સાઠે બુદ્ધિ નાઠી – ડૉ. નલિની ગણાત્રા

આ ‘સુવાક્ય’ બધાંને લાગુ પડતું નથી. એ તો ‘ઈન્કમ’ હોય એને જ ‘ઈન્કમટૅક્સ’ લાગે, એવું ! આમ જોઈએ તો જીવનમાં બુદ્ધિની ખાસ જરૂરિયાત નહીં પણ કોઈકની દીકરીને વળાવતી જોઈ, જેમ દીકરી વગરના માવતરને અફસોસ થાય કે, અમારે હોત તો વળાવવા થાત ને ! એમ સાઠ વર્ષે બુદ્ધિ વગરનાને જરીક અફસોસ થાય કે હોત તો બધાની હારોહાર નાઠી શકત ને ?

બુદ્ધિ ન હોય એણે ખુશ થવાની જરૂર નથી કે હાશ, આપણે સાઠે (સાઈઠ) જશે તો નહીં ! માત્ર કહેવત જ સત્યની લગોલગ છે. એટલે કહેવત અનુસાર, બુદ્ધિ નહીં હોય તો માયનસમાં નાઠશે, પણ નાઠશે તો ખરી જ !

આપણે સહુ સમજીએ છીએ કે બુદ્ધિ બાબતે ‘બાદશાહી કરતાં ફકીરી ઉત્તમ !’ કોઈ મુરખ તો ન ‘બનાવી’ જાય ! રેડીમેઈડ ઝભ્ભામાં કશું કરવાનું હોય જ નહીં ને ! અને આમ જોઈએ તો મોટાભાગનાં ક્ષેત્રોમાં બુદ્ધિની જરૂર જ ક્યાં હોય છે ? ઘણીવાર તો બુદ્ધિ ઈન્ટરફીયર થાય એટલે કામ બગડતાં હોય છે. સામાન્ય તબીબ લીવરના 5-7 રોગો વિષે જાણતો હોય એટલે ફટ દઈને પેશન્ટની બીમારીનું નિદાન કહી દે એટલે એ હોશિયાર ગણાય જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ તબીબ 50 રોગો વિષે વિચારવા રહે અને નિદાન કરવામાં વિલંબ કરે એટલે દર્દીની દ્રષ્ટિએ એ ડફોળ ઠરે.

બુદ્ધિના સ્વરૂપ વિષે અનેક અસમંજસ ચાલે છે. એમાં મારા સ્પષ્ટ મંતવ્ય મુજબ ‘બુદ્ધિ અપંગ’ છે, પણ હા, ચલાવો તો ચાલે. અને કેટલાંક અપંગો પર્વતારોહણ કરી નાંખતા હોય છે, તો કેટલાક આંગણાથી આગળ ન વધતાં અડફેટાયા કરે છે. બુદ્ધિ ચલાવે એને હાથ-પગ કે અન્ય કશું ચલાવવાનું રહેતું નથી. બધું સામે ચાલીને આવે છે. બીજા હથિયાર વાપરવાથી બુઠ્ઠાં થાય છે. બુદ્ધિ એક એવું હથિયાર છે જે વાપરવાથી ધારદાર થાય છે પણ કેટલાંક એટલે નથી વાપરતાં કે પછી સાઈઠે જશે શું ? કેટલાંક એટલે વધુ વાપરે છે કે એ જમા હોય તો સાઈઠે જશે ને ? જીવતા જગતિયું (બુદ્ધિનું) કરી નાખે. (મિલકત ભેગી કરીએ તો દીકરાવ વેડફે ને !)

