યાદના છાંટા – આદિલ મનસૂરી

[સુપ્રસિદ્ધ ગઝલકાર શ્રી આદિલભાઈ મનસૂરીએ રીડગુજરાતીને કવિ શ્રી રમેશ પારેખની યાદમાં આ સુંદર ગઝલ મોકલી છે અને રીડગુજરાતીના કાર્ય વિષે પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે. રીડગુજરાતી આ માટે શ્રી આદિલભાઈનો (ન્યુજર્સી, અમેરિકા) ખૂબ ખૂબ આભાર માને છે. ]

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ

મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ

જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ

આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ

આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ

બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ

હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ

પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મકતા ન મોકલાવ

વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ

Advertisements

9 responses to “યાદના છાંટા – આદિલ મનસૂરી

 1. બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
  છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ

  બહોત ખૂબ !

 2. ગઝલોના બેતાજ બાદશાહ ! તને અનંત સલામો !
  “તળીયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ !”
  આનાથી મોટું કયું અર્ઘ્ય અર્પી શકાય ?ર.પા.ને ?

 3. ન મોકલાવ
  ચન્દ્રમાને આમતુ પંસે ન રાખી લે,
  અમને તુ તૂટેલા તારા ન મોકલાવ.
  “વફા”

 4. simply superb –heart touching. Wah_ _ _

 5. Very nice Shraddhanjali ghazal and a very approprite title!

 6. A wonderul homage by an eminent gazalkar (pioneer of modern gujarati gazal) to the most creative poet of modern times.

 7. Very nice Shraddhanjali ghazal from aadilji.
  I want a ghazal of MANEKCHOW write by aadilji

 8. Great !!
  Adil bhai tame to kharekhar Rameshbahi Parekh ni yaad apavi didhi.

  Adil bhai , tame to kamal kari didhi….