ગીતાંજલી – ટાગોર (અનુ. માવજી સાવલા)

shree tagore[ કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલી’ કૃતિ વિશે શું કહેવાનું હોય ? 1909-1910 દરમિયાન શ્રી ટાગોરે રચેલું આ અદ્દભૂત બંગાળી કાવ્ય મેકમિલન સંસ્થા દ્વારા 1913માં અંગ્રેજીમાં સૌપ્રથમ વાર પ્રકાશિત થયું અને 13-11-1913 ના રોજ આ કાવ્ય માટે શ્રી ટાગોરને નૉબલ પારિતોષિક અર્પણ થયું. એક અંગ્રેજી કવિએ ગીતાંજલી કાવ્ય માટે એમ કહ્યું છે કે ‘ટ્રેઈનમાં કે બસમાં આ કાવ્ય વાંચતા મારા હૃદયમાં સ્પંદિત થતી રહેતી લાગણીઓ અને મારા ચહેરા પરના ભાવો તરફ કોઈની નજર ના જાય એટલા માટે હું એ બંધ કરી દેતો.’ – આવા પુસ્તકનો સુંદર અનુવાદ કરી ગુજરાતી વાચકો સમક્ષ મુકવા માટે તેમજ રીડગુજરાતીને તે માટેની ખાસ પરવાનગી આપવા માટે ‘એપ્લાઈડ ફિલોસોફી સ્ટડી સેન્ટર’ ના શ્રી માવજીભાઈ સાવલા (ગાંધીધામ) નો ખૂબ ખૂબ આભાર. હાલ આ ગુજરાતી અનુવાદનું પુસ્તક અપ્રાપ્ય છે જે ટૂંક સમયમાં પ્રાપ્ય થશે. ]

થોડીક પળો માટે હે પ્રભુ, તું મને તારી નિકટ બેસવા દે. મારા હાથ ઉપરના કાર્યોને તો હું પછી ગમે ત્યારે પૂરાં કરીશ. જ્યારે જ્યારે તારાં દર્શનથી હું વંચિત થાઉં છું ત્યારે ત્યારે અજંપો મને ઘેરી વળે છે અને ક્યાંય મને ચેન પડતું નથી; પરિણામે મારું કાર્ય કિનારા વગરના સાગર વચ્ચેની અર્થહીન વેઠ સામાન બની જાય છે. ઉષ્ણ નિશ્વાસ અને પાંદડાઓના ફરફરાટ લઈને ગ્રીષ્મ ઋતુ મારી બારીએ આવી પહોંચી છે. પુષ્પકુંજો વચ્ચે વ્યસ્ત મધમાખીઓ પ્રશસ્તિના ગીતગુંજારવ કરી રહી છે. તારી સન્મુખ મૌનપણે બેસીને તને સમર્પિત થઈ આ છલકાતી નિરાંત વચ્ચે તારાં ગીત ગાઉં એ માટેનો સમય હવે આવી પહોંચ્યો છે.
***************

જે બાળકને રાજકુમાર જેવાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે અને ગળામાં રત્નજડિત માળાઓ પહેરાવવામાં આવી છે, એ પછી બાળસહજ રમતગમતથી તો વંચિત જ રહી જશે; કારણકે ડગલે ને પગલે એ વસ્ત્રાલંકારો જ એને આડે આવશે.

ક્યાંક વસ્ત્રોમાં કરચલીઓ પડી જાય કે ધૂળથી વસ્ત્રો મેલાં ન થઈ જાય એવા ભયથી પોતાની જાતને દુનિયાથી અળગી રાખીને સહેજ હલનચલન કરવામાં પણ એને ભય લાગશે.

