અસલિયતનું ભાન

પર્શિયામાં દારા નામનો એક ભરવાડ રહેતો હતો. એ પૈસે-ટકે ગરીબ હતો. અને જન્મે નીચા કુળનો હતો, પણ એનામાં શાણપણ ઘણું હતું. માણસોને ઓળખવાની તેનામાં દ્રષ્ટિ હતી. ગામલોકોની ઘણી ગૂંચ એ આસાનીથી ઉકેલી આપતો. એ કારણે ગામમાં કોઈ ઝઘડો ન થતો. દારાના શાણપણની વાત પાર્શિયાના શાહ સુધી પહોંચી. એમણે દારાને બોલાવ્યો. એમને પણ લાગ્યું કે દારામાં ઘણી બુદ્ધિ, દ્રષ્ટિ અને સમજણ છે. તેમણે દારાને પોતાને ત્યાં નોકરીએ રાખી લીધો.

નોકરીમાં દારા ધીમે ધીમે આગળ વધતો ગયો. અંતે તે શાહનો મુખ્ય સલાહકાર બની ગયો. દારાને ઘણી વાર શાહ મહેસૂલ ઉઘરાવવા બીજે ગામ મોકલતા. તે વખતે દારા એની સાથે એક પેટી લઈ જતો અને રાતે એ પેટી ખોલી તેમાં નજર નાખી લેતો. શાહના બીજા મંત્રીઓ અને સલાહકારોને દારાની પ્રગતિ ખૂંચતી હતી. એકવાર શાહે દારાને મહેસૂલ લાવવા બીજે ગામ મોકલ્યો. બીજા મંત્રીઓએ શાહની કાનભંભેરણી કરવાની તક ઝડપી; કહ્યું કે દારા ભ્રષ્ટાચારી છે અને રાજ્યના મહેસૂલમાંથી તેણે ઘણા પૈસા મારી ખાધા છે. એ પૈસા તે પોતાની સાથે ને સાથે જ એક પેટીમાં રાખે છે. બહારગામ જાય ત્યારે પણ તે પેટી સાથે લઈને જાય છે. રોજ રાતે એ પેટીમાં જોઈ લે છે કે કેટલી રકમ એકઠી થઈ. બીજા કોઈને પેટી બતાવતો નથી.

દારા પર શાહને વિશ્વાસ હતો, છતાંય બધાના સંતોષ માટે એ મંત્રીઓને લઈ દારા જે ગામ ગયો હતો ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચી શાહે દારાને કહ્યું, ‘દારા, તારી પેલી પેટી ઉઘાડ. તેમાં શું છે તે મારે જોવું છે અને આ બધાને તે દેખાડવું છે.’ દારાએ પહેલાં તો આનાકાની કરવા માંડી, પણ અંતે શાહે બહુ દબાણ કર્યું એટલે એણે પેટી બધાની સામે ખુલ્લી કરી. તેમાંની વસ્તુઓ જોઈ શાહ અને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પેટીમાં દારાના જૂનાં ભરવાડનાં વસ્ત્રો હતાં. શાહે પૂછયું, ‘દારા આ શું ? શા માટે આ જૂનાં વસ્ત્રોને સાથે ને સાથે રાખે છે ? શા માટે રોજ રાતે તેને જુએ છે ?

દારાએ જવાબ આપ્યો, ‘આ જૂનાં વસ્ત્રોને કારણે મારી અસલિયતનું મને હંમેશા ભાન રહે છે. માણસ મોટો થઈ જાય પછી તેનામાં ગર્વ આવી જાય છે. જૂની સ્થિતિ ભૂલી તે ઘમંડથી વર્તે છે. મારામાં આવું ન થાય તે માટે હું રોજ રાતે મારાં જૂનાં વસ્ત્રો જોઈ લઉં છું. તેથી મારી જૂની સ્થિતિનું હંમેશાં ભાન રહે છે.’ દારાની સદવૃત્તિથી શાહ ખુશ થયા. મંત્રીઓ ભોંઠા પડ્યા. મનુષ્યે પોતાના મૂળ આત્માનો હંમેશાં ખ્યાલ રાખી સોંપાયેલાં કર્મ કરવાં જોઈએ.

Advertisements

One response to “અસલિયતનું ભાન

  1. Too good to read….