ખોવાયેલી ઓળખ – ભાવના મહેતા

ઍરહોસ્ટેસના મુખેથી જાહેરાતના વહેતા શબ્દો વિભાના કાને અથડાયા. તેણે જાણ્યું કે હવે દસેક મિનિટમાં જ મુંબઈ આવી પહોંચશે. તેના હૈયામાં અનોખો આનંદ છવાઈ ગયો. અને એક અદમ્ય આતુરતા ઊભરાવા લાગી.

એક વર્ષ પહેલા જ વિદ્યાવિહાર સંસ્થા તરફથી સ્કૉલરશીપ મળતાં તે સમાજવિદ્યાનો આઠ માસનો ઍડવાન્સ-કૉર્સ કરવા અમેરિકા ગઈ હતી અને આજ ભારત આવી હતી. પોતાનો દેશ, પોતાનો પ્રદેશ, પોતાની વિદ્યાવિહાર સંસ્થા અને પોતાનું ઘર…. બધું જ સમીપ આવી રહ્યું હતું. ઘરની યાદ આવતાં જ વિદ્યાવિહાર સંસ્થાનો વિશાળ વિસ્તાર, સુરમ્ય પ્રાંગણ અને તેમાં વચ્ચોવચ્ચ ઊભેલું પોતાનું નાનું સરખું કવાર્ટર યાદ આવ્યું એ કવાર્ટરના આંગણામાં ખીલ્યો-ખીલ્યો ગુલમહોર…. ઘણા જતનથી ઊછરેલું આમ્રવૃક્ષ અને તેના પર લટકતી કુમળી કેરીઓ અને પોતાનો અતિપ્રિય વિવિધ રંગી ગુલાબની ક્યારીઓ તાદશ થઈ ! … અને સદૈવ આંખો સમક્ષ દેખાતું, ક્વાર્ટરના વરંડામાં, દ્વારની પાસેનું એ તૈલચિત્ર !… બધું સાકાર થયું…. લાલ ગુલાબનું ફૂલ સૂંઘતી અત્યંત મનમોહક યુવતીનું એ ચિત્ર ! વિભાને હંમેશા લાગતું કે ચિત્રની અત્યંત કમનીય યુવતી વિભાના સાધારણ રૂપ-રંગની મજાક ઉડાવી રહી છે !

વિભા વિચારતી રહેતી…. શું ચિત્રમાંની યુવતી ચિત્રકાર અરુણના મનોભાવનો કોઈ સંદેશ આપી રહી છે ? ઘણીવાર અરુણ હસતાં હસતાં કહેતો, ‘વિભા, તું દરેક દરેક ક્ષેત્રે ‘ગુડ ફૉર નથિંગ’ જેવી છો !’ વળી મંદ સ્મિત સાથે મજાકભર્યા સ્વરે કહેતો, ‘તું સૌને ગમે છે અને મને પણ ગમે છે પણ આમ તો તું તદ્દન સામાન્ય… ‘ગુડ ફૉર નથિંગ’ જ છો હો !’

વિભા વિચાર્યા કરતી…. ખરી વાત છે અરુણની… ક્યાં પોતાનું તદ્દન સાધારણ, પ્રતિભા વગરનું વ્યક્તિત્વ અને ક્યાં સૌંદર્યોપાસક ચિત્રકારની દ્રષ્ટિમાં વસી જનાર વ્યક્તિત્વ ! અરુણે ભેટમાં આપેલું કમનીય યુવતીનું એ ચિત્ર જાણે કહી રહ્યું હતું… ‘વિભા ! મને તો આવી સુંદર સ્ત્રી ગમે !’

