મનની શાંતિના સચોટ ઉપાયો (ભાગ-1) – અનુ. શ્રી આર.સી.શાહ

[ સામાન્ય માન્યતા એવી છે કે માનસિક શાંતિ માટે તંદુરસ્ત શરીર અને આર્થિક સધ્ધરતા અનિવાર્ય છે. પરંતુ હકીકતમાં, આ બંને હોવા છતાં પણ, ઘણા મનુષ્યો સતત માનસિક અશાંતિમાં જ જીવતા જણાય છે. તમે આ કક્ષામાં આવો છો ? જો આવતા હોવ તો આ અવશ્ય વાંચો. કદાચ તમારી માનસિક અશાંતિનું કારણ તમારું મન જ હોય તેથી તમારી અશાંતિ તમે જાતે જ દૂર કરવા શકિતમાન છો. કેવી રીતે ? તે ચાલો આપણે જોઈએ..(લેખક)]

પારકી પંચાત કરશો નહીં :

તમે વારંવાર બીજાનાં કામમાં માથું મારો છો ? કદાચ બીજા ખોટા પણ હોય. તેથી તમારે અશાંત અને અસ્વસ્થ થવાની શી જરૂર ? કોઈની પણ ટીકા કરશો નહીં. બીજાના કાર્યનો ન્યાય તોળવાનો અધિકાર ઈશ્વરે તમને આપ્યો નથી. આમ તો બધા જ મનુષ્યો, તેમના હ્રદય-સિંહાસન પર બિરાજેલા ભગવાનની પ્રેરણા અને દોરવણી મુજબ જ કાર્ય કરતા હોય છે. તેથી સુવર્ણ નિયમ તો એ જ છે કે કોઈ પણ વ્યકિતની કોઈ પણ કાર્યની કદી ટીકા કરવી નહીં. આપણે આપણું જ સંભાળવું, પારકી પંચાત કરવી નહિ. બીજાનાં કામમાં માથું મારવું નહિ. માનસિક શાંતિ માટે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવું ખૂબ જરૂરી છે. જે વ્યકિતને મન, દૂનિયાની તમામ વસ્તુઓ કરતાં માનસિક શાંતિની કિંમત વધારે છે, તેને માટે આ ઉત્તમોત્તમ નિયમ છે. દુનિયાની કોઈ પણ વસ્તુ પર તમે ધ્યાન રાખો એ જરૂરી નથી; દરેક વસ્તુનું ઈશ્વર ધ્યાન રાખે જ છે. હકીકતમાં ઈશ્વર આપણી પણ સંભાળ લે છે. આ નક્કર સત્યને કદી ભૂલશો નહિં. સ્વ. કવિ બાલાશંકરે સાચું જ ગાયું છે કે 'જગત કાજી થઈને તું વહોરી ના પીડા લેજે.'

ફરીથી કહેવા દો કે તમે તમારું સંભાળો. કોઈ વ્યકિતની કે કોઈ કાર્યની કદી ટીકા કરશો નહિ. ટીકા એ ઈર્ષા-નિંદા જ છે. કારણકે જે કાંઈ થાય છે, બને છે – તે ઈશ્વરેચ્છાથી જ બને છે. કોઈપણ વસ્તુ ઈશ્વરની ઈચ્છા, સંમતિ કે અનુમતિ સિવાય બની શકે જ નહિ. ઝાડનું પાંદડું પણ ઈશ્વર-ઈચ્છા વગર હાલે શકતું નથી.ધારો કે કોઈ ઘટના બની છે. તમારી દષ્ટિએ એ ઘટના સારી પણ હોય અને ખરાબ પણ હોય. પણ એ તો નકકર હકીકત છે કે ઘટના ઈશ્વરની સંમતિ વગર તો નથી જ બની નથી જ. તેથી તમે એ ઘટનાની ટીકા કરો તો એનો અર્થ એ જ થાય કે તમે ઈશ્વરની ઈચ્છાને પડકારો છો; તમે ઈશ્વરના શાણપણની, તેમની ન્યાયબુધ્ધિની જ ટીકા કરો છો. જો તમે માનસિક શાંતિ ઈચ્છતા હો તો જે થાય છે તે ઈશ્વર ઈચ્છાથી જ થાય છે તે સ્વીકારીને તેની ટીકા કદી પણ કરશો નહિ.

