યુવાનોને – વિલ ડ્યૂરાં

[ ‘જનકલ્યાણ’ મેગેઝીનમાંથી સાભાર ]

મને એક ફરજ સોંપવામાં આવી છે. એને હું શક્ય એટલી નમ્રતાથી અદા કરીશ. હું શાણો કે વ્યવહારકુશળ છું એ કારણે તમને શીખ આપવાનું સાહસ કરતો નથી, પણ તમારી સાથે ભણતા એક વિદ્યાર્થી તરીકે સલાહ આપું છું. ઘડપણની નબળાઈઓથી ઘેરાયેલો છતાં, હું તમારી જેમ દરરોજ કંઈ નવું શીખવા ઉત્સુક રહું છું. મારી વાતોને સંદેહ વિના માની ન લેશો, પણ યુવાનો વૃદ્ધોને આપે એટલી છૂટ જરૂર આપજો.

મારી તમને પહેલી વિનંતી છે કે સ્વસ્થ બનો. એ તમારા હાથની વાત છે. ઘણીવાર બીમારી અપરાધ હોય છે. તમે શરીરશાસ્ત્રના કોઈ નિયમનો જાણતાં કે અજાણ્યે ભંગ કર્યો હોય તો પ્રકૃતિ એને સુધારવા કડક બને છે. તમારી વેદના તમને સતત અપાતા જીવનના શિક્ષણ માટેની ફી છે. બાલમંદિરથી પી.એચ.ડી સુધી દર વર્ષે અઠવાડિયામાં એક કલાકનો વર્ગ સ્વાસ્થ્યશિક્ષણ માટે જરૂરી છે. એના પાઠ્યક્રમમાં ખોરાક અંગેની પૂરેપૂરી સમજાણનો સમાવેશ થવો જોઈએ. આપણાં શરીર આપણે જે ખાઈએ છીએ અને આપણા પૂર્વજો જે ખાતા તેનાં બનેલાં છે. હોટલોની લાલચમાં પડશો નહીં. લાંબે ગાળે એ તમારા હીરનો નાશ કરશે. તમારા ખિસ્સાને હળવું બનાવવા સાથે તમારા પેટને એ ભારે બનાવશે.

પહેલાંના સમયમાં જે ખોરાક ગરમી અને બળ મેળવવા માટે આપણે લેતા, એ આજના બેઠાડુ જીવનમાં ચાલુ રહ્યો છે. આ એક મોટી ભૂલ છે. ખોરાકની ટેવોમાં વિવેકપૂર્વક ફેરફાર કરો અને શરીરની અંદરનો ખાળ સાફ રાખો. જે લોકો પોતાના પાચનતંત્ર ઉપર વધુ પડતો બોજો નાખે છે અને અંદરની આયાતનિર્યાતના સંતુલનનો નાશ કરે છે, તેઓને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.

દરરોજ શારીરિક શ્રમ કરો. પ્રકૃતિ વિચારને કામના માર્ગદર્શન તરીકે સર્જે છે, અવેજ તરીકે નહીં. કાર્યથી સંતુલિત ન બનેલો વિચાર રોગ છે. બાગમાં કામ કરો, કાર સાફ કરો, ઘર રંગો, રાતનાં વાળુ પછી વાસણ સાફ કરો. તમારી પત્નીને ઘરકામમાં મદદ કરો. તમારા કામમાં એની મદદ લો. લગ્ન કેવળ જાતીય આવેગની તૃપ્તિ, રમત અને ખર્ચ કરવામાં ભાગીદારી બની જાય તો વિચ્છેદમાં પરિણમે.

ભૂખ પછી જાતીય આવેગ આપણી પ્રબળ સહજવૃત્તિ અને મોટો પ્રશ્ન છે. સાતત્ય જાળવવા પ્રકૃતિ સ્ત્રીને સુંદરતા આપે છે અને પુરુષને તેના પ્રત્યે સંવેદનશીલ બનાવે છે. તેથી પુરુષ મનની સમતુલા ગુમાવે કે પાગલ જેવો બને એ શક્ય છે. આ તબક્કે એ આવેગ લોહીમાં ભભકતી જ્વાળા બનીને તેના પૂરા વ્યક્તિત્વને ભરખી લે છે. ઈચ્છાઓ વ્યવસ્થિત ક્રમમાં રહે અને તેમનો સંવાદ સ્થપાય તો જ વ્યક્તિત્વ ખીલવી શકાય.

