ધકેલ પંચા દોઢસો – ધીરજ બ્રહ્મભટ્ટ

આપણી કેટલીક ભાષાઓ સંસ્કૃતમાંથી ઊતરી આવી છે એમ જ કેટલીક કહેવતો આંકના ઘડિયામાંથી ઊતરી આવી છે. દાખલા તરીક ‘તમને શી ખબર પડે કે કેટલા વીસે સો થાય છે?’ વાસ્તવમાં આપણે બધા જ જાણતા હોઈએ છીએ કે પાંચ વીસે સો થાય છતાં આ કહેવત કપરા કામ માટે રચાઈ છે. આજે આપણે જે કહેવત શીર્ષકમાં લીધી છે એ બેપરવાહી એટલે કે અતિસરળ અર્થમાં વપરાઈ છે છતાં એનો શાબ્દિક અર્થ કરતાં મૂંઝાઈ જવાય એવી કહેવત છે. આપણને ઊઠાં ભણતાં કે ભણાવતાં આવડે પણ ધકેલનો ઘડિયો તો સાંભળ્યો નથી. શેક્સપિયરે કહ્યું હતું કે મારી ડિક્ષનેરીમાં ઈમ્પોસિબલ જેવો શબ્દ નથી. બસ એ રીતે હું પણ કહી શકું કે મારા દેશી આંકમાં ધકેલનો ઘડિયો નથી. મારા તો શું દુનિયાના કોઈ દેશી હિસાબમાં તમને ધકેલનો ઘડિયો જોવા નહિ મળે. આમ છતાં આપણે વારંવાર બોલતા હોઈએ છીએ કે ધકેલ પંચા દોઢસો.

અમારાં શ્રીમતીજીની પાસે આ મૂંઝવણ મૂકી ત્યારે એમણે બિરબલની અદાથી જવાબ આપી દીધો. ધકેલનો અર્થ ત્રીસ થતો હોવો જોઈએ. ધકેલ કાઢીને ત્યાં ત્રીસ મૂકો એટલે દોઢસો નો મેળ પડી જાય કે નહીં ? એ તો વિજેતા દ્રષ્ટિ ફેંકી ચાલતાં થયાં પણ ધકેલ પંચા દોઢસો એ મારા નાનકડા મગજ પર કબજો જમાવી દીધો.

આપણા દેશમાં ધકેલ પંચા દોઢસોની પ્રથા ન હોત તો આપણું શું થાત ? મોટા રાક્ષસની જેમ આપણી સમક્ષ મોં ફાડીને ઊભેલા પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થાત ? જ્યારે જ્યારે આપણને કોઈ રસ્તો ના મળે ત્યારે કામને ધક્કો મારી ધકેલ પંચે દોઢસો કરવાથી આપણે એકદમ હળવા ફૂલ થઈ જઈએ છીએ. આ પ્રથામાં આગળની વ્યક્તિઓનું શું થશે એની ચિંતા કર્યા કરવાની હોય છે ? સાંભળ્યું છે કે સાચો વેપારી એક પૈસાનો હિસાબ ના મળતો હોય તો આખી રાત જાગીને રૂપિયાનું તેલ બાળે પણ પૈસાનો હિસાબ તો મેળવે જ. આ વ્યક્તિગત બાબત થઈ. જ્યાં જ્યાં આપણું અંગત કામ આવે ત્યારે આ ધકેલ પંચા દોઢસોનું હથિયાર નિરર્થક બની જાય છે. આ હથિયારનો ખરો ઊપયોગ તો કામ બીજાનું હોય ત્યારે જ કરવાની ખરી મજા આવે છે.

