સન્ડે જ સન્ડે… – હરીશ નાગ્રેચા

છેલ્લા પાંચેક દિવસના તાવ અને શરદીને કારણે નિરામયીનો ચાર વર્ષનો કલાપી ચીડિયો થઈ ગયો હતો. આજે પપ્પાએ-વિક્રમે ઊઠાડ્યો કે તરત જ એને વાકું પડ્યું અને ‘મમ્મી ક્યાં’ ના ભેંકડાથી જ સવાર પાડી; એમાં દૂધ પીતાં, નિરામયી અને વિક્રમની વાત પરથી એને ખબર પડી કે આજ તો મમ્મી ઑફિસ જવાની છે, તે થયું… દૂધ પડતું મૂકીને કલાપીએ રઢ પકડી.. એકધારું રડવા માંડ્યું : ‘મમ્મીઈઈ…. એંએંએં.. તું ઑફિસ નહિ જાય ને….એંએંએં…!’ નિરામયી આજ ઑફિસ ન જાય તો ચાલે એમ નહોતું. એક તો રજા મંજૂર થઈ નહોતી, ને આજ શનિવાર એટલે ઑફિસ પણ બે વાગ્યા સુધી જ. હવે તો કલાપી પણ સારો થઈ ગયો હતો. પાછું વંદનાને પણ કહેવડાવ્યું હતું.

વિક્રમ સાડા આઠે ગયો. નિરામયીએ કામ આટોપવા માંડ્યું અને તરડાઈ જતા કર્કશ અવાજે રડતા કલાપીએ પાલવ પકડી એને અનુસર્યા કર્યું. કલાપીને કચવાતો જોઈ નિરામયીનું મન ડામાડોળ થઈ ઊઠયું હતું. ‘જવું કે નહિ?’ ની દુવિધા નિરામયીની કામની વધઘટ થતી ગતિમાં પ્રત્યક્ષ થતી હતી. અંતે નિરામયીએ નિર્ણય લીધો : જવું જ. કારણકે કલાપી તો જે દિવસે પણ એ ઑફિસે જશે તે દિવસે કચાટ કર્યા વગર રહેશે જ નહિ. એણે કામ પતાવી તૈયાર થવા માંડ્યું અને તૈયાર થતી મમ્મીને જોઈ કલાપીએ ‘તું તૈયાર ના થા ને મમ્મી… તું ના જાને… મમ્મી…’ ની કાકલૂદી કરવા માંડી.

નિરામયી તૈયાર થઈ વંદનાની રાહ જોઈ રહી. નિરામયી ઑફિસે જાય તો કલાપીને કોણ રાખે ? એ મૂંઝવણનો તોડ વંદના હતી. વંદના સવારે કૉલેજથી છૂટી સીધી મોટી બહેનને ત્યાં આવી જતી ને નિરામયી આવતાં સુધી ત્યાં જ રહેતી. દિવસ દરમિયાન એનો અભ્યાસ પણ થતો અને કલાપી પણ સચવાતો. દશેક મિનિટમાં વંદના આવવી જ જોઈએ એમ વિચારતાં નિરામયીએ કલાપીને પટાવવા માંડ્યો. પણ આજ કલાપી જિદે ચડ્યો હતો. કોઈ વાત એ કાને ધરતો નહતો, કોઈ લાલચ એને આકર્ષતી નહોતી. ‘મમ્મી ના જાને’ એ ત્રણ શબ્દો સિવાય ન તો કંઈ એ બોલતો હતો, ન કંઈ એ બીજું સાંભળવા માગતો હતો. નિરામયીએ સોફા પર બેસતાં, કલાપીને પોતાના અંગમાં સંકોરી, પુચકારી, પીઠ પર હાથ ફેરવતાં ગોઠડી કરવા માંડી : ‘તમને ખબર નથીઈઈ….? મારો કલાપી તો બહુઉઉ…..ડાહ્યો છે. રડવાનું તો નાઆઆઆ…..મ જ નહિ ને ! મમ્મી જાય તો પણ એ જરાઆ….ય ના રડે. કેમ કલ્પુ ?’ નિરામયીએ લાડ લડાવતાં સભય વાત છેડી. કલાપી મૂગો જ ખોળામાં પડી રહ્યો. નિરામયીએ આશા સાથે વધુ હામ ભીડી : ‘કલ્પુ, મમ્મી ઑફિસ જાય ?’

‘નાઆઆઆ…..’ કલાપીએ રડવાનું શરૂ કરતાં નન્નો લંબાવ્યો.