વિભા અપરિણીત હતી. તે વિદ્યાવિહાર સંસ્થામાં એકલી જ રહેતી હતી. જોકે સંસ્થાને સમર્પિત વિભાને કદી એકલતા સાલતી નહિ. વિદ્યાવિહાર સંસ્થા તેની પરમ આત્મીય હતી. સંસ્થાનાં આચાર્યા, શિક્ષકગણ, વિદ્યાર્થીનીઓ અને સંસ્થાનું સંપૂર્ણ વાતાવરણ… અનોખી આત્મીયતાની હવા ત્યાં હતી. વિદ્યાવિહાર એટલે એક બહોળો પરિવાર… વિભાના કવાર્ટરની પાસે જ અરુણનું કવાર્ટર હતું. અરુણ, તેની પત્ની અને બાળકો, નાનું અને સુખી કુટુંબ હતું. વિભા અને અરુણના પરિવાર વચ્ચે સ્નેહગાંઠ બંધાયેલી હતી. વિભા અરુણના પરિવારના અંશરૂપ હતી જાણે ! અરુણનો પરિવાર વિભાનો પરિવાર હતો જાણે !

અરુણ વિદ્યાવિહાર સંસ્થાના કલા વિભાગનો વડો હતો અને વિભા સમાજવિદ્યાના વિભાગમાં લેક્ચરર હતી. બન્નેનાં કાર્યક્ષેત્ર અને વિષયો અલગ હતાં, ભિન્ન હતાં. છતાં બન્નેનાં રસ-રુચિમાં ઘણી સમાનતા હતી. સંસ્થાના કેટલાક કાર્યક્રમોમાં તેઓ સાથે કાર્ય કરતાં. બન્ને એક્બીજા પ્રત્યે આદરભાવ હતો. બન્ને વચ્ચે અનુરાગભરી મિત્રતા બંધાઈ હતી. જોકે તેમના સંબંધમાં કંઈ પામવાની લાલસા, રૂપાકર્ષણ કે મોહની ભાવના કરતાં નિખાલસતા, સૌહાર્દ અને સ્નેહની ભાવના વધુ હતી. સંસ્થામાં સૌને તેની પ્રતીતિ સહજ રૂપે થતી રહેતી હતી.

વિમાનનો એક હળવો આંચકો… વિભા સજાગ બની. તેણે પોતાના પર્સમાંથી નાનું પાઉડર-બોક્સ કાઢ્યું. ખોલતાં જ માદક, સુવાસ તેને સ્પર્શી ગઈ. પાઉડર-બોકસના નાના અરીસામાં વિભાએ પોતાનો ચહેરો જોયો.. પુન: જોયો… તેણે પરમ સંતોષથી આંખો બંધ કરી. જાણે કંઈક માણી રહી હોય !

અમેરિકામાં આઠ માસના અભ્યાસક્રમ દરમિયાન તે ખૂબ ફરી હતી. તેણે ઘણું ઘણું જોયું અને જાણ્યું હતું. એ દિવસો દરમ્યાન જ તેણે એસ્થેટિક સર્જરી વિષે જાણ્યું. એસ્થેટિક સર્જરીની અંતર્ગત વિવિધ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી અને તે વિષેના પ્રખ્યાત સર્જનો વિષે પણ તેણે માહિતી મેળવી લીધી હતી.