આજની સભ્યતા આ આવેગને ઉત્તેજિત કરે છે એ શાણપણ નથી. આપણા વડવાઓ એને શમાવવા માગતા હતા, કેમ કે ઉત્તેજન વિના પણ એ ખૂબ પ્રબળ છે એમ તેઓ સમજતા હતા. જાહેરખબરો, પ્રદર્શન જેવા ઘણા ઉત્તેજનના પ્રકારોથી આપણે જાતીય આવેગને બહેકાવી મૂક્યો છે. ઉપરાંત નિષેધવૃત્તિ ભૂલ છે. વળી એ વિચારને સિદ્ધાન્તનો આધાર પણ આપ્યો છે. પરંતુ સભ્યતાનો સૌ પહેલો અને પાયાનો સિદ્ધાંત સહજવૃત્તિનો ઐચ્છિક સંયમ છે. અછડતા વિચારપ્રવાહોના સંમોહનથી ચેતો. એમને તમારી ઈચ્છાઓના નિર્ણાયક ન બનવા દો.

બાળકો અને સંપત્તિની જાળવણી માટે લગ્નપ્રથાનો વિકાસ થયો. જાતીય આવેગના સિતમથી આપણને ઉગારવાનો હેતુ પણ એમાં રહેલો હોય. લગ્નથી એ આવેગને પૂરતી સ્વતંત્રતા મળે છે, છતાં એને સામાજિક વ્યવસ્થા સાથે સુસંગત મર્યાદામાં રાખવા માટે ઘણે અંશે લગ્ન સફળ ઉપાય છે. લગ્નનો આશ્રય લઈ મનને જાતીય વિચારોથી મોકળું રાખી આપણે પ્રૌઢ બની શકીએ. બને એટલું જલદી લગ્ન કરવાથી વાસનાના વરૂને દૂર રાખી શકાય. ડહાપણભરી પસંદગીની બાબતમાં તમે ઘણા નાના છો. ચાળીસની ઉંમરે પણ એ બાબતમાં તમે શાણા નહીં બની શકો. મૂર્ખ ઘરડો થાય ત્યારે પણ પસંદગીની બાબતમાં શાણો બની જતો નથી. અમે માબાપ તમને સલામત લગ્નજીવન શરૂ કરવામાં પૈસા વડે અને તમે છૂટ આપો તો સલાહ વડે મદદ કરી શકીએ. લગ્નના ફાયદાઓ જોતાં તેની મુશ્કેલીઓ નજીવી લાગે છે. સ્ત્રીના હાથનો પ્રમાણસર સ્પર્શ સ્વર્ગીય સુખ આપી શકે. નેપોલિયન કહેતો કે મારું સુખ મારાં બાળકોને ચાહવામાં રહેલું છે. મને આશા છે કે તમે લગ્ન વિના પિતા નહીં બનો.

ચારિત્ર્ય અને સ્વાસ્થ્ય સમાન કક્ષાનાં છે. બુદ્ધિમત્તા ત્રીજે નંબરે આવે. અહંકારી વ્યક્તિઓને સજ્જ્નો બનાવવા એ આવાં વિદ્યાલયોનું ભગીરથ કાર્ય છે. સજ્જનની વ્યાખ્યા આપતાં મારી પત્નીએ એકવાર કહ્યું હતું કે સજ્જન એટલે અન્યની લાગણીને માન આપનાર વ્યક્તિ. માયાળુ શબ્દો કેટલા સસ્તા છતાં કેટલા મૂલ્યવાન હોય છે ! અન્યનું બૂરું ન બોલો. દરેક કઠોર શબ્દ થોડા સમયમાં તમારી તરફ પાછો ફરશે અને જીવનયાત્રામાં નડતરરૂપ બનશે. બીજાનું બૂરું બોલવું એ પોતાની પ્રશંસાનો અપ્રમાણિક માર્ગ છે. આવા સૂક્ષ્મ અભિમાનથી આપણે બચવું જોઈએ. જો તમે સારા શબ્દો ન કહી શકો તો કાંઈ ન કહો એ બહેતર છે. કેટલીક વાર ન બોલવું અને કંઈ ન કરવું એમાં વધારે શાણપણ છે.