આમ જોઈએ તો બધી બબાલ બુદ્ધિને લીધે જ છે ને ! ઈશ્વરે બુદ્ધિ મૂકીને માણસોનું એક બાંધકામ અમથેઅમથું વધારી નાંખ્યું – ગાંડાની હોસ્પિટલ ! જો કે, મને તો આખા જગતનું શ્રેષ્ઠ જોવાલાયક સ્થળ એ એક જ લાગે છે. ઈર્ષા કરવા જેવો આ એક જ સમાજ છે. આપણા કરતાં એમનું એક કામ ય ઓછું – એમણે સ્પેશિયલ ગાંડાવેડા ન કરવા પડે ! ગાંડાના અમથા ઉથાંબરા થાય છે ! સાઈઠ આપમેળે જવાની જ હતી ને ! હશે….. હશે…. ગાંડાને ગમ્યું એ ખરું –

એટલું ખરું કે જે બુદ્ધિ ભેગી કરે છે એ નાઠવામાં – પહેલા આવે છે. એણે સાઠ સુધી રાહ પણ જોવી નથી પડતી. આજ સુધી હું શેમાંય ફર્સ્ટ નથી આવી. ઈચ્છા થાય કે આ ક્ષેત્રમાં અજમાવી જોઉં. એવું લાગશે તો અંચઈ કરીને સાઠમાં પાંચ કમે (પંચાવને) છું…..! આમેય સ્ત્રીઓની ‘પગની પાનીએ’ માનવામાં આવી છે. એ હિસાબમાં ભાગવામાં સરળતા રહે !

બુદ્ધિ તો ફળદ્રુપ છે, પણ વાવેતર કોક જ કરે છે. ચિંતન-વિચાર એ વાવેતર છે. વિચાર કરવા માટે બુદ્ધિની જરૂર અને બુદ્ધિના વિકાસ માટે વિચારની જરૂર. સસરો બન્યા પછી બીજું ઘણુંબધું બની શકાય. પણ સસરો બનતા પહેલાં ‘બાપ’ તો બનવું જ પડે. બુદ્ધિના ફુગ્ગામાં વિચારોની હવા ભરીને વહેતો મૂકવામાં આવે તો ગૅસના ફુગ્ગાની જેમ ગગન સુધી પહોંચે છે અને એનો વિસ્તાર થાય તો મેઘધનુષ પણ રચાય છે, વ્યક્તિત્વનું !

આમ ‘વિચારવું’ એ બુદ્ધિનું કામ છે. તેથી જ મને ‘વિચાર’ આવે છે કે બુદ્ધિ તો હોવી જોઈએ જ. અને પ્રત્યેક વ્યક્તિનો હઠાગ્રહ હોવો જોઈએ કે મારામાં ન હોય તો ભલે, બીજામાં તો હોવી જ જોઈએ. પણ ઈશ્વરય ધાર્યું કરવાવાળો, હઠાગ્રહી, જિદ્દી ઓફિસર છે. ‘શેર માટી’ ની જેમ કોકને ‘બટકુ બુદ્ધિ’ ની ખોટ મૂકે જ છે. અને ‘સંતાન’ ની જેમ ‘બુદ્ધિ’ બાબતેય હોય તેનેય ઉદ્યામા અને ન હોય એનેય ઉદ્યામા જેવું છે. તો હવે કરવું શું ? બુદ્ધિ હોય એનો વિકાસ કરવો કે વિનાશ – એ બાબતે ત્વરિત નિર્ણય તો લઈ જ લેવાવો જોઈએ. એનો સરળ રસ્તો પણ છે. તમને હસવાનો શોખ છે કે હસાવવાનો ? ‘બુદ્ધિ વગરના’ કંઈ પણ કાર્ય વગર મનોરંજન પૂરું પાડે છે. એ હસાવનાર કોમ છે. અને બુદ્ધિવાળા ધાર્યું હસી શકે છે. હકીકત પર અને કલ્પના કરીને પણ એ હસી શકે. ગાંડા માણસને જોઈને બુદ્ધિવાળાને હસવું આવે. એક ગાંડાને જોઈને બીજા ગાંડાને હસવું નથી આવતું. આ થઈ હકીકત. અને બુદ્ધિવાળો ગાંડાને જોઈ એની જગ્યાએ એના ‘બૉસ’ કે ‘સસરા’ ને કલ્પીને હસી શકે છે. ગાંડો માણસ ડાહ્યાને જોઈ આવું કલ્પી શક્તોય નથી, ને તેથી હસી શકતોય નથી. આ થઈ કલ્પના.