મારા એક નજીકના સગાને ધોરણ-11 ના વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ જોઈતો હતો. મેં આ માટે મારા ખાસ મિત્ર જેમનું નામ મિત્રેષ છે એમને વાત કરી. મિત્રેશે પ્રવેશ આપવાનું એના જ હાથમાં હોય એટલા વિશ્વાસપૂર્વક ખાતરી આપી. એણે આ કામ એના નજીકના સગા પી.એસ.આઈ છે એમને સોંપ્યું. પી. એસ. આઈએ એક પાનની દુકાનવાળાને કામ સોંપ્યું. પાનવાળો આખો દિવસ પાન બનાવવામાં વ્યસ્ત રહેતો હોવાથી એક કાપડના વેપારીને વાત કરી. હવે આ વેપારીને ત્યાં મારું ખાતું ચાલતું હતું. એટલે હું કાપડ લેવા ગયો. કાપડિયાએ મને ગંભીર થઈ કહ્યું : તમારે એક કામ કરવાનું છે. મેં એનું કામ પૂરું કરવા ઉત્સુકતા બતાવી. તો કહે, એક વિદ્યાર્થીને અગિયાર સાયન્સમાં ઍડમિશન અપાવવાનું છે. મેં નામ પૂછયું તો એ મારો કેસ લઈને જ મારી પાસે આવ્યો હતો ને પ્રવેશનો પ્રોબ્લેમ લોકોની લાતો ખાતો ખાતો અંતે મારા જ પગ સાથે ભટકાયો. આવું બનવા પાછળનું કારણ આપણે ત્યાં પ્રચલિત બોલી ધકેલ પંચે દોઢસોની પ્રથા જ છે.

ધકેલ પંચે દોઢસોના કારણે બીજી પણ એક રમૂજ ફેલાવે એવી સમસ્યા અમારે માટે આજે પણ વણઊકલી રહી છે. અમારી ઑફિસ છે 26, ગુજરાત બટાલિયન એન.સી.સી. વળી, અમારા શહેરમાં ભારત સોસાયટી પણ છે. જ્યારે જ્યારે અંગ્રેજી ભાષામાં સરનામું થયેલો 26, ભારત સોસાયટીનો પત્ર આવે ત્યારે ટપાલી અમારી ઑફિસે જ નાંખી જાય છે. બસ આગળ 26 અને પાછળ અંગ્રેજી લખાણ જુએ પછી આગળ વાંચવાની ઝંઝટમાં શા માટે પડે ? ધકેલી દે અમારી ઑફિસે. અમે પટાવાળાને આપીએ, પટાવાળો બીજાને આપેને બીજો ત્રીજાને આપે. પત્ર અસલ માલિક પાસે પહોંચે ત્યારે પત્ર લખનાર 26, ભારત સોસાયટીમાં મહેમાન તરીકે આવ્યાં હોય.

પત્રનાં સરનામાં લખવામાં પણ ઘણા ધકેલ પંચે દોઢસો ચલાવતા હોય છે. આ તો ખૂબ જ જાણીતી વ્યક્તિ છે, મળી જ જશે એમ મન મનાવી સરનામામાં પણ વેઠ કાઢીને પોસ્ટ કરી દેતા હોય છે. બાકીની તમામ જવાબદારી નાંખે બિચારા પોસ્ટમૅન પર. અમારા નાથાકાકા સરનામામાં ધકેલ પંચે દોઢસો કરવામાં ઍવોર્ડ મળે એટલા આગળ નીકળી ગયા છે. એમના દીકરાને કાગળ લખે પછી નીચે આ પ્રમાણે સરનામું કરે. રમણલાલ નાથાભાઈને મળે. સ્ટેશનેથી ઊતરી નાકની દાંડી સામે જવાનું. ઘરનંબર ખબર નથી, જણાવશો. મુ. અમદાવાદ. હવે આ કાગળ અમદાવાદના બધા જ પૉસ્ટમેનો ભેગા થઈ શોધે તોય રમણને શોધતાં શોધતાં મરણ થઈ જાય ત્યાં સુધી નિષ્ફળ રહે કે નહીં ?