ઈશ્વરના કાર્યની ટીક કરશો નહીં

ઈશ્વર પ્રત્યેક પ્રસંગ, ઘટના કે બનાવનો સમગ્ર દષ્ટિએ વિચાર કરે છે; જ્યારે મનુષ્ય તેનો મર્યાદિત દષ્ટિએ જ વિચાર કરે છે. ઈશ્વર ઘટનાઓનો વર્તમાન, ભૂત, અને ભવિષ્યકાળની સમગ્ર દષ્ટિએ જ વિચાર કરે છે, જ્યારે મનુષ્ય ભૂત અને ભવિષ્યને ધ્યાનમાં ન લેતાં વર્તમાનકાળની દષ્ટિએ જ ઘટનાને ઘટાવે છે. તેથી જ, મનુષ્યને વિસંવાદિતા દેખાય છે, ત્યાં ઈશ્વરને સંવાદિતતા દેખાય છે; જ્યાં મનુષ્યને તર્કનો અભાવ જણાય છે, ત્યાં ઈશ્વરને સંપૂર્ણ તર્કશુધ્ધિ જણાય છે. જરા તમારી જાતને, ઈશ્વરને સ્થાને મૂકી જુઓ. માનો કે તમે પોતે જ ઈશ્વર છો અને આખું યે વિશ્વ તમારું જ સર્જન છે અને તમારી ઈચ્છા મુજબ તેનું સંચાલન થાય છે. આમ વિચારતાં સાથે જ તમને પ્રગાઢ શાંતિનો અનુભવ થશે અને તમે તમારામાં શકિતનો મહાસાગર ઊછળતો અનુભવશો.

તમામ પરિસ્થિતિમાં શાંત રહેજો.

તમે કહેશો કે બીજાઓ સમજ્યા વગર તમારું અપમાન કરે છે; કોઈ પણ જાતના કારણ વગર તમારી લાગણીઓ દુભાવે છે. આ સાચું હોય તોયે તમે ગુસ્સે થશો નહીં. પરિસ્થિતિનો શાંતિથી સામનો કરજો. આથી તમને માલૂમ પડશે કે કપરાં સંજોગો પર વિજય પ્રાપ્ત કરવાનું પ્રશાંતિ જેટલું શકિતશાળી બીજું કોઈ સાધન નથી. અપમાનો ધ્યાનમાં લેશો નહીં. બીજાને જે ધારવું હોય તે ભલે ધારે; તેમને જે ગમે, તે ભલે બોલે. આ દુનિયા અજ્ઞાની લોકથી સભર છે. તમે શાણા થજો, તમે બધા પ્રત્યે નમ્રતા રાખજો; પ્રત્યેક પરિસ્થિતિમાં વિનમ્ર રહેજો. જ્યારે તમે લઘુતાગ્રંથી તથા ગુરુતાગ્રંથીના ખ્યાલને તિલાંજલી આપશો અને પ્રત્યેક વ્યકિતમાં તેમજ પ્રત્યેક વસ્તુમાં તમે ઈશ્વરનાં દર્શન કરવાનું શીખશો ત્યારે જ આ શક્ય બનશે.

ઈશ્વરની ઈચ્છા તે જ મારી ઈચ્છા.

નરસિંહ મહેતાના પ્રભાતિયાંની નીચેની પંકિતઓ સદા રટયા કરો:

જે ગમે જગતગુરૂ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે.
ઊગરે એક ઉધ્વેગ ધરવો.

આવી રીતે જ વિચારો. અપમાનોની વચ્ચે પણ શાંતિ જાળવો. વ્યગ્ર થશો નહિ. જેમ કડવા ઘૂંટડા ગળતા જશો, તેમ વિનમ્રતા અને શુધ્ધતા વધશે અને તમારી આધ્યાત્મિક શકિત વધુ સમૃધ્ધ બનશે.

કડવા ઘૂંટડા ગળી જજો.

જે કોઈ મનુષ્યે તમારું અપમાન કર્યું હોય કે તમારી લાગણી દુભવી હોય, તેના પ્રત્યે તમારા હ્રદયમાં દુર્ભાવના વિક્સવા દેશો નહિ. આવી વ્યકિત માટે દુર્ભાવના સેવવી એ ગુસ્સે થવા કરતાં પણ વધારે ખરાબ છે. આવી ભાવના સેવવી એ તો એક જાતનું માનસિક કૅન્સર જ છે. સંતાપને પોષસો નહિ. ભૂલો માફ કરો. આ માત્ર આદર્શ સુત્ર જ નથી પણ, માનસિક શાંતિ ટકાવી રાખવાનો એક માત્ર રાજમાર્ગ છે. સંતાપનું સંવર્ધન કરવાની ટેવ તમારી પોતાની જાતને જ ખૂબ હાનિકર્તા છે. આવી કુટેવથી તમારી નિદ્રા હરામ થઈ જશે; તમારું લોહી ઝેરી બની જશે ; તમારું લોહીનું દબાણ પણ વધી જશે. તમારા મજ્જાતંતુઓ ક્ષીણ થઈ જશે. છેવટે તો તમારું અપમાન એકવાર થઈ ગયું તે થઈ ગયું. હવે તે ઘટના ભૂતકાળ બની ગઈ. બધું પતી ગયું. તેને વારંવાર યાદ કરવાથી શું ફાયદો ? ઢોળાઈ ગયેલા દૂધ પર આંસુ સારવાથી શો અર્થ ? તે અપમાનને કે દુ:ખને વારંવાર યાદ કરી કરી શા માટે સતત જીવ બાળવો જોઈએ ? ધિક્કાર અને દુષ્ટ વિચારના બૂઝાતા અંગારામાં ઘી હોમ્યા કરવાની શી જરૂર ? શું આ મહાન મૂર્ખતા નથી ?

