ડિસ્ટિકંશન સાથે પાસ – ડૉ. યોગેન્દ્ર વ્યાસ

[ આ ઘટના રીડગુજરાતીને લખી મોકલવા માટે ઉત્તમભાઈ ગજ્જરનો (સુરત) ખૂબ ખૂબ આભાર ]

બે એક દાયકા પહેલાની વાત છે. મારી એક વિદ્યાર્થીનીના પિતાજી એ સમયે હાઈકોર્ટમાં જજ હતા. ક્યારેક અમારી સંસ્થા પાસેથી સાંજે એ નીકળે તો દીકરીને પોતાની સાથે લઈ જાય. મારું ઘર રસ્તામાં એટલે ક્યારેક મને પણ ઘરે ઊતારતા જાય.

એક દિવસ સાંજે એ આવ્યા. આવનારી પરિક્ષાઓ માટે પ્રશ્નપત્રો અમે મિત્રોએ તૈયાર કર્યા હતા. તે મારે ઘરે જઈને ફેર કરવાના હતા. તેનું પરબિડિયું મારા ટેબલ પર પડ્યું હતું. એમણે પૂછયું, ‘આવવું છે અમારી સાથે ? તમને ઊતારતાં જઈએ.’ મેં સહજ રીતે હા પાડી અને ટેબલ પરનું પરબિડિયું લઈ હું તેમની સાથે કારમાં ગોઠવાયો.

રસ્તામાં દરવખતની જેમ અલકમલકની વાતો ચાલી. એ પોતે પાછા રમુજી એટલે જાતજાતની રમૂજો સંભળાવી હસાવતાં જાય. મારું ઘર આવ્યું એટલે, ‘આવજો….આવજો…’ કહી હું ઊતરી ગયો. કાર ચાલી ગઈ અને તરત મને ભાન થયું કે પ્રશ્નપત્રોવાળું પરબિડિયું તો કારમાં જ રહી ગયું ! પરબિડિયું ખુલ્લું જ હતું ને એમાં વાર્ષિક પરિક્ષા માટે તૈયાર કરેલા બધા પ્રશ્નપત્રો હતા ! મને થયું કે ભારે ભૂલ થઈ !

મેં ઘરમાં જવાને બદલે સીધા પાડોશીને ત્યાં જ પ્રવેશ કર્યો. ‘તમારો ફોન ચાલુ છે ને ?’ મેં પ્રવેશતાં જ ખાતરી કરી લીધી. ફોન કર્યો તો એમનો ફોન એન્ગેજ આવતો હતો. મેં ફોન મૂકી દીધો અને તરત ઘંટડી રણકી. એટીકેટ ખાતર મેં ફોન ઉપાડ્યો નહીં. એ પાડોશીની દીકરીએ આવી ફોન લીધો. ‘અંકલ, તમારે માટે ફોન છે.’ તેણે એમ કહી મને આપ્યો.
મેં ‘હેલો’ કર્યું ને સામેથી જજ સાહેબનો અવાજ આવ્યો, ‘તમારું એક પરબિડિયું કારમાં રહી ગયું છે. હું કાલે બેબી સાથે તમને મોકલી આપીશ.’
મેં હાશકારો અનુભવતાં કહ્યું, ‘બહુ સારું. હું એની ચિંતામાં જ હતો. વાર્ષિક પરિક્ષાના પ્રશ્નપત્રોનું પરબિડિયું છે. તમારા જ હાથમાં આવ્યું એ સારું થયું.’ મેં સહજ રીતે ઊમેર્યું.
‘પ્રશ્નપત્રોનું પરબિડિયું છે ? ખુલ્લુ છે પણ તમે ચિંતા ન કરશો. હું જાતે જ કાલે તમને પહોંચાડી દઈશ.’
મેં તરત સામેથી કહ્યું, ‘ના, એમ ન કરશો. તમે એવું કરો તો એનો અર્થ એમ થાય કે મને મારી વિદ્યાર્થીની ઉપર અને તમને તમારી દીકરી ઉપર ભરોસો નથી. એની સાથે જ મોકલજો.

બીજે દિવસે મારી વિદ્યાર્થીનીએ ખુલ્લું પરબિડિયું મને આપ્યું ત્યારે મેં એને સહજ રીતે પૂછયું, ‘તને ખબર છે એમાં શું છે ?’
એણે ડોકું હલાવીને ના પાડી, પણ એની આંખોમાં ‘શું છે?’ એવો પ્રશ્ન વંચાતો હતો.
મેં કહ્યું, ‘એમાં તારી પરિક્ષાના પ્રશ્નપત્રો છે. કુતૂહલ ખાતર પણ તને આ પરબિડિયું ખોલવાનું મન ના થયું ?’
એણે સાવ ભોળાભાવે ના પાડી.

પરિક્ષા આપ્યા પહેલાં જ એ ડિસ્ટિંકશન સાથે પાસ થઈ હતી !

Advertisements

4 responses to “ડિસ્ટિકંશન સાથે પાસ – ડૉ. યોગેન્દ્ર વ્યાસ

  1. સંસ્કાર ભારોભર છલકાય છે.

    નીલા

  2. wow… very nice story.

  3. Inspiring………