આપણી કહેવતો – ઉર્વશી પારેખ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રીમતી ઉર્વશીબહેનનો (મુંબઈ) તેમજ ટાઈપ કરીને મોકલવા માટે શ્રીમતી નીલાબહેન કડકિયાનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર ]

કહેવત શબ્દનો સીધો સાદો અર્થ કરીએ તો કહે-વાત. જે કઈ વાત થઈ હોય, કાર્ય થયુ હોય જેની કંઈ વાત કહેવાની હોય પછી તે વાત સારી હોય કે નરસી, ખોડ ખાંપણ બતાવતી હોય કે નોંધતી હોય તે ' કહેવત'. કહેવતમાં ડહાપણ ને અનુભવ છે. પંડિતોએ તેને વ્યવહારૂ સાનનો ખજનો કહ્યો છે. યુગયુગનું એમાં ડહાપણ છે. કાળ જાય છે પણ કહેવત તો રહે છે જ. કહેવતની જનની અનુભવ છે અનુભવનું એ સંતાન છે. પ્રસંગ ઈતિહાસ સ્વભાવ પરથી કહેવતોનું ઘડતર થયું છે. કહેવતોમાં કવિતાના પ્રાસ અને મીઠાશ પણ છે.

‘પહેલું સુખ જાતે નર્યા, બીજુ સુખ ઘેર દીકરા
ત્રીજું સુખ ગુણવંતી નાર, ચોથુ સુખકીડીએ જાર’

સાધારણ રીતે કહેવતોનું ઉદગમ સ્થાન ગામ છે. તેથી જ તેના પાત્રો તેમજ વિષયો વધારે ગામઠી દેખાશે. તો ચાલો થોડું લુપ્ત થતું ને ભૂલાઈ જતું જ્ઞાન પુન: પ્રકાશમાં લાવીએ તેથી તેમાંથી જ્ઞાન ને આનંદની પ્રાપ્તિ થાય.

‘અક્કરમીનો પડિયો કાંણો.’ એટલે કે નસીબનો જે વાંકો હોય તો તે બધી રીતે વાંકો હોય છે. જો કોઈ કમભાગી ન્યાતમાં પણ જમવા બેસે તો તેના ભાગ્યમાં કાંણો દડિયો જ આવે.

‘આપ સમાન બળ નહિ.’ એનો અર્થ પોતાની શક્તિ છે તે જ ખરી શક્તિ છે.હાથની તાકાતથી જે સંકલ્પ કરે છે તે પાર પડે છે.

‘આણુ કરવા ગયો ને વહુને ભૂલી આવ્યો.’ એટલે કે લાભની જગ્યાએ જ્યારે નુકશાન થાય કામ સીધુ કરવા જઈએ ને ઉલટું થઈ જાય ત્યારે કહેવાય છે કે "લેવાનાં દેવા થયાં" આણુ કરવા ગયો ને વહુ ભૂલી ને આવ્યો.

‘સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય’ માત્ર સુંઠ કે બે પાંચ મરી મસાલા વેચવાંથી ગાંધી ન થવાય. અલ્પજ્ઞાન ધરાવતો વધારે નુકશાન કરી બેસે છે.

‘જાયાતા દશમો ગ્રહ’ જમાઈને દશમો ગ્રહ કહ્યો છે. નવ-ગ્રહ પીડા આપે છે જ પણ જમાઈ તેના વર્તન ને રૂઆબથી મોટે ભાગે પીડા પીડા આપે છે. જમરાજ કહીને પણ જમાઈને નવાજ્યા છે.

‘કાગડો દહીંથરુ લઈ ગયો’ એટલે કે કાગડો રંગમાં કાળો છે દેખાવમાં પણ ગમતો નથી. તેથી જ કોઇ સુંદર યુવતીને શ્યામ રંગની વ્યક્તિ તો કહેવાય છે કે કાગડો દહીંથરુ લઈ ગયો.

‘કાચળિયું સગપણ સાચું
જમણમાં લાડૂ ને સગપણમાં સાટું’

ભાઈ ભાભીનાં રાજમાં ભાઈનાં સગા- સબંધીઓ ભૂલાઈ જવાતા હોય છે અને ભાભીનાં જ સગાઓ પૂજાતા હોય છે તેમની આગતા સ્વાગતા થાય છે. આણ વર્તાતી ભાભી માટે આ કહેવત કહેવાય છે.

‘કીડી ને કણ ને હાથીને મણ’ સર્જનહાર માણસને જન્મ આપીને બેસી નથી રહેતો એના અન્નની વ્યવસ્થા પણ કરેલી જ હોય છે. જેને જેટલું અન્ન જોઈએ તેને તેટલું જ આપી રહે છે.

‘ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તૈલી.’ એટલે કે કોઈ મોટા માણસની સાથે કોઈ નાના ક્ષુદ્ર માણસની સરખામણી કરવામાં આવે ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે.

‘ઘરકી મુર્ગી દાલ બરાબર’ પોતાના વતનમાં કે ઘરમાં માણસની કિંમત થતી નથી પછી ભલે તે મોટો ભણેલો પંડિત કેમ ન હોય તેની ગણના થતી નથી.

‘ટાઢે પાણીએ ખસ ગઈ’ કોઈ વિઘ્ન આવ્યું હોય કોઈ મુસીબત આવી હોય ને તે હળવેથી આપોઆપ દૂર થઈ જાય ત્યારે આ કહેવત વપરાય છે.

‘ન બોલ્યામાં નવ ગુણ’ કોઈ ગંભીર વાત જોયા જાણવા છતાં મૂંગા રહેવામાં જ મજા છે. આમાં ચુપકિદીને મહત્વ આપવામાં આવ્યું છે.

‘નાચવું નહી ને આંગણું વાંકું.’ કામ કરવાની ઈચ્છા ન હોય ત્યારે અનેક બહાનાં કાઢવામાં આવે છે મૂદ નથી દિલ લાગતુ નથી વગેરે.

‘પોથીમાંનાં રીંગણા’ એટલે કે લોકોને ઉપદેશ આપવો સરળ છે જ્યારે જાતે તેનો અમલ કરવો મુશ્કેલ છે.

આમ ભોજન માટે મીઠું તેમ બોલી માટે કહેવત. કહેવત વગરની ભાષા નથી. દલીલ કે બોધ કે સામાના વ્યહવારમાં કહેવતની અસર ભારે અસરકારક બની જાય છે.

Advertisements

One response to “આપણી કહેવતો – ઉર્વશી પારેખ

  1. ખુબજ સુંદર છે લખાણ આપનું ઉર્વશીબેન. વધુ લખાણની આશા રાખુ છું.

    નીલા
    મુંબઈ