ચાલીના પાડોશીઓ – અંજની મહેતા

મારી ચાલીમાંના એક એક ભાડૂત એટલે કે અમારા પાડોશીઓને જોઈને મારો વહેમ પાકો થતો જાય છે ભાઈ ! આખી દુનિયામાંના નંગમાં નંગ લોકો અહીંજ ભેગા થયા છે. દુનિયા એ ગાંડાઓનું બજાર છે એ ઉક્તિ તમે અમારી ચાલીમાં આવશો તો તત્ક્ષણ સોએ સો ટકા સાચી લાગશે.

આ અમારા શાખપાડોશી કુમારકુમારનો જ દાખલો લો. તમને આ નામ જરા વિચિત્ર લાગ્યું ખરું ને ? એમનું પોતાનું નામ કુમાર અને એ ભાઈસાહેબને જૂના એકટરો દિલીપકુમાર, રાજેન્દ્રકુમાર એ બધાનો ફેન છે. એટલે એમના નામ આગળ એમણે મૂક્યું કુમાર અને બન્યા કુમાર કુમાર.

આ કુમારભાઈને ખુમારી કે મારા જેવું નાટક કરનાર કોઈ નહીં. ઘેર આખો દિવસ નાટકના સંવાદ ગોખતા જ હોય. એક રાત્રે શું થયું કે એમના રૂમમાંથી એમનો ઘાંટો સંભળાયો ‘તમે સમજો છો શું તમારા મગજમાં, મારી નજર સામે હવેથી કદી આ મુખડું ન લાવતા. હું કેવો માણસ છું, તેની તમને હજી ખબર નથી. ખૂન કરી નાખીશ તમારું ખૂન. જાવ અહીંથી, ચાલતા થાઓ, ટળો’

અમે તો નવા નવા રહેવા આવેલા તે આ બધુ સાંભળીને પ્રથમ તો ડઘાઈ ગયાં. પણ પછી પડોશીધર્મ બજાવીને કોઈનો ખતરામાં પડેલો જાન બચાવવાના શુભ આશયથી ગભરાતાં ગભરાતાં દોડી ગયાં, બારણું ઠોકવા માંડ્યું પણ ત્યાંથી પસાર થતાં એક બહેને કહ્યું કે એ તો નાટકના સંવાદો બોલતા હશે. અને અમે આઈસકોલ્ડ પાછાં ફર્યાં.

એક બીજો માણસ, નામ એનું વિચિત્રગુપ્ત, એના મનમાં એવું ઠસી ગયું છે કે મારા જેવું શાસ્ત્રીય સંગીત ગાનાર અહીં છે જ નહીં. અમને બધાને એમ કહેતા ફરે કે ગાંધર્વો અને કિન્નરો તો મારે ઘેર પાણી ભરે. એ એમની સ્વરસુધા એવી વહેતી કરે કે રાતભર ચાલે. એમના અવાજને ગધેડના ભૂંકવાની ઉપમા આપીએ કે બાળકના રડવાની ! કંઈ સમજાતું નથી. બીજું કંઈ નહીં તો રોજ રાતના 9 થી સવારના 6 સુધી પેલા સુધા વરસાવતા ચંદ્રના દર્શન અમે અમીટ નયને કરીએ છીએ !