પરિક્ષામાં વિદ્યાર્થીઓ પણ ધકેલ પંચે દોઢસો જ કરતાં હોય છે. એમનું ગણિત આ પ્રમાણેનું હોય છે : બોર્ડને અમુક ટકા તો રિઝલ્ટ આપવું જ પડશે, એટલે કંઈક લખ્યું હશે તો તપાસનાર માર્કસ મૂકી શકશે. કોરા પાના ઉપર ઓછો માર્કસ મૂકવાનો છે. માટે જવા દો ને ધકેલ પંચા દોઢસો. સિનેમાની સ્ટોરી કે એનાં ગીતો લખનાર તો સમજ્યા પણ કેટલાક ધકેલ પંચે દોઢસોવાળા તો ભારે તેજસ્વી હોય છે. એક વખત વૈજ્ઞાનિક કારણ પૂછેલું કે, ‘રાત્રે ઝાડ નીચે સૂવું હિતાવહ નથી.’ આ કારણના જવાબમાં એક ફળદ્રુપ ભેજાના વિદ્યાર્થીએ જવા દીધું કે રાત્રે ઝાડ નીચે સૂવાથી આપડી ઉપર મકોડા પડે છે માટે ઝાડ નીચે સૂવું હિતાવહ નથી. બીજા એક કારણમાં આ ધકેલ પંચે દોઢસો ધુરંધરે લખેલું કે ગામડાંના લોકો ધક્કા મારીને વગર ટિકિટે બસમાં ચઢીના જાય માટે કન્ડકટર બસમાં પગ પહોળા રાખીને ઊભો રહે છે. જેને ધકેલ પંચે જ ચલાવવું છે એને સમતોલનના નિયમો જણાવવાની કોઈ જરૂર નથી. માત્ર વિદ્યાર્થીઓ જ ધકેલ પંચે કરે છે એમ નથી. પરિક્ષકોમાં પણ આ જ પ્રથા પ્રચલિત બની ગઈ છે. રોજના સાઠથી સિત્તેર પેપર ચેક કરનારા ધકેલ પંચે દોઢસો નહીં કરતાં હોય તો બીજું શું કરતાં હશે ?

હૉસ્પિટલમાં પણ આ ધકેલ પંચાવાળી પ્રણાલી પૂરબહારમાં ખીલી છે. ડૉકટરો ઑપરેશન કર્યા પછી નાનકડી કાતર કે અન્ય સાધન શરીરમાં ભૂલી જવાનાં ઘણાં ઊદાહરણો છે પરંતુ ત્યાં માત્ર ડૉકટરો જ નહીં પરંતુ ઠેઠ નાના કર્મચારી સુધી ધકેલ પંચેનો રોગ ફેલાયેલો છે.

અમારા શહેરમાં એક માજી ના ડાબા પગને બદલે જમણા પગે ઑપરેશન કરી નાખ્યું. માજી ભાનમાં આવ્યાં ત્યારે સાજો પગ ઝાઝો દુ:ખતો હોવાથી કંઈક બફાઈ ગયું એવો વહેમ પડ્યો. ને વહેમ સાચો પડ્યો. ભૂલથી ડૉકટરે બીજ જ પગનું ઑપરેશન કરી નાંખ્યું હતું.