વિભા અમેરિકામાં ત્રણ માસ વધુ રોકાઈ ગઈ. એસ્થેટિક સર્જરીના સહારે તે નવું રૂપ, નવો ચહેરો પામી જાણે ! પાઉડર બોકસના નાના દર્પણમાં વિભાએ પોતાના ચહેરાને જોયો. પ્લાસ્ટિક સર્જરીની અંતર્ગત રીહ્નોપ્લાસ્ટિએ સુરેખ બનાવેલા તેના નાક પર તેણે પાઉડરના પફને જરા ફેરવ્યું… તરત જ તેનું ધ્યાન આંખ નીચેની અને આંખ પાસેની દૂર થયેલી કરચલીઓ અને પાંપણની નીચેની દૂર કરવામાં આવેલી કાળી પડી ગયેલી, લટકતી ત્વચાની જગ્યાએ નવી આવેલી મુલાયમ ત્વચા તરફ ગયું. તે પ્રસન્ન પ્રસન્ન થઈ રહી. ચહેરાની રેશમી તાજગી તેને સ્પર્શી ગઈ ! અમેરિકાના પ્રખ્યાત સર્જને રેહ્ટીડેક્ટોમી નામે ઓળખાતી સર્જરી કરી, આંખની નીચેની એ બદરંગ ત્વચાને કાપીને કુરૂપતા દૂર કરી હતી. વિભા લગભગ એક માસ સુધી નર્સીંગ હોમમાં કણસતી પડી રહી હતી ! કેટલા પીડાકારક હતા એ દિવસો પણ આજ ! આજ, સહન કરેલી એ પીડા જાણે દ્વિગુણિત સુખમાં પલટાઈ ગઈ હતી ! કેટલું સાર્થક ! વર્ષભરના અમેરિકાના પૌષ્ટિક ખાનપાન, આરોગ્યવર્ધક ખોરાક અને વિવિધ ફળોના રસોએ તેના શરીરને અપૂર્વ સ્વાસ્થ્ય બક્ષ્યું હતું. વળી હેલ્થ કલબના વિવિધ વ્યાયામને લીધે તેનું શરીર સુડોળ બન્યું હતું. વિભા સ્વાસ્થ્યની સુરખી અને નારીસૌંદર્યની મનમોહકતાથી મહેકતી હતી.

વિભા વિચારે ચડી… શું ચિત્રમાંની એ કમનીય યુવતીના ઉપાલંભભર્યા સ્મિતનો આ જવાબ હતો ? વિભાને થયુંકે સંસ્થામાં સૌ શું કહેશે ? અરુણને કેવું લાગશે ? તેણે અરુણને આગ્રહપૂર્વક લખ્યું હતું કે ઍરોડ્રામ પર લેવા અવશ્ય આવે… ‘શું આ નવું સ્વરૂપ અરુણના ‘ગુડ ફૉર નથિંગ’ ની માત્ર પ્રતિક્રિયા હતી ? આ પરિવર્તન અરુણ માટે હતું ?’

વિમાન રન-વે પર દોડી રહ્યું હતું. ઍરહોસ્ટેસે મુંબઈ આવી પહોંચવાની જાહેરાત કરી દીધી હતી… ‘અહા ! સ્વદેશની હવા… કેટલી મનભાવન, કેટલી આત્મીય, કેવી સુખદ અનુભૂતિ ! ઉત્ફુલ્લિત વિભા ઉત્ક્ટ આતુરતા અનુભવવા લાગી. પ્લેનમાંથી ઊતરી કસ્ટમની બધી કાર્યવાહી પૂર્ણ કરી જેવી વિભા બહાર આવી કે તેણે દૂરથી અરુણને જોઈ લીધો ! …. કંઈક ક્ષોભ અનુભવવા લાગી. અપૂર્વ રોમાંચ તેના અંગેઅંગમાં વ્યાપી ગયો !

અરુણ તેને જ શોધી રહ્યો હતો. પણ કદાચ ઓળખી શક્તો ન હતો ! વિભાએ તેની તદ્દન પાસે આવી કહ્યું, ‘હેલો ! અરુણભાઈ નમસ્કાર.’ ચમકીને તાકતો જ રહ્યો અરુણ… નવી સ્ટાઈલના હેર-કટ, સુરેખ બનેલી મુખમુદ્રા, તાજગીભરી, મુલાયમ ગૌર, ગુલાબી ત્વચા અને સપ્રમાણ દેહયષ્ટિ…
‘હેલો… અરુણભાઈ ! હું વિભા….’
‘વિભા !’ આશ્ચર્ય અને મૂંઝવણના ભાવ અરુણના ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા.
‘હા, હું વિભા. કેમ ઓળખી શક્યા નહિ ને ?’
‘ઓહ, વિભા. તું તો તદ્દન નૂતન સ્વરૂપે… તું વિભાની નાની બહેન જાણે… વિભાથી દસ-બાર વર્ષ નાની ! ખરેખર ! તું વિભા જ છો ને ?’ … અરુણ હસવા લાગ્યો.