જો બાળકને આ ધરતીની તાજગીભરી ધૂળથી દૂર રાખવામાં આવશે અને સર્વસામાન્ય લોકો વચ્ચે હળવા-ભળવાનો એનો અધિકાર ઝૂંટવી લેવામાં આવશે તો હે માતા, તેં એને આપેલ બધાં વસ્ત્રાઅલંકારોથી કશો લાભ થવાને બદલે એ બધું એને બંધનરૂપ જ થશે.
***************

હે મુર્ખ, તારી જાતને તું તારા જ ખભા પર ઊંચકીને શા માટે ફરે છે ? અરે ભિખારી, ભિક્ષા માગવા માટે તું તારા જ બારણે ઊભો છે ! જે આ બધો જ બોજ ઉપાડી શકે છે એવા પ્રભુના હાથમાં તારો આ બધો જ ભાર સોંપી દે; પછી તને પસ્તાવાનો વારો નહિ આવે. પ્રકાશમાન દીપકને તારી તૃષ્ણાઓના શ્વાસનો સ્પર્શ થતાં જ અંધકાર વ્યાપી જાય છે. દૂષિત હાથો વડે અપાયેલી ભેટનો સ્વીકાર કરવો એ અપવિત્ર છે. પવિત્ર પ્રેમ વડે તને જે કંઈ આપવામાં આવે તેનો જ તું સ્વીકાર કરજે.
***************

પંથ લાંબો છે ને આ યાત્રા લાંબા સમય સુધી ચાલશે. સૂર્યનાં પ્રથમ કિરણો પર સવાર થઈને ગ્રહો ને ઉપગ્રહોના ચીલા પર શૂન્ય અને વિરાટ અવકાશમાં મેં મારી સફર આદરી છે. અનંત જેવો લાગતો આ પંથ આમ તો તારી સાવ નિકટ છે. સંગીતના કોઈ એક સૂરના સહજ સાન્નિધ્ય માટેની તાલીમ તો ભારે અઘરી હોય છે.

પોતાના દ્વાર સુધી પહોંચવા ઈચ્છનાર મુસાફરે રસ્તે આવતા પ્રત્યેક દરવાજાને ટકોરો દેવો પડે છે. અંતરાત્મામાં આખરે તારા સિંહાસન સુધી પહોંચવા માટે તો અનેક સૃષ્ટિઓ વચ્ચે થઈને ભટકવું પડે છે. પહેલાં તો ચારે તરફ ક્ષિતિજ સુધી તને જોવા માટે મારી આંખો ભટકતી રહી. છેવટે મેં આંખો બંધ કરી, ત્યારે મારા ઉદ્દગારો સરી પડ્યા, ‘તું અહીં જ છે !’
‘અરે, ક્યાં ?’ એવા પ્રશ્ન અને પોકાર તો હજારો ઝરણારૂપે અશ્રુ બનીને વહી ગયાં અને આ પૃથ્વીને પોતાના મહાપૂરમાં સમાવીને પોકારી ઊઠયાં – ‘હું છું !’
***************

જે ગીત ગાવા માટે હું આવ્યો છું એ ગીત તો આજદિન સુધી ગાઈ શક્યો જ નહિ. મારા દિવસો તો આ વીણાના તાર બાંધવામાં અને છોડવામાં જ વહી ગયા. હજી યોગ્ય સમય આવ્યો નથી, શબ્દો હજી ગોઠવાતા નથી. ઝંખનાઓની એક પીડા માત્ર મારા હૃદયમાં છે. કળીઓ હજી ખીલી નથી; માત્ર પવનના નિસાસા છે. નથી મેં એનો ચહેરો જોયો, નથી સાંભળ્યો મેં એનો સ્વર; મારા ઘરની નજીકના રસ્તા પરથી એનો પદરવ માત્ર મેં સાંભળ્યો છે. મારો આખો દિવસ એના માટે જાજમ બિછાવવામાં જ વીતી ગયો. એને મારા ઘરમાં પધારવાનું કહી શકાય નહિ, કારણકે હજી દીવો થયો નથી. એની સાથેના મિલનની આશામાં જ હું જીવી રહ્યો છું; પરંતુ મિલનની એ ઘડી હજી આવી નથી.
***************

અવરોધો ભારે દુર્ગમ છે અને એ તોડતાં મારું હૃદય પીડાય છે. એકમાત્ર મુક્તિ માટેની જ મારી ઝંખના છે, પરંતુ એની આશા કરતાં હું લજ્જા અનુભવું છું. હું જાણું છું કે તારામાં રહેલ સંપદા અમૂલ્ય છે; અને તું મારો ઉત્તમ મિત્ર છે, એ પણ સમજું છું. પરંતુ મારા ઓરડામાં ખડકાયેલ તુચ્છ ચીજવસ્તુઓના ઢગલાને ફેંકી દેવાની મારામાં હામ નથી. હું જેનાથી વીંટળાયેલો છું એ આવરણ ધૂળ અને મૃત્યુનું છે. એને હું ધિક્કારું છું છતાં પણ પ્રેમપૂર્વક એને હું વળગી રહ્યો છું. ભારે કરજમાં ડૂબેલો છું, મારી નિષ્ફળતાઓ પણ અનેક છે, ભારે લજ્જિત છું; અને છતાં મારા જ ભલા માટેની અરજ લઈ તારી પાસે આવું છું ત્યારે હું એવા ભયથી કંપું છું કે રખેને તું મારી અરજ માન્ય કરે !
***************