મને તો સમગ્ર જગતમાં એક ‘કલ્પનાજગત’ ગમે. કોઈની હા-નાય ન સાંભળવી પડે કે વિરોધ પણ ન વહોરવો પડે. ‘હકીકત’ માં ધાર્યું ધરણીધરનું થાય. ‘કલ્પના’ માં ધાર્યું ધારનારનું થાય. ‘કલ્પનાના જગતમાં હળવાશ છે, કંટાળેલાને બે ઘડી હાશ છે.’

કલ્પના કરો – નીચે મુજબ :

લેખકોને બદલે વાચકોને એવોર્ડ-પુરસ્કાર મળતા હોત તો ? (સહન એ લોકો-વાચકો- જ કરે છે ને ?) , અરીસામાં આપણે ધારીએ એવાં દેખાતાં હોઈએ તો ?, પ્રેમ-પત્ર પોસ્ટકાર્ડમાં લખવો ફરજિયાત હોય તો ? નાળિયેર તોડતાં એકલા પાણીને બદલે પાણીપૂરી નીકળતી હોય તો ?

રડવું તો મને એ વિચારે આવે છે કે, સાઈઠ પછી આવી કલ્પનાઓ કરવા ઉપર પણ શું પ્રતિબંધ આવી પડશે ? મને તો સમયમર્યાદા જ સ્વીકાર્ય નથી. બુદ્ધિ એ તો માણસનું સ્વતંત્ર બંધારણ છે – ટેનામેન્ટ જેવું ! વ્યક્તિ ધારે ત્યારે એમાં તોડફોડ કરવા સ્વતંત્ર છે ! સમાજે ડખલગીરી કરવાની શી જરૂર ? અર્થ તો એવો થયો ને કે સાઈઠ પછી આપણે રાજકારણ સિવાય શેમાંય ન ચાલીએ…. ! ના….ના… હું એમ કહું છું કે બીજાં સુત્રો ન મળ્યાં એમને ! ‘સાઠે સાંધામાં વાંધા’, ‘સાઠે ડોહા દવલા’, ‘સાઠે કોઈ ન ગાંઠે’ …. ઘણું જોડી શકાય. બુદ્ધિ પર ગયાં જ શું કામ ? બધા ઘરડિયાઓ આ સુત્ર વિશે મૂંગા બેસી રહે પછી બધા કહે જ ને કે… સાઠે…. !

કિંતુ….. ખમૈયા કરો, બાપુ ખમૈયા કરો… વિચાર તો કરો આ સુત્ર આપ્યું કોણે ? અને શી મજબૂરી હતી ? તો સુત્ર આપ્યું છે એવા દીકરા-વહુઓએ, જેમની સુંવાળી જિંદગીમાં ડોસા-ડોસી દખલ કરતાં રહ્યા છે. વૃદ્ધો સમય વર્તીને ‘સાવધાન’ રહે તો એમને ‘વિશ્રામ’ જ છે. બુદ્ધિ અને જીવન ‘સત્યમ શિવમ સુંદરમ’ હોય તો સાઈઠ તો શું સો વર્ષ સુધી આદરણીય મોરારજીભાઈની જેમ પૂજાય-પુછાય. ખાલી હાથે જવું પડે, પણ ખાલી ‘માથે’ (બુદ્ધિ) જવાનો વારો ન આવે. બાકી જેના સમજ અને સિદ્ધાંત સાંઠાની જેમ, ખોડાય ત્યાંથી ખસે નહીં તો પડતર માલની જેમ સાઈઠે સેલમાં જાય. બહુ ડાહ્યો બહુ ખરડાય એ સાચું છે. માણસ સુખી થવા બુદ્ધિને બહુ દોડાવે છે ત્યારે ‘સામાન્ય સમજ’ ધીમી પડી જાય છે. અને સુખી થવા માટે બહુ બુદ્ધિ કે ધનની જરૂર નથી. માત્ર સામાન્ય સમજની જરૂર છે. સંજોગોને અનુકૂળ થાય એની સાઠે નાઠતી નથી, પણ ‘સાઠે બુદ્ધિ કાઠી’ થાય છે.

‘મજબૂતી એવી ઠસોઠસ, કે ચાલે વરસોવરસ’

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.