કદી જીવ બાળશો નહીં.

માનવજીવનનો ગાળો એટલો બધો ટૂંકો છે કે આવી નજીવી બાબતો પર સમય, શકિત અને જીવન વેડફી નાખવાનું પરવડે જ નહિ. નજીવી બાબર પર જીવ બાળવાની ટેવ ખૂબ હાનિકર્તા છે. માટે આ ટેવમાંથી ઝટ મુકત થઈ જાઓ. જે કામમાં તમને રસ પડતો હોય એ કામમાં હંમેશા પરોવાયેલાં જ રહો. જીવ બાળવાની કુટેવમાંથી મુક્ત થવાનો આ જ એક ઉત્તમ ઉપાય છે. તમે તમને રસ પડે એવી નોકરી, ધંધો કે તમારા મનગમતા શોખમાં સતત પરોવાયેલા રહેશો તો તમે માનસિક શાંતિ સહેલાઈથી પ્રાપ્ત કરી શકશો. તમને પછી એક સિધ્ધિ મેળવ્યાનો ખ્યાલ પણ આવશે. કહેવત યાદ કરો કે – 'માણસ માત્ર રોટલા પર જ જીવતો નથી'

તેથી તમે પૈસા કરતાં માનસિક શાંતિની કિંમત વધુ આંકતા હો અને તમને એમ પરવડે એમ હોય તો, તમારે તમને રસ પડે એવી જ નોકરી કે ધંધો પસંદ કરવો; પછી ભલે તમને તેમાં તમારા નાપસંદ ધંધા કે નોકરી કરતાં, પૈસા ઓછા મળતા હોય. પૈસા ભલે વધારે મળતા હોય પણ, મન સતત તંગ અને અસ્વસ્થ રહે એવો ધંધો કે નોકરી, કરી પસંદ કરવા નહિ. જીવનમાં શાંતિની જેટલી કિંમત છે એટલી પૈસાની નથી.

તમારા કામકાજના બીજા વખાણ કરે એવું ઝંખશો નહીં

દુન્યવી કીર્તિ કે જાહેર સન્માનની કદી ઝંખના રાખો નહીં. આવી ઝંખના તો માનસિક અશાંતિ અને શારીરિક અસ્વસ્થતા જ સર્જે છે. બીજા તમારાં ગુણગાન ગાય એવી ઝંખના શા માટે રાખો છો ? 'બીજા' માં ઘણા-ખરા તો અજ્ઞાની લોકો હોય છે. દુનિયામાં ખૂબ સફળ નીવડેલા લોકોમાં પણ, ઘણીવાર, બહુ ઓછું સાચું શાણપણ હોય છે. પછી શા માટે આવા લોકોની માન્યતાની તમે આટલી બધી કિંમત આંકો છો ? તેને બદલે ભગવાનના આશીર્વાદની ઝંખના રાખોને; શાણા અને સાધુ-ચરિત આત્માઓના આશીર્વાદ મેળવવા તલસોને; ખરેખર તો આવા સાધુ પુરુષોના-સંતજનોના જ આશીર્વાદ મેળવવા યોગ્ય છે; ખરેખર આવા પુરુષોની કૃપાપ્રસાદી મેળવવા ઝ્ઝૂમવું જોઈએ. લોકમતની સહેજ પણ ઝંખના ન રાખો. લોકમત ઘણીવાર ખોટો પણ હોય છે. માટે લોકમતને અગત્યતા આપવાની જરૂર નથી. નૈતિક મૂલ્યોને અગત્યતા આપો; સદ્વર્તનના નિયમોને ધ્યાનમાં રાખો; ધર્મશાસ્ત્રોના ઉપદેશોને લક્ષમાં લો; સાધુ-સંતો અને પવિત્ર પુરુષોના મતને મહત્વ આપો, એમનો મત ખોટો હોતો નથી.