ચારિત્ર્યના ઘડતર માટે ત્રણ આધારો છે : કુટુમ્બ, શિક્ષક અને ધર્મ. ખેતી કરતાં શીખ્યો એ પહેલાં મનુષ્ય પચાસ હજારથી પણ વધારે વર્ષો સુધી શિકારીનું જીવન જીવતો હતો. આજે છે એવું તેનું ચારિત્ર્ય આ ગાળામાં ઘડાયું હતું. ખોરાકનો પૂરવઠો અનિશ્ચિત અને અનિયમિત હોવાથી લોભી બનવું એને માટે જરૂરી હતું. સહચારણીની પ્રાપ્તિ માટે એ લડાયક બનતો. ઊંચું જન્મપ્રમાણ ઈચ્છવાયોગ્ય હોવાથી એ જલ્દીથી ઉત્તેજિત પણ થતો.

આજે આ બધી બાબતો દુર્ગુણ ગણાય છે. કેમકે હવે વ્યક્તિ કે સમૂહને ટકી રહેવા માટે એ જરૂરી નથી. ખેતીનો વિકાસ અને સામાજિક સંગઠન સુરક્ષાનાં સાધન બન્યાં છે. તેથી પહેલાંની વૃત્તિઓને નિયંત્રિત કરવી આવશ્યક છે. આ નિયંત્રણ સાધનાર ત્રણ પરિબળો છે : વંશપરંપરાથી ચાલ્યા આવતા નૈતિક નિયમો, પારિવારિક અનુશાસન અને ધર્મશિક્ષણ. નૈતિક સદાચારો માણસના લોહીમાં રહેલાં વલણોથી વિપરીત છે, છતાં તે માબાપના અને સર્વસાથી પ્રભુના ભયને કારણે સ્વીકારાયા. આપણે શ્રદ્ધાથી માનીએ છીએ કે પ્રભુ નીતિનિયમો સર્જે છે. તે સદગુણો માટે પુરસ્કાર અને દુર્ગુણો બદલ સજા પણ આપે છે. મને લાગે છે કે ધર્મના પીઠબળથી લોકજીવનમાં સ્થપાયેલા આ નૈતિક નિયમોથી જ સભ્યતાનું નિર્માણ શક્ય બન્યું છે.

તમારામાંથી જે વિજ્ઞાનનો વિશેષ અભ્યાસ કરવા માગતા હશે, તેઓ ધર્મના સ્વરૂપને સમજવામાં મુશ્કેલી અનુભવશે. તેઓએ ન્યૂટન અને વોલ્ટેરની જેમ જગતમાં પ્રવર્તતા સંવાદ પાછળ વૈશ્વિક મનની હયાતીનો અનુભવ કેળવવો જોઈએ. પાસ્કલ તેમજ રૂસોની જેમ માત્ર બુદ્ધિથે માણસ જીવી ન શકે એવી આસ્થા પણ તેમણે કેળવવી જોઈએ. કેમ કે આ વિશાળ વિશ્વમાં આપણે રજકણ જેવા છીએ. તેથી આપણામાંથી કોઈપણ વિશ્વને સમજવાની કે તે વિષે આખરી સિદ્ધાંતો સ્થાપવાની સ્થિતિમાં નથી. અખિલની અમાપ વિશાળતા અને દરેક વિભાગની સંકુલતાની વચમાં મનુષ્યની ભયજનક અલ્પતાનો વિચાર કરતાં પાસ્કલ ધ્રૂજી ઊઠતો. તે કહેતો : ‘આ અનંત અવકાશ મને ભયભીત કરે છે.’ વિશ્વની અસીમ શક્યતાઓ, વિવિધતા અને સૂક્ષ્મતાનો ખ્યાલ કરી આપણે તે વિષે દયામણી સિદ્ધાંત-કલ્પનાઓ રજૂ કરતાં સાવધ રહેવું જોઈએ.

