રાજી રહેવાની રમત – નીલમ દોશી

[રીડગુજરાતીના નિયમિત વાચક તેમજ લેખિકા શ્રીમતી નીલમબહેન દોશીનો (કોલકતા) આવી સુંદર કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. તેમની આ કૃતિ ‘અખંડ આનંદ’ સામાયિકમાં પણ પ્રસિદ્ધ કરાઈ છે.]

“રંગરેલી જેવો છે, ખેલ કંઈ ખેલી જવો છે;
જિંદગી જીવી જવાનો, કીમિયો મેલી જવો છે.”

આ ખૂબ જાણીતી પંક્તિની સાર્થકતા અમેરિકન લેખિકા શ્રીમતી એલિનોર પોર્ટરની ચોપડી ‘પોલીએના’ વાંચી ત્યારે કદાચ સાચા અર્થમાં સમજાઈ અને એ સમજણની અનુભૂતિ બીજાઓ પણ કરી શકે…. તે માટે તેની એક ઝલક લખવાનું મન થયું. ‘ગમતાનો કરીએ ગુલાલ’ શ્રી મકરંદ દવેની આ પંક્તિ પ્રમાણે જે ગમ્યું છે તેનો ગુલાલ કરી વહેંચવાની ઈચ્છા એટલે ‘પોલીએના’ નું રસદર્શન.

પોલીએના 10 વર્ષની છોકરી છે. માતા-પિતા વિનાની આ અનાથ છોકરીને એક સખાવતી સંસ્થા તેના માસીને ઘેર રહેવા મોકલી આપે છે. આ માસી એટલે મિસ પોલી. જેના જીવનમાં એક રુક્ષતા છે….. જડતા છે…. લાગણીઓને કોઈ સ્થાન નથી. માસી ખૂબ શ્રીમંત છે. પણ એનું હૃદય ઝરણું સૂકાઈ ગયું છે. અને એક નાનકડા વર્તુળમાં એનું જીવન સીમિત છે. એવા એકાકી રહેતાં માસીને પોતાની ભાણેજને રાખવાની જવાબદારી આવી પડે છે, ત્યારે પોતાનું કર્તવ્ય છે એમ માની, ફક્ત ફરજના એક ભાગ રૂપે પોલીએના તેના ઘરમાં પ્રવેશ પામે છે. અને ધીમે ધીમે શરૂ થાય છે એક બદલાવ. પોલીએના ખૂબ વાતોડી, ખૂબ પ્રેમાળ. સતત હસતી અને હસાવતી છોકરી છે. માણસ માત્ર તેને ગમે છે કોઈ પણ માણસ સાવ કેમ ન ગમે ? એ તેને ક્યારેય સમજાતું નથી. તેને દરેક નાની વસ્તુમાં જીવંત રસ છે, હોંશ છે. જીવનની પ્રત્યેક પળ તે સાચા અર્થમાં જીવે છે. અને એના કારણમાં છે એક રમત. પોલીએનાના પિતાજી જ્યારે જીવતા હતા, ત્યારે નાનકડી પોલીએના માટે મિશનરી સંસ્થાને એક ઢીંગલી માટે અરજી કરી હતી. એ સંસ્થા પાસે બાળકી માટે ઢીંગલી નહોતી પણ અપંગ માણસ માટેની કાંખઘોડી પડી હતી. તો ઢીંગલીને બદલે એ કાંખઘોડી મોકલી આપી !! અને એક નાનકડી બાળકીને રમવા માટે મળે છે ઢીંગલી ને બદલે ઘોડી. પણ…. પણ એના પિતાએ એને શીખવ્યું હતું કે કોઈ પણ વસ્તુ કે વાત માટે હંમેશાં ખુશ થવું. પોલીએનાએ એના પિતાજીને પૂછયું હવે આ વસ્તુ માટે ખુશ કઈ રીતે થવું ? ત્યારે પિતાએ કહ્યું, ‘તારે એમ વિચારીને ખુશ થવું કે તારે આ કાખઘોડીની જરૂર તો નથી ને !! તારે તો બે પગ છે ને !!

અને નાનકડી પોલીએના સાચે જ ખુશ થઈ ગઈ. તેના પિતાએ આ રમતનું નામ પાડ્યું હતું ‘રાજી રહેવાની રમત’ અને જેમ રમત રમવી મુશ્કેલ બને ત્યારે પણ રમાવી જ જોઈએ અને બને તેટલા વધુ લોકોને આ રમત રમવામાં સામેલ કરવા. અને પોલીએનાનું ચાલુ થયું… આ રમત રમવાનું અને રમાડવાનું.

માસી…. મિસ પોલી તો તેની કોઈ વાતમાં રસ લે એમ નહોતાં. અને તેણે પોલીએનાને તેના પિતાજી વિશેની કોઈ પણ વાત કરવાની મનાઈ કરી હતી. તેથી પોલીએના આ રમતની વાત માસીને કરી શકતી નહોતી. પણ માસીની નોકરાણી મિસ નેન્સી સાથે પોલીએનાની રમત અનાયાસે શરૂ થઈ ગઈ હતી.