એક દિવસ હું એક હૉસ્પિટલમાં સંબંધીની ખબર પૂછવા ગયો. ત્યાં બે કર્મચારીઓ સ્ટ્રેચરમાં ખેંચીને એક ડોસાને ઑપરેશન થિયેટરમાં લઈ આવ્યા. પછી એક સ્ત્રીકર્મચારી આવીને ડોસાની છાતી પરના વાળ બ્લેડ વડે સાફ કરવા લાગી. ડોસાએ ચમકીને પૂછયું : તમે મારી છાતી પરના વાળ શા માટે કાઢો છો ? બાજુમાં ઊભેલી પરિચારિકાએ છણકો કરીને ડોસાની બોલતી બંધ કરી દીધી. છાતીના અડધા વાળ કાઢ્યા હશે ત્યાં તો ડોસો વીફર્યો ને બેઠો થઈ ગયો. ત્રાડ નાંખીને બોલ્યો : મને છાતીમાં કંઈ જ થયું નથી. તમે બધાં મને વગર વાંકે મારી નાખશો. ડોસાએ બળવો પોકાર્યો ત્યારે નર્સે કંઈક ગંભીરતા ધારણ કરી અને તપાસ કરતાં જણાયું કે એ લોકો ગૌરીશંકર નામના બીજા જ માણસને ઉપાડી લાવ્યાં હતાં. અંતે અસલી ગૌરીશંકરને થિયેટરમાં લાવ્યાં ને આ નકલી ગૌરીશંકરને એમના રૂમમાં મૂકી આવ્યાં. ત્યાં પણ ડોસો ધ્રૂજતો હતો. મારા બેટા ! હમણાં મને અમસ્તો અમસ્તો જ વેતરી નાખત ને !

સરકારી કચેરીઓમાં તો ઘણી વખત ધકેલ પંચે દોઢસો ચાલે ત્યારે જબરી રમૂજ થાય છે. એક વખત સરકારી કચેરીમાંથી પત્ર મોકલવામાં આવ્યો કે આપણા રાજ્યમાં ઉકરડા માટે ખાડા ખોદવામાં આવે છે એના કારણે ઘણી જમીન ખેડ્યા વગરની પડી રહી છે. આ પ્રકારની જમીન કેટલી છે તેનો સર્વે કરવાનો હોવાથી દરેક ગામના સરપંચે ઉકરડામાં વપરાયેલ જમીનનું ક્ષેત્રફળ મોકલવું. સરપંચોએ આશરે રિપોર્ટ મોકલ્યો કે અમુક ચોરસફીટ. તાલુકાકક્ષાએ જે ગામનો રિપોર્ટ નહતો આવ્યો એનો બીજા ગામના આધારે લખ્યો. પછી તો જિલ્લાવાળાએ પણ ધકેલ પંચે દોઢસો જવા દીધું ને જે તાલુકાના આંકડા ના મળ્યા ત્યાં બીજા તાલુકાના આધારે વિગતો ભરી દીધી. આ બધા આંકડાની માયાજાળમાં ગમે તે ગોટાળો થયો પણ જ્યારે ઉકરડાના ખાડાઓના ક્ષેત્રફળનો સરવાળો માર્યો તો એ રાજ્યના ક્ષેત્રફળ કરતાં વધી ગયો હતો.

પ્રવચનમાં પણ આ ધકેલ પંચે તો ખરું જ. અમારે ત્યાં એક ગાર્ડની બદલી થતાં વિદાય આપવાનો સમારંભ ગોઠવાયો. શરૂમાં તો બધાએ ગાર્ડના સ્વભાવનાં વખાણ કર્યાં પરંતુ પાછળથી શરૂ થઈ ગયું કે આ ધકેલ પંચે દોઢસો. એક ધોળી મૂછોવાળા દાદાએ તો ધકેલ પંચાને પરાકાષ્ઠાએ પહોંચાડ્યું. આ ગાર્ડસાહેબ કેટલા બધા સારા હતા ! આપણે ટિકિટ લીધી હોય કે ના લીધી હોય તોય એ હોય એટલે આપણે જરાય ફિકર નહીં. એક વખત તો બિચારા અમને ઝાંપાની બહાર કાઢવા પણ સાથે આવેલા. વગેરે….વગેરે…. ચાલુ પ્રવચને ગાર્ડસાહેબ ગભરાયેલા ઊભા થયા ને બોલ્યા, બસ ! હવે મારું ઘણું સન્માન થઈ ગયું. હવે આનાથી વધુ સન્માન કરશો તો મારે નોકરી ખોવા દહાડો આવશે. આવું જ એક ધકેલ પંચે છાપ પ્રવચન એક નેતાએ અનાથ આશ્રમના ઉદઘાટનના પ્રસંગે કર્યું હતું કે આ સંસ્થામાં અત્યારે માત્ર પંદર બાળકો છે પરંતુ આપણે આશા રાખીએ કે તેની દિવસે દિવસે પ્રગતિ થાય. આ સંસ્થા ખોબ જ ફૂલેફાલે અને દેશનાં મોટી સંખ્યાના બાળકો આ સંસ્થાનો લાભ લઈ શકે. બાજુમાં બેઠેલા એક કાર્યકરે એમના પગે હળવો ચોંટકો ભરીને ચેતવ્યા કે તમે તો વગર તૈયારીએ આવ્યા છો ને ધકેલ પંચે જ દેવા માંડ્યા છો. પછી તો એ ઘણાય પસ્તાયા પરંતુ આ ધકેલ પંચાનું તીર એક વખત છૂટી ગયું એને પાછું ખેંચવું અતિકપરું કામ છે.