એની રાહ જોવામાં રાત આખી વ્યર્થ વીતી ગઈ. હવે પરોઢે ક્યાંક થાકીને મારી આંખો ઊંઘથી ઘેરાય ત્યારે રખે ને એ ઓચિંતાનો મારે બારણે આવી પહોંચે. અરે મિત્રો ! ઝાંપો એના માટે ખુલ્લો જ રાખજો – એને આવતો અટકાવશો નહિ. જો એનાં પગલાંના અવાજથી હું જાગી ન જાઉં તો મહેરબાની કરીને મને જગાડશો નહિ. પ્રભાતે પંખીઓના મધુર ગાનથી કે સૂર્યનાં પ્રથમ કિરણો વચ્ચેથી આવતી વાયુલહરીઓથી ગાઢ નિદ્રામાંથી જાગી ઊઠવા હું નથી ઈચ્છતો. મારો પ્રભુ ઓચિંતાનો જ મારા દ્વારે આવી પહોંચે તોપણ કશી જ ખલેલ વગર મને ઊંઘવા દેજો.

મારી આ ઊંઘ તેના માત્ર સ્પર્શ વડે જ અદ્રશ્ય થવાની રાહ જોઈ રહી છે. સ્વપ્નની જેમ જ્યારે તે મારી સામે ઊભો હશે ત્યારે માત્ર એના સ્મિતના પ્રકાશથી જ મારી બંધ આંખોની પાંપણ ખૂલશે.

આ સંસારના આદિમ આકાર અને સૌપ્રથમના પ્રકાશરૂપે જ એનું મને દર્શન થવા દો. આનંદનો આ સર્વપ્રથમ રોમાંચ મારા જાગી ઊઠેલ અંતરાત્માને એવા પ્રથમ દર્શનથી જ થાઓ; અને મારા નિજને પામવાની એ સ્થિતિ શીધ્ર અને નિકટ પહોંચવાનું નિમિત્ત બની રહો.
***************

હું નથી જાણતો કે કેટકેટલા પુરાતન કાળથી તું મને મળવા સદા મારી વધુ ને વધુ નજીક આવી રહ્યો છે. આ સૂર્ય અને તારાઓ મને તારાથી છુપાવી શકે નહિ. અનેકવાર સવારે અને સાંજે તારો પદરવ મને સંભળાતો રહ્યો છે અને તારા દેવદૂત મારા હૃદયમાં પ્રવેશીને તારો ગુપ્ત સંદેશ મને આપી રહ્યા છે. કોણ જાણે કેમ આજે મારું જીવન ઉત્તેજનાભર્યું છે અને આનંદપૂર્ણ લાગણીના તરંગો મારા હૃદયમાંથી પસાર થઈ રહ્યાં છે. એમ લાગે છે કે આજનું મારું કામકાજ આટોપી લેવાનો સમય આવી ચૂક્યો છે. વાતાવરણમાં તારી મધુર ઉપસ્થિતિની એક મંદ સુગંધ ફેલાઈ ગઈ છે.
***************

આ એવું છે કે તારો આનંદ મારા હૃદયમાં છલકાઈ રહ્યો છે. નીચે ઊતરીને તું મારા સુધી પહોંચી આવ્યો છે. હે ચૌદ લોકના નાથ ! જો હું ન હોત તો તારો આ પ્રેમ ક્યાં હોત !

તારી તમામ સંપત્તિમાં તેં મને હિસ્સેદાર બનાવ્યો છે. મારા હૃદયમાં તારા ઉલ્લાસની અનંત એવી આ લીલા ચાલી રહી છે. મારા જીવનમાં સદા તારી જ ઈચ્છા વિધવિધ રૂપ ધારણ કરી રહી છે.

