મોતી પરોવ્યાં ઝબકારે – રસિકભાઈ ચંદારાણા

અશ્રુબિન્દુ !

જગતમાં સુખીમાં સુખી સમૃદ્ધ માનવી કોણ ? વિરાટ સવાલનો જવાબ બહુ જ નાનકડો છતાં ઘણો જ અઘરો ! જેની પાસે બે મૂલ્યવાન વસ્તુઓ હશે – એક ચિત્ત લહરીનું આનંદ-હાસ્ય અને બીજું આંતર આત્માનું યાતના સભર આંસુ ! બન્ને વખતે પ્રગટતાં અમૂલ્ય અશ્રુ ! મેઘબિન્દુ સ્વાતિ નક્ષત્રના યોગેય પાકેલાં અતિ મૂલ્યવાન સાચુકલાં મોતી ! એક જ કૂપના જલસ્ત્રોત – એક જ કૂવાના અમૃત સમ નિર્મળ પાણી !

આ સુખની તોલે દુનિયાનું કોઈ પણ સુખ સુક્ષ્મતમ્ લાગે ! આંસુ સુખ, સંતોષ, પરિતોષના ઉચ્ચ શિખર પ્રાપ્ય હોઈ શકે અને બીજાં હોય છે. દુ:ખી હૃદય ગુહાના અતલ ઊંડાણનાં ! પરંતુ આ બન્ને પરમની મહાન દેન છે – દેગણી છે ! આની કિંમત અદકેરી છે. સ્વર્ગીય સુખની પણ શી વિસાત – કોઈ શ્રીમંતાઈ ઓછી પડે, ઝાંખી લાગે !

જે સાચી રીતે રોઈ શક્તો નથી – સ્નેહની અવધિ વખતે આંસુ વહાવી શકતો નથી કે યાતના વખતે પોતાની, અન્યની તો ખાસ- એ બિચારો, બાપડો, વામણો છે !

મનુષ્ય હસે છે, હાસ્ય હોતું નથી. માત્ર સ્મિત-બુરખો ચડાવ્યો જાણે ! રડે છે ત્યારે રૂદન પણ ક્યાં હોય છે – હોય છે દેખાવ માત્ર ! માનવી મૃત્યુ પામે છે પણ મરણ હોતું નથી, જીવે છે પરંતુ જીવન હોતું નથી ! માત્ર પડછાયા જેવી આભાસી જિંદગી ચાલી જાય છે – બસર થાય છે, માત્ર વણજાર !

પ્રભાતે તૃણ પરના પેલા પુષ્પ પર બાઝેલાં મોતીડાં સમ ઝાકળ ટપકાં, અનેરું વિહંગ-ગાન, ઝરણાંનો કલ કલ નાદ, અનેરું સંગીત ! ઊડાઊડ કરતાં પતંગિયા, ઉષા-સંધ્યા- બન્ને સહિયરોનું નૃત્ય, ભાતીગળ રંગપૂરણી, પેલું મેઘધનુષ !

આ ભરી ચરાચર સૃષ્ટિ આંખો ભીની ન કરે તો એ માણસ શ્રીમંત હૃદયી કેમ કહેવો ?

શિશુને સ્તનપાન કરાવતી માતાનાં ચક્ષુઓનાં સંતોષ બિન્દુઓ, બે પ્રેમી દિલના વિરહ પછીના મિલનનાં હર્ષાશ્રુ, માતા-પુત્રીના આલિંગનનાં લાગણીબિન્દુ ! આવાં મોતીનો દુષ્કાળ જ ક્યાં છે ?

આપણા જડત્વ પર બાઝી ગયેલા પડને તોડવા કુદરત આપે છે વેદના અને કરુણા ! અપાર હર્ષ, આનંદની અવધિ ! બન્ને જન્માવે છે સાચાં, નમણાં અશ્રુ-બિન્દુ !

સમજીને ગોઠવવું

મન કદી શાંત થતું નથી તેમ મન કદી અશાંત પણ હોતું નથી, મન સુખી હોતું નથી-દુ:ખી પણ નહીં; અશાંતિ, દુ:ખ રોગ – એનું નામ જ મન ! મનનો અભાવ એટલે જ સુખ, શાંતિ, સંતોષ, આનંદ અને આરામ !

પાણીમાં લહેરો ઊઠે છે, આ લહર એટલે જ ડોલન-અશાંતિ. લહર ક્યારેય શાન્ત કે અશાન્ત હોઈ શકે નહીં. લહર ન હોય ત્યારે જ સાગર, નદી કે તળાવને શાંત કહી શકાય. લહર જળ વગર સંભવે નહીં, લહર વિના પાણી હોય શકે ! મનુષ્ય વગર મન હોય નહીં, જ્યારે મન વગર માનવી શક્ય છે.

મનનું હોવું-થવું એનું જ નામ ખંડિતતા, અર્ધું મન એક પક્ષે અને બાકીનું વિપક્ષે. મન એવી બાબત જે શરીર અને હૃદય વચ્ચે – બુદ્ધિ અને આત્મા વચ્ચે ટોકરી વગાડતી સ્થિતિ- બન્ને વચ્ચેના નારદજી ! આ નારદત્વ-કસોટી, પરીક્ષા અન્ય પ્રાણી – જગતમાં જણાશે નહીં, માત્ર માનવમાં જ આ મન વસી શક્યું છે.

માનવનો ઊંડાણથી અભ્યાસ કરીએ તો સારા અને ખરાબ વિચારોનું ઉદ્દભવસ્થાન મન જ છે. નપાવટ માણસ ન કરવા જેવાં કાર્યો કરે છે ત્યારે તેનામાં હૃદયપક્ષે રહેલું મન થોડો હીચકીચાટ અનુભવશે.

ઘંટીના બે પથ્થર પીસવાનું કામ કરે છે. આવા જ બે ભાગ વચ્ચે માનવી પીસાતો રહે છે – અનિર્ણિત વર્તે છે. ચક્કી આટો આપી સારું કાર્ય કરે છે, પણ કયું મન માનવ ઉપર સવાર થઈને કેવું કામ કરાવે છે તે નક્કી નથી.

મનની ચંચલતા પોતાની પાસે હોય તેની સામે નજર કરતું નથી – સંતોષ અનુભવતું જ નથી. પ્રાપ્યથી સુખ થતું નથી, અપ્રાપ્યને તે વધુ ને વધુ વળગે છે – કાયમ અપેક્ષિત જ રહે છે.

મનને મારી શકાતું જ નથી. આવો પ્રયત્ન સ્પ્રીંગને દબાવવા જેવો થઈ પડે છે – ફરી ફરી વધારે જોસથી ઉછળે છે. એને સમજવાની અને સમજીને ગોઠવવાનો પ્રયત્ન કામયાબી તરફ દોરી જાય, આ પ્રયત્નને ધ્યાન (મેડિટેશન) કે સાક્ષીભાવ જે નામ આપો – તે તરફનો માર્ગ છે. મન રહેશે નહીં અને જશે એટલે આનંદરૂપી અમૃત-વર્ષાનો આરંભ થશે.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.