‘જો બેટા, હું આવીશ ત્યારે તારા માટે ‘કૅડબરી નટ્સ’ લઈ આવીશ, તને ભાવે છે ને ? હા, પછી તને ફુગ્ગા પણ જોઈતા’તા કેમ ? કેટલા લાવું ? ને મારા ડાર્લિંગને બીજું શું જોઈએ છે, મને કહે તો !’
‘મમ્મીઈઈઈ….!’ મમ્મી પર આવીને અટકેલા ટૂંકા જવાબને નિરામયીએ સાંભળ્યો ના સાંભળ્યો કરી નાખ્યો.
‘જો કલ્પુ, એમ જિદ ના કરીએ. વંદનામાસી હમણાં આવશે. એની સાથે તું ખાશેપીશે ત્યાં તો મમ્મી આવી જશે, નહિ ?’
‘નહીંઈઈ..વન્નાઆ… નહીંઈ… તુંઉઉઉ….જ…..તું….!’ કલાપીએ રડવાનું ચાલુ રાખ્યું.
‘પણ કલ્પુ, મમ્મી આજ નહિ જાય તો મમ્મીને મેનેજર કાકા વઢશે !’ નિરામયી અકળાઈ.
‘તો તું શું કામ જાય છે…..!’ કલાપીએ ઘડીક રડવાનું બંધ કર્યું.

‘જો બેટા, મમ્મી કામ પર ના જાય તો મમ્મીને પૈસા પણ ના મળે; પૈસા વિના આપણને ઘરમાં કેટલી તાણ પડે ! પણ હા, મારા રાજાબેટાના પપ્પા સાહેબ થશે ને, એટલે પછી મમ્મી નહિ જાય… બસ ! પણ ત્યાં સુધી તો મમ્મી ઑફિસ જાય કે નહિ ?’ ‘નહીંઈઈઈ…’ કલાપીએ જોરથી રડવા માંડ્યું. લાચાર નિરામયી ચૂપ થઈ ગઈ. એણે ફરી એક યત્ન કર્યો : ‘જો કલ્પુ, જેમ મોટાં છોકરાંઓને નિશાળે જવું જ પડે, તેમ મોટાં માણસોએ પણ ઑફિસ જવું જ પડે. પપ્પા પણ ગયા અને હવે મમ્મી પણ જાય !’

‘હિનાના પપ્પા ઑફિસે જાય છે; એની મમ્મી ક્યાં જાય છે ? તું પણ ના જાનેએંએંએં….મમ્મીઈઈએંએંએં…!’
કલાપીએ પાડોશમાં રહેતી હિનાની વાત કરતાં પાછું એં’કાર સાથે રડવા માંડ્યું. કલાપી ભોળવાયો નહિ. નિરામયી હારી. એ અકળાઈ ઊભી થઈ ગઈ. મમ્મીને ઊભી થતી જોઈ કલાપીએ એકદમ બાઝી પડતાં એની સાડી પકડી લીધી. પકડને લીધે ચીપીને વાળેલી પાટલીઓ ખેંચાઈ આવી….

નિરામયી ચિડાઈ : ‘આ શું ?’ એ આક્રોશી ઊઠી. સાડી પહેરતાં પાછી પાંચ મિનિટ જશે એ વિચારે એનાથી કલાપીને ધોલ મરાઈ ગઈ. એકાએક માર પડતાં કલાપી કળ ખાઈ અવાક બની મમ્મી સામે તાકી રહ્યો. પેટના જણ્યાની બે આંખો સોયાની જેમ માના જિગરમાં પરોવાઈ ગઈ. નિરામયીનો જીવ કકળી ઊઠ્યો. એણે પાટલીનો ડૂચો ખોસતાં કલાપીને તેડી લીધો ને નિરામયીના લંબાયેલા હાથમાં ઊંચકાઈ જઈ ડૂસકાં ભરતો કલાપી માને વળગી પડ્યો. નિરામયીએ ઘડિયાળ સામે જોયું. 9:06 ની લોકલ એ ચૂકી ગઈ હતી. એણે કલાપીની પીઠ થાબડતાં આંટાફેરા મારવા માંડ્યા. સતર્ક, કે કલાપી સૂઈ જાય તો….. !