ખરેખર ધકેલ પંચે દોઢસો આપણા માટે આશીર્વાદ સમાન છે. આ પ્રથાના કારણે આપણે ગમે તેટલું કામનું ભારણ વધી જાય તો પણ મૂંઝારો થતો નથી. આપણી અણઆવડતને ઢાંકી શકાય છે એટલું જ નહિ પરંતુ આપણે કામ નિપટાવવામાં કેટલા હોંશિયાર છીએ એવો સંતોષ થાય છે.

જો કે આ ધકેલ પંચે જ્યારે ભીંતે અથડાયેલા દડાની જેમ આપણી તરફ પાછું આવે છે ત્યારે એ કેટલું પીડાકારી છે એની પ્રતીતિ થાય છે. ઘરમાં રસોઈ બનતી હોય ત્યારે પત્ની દાળશાક બનાવતાં મસાલામાં ધકેલ પંચે કરે ત્યારે ઉપર પંખો ફરતો હોય તોય પરસેવો વળી જાય છે. ઘરખર્ચ માટે આપણે પૈસાનો હિસાબ ધકેલ પંચે આપે ત્યારે ઘણી વખત તમે આપેલા રૂપિયા કરતાં ખર્ચનો આંકડો મોટો થઈ જાય છે. તમારાં વસ્ત્રોની ધોલાઈ કરતી વખતે શ્રીમતીજીના રંગીન કપડાંના ડાધ તમારાં સફેદ વસ્ત્રો પર પડે છે અથવા અઠવાડિયામાં બે વખત તમારાં બટન તૂટી જાય છે એની પાછળ આ ધકેલ પંચે દોઢસો જ કારણભૂત છે.

અંતમાં એક સવાલ વિચારવા જેવો ખરો કે ધકેલ પંચે દોઢસો જ શા માટે ? બસો કે અઢીસો શા માટે નહીં ? સંશોધનના અંતે અમારા મિત્ર લલિતચંદ્ર દવેએ એવું તારણ કાઢ્યું છે કે તમે સો ટકા કામ કરો એમાં બીજું પચાસ ટકા ધકેલ પંચા ચાલે. મતલબ, ત્રીજા ભાગના કામમાં વેઠ ચાલે. અમારો દૂધવાળો પણ આ વાત સાથે સંમત થતા કહેતો હતો કે એકલું પાણી ઘરાકને ન જ અપાય ને ? પણ ત્રણ લિટરમાં એક લિટર ધકેલ પંચા ચાલે. આ બંને વ્યક્તિઓ ઉપરથી આપણે તારણ કાઢીએ કે આ દેશમાં સાક્ષર લલિતભાઈથી માંડી નિરક્ષર દૂધવાળા સુધીના સૌએ ધકેલ પંચા દોઢસોની થિયરી સ્વીકારી લીધી છે. એનાં મૂળ એટલાં તો ઊંડા છે કે એને કોઈ જ નહીં હચમચાવી શકે.

