ભકત સુરદાસ

એકવાર ભકત કવિ સુરદાસ ભજન ગાતાં ગાતાં માર્ગ ઉપર ચાલ્યા જતા હતા, પણ અંધ હોવાથી ઊંડા ખાડામાં પડ્યા અને છતાં ભગવાન શ્રી કૃષ્ણનાં ભક્તિભજનો તો ગાયાં જ કરતા હતા. તેમની ભક્તિપ્રાર્થનાને પ્રતાપે મોડી રાત હોવા છતાં એક નાનકડા બાળરૂપે અચાનક ભગવાન શ્રી કૃષ્ણે આવીને તેમને ખાડામાંથી બહાર કાઢ્યા. ભક્ત સુરદાસ તરત જ એ બાળપ્રભુના સ્પર્શને પામી ગયા. અને મનોમન ઉદ્દગાર કાઢ્યા : ‘જરૂર પ્રભુ એ જ બાળસ્વરૂપે આવીને મને ઉગાર્યો છે.’

એટલે તેમણે પેલા બાળકનો હાથ જોરથી પકડી રાખ્યો, પણ યુક્તિથી એ બાળપ્રભુ તો એમનો હાથ છોડાવીને છટકી ગયા ત્યારે સુરદાસ રડી પડ્યા, પણ કરુણ સ્વરે તેમનું હૈયું ગાઈ ઊઠ્યું :
‘કર મરોડ કે જાત હો, નિર્બળ જાણો મોય,
મુજ હ્રદય સે જો ખાંસો, સબળો જાણું તોય.’

ભાવાર્થ – ‘યુક્તિથી હાથ છોડાવી તમે છટકી જાવ છો, કેમ કે હું નિર્બળ છું, પણ મારા હૃદયમાંથી જો ખસી શકો તો તમને ખરા માનું.’

એકવાર ત્યારે મથુરામાં રહેતા એ ભક્ત પાસે બાદશાહ અકબર ગયા અને તેમને પોતાને ત્યાં પધારવાનું નિમંત્રણ આપ્યું. એટલે પ્રેમવશ નિમંત્રણથી તેઓ તો બાદશાહના દરબારમાં ગયા અને ત્યાં ‘મન રે ! માધવ સે કર પ્રીતિ’ નું પદ તેમને સંભળાવ્યું.

એ વખતે બાદશાહે સુરદાસને પોતાની પ્રશંસાનાં પદ રચીને ગાઈ સંભળાવવાની વિનંતી કરી અને બદલામાં તેમને મોં માંગી ચીજો બક્ષિસમાં આપવા જણાવ્યું.

જવાબમાં ત્યારે એ ભક્તે કહ્યું : ‘મારો માલિક શ્યામસુંદર તો તમારા જેવા અનેકોનો માલિક છે. અને મને દાન કે માન અકરામ મેળવવાની જરાય ઈચ્છા નથી. ભલા, હું શા માટે તમારા યશોગાન ગાઉં ?’ આમ કહી તેમણે બીજું સુંદર ભક્તિપદ બાદશાહને સંભળાવ્યું.

એટલે તે વખતે પ્રસન્ન થઈ બાદશાહે ભક્તના હૃદયભાવની કદરરૂપે કેટલાંક ગામોની જાગીર બક્ષિસ તરીકે આપવાની તૈયારી બતાવી ત્યારે ભક્ત સુરદાસે કહ્યું : ‘ભલા માણસ, મને તો અનંત કોટિ બ્રહ્માંડના સ્વામીની સેવાની જાગીરી મળી છે તો ચાર ગામની તુચ્છ જાગીરીનું પ્રલોભન મને શી રીતે લોભાવી શકે ?

એમ કહી બાદશાહની બક્ષિસ લેવાની ભક્ત સુરદાસે સાભાર ના પાડી દીધી.

Advertisements

2 responses to “ભકત સુરદાસ

  1. hmm… I like it. nice one…tells a brief thing.

  2. ભક્તિની ખુમારીને દાદ આપવી જ ઘટે !