અને એ માટે સમ્રાટોના પણ સમ્રાટ એવા તેં મારું દિલ કબજે કરવા તારી જાતને સૌંદર્યના શિખરે બિરાજમાન કરી છે. એ માટે તારા પ્રેમીમાં જ તારો પ્રેમ તું ઓગાળી દે છે અને પછી એ મિલનમાં સર્વત્ર તારું જ દર્શન થાય છે.
***************

જેમને હું ઓળખતો નહોતો એવા મિત્રોને તેં જ મારો પરિચય કરાવી આપ્યો છે. તેં જ મને અજાણ્યાઓનાં ગૃહમાં પ્રવેશ અપાવ્યો છે. દૂરનાઓને તેં મારી નજીક લાવી દીધા છે અને સાવ અજાણ્યાને તેં મારા બંધુ તરીકે લાવી આપ્યો છે.

મારું પરિચિત આશ્રયસ્થાન છોડીને હું જ્યારે નીકળું છું, ત્યારે મારું દિલ કંઈક બેચેન બની જાય છે; ત્યારે હું એ વાત ભૂલી જાઉં છું કે નવીનમાં પણ પુરાતન સમાવિષ્ટ હોય છે; અને ત્યાં પણ તું જ વિહરી રહ્યો હોય છે. આ જગતમાં કે કોઈ અન્ય સૃષ્ટિમાં જન્મ અને મૃત્યુ વચ્ચેથી તું મને જ્યાં પણ દોરી જાય છે ત્યાં પણ મારા અનંત જીવનનો સાથી એવો તું જ હોય છે. મારા હૃદયને આનંદનાં બંધનો વડે તું અપરિચિતોની સાથે જોડી આપે છે.

જે એકવાર તને જાણી લે છે એને માટે કોઈ જ પરાયું નથી; બધાં જ દ્વાર એને માટે ખુલ્લાં થઈ જાય છે. હે પ્રભુ, મારી એવી પ્રાર્થનાનો તું સ્વીકાર કર કે એક માત્ર તારા સ્પર્શના પરમ સુખથી હું કદી જ વંચિત ન રહું.
***************

અમને સંસારીઓને અમારી બધી જ આવશ્યકતાઓ પૂરી થાય એવી ભેટ તું સદા આપતો રહે છે; અને છતાં પણ અમે ફરીફરીને તારી પાસે આવતા રહીએ છીએ. નદીને પોતાનું રોજેરોજનું કાર્ય હોય છે એટલે ખેતરો અને ગામડાંઓ પાસેથી થઈને તે ઝડપથી આગળ વધતી જાય છે; અને છતાં પણ નદીનો આ અવિરત પ્રવાહ તારાં ચરણના પ્રક્ષાલન માટે ઉત્સુક રહે છે. પુષ્પો પોતાની ફોરમ વડે હવાને માધુર્યથી ભરી રહ્યા છે પરંતુ એમનું અંતિમ લક્ષ્ય તો તને સમર્પિત થવાનું જ છે. તારી ઉપાસના થકી જ આ જગત સત્વશીલ છે. કવિના શબ્દોમાંથી લોકો તો પોતપોતાના મનગમતા અર્થ કાઢે છે; આમ છતાં છેવટનો અર્થ તો તારી દિશા તરફનો જ હોય છે.
***************

Advertisements

3 responses to “ગીતાંજલી – ટાગોર (અનુ. માવજી સાવલા)

 1. thanks so much…
  this is one of the classic works done in Gujarati. Lot of benglai literature is translated in Gujarati, but Gurudev is Gurudev!
  once again, thanks so much..
  may all get enriched reading this piece and then the book, which all indians should in their life time..
  please, keep up the good work..
  all the best

 2. Just wonderful. Reminded me of my
  efforts to transliterate some of Tagore
  poems.Can not send,I cant type
  Gujarati script on computer.
  ‘yadaa maare bhaagye milan na hashe
  priya,tuj to.ane aachhaa bindu muja
  tav vishaalaa udadhima,na sarjaayaa
  khovaa,priyatam raho eka smaran….
  …. it is long poem fm. Gitanjali.Wish
  I know how to type Gujarati on
  computer.Cananybody help?

 3. પિંગબેક: ગીતાંજલી-માવજી સાવલા | pustak