એકવાર નેન્સીએ કંટાળાથી પોલીએનાને કહેલું – મને મારું નામ જરાએ ગમતું નથી. કેવું વિચિત્ર છે ? તમે ખુશ થવાનું કહો છો. આમાં મારે ખુશ કઈ રીતે થવું ?
અરે એમાં શું ? – પોલીએનાએ અનાયાસે જ તરત જ રમત શીખવાડવી ચાલુ કરી. ‘તમારું નામ હેફઝિબા’ કે એવું કંઈ તો નથી ને ? એના કરતા તો નેન્સી સારું ને ?’
‘અને મને સોમવાર તો જરાય ન ગમે. એમાં શું કરવું ?’
‘અરે આજે સોમવાર ગયો.. હાશ ! હવે છ દિવસ સુધી તો નથી આવવાનો ! એમ માનીને ખુશ ન થઈ શકાય ?’

રમત જેમ અઘરી, એમ જ રમવાની મજા આવે ને ? ખુશ થવાનું શોધવું જેમ અઘરું તેમ એ શોધવાની વધુ મજા ન આવે ?

પોલીએનાને અરીસો… સરસ પડદાવાળો રૂમ વિ. ખૂબ જ ગમતું. પણ માસીએ જ્યારે તેને કોઈ જ અરીસા-બારીના પડદા કે કોઈ જ વસ્તુઓ વિનાનો રૂમ રહેવા આપ્યો (હકીકતે આ નાનક્ડી અનાથ બાળકીને હતું કે મારા માસી ખૂબ શ્રીમંત છે તેથી હવે મને આવું બધું મળશે એમ માની લીધું હતું. પણ માસી શ્રીમંત તો ખૂબ હતાં…. પણ….) ત્યારે આ બહાદુર બાળકીએ તરત જ રમત યાદ કરીને ખુશ થવાનું કારણ શોધી કાઢ્યું કે સારું થયું. અરીસો નથી તો મારે મારા મોઢા પરના શીળીના ચાંઠાં જોવાં તો નહી પડે !!! કે બારીમાં પડદા નથી તો સરસ ખુલ્લી હવા પણ મળે છે ને સામેનું સરસ દ્રશ્ય પણ જોઈ શકાય છે.

અને ધીમે ધીમે આ બાળકી આખા ગામના સંપર્કમાં કેવી રીતે આવતી ગઈ…. સામેથી દરેકની સાથે કેવા ઉત્સાહથી વાતો કરતી ગઈ ને જાણ્યે-અજાણ્યે પોતાના ઉત્સાહનો, આનંદનો ચેપ બધાને લગાડતી ગઈ, બધાને રાજી રહેવાની રમત કઈ રીતે શીખવાડતી ગઈ… રમતાં કરી ગઈને કેટકેટલાના જીવનમાં સુખના આનંદના દીપ પ્રગટયાં. એનું ખૂબ સરસ, સ્વાભાવિક ચિત્રણ લેખિકાએ ખૂબ સુંદર પ્રસંગો દ્વારા કર્યું છે.

વાર્તાની પરાકાષ્ટા આવે છે પોલીએનાના એક્સિડેન્ટથી ને સતત હસતી…. હસાવતી છોકરી પેરેલિસીસને લીધે હવે કાયમ માટે ચાલી શકવાની નથી. ડૉકટરના એ નિદાને પોલીએનાની ખુશી છીનવી લીધી ત્યારે પોતે તેના પિતાને કહેતી હોય તેમ સતત અનુભવે છે… ‘બાપુ, આમાં હું કોઈ રીતે ખુશ થઈ શકતી નથી. હું તમારી શીખવાડેલી રમત રમી શક્તી નથી. નથી રમી શક્તી….’ અને જીવનમાં પહેલી વાર પોલીએના દુ:ખી, નિરાશ થયા છે. પણ…. પણ ત્યારે શરૂ થાય છે એક નવો વળાંક…..

અત્યાર સુધી લગભગ આખા ગામમાં દરેકને આ નાનકડી છોકરીએ આ રમત શીખવાડી હતી. ને બધાને રમતા કરી રાજી કર્યાં હતાં. એ દરેક જણ પોલીએનાના અકસ્તમાતના સમાચાર સાંભળી તેના માસીને ઘેર સતત આવે છે. એની માસીને આશ્ચર્ય થાય છે. આટલા બધા આ છોકરીને કઈ રીતે ઓળખે ? બધા કહેતા હતા, ‘તમે તમારી ભાણેજને અમારો સંદેશો આપો કે અમે એની રમત રમવાની શરૂ કરી છે ને ચાલુ રાખી છે ને અમે બધા ખૂબ ખુશ છીએ ને એ સાંભળી કદાચ એ પણ ખુશ થઈ શકશે ? ત્યારે માસીને પૂછવું પડ્યું કે કઈ રમત ? કારણ માસી એ તો પોલીએનાને મનાઈ કરી હતી કે તના પિતા વિશેની કોઈ વાત તેને કરવી નહીં. પરિણામે પોલીએના ક્યારેય તેના માસીને જ આ રમત વિશે કહી શકી નહોતી !!