પૈસો જીવનનો આર્થિક પાયો ચણે છે. છતાં ધન એકઠું કરવું એ જીવનનું લક્ષ્ય ન બનવું જોઈએ. જાતીય આવેગની જેમ એ પણ ભરખી જનાર આગ બની શકે છે. એ બન્ને છૂટીછવાઈ મઝા આપી શકે, સ્થિર આનંદ નહીં. તમારી વિવિધ સર્જનશક્તિઓને પૂરેપૂરી ખીલવવા માટે પ્રેરણા આપવી એ તમારી પત્નીની જવાબદારી છે. તમે ઉદ્યોગપતિ બનશો તો તમારા કર્મચારીઓ સાથેનો સુમેળ તમારા સુખમાં વધારો કરનાર બનશે. ધન વધારવાથી એ નહીં બને. ઉત્પાદનના લાભમાંથી દરેક કર્મચારીને તેનો યોગ્ય હિસ્સો આપો. દેખાવ, મોટાઈ કે વિલાસિતામાં ન જીવો કેમકે એ અન્યાયના આધારે જ ટકે એવાં છે.

રાજનીતિને વધુ પડતી ગંભીરતાથી ન લો. સરકારને સુધારતાં પહેલાં માનવપ્રકૃતિ અને જાતને સુધારવાં જોઈએ. સરકારમાં ભ્રષ્ટતા સ્વાભાવિક છે, કેમકે મનુષ્યમાં એ સ્વાભાવિક છે. આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિથી ગભરાશો નહીં, તે સામાન્ય છે. માણસ સ્પર્ધાશીલ પ્રાણી છે. અંગત કે સામૂહિક રીતે એ સ્પર્ધા કરશે જ. શાન્તિ અન્ય સાધનોથી લડાતું યુદ્ધ છે. બુદ્ધિસંગત ભય આપણને સર્વનાશથી બચાવશે. અનિષ્ટો પોતાના અતિરેકોમાં તેમના વિનાશના ઉપાયો સરજતાં હોય છે. ભયનું સંતુલન હાલમાં શાન્તિનું કારણ બન્યું છે. લશ્કરી સ્પર્ધા આર્થિક સ્પર્ધામાં પરિણમે એ કેટલી સારી બાબત છે? અંતે તો સારી પદ્ધતિ સરજાશે અને ટકશે એ નિશ્ચિત છે.

તમારી બુદ્ધિમત્તા બધા સ્વીકારે છે. આપણાં વિદ્યાલયો ચારિત્ર્યઘડતર કરતાં બુદ્ધિ ઉપર વધારે ભાર મૂકે છે ! નિયંત્રણો શિથિલ થતાં જાય છે, તેમ ચાલાકી વધતી જાય છે. મારી યુવાનીમાં હું પરંપરાનાં બંધનો વિષે ઘણું બોલતો. હવે ઘડપણને અનુરૂપ નવીનતાની અંધપૂજામાં વિશ્વાસ કરતો નથી. વિચારો અને વસ્તુઓની નવીનતાના મૂલ્યની આપણે અતિશયોક્તિ કરીએ છીએ. મૌલિકતા અને શાણપણનો સાથ વિરલ છે. મૌલિકતા સાથે મૂર્ખતા વારંવાર જોવા મળે છે. દરેક સત્ય માટે હજાર સંભવિત ભૂલો હોય છે. સંભવિત ભૂલને સત્ય માની લઈ અન્ય ભૂલોનો અન્ત લાવી શકાતો નથી.

તમારામાંથી ઘણા ઉચ્ચતર શિક્ષણ મેળવશે. વ્યક્તિઓ અને રાષ્ટ્રોની તીવ્ર સ્પર્ધા તમને કોઈ એક વિષયના વિશેષજ્ઞ બનવાની ફરજ પાડશે. વિજ્ઞાન પર વધુ પડતો ભાર મૂકવાથી આજનું શિક્ષણ સાહિત્ય, ઈતિહાસ, તત્વજ્ઞાન, સંગીત અને કલા જેવા વિષયોની પૂરતી સમજ આપતું નથી. પરંતુ તમારે વિભાજિત ન બનવું જોઈએ. તમારું વિધિસરનું શિક્ષણ પૂરું થાય, ત્યારે તમારે અઠવાડિયામાં બે કલાક સભ્યતાનાં આ પુષ્પો વિષે જ્ઞાન મેળવવા માટે ફાળવવા જોઈએ.