આ અમારો ટેલિફોન, અમારો એટલે ચાલીનો. એને જુઓ, ધારીને જુઓ અને સાંભળો. તમને થશે ટેલિફોનમાં શું જોવું અને સાંભળવું. અમારા ટેલિફોનનું એક વૈશિષ્ટય છે. તે હાલતો, ચાલતો, ઊઠતો, બેસતો, ખાતો, પીતો, હરતો, ફરતો ટેલિફોન છે. એનું નામ છે, મણિબહેન. આ મણિબહેનને કોઈના ઘરમાં ખટ્ અવાજ થાય તોય તરત ખબર પડે ! સાંભળ્યું છે કે કોઈને દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થાય તો તેને દુનિયાના ખૂણે શું ચાલી રહ્યું છે, તેની ખબર પડે. મને વહેમ છે કે મણિબહેનને સાંભળવાની કોઈ દિવ્યશક્તિ-દિવ્યશ્રુતિ-પ્રાપ્ત થઈ હોવી જોઈએ. મને એમ થયું એકવાર કે હું પણ તેમની પાસેથી આ શક્તિ પ્રાપ્ત કરવાનો ઉપાય જાણી લઉં. તે માટે હું તેમના ઘર આગળ ગઈ, પણ બારણું હતું બંધ, એટલે બારણાની તરાડમાંથી અંદર જોયું તો એમના ત્રણે દીકરા ત્રણ ભીંતે કાન દઈને ઊભા હતા. અને એમનાં વાત્સલ્યમૂર્તિ માને સમાચાર આપતા હતા – ‘અલી બા, પેલા રમણકાકા છે ને તે આજે કોઈ પાર્ટીમાં જવાના હોય એમ લાગે છે.’ ‘અલ્યા દિલિપ, તું બોલ બોલ ન કર, મને સાંભળવા દે.’ એમનો બીજો દીકરો બોલ્યો. ‘બા, ઓલ્યાં પ્રભાબહેન ઘરમાં બધાને કહે છે, અલ્યાં ધીમે બોલો. પેલી ટેલિફોન સાંભળશે તો પંચાત થશે. કાળ છે મૂઈ આખી ચાલીની. બધે જઈને ઢંઢેરો પીટી આવશે.’ થઈ રહ્યું. મણીબહેન તો રાતાંપીળાં થઈ ગયાં અને ધડામ દઈને એમનું બારણું ઉઘાડ્યું. પણ હું ચાર કલાક સુધી મારું નાક પંપાળતી રહી. પણ તે દિવસે એમને કઈ દિવ્યશક્તિ છે તેનું મને જ્ઞાન લાધ્યું.

તમે કહેશો કે ‘તમે પોતે પણ તો એવાં જ છો ને ! પડોશીઓના શું ગુણગાન (!) ગાઓ છો ? એવું તો કંઈ કોઈનાઅ ઘરમાં થતી વાતો બારણાના તડમાંથી જોવાતી અને સંભળાતી હશે ?!’ પરંતુ એ તો ‘જેવા સાથે તેવા’ જ થવું પડે ને ! થોભો, થોભો, આ હું તમને શિખામણ ના ઘૂંટ નથી પાતી પણ અમારાં કમળાબહેનના શબ્દો ઉચ્ચારું છું.

એ કમળાબહેન પર તો મને એવી રીસ ચડે છે કે ન પૂછો વાત. બસ શિખામણ પર શિખામણ આપ્યે જ જાય છે. શિખામણનો ધોધ એવો તો વરસે કે હૃદયસરોવર અકળામણ જળથી ભરપૂર થઈ જાય. એકવાર કહે, ‘બેટા ! જીવન શાંતિથી જીવવું જોઈએ. કોઈની જોડે ઝગડો, ટંટો, વેર, ઝેર રાખવાં જોઈએ નહીં. કોઈ એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરવો જોઈએ.’ ને બીજી જ પળે કહે કે જેવાની સાથે તેવા થવું જોઈએ. મેં એમની બીજી શિખામણ જ ગ્રાહ્ય રાખી છે. અને હવે એ શિખામણ આપવા જાય કે હું જ મોટાઓના મહાન વિચારો ધડાધડ એમની સામે બોલી જાઉં છું. એમની દરેક શિખામણ મને જીભસ્થ છે.

અમારા ઉપરના માળે તો કટોકટીની પળો સર્જાઈ છે. શું કરું ! ઉપરવાળાં છોકરાં એમની નાનકડી ઓરડીમાં લંગડી રમે છે. દિવસમાં દસવાર કચરો કાઢું તોય કચરાવર્ષા થતી જ રહે છે. મને લાગે છે કે ધૂળનું ગમે તેટલું મોટું તોફાન આવે તોયે હું એને સહેલાઈથી સહી શકીશ. અને એ ધખધખ અવાજથી એવી ટેવાઈ ગઈ છું કે ઉપર છોકરાં લંગડી રમતાં બંધ થાય તો મને ચેન પડતું નથી.