Advertisements

8 responses to “ધકેલ પંચા દોઢસો – ધીરજ બ્રહ્મભટ્ટ

 1. વાહ િધ્ર્જભાઈ

  હિસ હિસ ને પેટ દુિખ ગયુ. ખુબ જ સર્સ લેખ્ છે.

 2. સુરેશ જાની

  ધીરજભાઇ
  તમે બહુ જ સારા હાસ્યલેખક છો. પહેલી જ વાર તમારો લેખ વાંચ્યો. લખતા રહો.
  આશા રાખું કે આ વ્યંગની પાછળનો અંગુલીનિર્દેશ પણ આપણે સમજીએ અને ધકેલ પંચા દોઢસો કરવાની પ્રવૃત્તિમાંથી બચીએ.
  પશ્ચિમના દેશો આગળ આવવા માટે આવા શોર્ટ્કટ શોધવાને બદલે ભૂલ ન થાય તેવી સીસ્ટમ વિકસાવવામાં તેઓ ઘણો પ્રયત્ન કરે છે – તે કલ્ચર જવાબદાર છે. આપણે આનું અનુકરણ કરવા જેવું છે. મેં જોયેલી રીત પરથી કહું છું કે હોસ્પીટલ વાળા દાખલા અહીં પણ બન્યા હશે એટલે, અહીં હોસ્પીટલમાં જાઓ કે તરત રજીસ્ટ્રેશન પછી આપણા હાથમાં આપણા આઇ.ડી વાળી કાગળની સ્લીપ પહેરાવી દે છે. આમાં કાંઇ ખર્ચ હોતો નથી પણ આવી ભયંકર ભૂલો અટકાવી શકાય છે.
  આ માટે એક ભૂલ થાય તેની ચર્ચા કરીને દરેક કાર્યકારી ગ્રુપ આવાં સુચનોનો અમલ કરે છે અને આવા સારા સુઉચનો આખી સંસ્થાના ઓપરેટીંગ મેન્યુઅલમાં લખાઇ જાય છે. બીજી સંસ્થાઓ પણ તેમના સેમીનારોમાં આવા સારા સૂચનોની ચર્ચા કરી આખા વ્યવસાયમાં આ રીતોનું પ્રસારણ કરે છે.આમ એક સીસ્ટમ ઊભી થાય છે. અહીં માણસો આપણા કરતાં વધુ બુદ્ધિશાળી છે તેમ નથી, પણ આવું કલ્ચર અહીંની પ્રગતિ માટે જવાબદાર છે.
  આઇ. એસ. ઓ . 9000 આવી રીતોનું પદ્ધત્તિ પૂર્વકનું શાસ્ત્ર છે.
  આપણે પાશ્ચ્યાત જીવન પદ્ધતિનું અનુકરણ કરતા થયા છીએ પણ આવી સારી પદ્ધતિઓ અપનાવવા જેવી છે.

 3. very light and innocent comedy !!! [:)]

 4. dhirajbhai,excellent article!bapu bahuj saras hasyalekh

 5. Nice article. Only one thing “Impossible word is not in my dictionary” was not said by Shakespeare but by Napoleon.

  Keep the good job up!

 6. Quite hilarious ,burst into laughter on reading some of the incidents described in very good language

 7. vah dhirejbhai maza padi gai.. lakhata raho..
  mane avuj vanchan game che.

 8. ધકેલપંચા દોઢસો એ આપણા સમાજમાં રુઢ થઇ ગયેલો શબ્દ છે તેને પકડીને લેખકે સરસ અને બહું સરળ ભાષામાં હાસ્ય લેખ લખી વેબસાઇટના વાચકોને ખરેખર હસતા કરી મૂક્યા છે, વેબસાઇટ ઉપર પ્રથમ વખતે આવો મજાનો હાસ્ય લેખ ઉપલબ્ધ કરી આપવા બદલ લેખક શ્રી ધીરજભાઇ બ્રહ્મભટ્ટને અભિનંદન અને BEST LUCK.