માને કંઠે વળગેલો કલાપી સૂતો નહિ. એનું મન સભય વિચારતું હતું કે સૂઈ જઈશ તો મમ્મી ચાલી જશે ! ક્ષણો સુધી કલાપીને સ્થિર પડેલો જાણી નિરામયીને થયું કે પોતાની લોલિત હાલચાલથી એની આંખ મળી ગઈ હશે. એણે ત્રાંસી આંખે ખભા પર જોયું. માની અપૂર્વ હૂંફ માણતા તૃપ્ત કલાપીની નજર નિરામયીની નજરમાં, બંધ થતા દૂરબીનની ભૂંગળીઓ અન્યોન્યમાં સરકી જાય તેમ સમાઈ ગઈ અને દીકરાની આંખમાં મમ્મીની લુચ્ચાઈ પકડી પાડ્યાની નિર્દોષ ખુશાલી છલકી ઊઠી. કલાપીએ જાણીજોઈને મસ્તીમાં આંખ દાબી, મીંચી દીધી.

નિરામયીએ ફરી હિલોળતાં કલાપીને સમજાવવા માંડ્યો : ‘કલ્પુ, મમ્મીએ તને કેટલા લાડ કર્યાં ? હવે મમ્મી જાય ?’
‘નાઆઆઆઆ…આ’ કલાપીએ અવસાત અટકી જતાં ચીડ કાઢી.
‘જો…. મમ્મી, આજે જશે; કાલે નહિ જાય ને પછી તો છે ને, છેએએએ..ક પરમ દિવસે જશે !’ નિરામયીએ ‘છેક’ શબ્દ લંબાવી પરમ દિવસને વર્ષો જેટલો આઘો કાઢ્યો.
‘મમ્મી….આજ… નહિ…’ બાળહઠ ચાલુ જ હતી.
‘કલ્પુ, આમ ગાંડા થવાય ? જો આજે શનિવાર છે અને કાલે સન્ડે ! સન્ડેને દિવસે મમ્મી ઑફિસ ના જાય….. !’
‘તો, મમ્મીઈઈઈ….., આજ સન્ડે કર ને !’

નિરામયીની ધીરજ ખૂટી ગઈ; તર્કશક્તિ હાંફી ગઈ. હતાશ નિરામયીની નજર ભીંત પર લટકતા ડટ્ટાવાળા કૅલેન્ડર પર પડી. બાળરાજાના ધ્યાનમાં ઊતરે એમ અભિનય સહ સમજાવવા એ કૅલેન્ડર તરફ ફરી. ડટ્ટા પર શુક્રવારની તારીખ હજી મોજૂદ હતી. નિરામયી કલાપીને બચી કરતાં કૅલેન્ડર પાસે લઈ ગઈ. કલાપી કુતૂહલભરી નજરે જોઈ રહ્યો.
‘કલ્પુ’ , એણે કલાપીનું કૅલેન્ડર તરફ ધ્યાન દોર્યું.
‘આ જો ગઈકાલની કાળા રંગની તારીખ, શુક્રવાર. એ તો ગયો.’ નિરામયીએ પતાકડી ફાડી નાખી. ‘આ બીજી કાળી તારીખ, શનિવારની; તે આજ’ નિરામયીએ પતાકડી ઊંચી કરી : ‘ને આ લાલ રંગની તારીખ રવિવારની, સન્ડે ની ! સન્ડે આવે, લાલ તારીખ દેખાય એટલે મમ્મીને રજા ! રજા એટલે મમ્મી ઑફિસ ના જાય; તારી જોડે કરે મઅઅ…જા !’ નિરામયી બાળકની જેમ હાથનાં લટકાં કરતી ને ચહેરાનાં હાવભાવ બદલતી બોલતી હતી : ‘પણ બેટા, સન્ડે તો કાલે છે; આજ મમ્મી જાય ?’

નિરામયીએ છેલ્લો પ્રશ્ન ભાગ્યે જ પૂરો કર્યો હશે, ત્યાં જ વંદના ‘મોડું થઈ ગયું નહિ, બહેન’ ના સ્વરમાં ક્ષમાયાચના કરતી નિવેશમાં દેખાઈ. ઉતાવળે વંદનાને કલાપી સુપરત કરતાં નિરામયીએ સાડી વ્યવસ્થિત કરી, હેન્ડબેગ ઉપાડી, લેટ-માર્ક ન પડે એ ભયે 9:25 ની લોકલ માટે લગભગ દોડવા જ માંડ્યું. કલ્પુ બોલ્યો, રડ્યો કે પછી ભણકારા વાગ્યા, પણ નિરામયી સાંભળી રહી : ‘મમ્મી. આજ જ સન્ડે કર ને….!’