કોઈની ઈર્ષા કરશો નહીં.

ઈર્ષા ઘણીવાર માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડે છે. તમે કોઈની પણ ઈર્ષા કરો છો ? ઈર્ષા એ તો મોઢામાં પડેલું ચાંદું છે. 'અ' એ તમારી કચેરીમાં તમારી બઢતી રોકી રાખી છે, કે 'બ' એ તમારા ધંધામાં તમારી હરીફાઈ કરીને તમને બરબાદ કરી મૂક્યા છે, એમ માનવું ભૂલભરેલું છે. સદાય એટલું ધ્યાનમાં રાખો કે : કોઈ પણ તમારી કારકિર્દી બનાવી કે બગાડી શકતું નથી. તમારી કારકિર્દી અને તમારું જીવન તમારા પૂર્વજન્મોના કર્મથી જ ઘડાયેલું હોય છે. જીવનમાં તમે ઊંચે આવવાના હશો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને રોકી શકવાની નથી.; અને તમારું નસીબ તમને ઊંચે આવવા દેવાનું ન હોય તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઊંચે લાવી શકવાની નથી. દરેક મનુષ્યના જીવન પર તેના પ્રારબ્ધની જ સત્તા ચાલે છે. દરેક મનુષ્યનું જીવન સ્વતંત્ર જ છે, જો કે ઉપર ઉપરથી મનુષ્યોનાં જીવન પરસ્પરાવલંબી (અરસપરસ સંકળાયેલા) જણાય છે. આ બરાબર યાદ રાખો. આ મુદ્દો ફરીથી બરાબર સમજી લો. કદી કોઈની પણ ઈર્ષા કરશો નહીં; તમારી કમનસીબી માટે બીજા ઉપર દોષનો ટોપલો ઢોળશો નહીં.

તમે તમારી જાતને સુધારો.

ભલે તમારી આસપાસની પરિસ્થિતિ તમારી શાંતિમાં ખલેલ પહોંચાડતી હોય; ભલે તેનાથી તમે તંગ આવી ગયા હો, તો પણ, તમારી પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરશો નહિ. 99 ટકા તેમાં નિષ્ફળ જાઓ તેવી શક્યતા છે. આમ કરવાને બદલે તમે તમારી જાતને જ સુધારવાનો પ્રયત્ન કરો. તમારી જાતને જ વધારે શુધ્ધ કરો. આમ કરશો તો તમારી પ્રતિકૂળ પરિસ્થિતિ – ઘણાં લાંબા સમયથી તમારા વિકાસમાં અવરોધરૂપ બનતી પરિસ્થિતિ – અગમ્ય રીતે પલટો લેશે. તમારી વિકાસયાત્રામાં મહત્ત્વનો સુધારો થશે. તમે વધારે ને વધારે પવિત્ર થતા જશો તેમ તેમ તમારી પરિસ્થિતિ વધારે અને વધારે સાનુકૂળ અને સુમેળભરી બનતી જશે. 'કેવી રીતે ?' એવો પ્રશ્ન પૂછશો નહિ. અજમાવો અને અનુભવો. વ્હાલા વાચકમિત્ર, અજમાવો અને અનુભવો, ખાતરી રાખો.

જે અનિવાર્ય હોય તે સહન કરી લો.

જે પરિસ્થિતિ-સંજોગો-હોય કે સર્જાય તે સહન કરી લો. જે નિવારી શકાય નહિ તે સહન કરે જ છૂટકો. આનંદપૂર્વક સહન કરી લો. વહેલી સવારથી તે મધરાત સુધી ભલેને સેંકડો પ્રતિકૂળતાઓ, દુ:ખો, ઉશ્કેરણીઓ વગેરે આવે, તેને સહન કરતાં શીખો. આમ કરવાથી તમારી ધીરજ વધશે, આંતરિક બળ ખીલશે અને તમારી ઈચ્છાશકિત મજબૂત બનશે. પરિણામે ગેરલાભને લાભમાં ફેરવી શકાશે; પ્રતિકૂળતાઓને સાનુકૂળ બનાવી શકાશે.

