સાહિત્યક્ષેત્ર – ધીરુબહેન પટેલ

[ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં (2004) અધ્યક્ષસ્થાનેથી અપાયેલા વકતવ્યનો એક અંશ ]

આપણે માથે એક આક્ષેપ એવો મૂકાય છે કે સાહિત્યક્ષેત્રે બહેનોને ઉચિત સ્થાન મળતું નથી. વર્ષો પહેલાં શ્રીમતી લીલાવતી મુનશીએ ભારતીય લેખિકાઓનું એક સંમેલન બોલાવેલું અને તેમાં ઠરાવ રજૂ થયેલો કે સાહિત્ય અકાદમીમાં સ્ત્રીઓ માટે અનામત બેઠકો રખાવી જોઈએ. ત્યારે મેં વિરોધ કરેલો કે અનામતની માગણીથી આપણે આપણા ગૌરવને હાનિ શા માટે પહોંચાડવી જોઈએ ? અકાદમીમાં જવું હોય તો આપણા સર્જનના જોર પર; નહીં કે સ્ત્રી હોવાને લીધે પુરુષોએ કરેલા દયાદાનને કારણે. ઠરાવ તો ત્યારે ઊડી ગયો, પણ મને આજ લગી મારા એ વિરોધ માટે પશ્ચાત્તાપ થયો નથી. નારીવાદી વલણ ધરાવનાર વ્યક્તિઓ મને પૂછે છે કે લેખિકાઓ પ્રત્યે ઓરમાયું વલણ રાખતા પ્રતિષ્ઠિત વિવેચકો અને નામાંકિત સાહિત્યકારો તરફ તમને ગુસ્સો નથી આવતો ? ત્યારે હું તરત કહી દઉં છું – ના, નથી આવતો, કારણકે એમનો શબ્દ જ અંતિમ છે એવું હું માનતી નથી.

અને સાચું પૂછો તો આજે બહેનોના હાથમાં કલમ જે ત્વરાથી અને સુઘડતાથી ચાલવા માંડી છે તે જોતાં અવગણનાનો ભય અસ્થાને છે. વાચકવર્ગમાં તો બહેનોની બહુમતી છે, કારણકે એમની પાસે સમય છે, શોખ છે અને સારુંનરસું પારખવાની બુદ્ધિ પણ છે. નથી તો પોતાનો અભિપ્રાય – લેખિત અભિપ્રાય આપવાનું સાહસ. એ કેળવાશે ત્યારે સુશિક્ષિત અને બુદ્ધિમતી સ્ત્રીઓ વિવેચનના ક્ષેત્રે રાજ ભોગવશે એ નિશ્ચિત છે.

આજે પુસ્તકો છપાય છે,પણ બધાં વંચાતાં નથી. ચલણી નોટની પેઠે એક વખારમાંથી બીજી વખારમાં ફર્યા કરે છે અને આપણી સાહિત્યિક પ્રવૃતિ બહુ આગળ વધી રહી છે એવો ભાસ ઊભો કરે છે. એક પુસ્તક માણસની સામે મૂકો એટલે એની જિંદગીના ચાર-છ કલાક તમે માગી લો છો એનો તમને ખ્યાલ છે ખરો ? જીવન તો અમૂલ્ય છે. કોઈના જીવનનો એક અંશ માગવો એ કેટલા મોટા સાહસનું કામ છે ? બદલામાં તમે એને શું આપો છો ? કશુંક યાદગાર કે મૂલ્યવાન આપી શકતાં હો તો તો બરાબર, સોદો પ્રમાણિક કહેવાય, પણ તમારી પાસે આપવા જેવું કશું ન હોય, માત્ર શબ્દોનું ભંડોળ અને આસાનીથી ચાલતી કલમ લઈને બેઠાં હો તો પુસ્તક પ્રસિદ્ધ કરતાં પહેલાં સત્તર વાર વિચાર કરજો. મન માને પછી જ તમારું પુસ્તક પ્રજા સમક્ષ મૂકજો. આટલો આત્મસંયમ આકરો લાગે તોયે જરૂરી છે. એથી સમાજનું અને તમારું પોતાનું રૂડું જ થવાનું છે. હવે વાત આવી પ્રકાશકોની. તેમને પ્રલોભન ધંધો વિકસાવવાનું, પણ તે વિકાસ યોગ્ય દિશાનો છે ? તમે જે છાપો છો તે સમાજને માટે જરૂરી છે ? હાનિકારક તો નથી ને, એનો નિર્ણય કોણ કરે છે ? પહેલાં એવો રિવાજ હતો કે પ્રકાશનસંસ્થાઓ પોતાની પાસે આવેલી હસ્તપ્રત વિદ્વાનો અને વિવેચકોની કસોટીમાં પસાર થાય ત્યાર પછી જ છાપવા લેતી. આજે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો બહાર પડતાં પુસ્તકોની સંખ્યામાં આશ્ચર્યકારક ઘટાડો થઈ જાય. એનું એક કારણ એ કે લેખકો પોતાના પૈસા આપીને પુસ્તક છપાવવામાં રૂચિ ધરાવવા લાગ્યા છે. પ્રકાશકને તો નિરાંત. મૂડી રોકાય નહીં અને વેચાણમાં ભાગ. શા સારું ન છાપે ? વળી કેટલાંક ટ્રસ્ટો અને દાતાઓ પણ પુસ્તકપ્રકાશન માટે દાન કરે છે. કાંઈક નામનાનો મોહ, કાંઈક સારી પ્રવૃત્તિ કર્યાનો સંતોષ. પણ આ બધાનું એકંદરે પરિણામ એ આવે છે કે સારાં પુસ્તક શોધવાનું અને વાંચવાનું કામ કઠિન થતું જાય છે. સામાન્ય વાચકને એટલી સગવડ કે ફૂરસદ ન હોય કે ઉત્તમ પુસ્તક શોધીને વાંચે. જે હાથવગું હોય તે વાંચે અને એના પરથી જ પોતાની રૂચિ કેળવે. કેટલાંક વર્તમાનપત્રો ગ્રંથાવલોકનની કટાર ચલાવે છે તે ઉપયોગી બને. જો કટારલેખક બહુશ્રુત અને નિષ્પક્ષ હોય તો, પણ ઘઉં ઓછા ને વિણામણ વધારે એવી પરિસ્થિતિ તો નિવારવા લાયક છે જ.

Advertisements

One response to “સાહિત્યક્ષેત્ર – ધીરુબહેન પટેલ

  1. બહેનશ્રી ધીરુબહેને સાવ સાચી અને ગળે ઉતરી જાય તેવી વાત કરી છે.છેલ્લું વાક્ય અસરકારક છે જ !