મહાકવિઓ સાથે મિત્રતા કેળવો. ઈજિપ્તનાં, ભારતનાં, ગ્રીસનાં અને રોમનાં સ્થાપત્યો અને શિલ્પો, અરબની મસ્જિદોના શણગાર, ગોથિક ગિરજાઘરો અને પુનરુત્થાનકાળનાં ચિત્રો વગેરે જગતની મહાન કલાકૃતિઓનો પરિચય મેળવો. હમુરાબી અને મોઝિઝથી વિન્સ્ટન ચર્ચીલ, ફ્રેન્કલીન રૂઝવેલ્ટ અને નહેરૂ સુધીના મહાન રાજનીતિજ્ઞો અને મુત્સદ્દીઓનો અભ્યાસ કરો. કોન્ફૂયુશિયસ, સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, એપિક્યુરસ, માર્કસ ઓરેલિયસ, ફ્રાન્સન્સિસ બેકન, સ્પિનોઝા, ન્યૂટન, કાન્ટ, શોપેનહોર, ડાર્વિન, નિત્ઝે, આઈન્સ્ટાઈન જેવા મહાન ચિંતકોના ચરણે ઘડીભર બેસો. ઈસાયા, જેરેમિયા, જેવા ગદ્યલેખકો અને ડેમોસ્થનિઝ સીસરો, રાબેલિયસ, મોન્ટેન, મિલ્ટન, સ્વીફટ, વોલ્ટેર, રૂસો, હ્યુગો, બાલ્ઝાક, ટૉલ્સ્ટોય, દોસ્તોયેવસ્કી, ઈમર્સન અને આનાતોલ ફાન્સ જેવા લોકકથાઓ અને ધર્મકથાઓના રચાયિતાઓની કૃતિઓને માણો. હિરોડોટસ, થુસીડાઈડસ, ટૅસિટસ, ગિબન, ફ્રોડ અને ટેની જેવા મહાન ઈતિહાસકારોનો પરિચય કેળવો. બુદ્ધ, જિસસ ક્રાઈસ્ટ, ઓગસ્ટીન, ફ્રાન્સિસ અને ગાંધી જેવા મહાન સંતોની સાથે નમ્રતાપૂર્વક ચાલો. જ્યાં સુધી તમે આ પ્રતિભાઓમાંથી ઘણાને તમારા મિત્ર ન બનાવો, ત્યાં સુધી હું તમને સુશિક્ષિત ન ગણું. તેમનો સહચાર તમને નવી રીતે ઘડશે.

સારું સ્વાસ્થ્ય, સારું કામ, સદભાગ્ય, સદચરિત્ર, સારાં બાળકો અને સારા પૌત્રો તમને મળો એવી મારી શુભેચ્છા છે ! જીવનનું પૂર્ણપાત્ર અન્ત સુધી પીઓ. કુદરત કસોટીઓ અને મુશ્કેલી સર્જે છે જેથી તમારામાં દઢતાનો વિકાસ થાય. ક્યારેક સજા પણ કરે છે, જેથી તમને ઉચિત કેળવણી પ્રાપ્ત થાય. તમારી આસપાસ અથાગ સૌન્દર્ય અને પ્રેમનો અખૂટ ભંડાર ફેલાયેલો છે તેને માટે પ્રભુનો અને પ્રકૃતિનો આભાર માનો.

Advertisements

4 responses to “યુવાનોને – વિલ ડ્યૂરાં

  1. awesome !!!!!!!!

    je samje tena mate sagar ane na samaje tena mate kai nahi >>>>>>>>>>>

  2. Nice. Very appropriate.
    Thanks.

  3. Acted as a tonic and reinforces our belief into true values of life.

  4. I think this article is one of the best ones I have read on read gujarati specially where the writer suggests that schools should have lessons on nutrition and proper diet to look after the health of an individual and information on exercises and human values/children often get confused when they go to multicultural school e.g.in an english school owl was embossed on the school uniform badge and when children from that particular schoo went to visit India they decided to give their uniform badge as a gift to children in India where owl is considered as an ‘evil’ – fortunately parents of indian children were able to give information to the tour organiser and were prevented from giving that particular present – but indian children born and brought up in England couldnot comprehend why the bird was considered ‘evil’