ઑફિસમાં નિરામયીને ચેન ન પડ્યું. દરેક કાગળમાં કલ્પુ તરવરતો રહ્યો; દરેક અર્ધવિરામ ને અવતરણચિહ્નથી કલાપીનાં અશ્રુ ટપકતાં રહ્યાં. નિરામયીને બેધ્યાન ને ગૂમસૂન જોઈને મિસ દલાલે પૂછ્યું પણ ખરું, કે કેમ મિસિસ મહેતા, તબિયત સારી નથી ? હિજરાતી નિરામયી બેચાર વાર ‘કલૉક રૂમ’ માં જઈ એકલી આંસુ પણ પાડી આવી, અને આ દરમિયાન વચ્ચે વચ્ચે એની નજર ઘડિયાળ તરફ દોડતી રહી. અંતે બે વાગ્યા ને સમયની કરવતે વિદારાયેલી નિરામયી લગભગ ઊડી જ…..!

જાણે રાહ જ જોતી હોય તેમ નિરામયીને જોતાં જ વંદના ચિડાઈ તતડી ઊઠી : ‘બેના, તું જાણે ને આ તારો બાબો જાણે ! તારા કલ્પુએ તો નાકે દમ લાવી દીધો છે. તું ગઈ, પછી નથી એ પળ એક જંપ્યો કે નથી જંપવા દીધી મને. એક લપડાક મારી હોય તોય પાપ ન લાગે ! ને…. લે જો, તારા ચિરંજીવીનાં કારસ્તાન !’ વંદનાએ નિરામયીના હાથમાં કૅલેન્ડર પર આપ્યું. નિરામયીની આંખો કૅલેન્ડર પર ફરી વળી. કૅલેન્ડર કૅલેન્ડર જ હતું. તારમાં પરોવાયેલી પતાકડીઓ પૂઠાંને વળગી રહી હતી. નિરામયીએ વિચારમાં યંત્રવત્ સઘળી પતાકડીઓ ઉથલાવી જોઈ, પહેલેથી છેલ્લે સુધી બધી જ લાલ હતી, ફકત લાલ જ ! નિરામયીનું હૈયું દ્રવી ઊઠ્યું. એનાં સજળ નયનો કલ્પુને શોધી રહ્યાં. એ રૂંવેરૂંવેથી કલ્પુને ઝંખી રહી. ડ્રોઈંગરૂમનાં ઉંબર પર ખમીસના બટનને દાંત વચ્ચે ચગળતો મમ્મીનો લાલ, ઝીણી આંખ કરી મૂક ઝરમર મરકતો હતો કે, ‘નહિ મમ્મી… હવે તો સન્ડે જ સન્ડે….!’

11 responses to “સન્ડે જ સન્ડે… – હરીશ નાગ્રેચા

  1. O MY GOD!!!
    These kids are just such a kids!! We always fall through kids’ coquetry. But still, they are annoying also sometimes.
    This was very nice n cute story, I enjoyed it. I also remember how I used to be hoisted by my mother in a hot summer when I had to go to kinder garden. (LOLOL)I was very stubborn like this “Kalapi” lol.

    Thanks 🙂

  2. અમિત પિસાવાડિયા (ઉપલેટા)

    સરસ , લેખ વાંચવાની મજા આવી .
    હરીશભાઇ નાગ્રેચા ને અભિનંદન ..

  3. good story,i understand mother prob as i m also working.

  4. a very touching story

  5. TOO GOOD,I ALWAYS LOVED THIS STORY.I READ IT 2O OR 30! YEARS BACK AND STILL REMEMBER! IT’S HEART TOUCHING.
    THANKS FOR YOU TOOK ME BACK TO THE YEARS OF MY GOLDEN READING.

  6. માની મમતા અને બાળસહજ માનસનું તાદૃશ દર્શન !…અભિનંદન.

  7. khuba j saras varta! hu to chhek chhelle sudhi fafadto rahyo koi amangal aashanka thi! kharekhar sunder lagnishil varta ! lekhak ne mara taraf thi ghana ghana abhinandan !!

  8. Very Good Touching Story…exlnt………

  9. exellent story.
    these children are really so inosant.
    sometime there inosansy can make the situation heart touching.

  10. ma te ma baki badha vagadana va: kid need love and mother love is best than anyone else. my daughter is still 8 months, i will have these days and hope i will be with her.

  11. I am a working woman and have a 3.5 year old sitting home with his grandma. This story brought so many vibrations in my mind. kaam karti mata naa man nu sachot nirupan karyu chhe. this story also makes me realize the value of my mother-in-law’s contribution in taking care of my son while i am away for the whole day. things wouldn’t have been so easier without her perhaps…

    Thanks for such a beautiful story…