આ અમારાં દ્વારકાબાઈ, અતિ આધ્યાત્મિક અને અતિ મરજાદી (!) કોઈને ઘેર જઈ આવે તો નાહી લે. એકવાર હું કશેક જતી હતી ત્યાં પાણી પાઈને આવતાં હતાં. તેમને મારો ધક્કો વાગ્યો અને એ બોલ્યાં : ‘અરે, રામ, રામ, આજની છોકરીઉં તો કાંઈ ફાટી છે, કાંઈ ફાટી છે. આવડી મોટી ઘોડી થઈ તોય વાંદરીની જેમ કૂદકા મારતાં ને ગધેડીની જેમ પગ ઉછાળતાં ચાલ્યાં રમવા બેનબા ! દેવધરમમાં તો માને જ શાનાં. હવે મારે ઘેર જઈને નહાવું પડશે. એનાં મા-બાપને છે કંઈ ચિંતા ! હું એમના જેવડી હતી ત્યારે તો દસ દસ માણસોનો સંસાર ચલાવતી હતી. શું કરીએ ? ચાલો પાછા નળ પર !’

પરંતુ મને લાગે છે કે વારે ઘડીએ નળ પર જવાની એમની ટેવ હવે તો જતી રહી હશે. કારણ, નળરાજ જ દરેકને ભાગે પંદર મિનિટ આવે. અને તેથી જ દ્વારકાબાઈ હવે મેતરાણીએ આપેલા છૂટા પૈસા પાણી છાંટીને લઈ લેતાં હશે ? પૂછી જોઉં ? જવા દો.

અમારી બાજુમાં રહેતા પશાકાકા બહુ સજ્જન અને પરોપકારી (!) પરોઢના પાંચ વાગે ઊઠીને એટલા બુલંદ અવાજે પ્રભુસ્મરણ શરૂ કરી દે કે આખી ચાલીને વહેલા ઊઠવાની તસ્દી લેવી જ પડે. પરંતુ તેમને હરિજનો પ્રત્યે હદ બહારનો તિરસ્કાર. રખે ને મેતરાણીથી તેમના ઘરમાં ધૂળ ઊડી જાય કે તેમના ઘરનો સ્પર્શ થઈ જાય તો તેમનું રુદ્ર સ્વરૂપ જોવા જેવું થઈ જાય. લોકશાહીને લીધે તેઓ બિચારા ધનિયા મેતરને મારી શકતા નથી પણ મેતર જાતને, સરકારને, આજના નફફટ યુવાનોને અને અંતે આ બધાના કારણરૂપ ‘ગાંધીજી’ને તો ખાસ મણમણની જોખે !

આ અમારી સામેનાં જીવીમાસી જુઓ. એમની પુત્રવધૂ જરા નવા જમાનાની અને ફૅશનેબલ છે અને સાસુને મુરબ્બીની સાથેસાથે મિત્ર સમાન ગણનારી છે. એટલે એ આખી વહુ જાતિનાં દુશ્મન બની ગયાં છે. એમનો આ મનોભાવ એક વિચિત્ર આદતમાં ફેરવાઈ ગયો છે. સવારથી ઊઠી ઘરડે ઘણપણ ધરમ ધ્યાન કરવાને બદલે આખા જગતની વહુવારુઓ શું કરે છે અને પોતાની વહુ શું નથી કરતી તેની જ ચિંતા રાખે છે. સવારના પહોરમાં જ આડોશપાડોશમાં પહોંચી જશે અને પૂછશે, ‘કેમ જમનાબહેન ! તમારે તો નિરાંત, વહુ બિચારી લક્ષ્મીનો અવતાર છે. ઘરનું બધું કામ કરતી હશે. આ જુઓને અમારાં વહુરાણી તો લઈને બેઠાં પેપર. જાણે આખી દુનિયાના સમાચાર જાણીને દળદર એ ફેડવાનાં હોય.’ આમ પોતાની વહુની નિંદા અને અન્યના સમયનો બગાડ એ એમનું રોજનું ચક્ર.