આપણી પાયાની જરૂરિયાતો માટે આપણે પારકા પર આધાર રાખવો જોઈએ નહીં. આવી પરાધીનતા જ આપણી માનસિક શાંતિને બાધક છે. 'પરધીનમ્ પ્રાણ સંકટમ્' પરાવલંબન એ દુ:ખ છે, સ્વાવલંબન એ સુખ છે. માટે સ્વાવલંબી બનો. અલબત્ત, તમે હ્રદયપૂર્વક પ્રયત્ન કરશો તો તમને માલૂમ પડશે કે એવાં ઘણાં ક્ષેત્રો છે જેમાં તમે સ્વાવલંબી બની શકો છો. તમારાં કપડાં જાતે ધુઓ, તમારો ખંડ જાતે સાફ કરો, તમારો ખોરાક તમે જાતે જ પકાવો, તમારા કાગળ તમે જાતે જ ટાઈપ કરો. આ કામો તમારે રોજ જાતે કરવાં તેવું જરૂરી નથી. જાતે કરતાં શીખો અને પછી જુઓ કે આ નાની નાની શકિતો પણ તમને આપતકાળમાં કેટલી મદદરૂપ નીવડે છે.

તમારી ફરજ કદી ચૂકશો નહીં. જવાબદારીઓથી દૂર ન ભાગો. ફરજ ન ટાળો. આ રીતે માનસિક શાંતિ નહીં મળે. આ રીતે તો તમારી માનસિક ચિંતાઓ વધશે. તમે તમારી ફરજો ટાળી રહ્યા છો એ વિચાર જ તમારા મનને સતત કોરી ખાશે અને તમારા મનમાં જે કાંઈ થોડી ઘણી શાંતિ હશે તે પણ ઝૂંટવાઈ જશે. એના કરતાં તો તમારામાં રહેલી તમામ તાકાત વડે જવાબદારીઓનો સામનો કરો. પણ સાથે સાથે, આ પણ ઘણું જ જરૂરી છે કે તમારો અહં સંતોષવા તમારે રોજબરોજ નવી નવી જવાબદારીઓનો બોજો તમારા પર ઊછીનો લઈ લેવો જોઈએ નહીં. તળપદી ભાષામાં કહીએ તો આફત વહોરશો નહીં. દુ:ખ ખરીદશો નહીં. એના કરતાં તો તમારી જવાબદારીઓ સાથે સુસંગત રહી તમારી બહારની પ્રવૃતિઓ જેટલી ઘટાડી શકાય એટલી ઘટાડતા જાઓ. તમારે વધારે ને વધારે સમય પ્રાર્થના, આત્મનિરિક્ષણ, ધ્યાન વગેરે આંતરિક જીવનની બાબતો પાછળ ગાળતા રહો. સંપૂર્ણ શાંતિ તો ત્યારે જ પ્રગટે છે જ્યારે મન નિર્વિચાર અને વિચાર શૂન્ય બની જાય છે. એટલે કે મન મરી જાય છે. મન એટલે વિચારો. વિચારો એટલે અશાંતિ. પ્રવૃતિ ઓછી એટલે વિચારો પણ ઓછા. વિચારો ઓછા એટલે મનની શાંતિ સવિશેષ. વિચાર-શૂન્યતા એ મનની એવી સર્વોચ્ચ અવસ્થા છે કે જ્યાં સંપૂર્ણ શાંતિ રાજ કરે છે.

[વધુ ઉપાયો માટેનો ભાગ-2 ફરી કોઈવાર રીડગુજરાતી પર….]

Advertisements

6 responses to “મનની શાંતિના સચોટ ઉપાયો (ભાગ-1) – અનુ. શ્રી આર.સી.શાહ

 1. this is really good one especially for me, because right now, i am facing such problems. By reading this, i get some mental peace.
  Thanks.

 2. વિજયસિંહ મંડોરા

  આટલુ બધું આપણે જ કરવાનું, સામેવાળાની કોઇ ફરજ/જવાબદારી જ નહીં ?

 3. It is really good article. I like it.

 4. aatli vaat manvi pachve-vagole-jivanma uttare to mane laage chhe ke parmatma nu kaam saral thai jay.

 5. Good points but very diffiult to implement in the present world. Now, to change the basic nature of any individual is very difficult. I think all the good points that our rich philosophy had, shall be taught in the childhood as any thing taught in that age only becomes roots for the future life. One can change his/her basic nature very rarely after some age.
  This things are very good to listen and read but very difficult for sustained implementation. One has to remain always awaked and conscious for the same, which itself is very tough job.

  Any solution/method for this problem?
  Suggestions are welcome.
  Regards,
  Moxesh Shah (Ahmedabad)

 6. પિંગબેક: રીડગુજરાતી : સાહિત્ય » Blog Archive » મનની શાંતિના સચોટ ઉપાયો (ભાગ-2) – અનુ. શ્રી આર.સી.શાહ