‘વિભા ! તું સુંદર લાગે છે હો !’ અરુણ બોલ્યો. જે શબ્દો સાંભળવા વિભા તલસતી હતી… તે આ જ શબ્દો… વિભાના કાનમાં જાણે વાંસળીના સૂર ગૂંજવા લાગ્યા… સર્જરીની એ અસહ્ય પીડા અને બેસુમાર ખર્ચ… બધું જ સાર્થક, સફળ થયું હતું.

વિભા અત્યંત સુખદ, અત્યંત મધુર સંવેદનાના ઘેનમાં ડૂબવા લાગી…. ત્યાં તો અરુણના શબ્દો સંભળાયા… ‘પણ વિભા, તું અમારી એ વિભા નથી. અમને ગમતી… મને પ્રિય.. ‘ગુડ ફૉર નથિંગ’.. નિસર્ગદત્ત નમણાશથી દીપ્ત વિભા ક્યાં ખોવાઈ ગઈ…?’ વિભાએ જોયું, અરુણના ચહેરા પર કંઈક પોતીકું, અતિ પ્રિય ગુમાવ્યાનો રંજ છવાઈ રહ્યો હતો….

Advertisements

10 responses to “ખોવાયેલી ઓળખ – ભાવના મહેતા

 1. Really, nice story.
  People always recognize you or memorize you by your true personality, and it will be in their heart forever, your new look is just so immoral.
  Your true identity is what you are in the first place, not by changing your view or look.

  Thanks for the Great Story.

 2. Dear Mrugeshbhai,

  This story is really nice and realistic. Your inner beauty is important for the one who loves and cares for you the outer look doesnot matter at all. And if the outer look matter then its not love its just attaraction.

 3. જીતેન્દ્ર જે. તન્ના

  સરસ વાર્તા. પરંતુ આજના જમાનામા લોકોને આંતરિક સૌદર્યની ક્યા પડી છે. આજે તો ટીવીની સિરિયલ પ્રમાણે લોકોના મન બદલે છે. અને ટીવી સિરિયલોને બસ સારા કપડા તથા મોટા મોટા બંગલા એવુ જ બતાવવુ છે.

 4. Wow, I have been looking for such topic since long time. Thanks. You dont know how happy to see this article as well as this gujarati blog. Thanks again and cheers.

 5. મોંઢા કરતાં હૃદયની આટલી સજાવટમાં સમય વાપર્યો હોત તો ?ભાવનાબહેને
  આધુનિકતાનું સુન્દર ઉદાહરણ પૂરું પાડ્યું છે ! અભિનંદન !

 6. PARSHOTAMBHAI JETHWA OF CROYDON LONDON UK

  MRUGASHBHAI
  NAMESTE
  I AM VERY PLEASED TO READ YOUR GUGARATIWEB.I JUST FOUND FROM CHTRALEKHA. WILL CONTACT YOU IN FUTURE.
  FARI MALISU.
  PARSHOTAMBHAI

 7. great story
  we always recognize the value of everything after we lose them. this happens may be because we dont the eyes to see the inner soul of any substance around us.
  thanks for such a nice story

 8. hello mrugesh bhai
  khubaj saras ,sundar varta chhe,pan aajkal arun bhai jevu vicharta loko ketla?aaje badha ne bahya sundarta ni j padi chhe..aantrik sundarta koi nathi jotu..aa samaj ma kash Arun bhai jeva manso pan hot..!!
  Abhaar aatli sundar story aapva badal

 9. Interesting, sometimes we may not figure out what attracts somebody abou us. if we try to change we lose our identity.

 10. aaje streeo sajidhajine badhane impress kare chhe eana karta potana goon,aavdat,chaturya thi lokona dil jeeti sake chhe.jassi jaisi koi nahi udaharan same chhe.