અને આ અંગ્રેજીનાં ખાં (!) જુઓ. નવયુવાન દંપતી, શુદ્ધ ગુજરાતી, ઝગડવાનાં વધારે પડતાં શોખીન. આમ તો ગુજરાતી જ શુદ્ધ રીતે અશુદ્ધ બોલે પણ જ્યાં ઝગડો શરૂ થયો કે પતિપત્નીને ગુજરાતી ભાષા ફિક્કી લાગે. અંગ્રેજીની તડાતડી અને ધડાધડી સાચા ખોટા શબ્દો, વાક્યોમાં (ગુજરાતના ગ્રેજ્યુએટ પાછાં) શરૂ થઈ જાય. અને તમાશાને થોડું તેડું હોય !

આ વળી અમારો ધોબી જુઓ. ચાલીની છેલ્લી ઓરડીમાં રહે. સૂવે લોકોનાં કપડાં પર જ. તેની વિચિત્રતા તો અનહદ રીતે કંટાળાજનક. સવારના પહોરમાં જ એની પધરામણી થઈ જાય. એને આપવાનાં કપડાં હોય કે ન હોય તો પણ એકાદ તો લઈ જ જાય અને સાંજે તો પાછો એકાદ કપડું લેવા હાજર. લડો, ધમકાવો તોય કંઈ અસર નહીં.

અને અમારી ચાલીમાં માળ પર રહેતા આ કરસનદાદાને મળો. ચુસ્ત કૉંગ્રેસી. કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે એમની સામે કૉંગ્રેસ વિરુદ્ધ કંઈ પણ બોલે. તરત જ એમની વાણી વહેતી થઈ જાય. ‘જો ફરી બોલ્યો તો જોવા જેવી થઈ જશે. હા તારા એ રા.જ.દા વાળા સગલા શું તને સ્વર્ગે મોકલવાના છે તે એમનાં ઉપરાણાં લઈને એમનાં ગીત ગાય છે.’ આ બોલતી વખતે તેઓ એ ભૂલી જાય છે કે એ જેમના પક્ષપાતી છે એ કૉંગ્રેસીઓ પણ એમને સ્વર્ગનાં દર્શન કરાવવાના છે ? – કે પછી બીજા કરતાં વહેલું સ્વર્ગ દેખાડશે ?!!

સૂંઠને ગાંગડે ગાંધી થઈ બેઠેલા આ રામજીભાઈને મળો. રાશી અને નક્ષત્રો, સ્વગૃહી અને પરગૃહી જેવા જ્યોતિષના શબ્દો છટાથી બોલી જાણે છે અને પરથી આગાહીઓ કરે. તારીખ, વાર, સાલ વગેરેની સ્મરણશક્તિ સારી છે. પાંચ પંદર મહાન વ્યક્તિઓની કુંડળી આગળ ધરીને એમની ચર્ચા કરે. તમે પણ આવી શકો છો હોં ! તમારું ભાવિ જોવા અને સાંભળવા. તમારા વિષે તમને કંઈ જાણવાનું મળશે કે કેમ એ તો રામ જાણે અને રામજીભાઈ જાણે પણ તમને ટીળક, ગોખલે, નહેરુ વિષે તો જરૂર જાણવાનું મળશે.

અને આ કૂવા પર રહેતાં શોભનાબહેન, ‘પરોપકારાય સતાં વિભૂતય:’ પ્રમાણે બીજાને પરોપકાર કરવાની તક આપતાં એ જરાય ચૂકતાં નથી. સવારના પહોરથી બારીમાંથી ડોકિયાં કરતાં જ હોય. કોઈ જતું આવતું દેખાય કે શાકની થેલી કે દહીંનું વાસણ કે ટપાલમાં નાખવાના કાગળ પકડાવી જ દે. સામેની વ્યક્તિની ઈચ્છા, અનિચ્છા, અનુકૂળતા, પ્રતિકૂળતાનો વિચાર તો એમને કદી આવે જ નહીં.

