જ્ઞાન-વિજ્ઞાન

[ ‘સફારી’ મેગેઝીનમાંથી સાભાર ]

[1] અખરોટનું વૃક્ષ અનોખી રાસાયણિક પ્રક્રિયા વડે પોતાની આસપાસના વિસ્તારને હરીફ વનસ્પતિ માટે ‘નૉ એન્ટ્રી’ નો બનાવે છે. અખરોટનાં પાંદડાં hydrojuglone glucoside નામનું રસાયણ પેદા કરે છે. પાણીમાં તે દ્રાવ્ય છે, પરંતુ ઝેરી નથી. વરસાદી ટીપાં તેને ઓગાળી જમીન સુધી પહોંચાડે, એટલે હાઈડ્રોલિસિસની તથા ઑક્સિડેશનની ક્રિયા તેને juglone કહેવાતા ટોક્સિક કેમિકલમાં ફેરવી નાખે છે. આ કેમિકલનું વિષ પીધેલી માટીમાં ત્યાર પછી કશું ઊગતું નથી.

[2] માનવમગજનો ડાબો હિસ્સો જમણા કરતાં બળવત્તર હોય છે. લગભગ 65% સ્ત્રી-પુરુષો તથા બાળકોના મગજનો ડાબો હિસ્સો વધુ મોટો હોય છે. 24% લોકોના મગજનો જમણો હિસ્સો મોટો જણાયો છે, જ્યારે 11% લોકોને મગજના બેય હિસ્સા સરખા કદના હોય છે. માણસની વાચા, લેખન, ભાષા, વિચારો, તર્ક અને ગણતરીઓ વગેરેનું કંન્ટ્રોલ મથક મગજના ડાબા હિસ્સામાં હોય છે જ્યારે જમણો હિસ્સો કલ્પનાશીલતા, સંગીતરૂચિ, સામેની વસ્તુના અંતરનો તથા દિશાનો તાગ લેવાની ક્ષમતા, કલાદ્રષ્ટિ વગેરે ગુણોનું નિયમન કરે છે.

[3] ઍન્ટાર્કટિકામાં સંશોધન ચલાવતી વૈજ્ઞાનિક ટુકડીને નવેમ્બર, 2005 માં ઊંડા ભૂગર્ભમાંથી હિમના કેટલાંક એવાં સેમ્પલ મળી આવ્યાં કે જે અંદાજે સાડા છ લાખ વર્ષ પુરાણાં હતાં. લેબોરેટરીમાં તેમનું પરિક્ષણ કરતી વખતે વિજ્ઞાનીઓને તેમાં કાર્બન ડાયોક્સાઈડની હાજરી ઍર-બબલ્સના સ્વરૂપે પકડાઈ. બરફના ચક્કામાં કેદ કાર્બન ડાયોક્સાઈડ ની માત્રાના આધારે નિષ્ણાતો એવા મંતવ્ય પર આવ્યા કે આજની તુલનાએ સાડા છ લાખ વર્ષ પહેલાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ લગભગ 27% ઓછું હતું.

[4] અઢારમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એ પછી સમુદ્રસપાટીનું લેવલ બમણી ઝડપે વધી રહ્યું છે. (ગ્રીનહાઉસ ઈફેક્ટ વાસ્તવમાં ઔદ્યોગિક ક્રાંતિની જ દેણ છે.) ધ્રુવપ્રદેશોનો બરફ પીગળવાને લીધે સમુદ્રની સપાટી વાર્ષિક 2 મીલીમીટર લેખે વધે છે. પરિણામે માલદીવ જેવા અનેક ટાપુઓનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું છે. 2005ની વાત કરો તો દક્ષિણ પ્રશાન્ત મહાસાગરના કાર્ટરેટ્સ નામના ટાપુ પર સમુદ્રએ કરફ્યુ લાદયો. આ ટાપુના 980 રહીશો બીજે સ્થળાંતર કરી ગયા છે, કેમ કે સમુદ્ર થોડાં વર્ષોમાં કાર્ટરેટ્સને કોળિયો બનાવી દે તેમ છે.

[5] સાપ કદી પોતાના ઝેર વડે ન મરે તેનું કારણ એ કે ઝેર અલગ કોથળીમાં હોય છે. વનસ્પતિમાં તો સાઈનાઈડ જેવાં વિષદ્રવ્યોના સ્ટોરેજ માટે જુદી વ્યવસ્થા હોતી નથી, છતાં પ્રાણી-પંખીને તથા જીવડાંને આકરું પડી જતું ઝેર ખુદ વૃક્ષોને તેમજ છોડ-વેલાને કેમ અસર કરતું નથી? અહીં કારણ જુદું છે. અમુક પ્રદાર્થ ઝેરી અને જીવલેણ એટલા માટે નીવડે કે સ્નાયુઓનું તથા જ્ઞાનતંતુઓનું કાર્ય તેને લીધે જોખમાય છે. વનસ્પતિને સ્નાયુઓ નથી તેમ જ્ઞાનતંતુઓ પણ નથી.

Advertisements

One response to “જ્ઞાન-વિજ્ઞાન

  1. very knowlegable information.
    good

    Neela