યા કરતો. રાજકાજ માં લક્ષ આપતો નહીં, અને પ્રમાદમાં જીવન ગાળતો. તેથી દેડકાંઓમાં ફરી પાછો અસંતોષ જાગ્યો. કોઇ કહે રાજપુત્ર મંડૂકને પદભ્રષ્ટ કરો, કોઇ કહે બળવો કરો, કોઇ વળી ક્રાંતિની વાતો કરવા લાગ્યું. છેવટે સૌએ ભેગાં મળીને ફરી એકવાર મહાદેવની પ્રાર્થના કરી. સંધ્યા ટાણે ખાબોચિયાને તીરે બેસી સૌ દેડકાંઓએ એકાગ્રચિત્તે શતકોટિવાર ડ્રાઉંકાર મંત્ર નો જાય જપ્યો. આશુતોષ મહાદેવ દેડકાંઓની આ ભક્તિ જોઇ પ્રસન્ન થયા. કહે – ‘માગો, માગો, જે માગો તે આપું.’ બળવાખોર દેડકાં કહે – ‘ મહારાજ ! અમારો નવો શાસક પ્રમાદી છે. એના એકલાનું કીધેલું ચાલે એ અમને ન પોષાય. અમારા પૈકી ઝાઝેરાનું કીધેલું ચાલે એવું કાંઇક કરો !’

મહાદેવ કહે : ‘તથાસ્તુ! ’ મહાદેવે ખાબોચિયાને એક ખૂણે ત્રિશૂળ રોપી આપ્યું. એણે કહ્યું : ‘તમે જાતે જ નિર્ણય કરજો. આ ત્રિશૂળ નીચે જેને ઊભો રાખશો તેના કહ્યા મુજબ રાજ ચાલશે.’ દેડકાંઓ તો સૌ રાજીરાજી થઇ ગયાં. પોતાની ઇચ્છા મુજબનો રાજા !

પણ ત્યાં તો સવાલ આવ્યો કે ત્રિશૂળ નીચે કોણ ઊભો રહે. એક બળવાખોર કહે : ‘હું ઊભો રહું, કારણ કે મે મહાદેવજી સાથે વાતચીત કરી હતી.’ બીજો બળવાખોર કહે : ‘હું ઊભો રહું, કારણ મારા કંટુબમાં વધુ દેડકાં શહીદ થયાં છે.’ હવે પસંદગી શી રીતે કરવી ? બંને પક્ષે ભેગા થઇ ને ચૂંટણીની રીત પસંદ કરી. સૌ દેડકાંને પાણીની અંદર એક વાર પરપોટો કાઢવાનો હક આપવામાં આવ્યો. જે કાંઠે વધારે પરપોટા થાય તે કાંઠાના દેડકાને ત્રિશૂળ નીચે ઊભા રહેવાનું મળે એમ ઠર્યું. પહેલાં તો દેડકીઓએ પરપોટા કરવા કે નહીં તે અંગે મતભેદ થયા. બંને પક્ષને ખાતરી થઇ કે દેડકીઓના પરપોટા પણ પોતાના દેડકાઓની સાથે જ થશે, ત્યારે તેમને પરપોટા કરવાની છૂટ અપાઇ.

બેઉ ઉમેદવાર દેડકાઓ ખાબોચિયાને બે છેડે જઇને બેઠા. પણ બીજા દેડકાઓને પોતાના જીવન – વ્યાપારમાં પરપોટા કરવાની ફુરસદ નહોતી. તેથી બંને ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો. પહેલાં બંનેએ પોતાની પ્રશંસા કરી. પછી ધીરે ધીરે પોતાની પ્રશંસા સામેનાની નિંદામાં પરિણમી. આજે પણ પરપોટા ની આ મારામારી ચાલુ જ છે.

– ખાબોચિયાનાં કેટલાંક દેડકાં કહે છે કે… ચાલો આપણે પાછા મહાદેવજીની પ્રાર્થના કરીએ. પણ બંને ઉમેદવારોના પ્રચારના મહામંત્રોના અવાજમાં આ દેડકાંઓનો ડ્રાઉંકાર મંત્ર ક્યાંય ડૂબી જાય છે. કૈલાસ પર બેઠેલા મહાદેવજીની નજર કોઇ કોઇ વાર આ ખાબોચિયા ભણી જતી હશે ખરી ???

Advertisements

6 responses to “મંડૂકોનું ઉપનિષદ – વીણેલાં ફૂલ

 1. ખુબજ સુંદર વાત કહી છે. આજના જમાનાની સત્ય હકીકત છે.

  અભિનંદન અમીતભાઇ

  નીલા કડકિઆ

 2. sundar ane sachot sarkhamani karichhe-atyarni democracy sathe.
  Dalsukh Sanghvi

 3. Reminds me a novel “Battleship Dawn”.

 4. સાંપ્રત પરિસ્થિતિ ને અનૂરૂપ .મજા આવી.અભિનંદન.

 5. આજની લોકશાહીની પરિસ્થિતી સાથે એક્દમ બંધબેસતી વાતાઁ.
  આવો સરસ “ચાબખો મારવા” બદલ (indirectly)અમિતભાઈ પિસાવાડીયાનો આભાર.
  અજય પટેલ.

 6. Can we know the name of the author too?