આ બધામાં નવીન ભાત પૂરનારા અમારા સહુના મહેમાન ચંદુલાલ. ઘરમાં બૈરી છોકરાં નહીં એટલે જમવાની સગવડ અને ચાપાણીની તજવીજ તે વગર પૈસે ચાલીમાં જ કરી લે છે. જમવા ટાણે ઘરમાં પેસતાં જ બૂમ પાડવાના, ‘કેમ મંગળભાઈ, આજ થયું તમારા જેવાની મહેમાનગીરી માણીએ ! આટલા મિત્ર છો તે શા કામના !’ અને અંદર જોઈ બૂમ પાડે ‘બેટા સંતુ ! જરા ચા લાવજે. આ તો આપણું જ ઘર છે, એમાં વળી સંકોચ શાનો ? અને પછી નિરાંતે જમવાની થાળી પીરસવાનું તારી બાને કહેજે.’ આમ, માન ન માન મૈ તેરા મહેમાન જેમ ગુંદરિયા મહેમાન બનીને દિવેલિયા મોઢાવાળા યજમાનોના હાથની મહેમાનગીરી માણવાના.

આ ખોપરી જુઓ. હમણાં હમણાં એ બહેન એમના મૂળ ગામમાંથી આવ્યાં છે તે જાણે ક્યા લોકનું પંખી ક્યાં અટવાઈ પડ્યું હોય એવા એમના બોલ અને ચહેરા પરના ભાવ. એમના બાપદાદાના વારાની મોટી મોટી, સાચી ખોટી, મીઠું, મરચું અને લીંબુ મસાલો નાંખેલી ચટાકેદાર વાતોનો રસથાળ પીરસવામાં એ એવાં મશગૂલ થઈ જાય કે આવેલા મહેમાનને પાણીનો પ્યાલો ધરવાનું પણ ભૂલી જાય. ‘ખાલી ચણો વાગે ઘણો’ કહેવતને પૂરેપૂરી સાર્થક કરે છે કે પછી એ કહેવત જ બહેનનું સ્વરૂપ લઈને આવી છે ! જે ગુણો, જે વિશિષ્ટતા, આવડત કે ભાવના પોતાની પાસે નથી તેનું પોતાનામાં આરોપણ કરવું અને બીજાના મન પર ઝમકભર્યા શબ્દોના હથોડા મારી મારીને ઠસાવવાનો પ્રયત્ન કરતું કેવું વિકૃત અને હાસ્યાપસ અને ઘૃણાસ્પદ માનસ !

હું જો દરેકની વાત કહેવા બેસું ને તો પેલું સંસ્કૃતમાં છે ને –
અસિત ગિરિ સમં સ્યાત્ , કજ્જલં સિંધુ પાત્રે,
સુરતરુવર શાખા લખનિ પત્રમૂર્વી |
લિખતિ યદિ ગૃહિત્વા શારદા સર્વ કાલં,
તદપિ તવ ગુણાનાં ઈશ પારં ન યાતિ ॥

એમાંથી ‘ઈશની’ જગ્યાએ ‘ચાલીના માણસો’ એટલા જ શબ્દો ફેરવવાના બાકી રહે. પરંતુ અકબરના દરબારને ય લજાવે એવા એવા અસંખ્ય તારલાઓ અહીં પડ્યા છે. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તો ય મારી ચાલીમાં સમાય.

Advertisements

4 responses to “ચાલીના પાડોશીઓ – અંજની મહેતા

 1. વાહ ! અંજનીબહેન ! ચાલીનાં વ્યક્તિચિત્રો તાદૃશરીતે રસિક ભાષામાં ચીતર્યાં !
  તમને ખૂબ જ અભિનંદન !

 2. contratulation to Anjni mheta,we have also chandulal type neibour…he is ditto…is not she have wrote about our complex….?very very nice go through this “readgujarati’many thanks,keep it up.
  madhukant.gandhi.

 3. GOOD WRITTEN ANJALI BEN WE HAV ALSO GOT ONE NAIBOUR LIKE RAMJI BHAI. HE FEELS THAT HE KNOWS ALL THINGS FOR ALL PERSON IF YOU ASK SOME THING THAT HE WIL ANSWER EVERY THING WITH RESPECT TO NAKHATRAS. I DONT KNOW HE KNOW SOME THING ABOUT HIM OR NOT. BUT I LIKE THE WAY IN WHICH ANJALI BEN HAV PUT THE NATURE OF NAIGHBOUR.

  THANKS TO READ GUJARATI FOR MAKING AVAILABE SUCH KIND OF ARTICALS TO ALL PEOPLES.

  THAKS AGAIN

  JIGNESH JOSHI
  VADODARA

 4. Too long and boring. I find this perfectly pedestrian.