અને ત્યારે માસીને ‘રાજી રહેવાની રમત’ શું છે એ ખબર પડે છે. આટલા બધાનો પોલીએના પ્રત્યેનો પ્રેમ જોઈ જીવન પ્રત્યેનો તેનો અભિગમ બદલાય છે અને બહારથી શુષ્ક, કઠોર જણાતી માસીની સંવેદનશીલતા બહાર આવે છે. અને તેના લગ્ન પણ થાય છે ને તે લગ્ન પોલીએનાની પથારી પાસે થાય છે. પોલીએનાને ચાલતી કરવાના શક્ય ઉપાયો થાય છે. માસીનું બદલાયેલું જીવન પોલીએનાને ફરીથી ઉત્સાહિત કરી દે છે. અને અચાનક પોલીએનાને પોતાના પિતાની રાજી રહેવાની રમત આ સંજોગોમાં પેરેલિસીસવાળી અપંગ સ્થિતિમાં પણ કેમ રમવી એ સૂઝે છે… ને તે ખુશખુશાલ થઈને બોલી ઊઠે છે. ’હા, મારે પણ ક્યારેક તો પગ હતા ને !!! હું ચાલી શકતી હતી…. આ વાતે હું કેમ ખુશ ન થઈ શકું ?’ અને ફરી પોલીએના ખુશખુશાલ થઈ જાય છે…. અહીં પુસ્તક પૂરું થાય છે.

વાર્તામાં ઘણા સુંદર પ્રસંગો છે. કઈ રીતે કેવા કેવા સંજોગોમાં કેટકેટલાના જીવનમાં કેવા પરિવર્તન આ બાળકીના ઉત્સાહી સ્વભાવને લીધે તથા રાજી રહેવાની આ રમત શીખી જવાથી આવ્યા, તેનું સુંદર નિરૂપણ છે.

પુસ્તક વાંચ્યા પછી મનમાં એક જ અનુભૂતિ જાગે છે. આપણે દરેક વ્યક્તિ આ રમત કદાચ પૂર્ણરૂપે નહીં તો યે આંશિક રીતે પણ રમતા શીખી શકીએ ને રમતા થઈ જઈએ તો જીવનમાં સુખ ક્યારેય ગેરહાજર ન રહે. આ પુસ્તકમાં આવતા ઉપાયો બાળકીએ જે બીજાને શીખડાવ્યા હતા તેમાંથી વધુ નહીં તો બે-ચાર જરૂર ટાંકીશ.

‘કપડાં વધારે ન હોય તો…..’
‘અરે, બધું કેવું જલ્દી ગોઠવાઈ જાય !’

‘ફૂલો જલદી કરમાઈ જાય છે’ ની ફરિયાદના જવાબમાં પોલીએના કહે છે….
‘તો જ બીજાં નવાં-તાજા ફૂલો લઈ શકાય ને ?’

‘પગમાં ફ્રેકચર થયું તો…..’
‘એક જ પગમાં થયું છે ને ? બે પગ ભાંગ્યા હોત તો ?’

‘કમર વળી ગઈ છે.’
‘અરે ! નીચેની વસ્તુ લેવા માટે વધારે વાંકુ તો નથી વળવું પડતું ને ?’

‘મોઢામાં બે જ દાંત રહ્યા છે….’
‘અરે ! બે દાંતથી પણ થોડું તો ચાવી જ શકાય છે ને ?’

અને રમત જેમ અઘરી…. તો જ રમવાની મજા આવે ને !

આ છે નાનકડી બાળકીએ પચાવેલ જીવન અભિગમ. અને તે ય કોઈ મોટા ઉપદેશો, સલાહો વડે નહીં પણ લેખિકાએ ખૂબ સુંદર પ્રસંગો દ્વારા વાર્તા દ્વારા સંદેશ આપ્યો છે.

આપણે સંજોગો તો નથી બદલી શક્તા પણ દરેક પરિસ્થિતિમાંથી કંઈક શોધીને ખુશ થવાનો પ્રયત્ન કરીએ તો જીવનને રમતની માફક રમી શકાય ને આપણા તથા અન્યના જીવનમાં પણ આનંદની ક્ષણોને જરૂર આવકારી શકીએ ને.

‘શાના દુ:ખ અને શાની નિરાશા ?
મુકુલે મુકુલે મુખરિત આશા….’ ની જેમ… જીવન એક નવી જ દષ્ટિથી ખીલી ઊઠે…

પોલીએનાના મૂળલેખક એલીનોર પોર્ટરનો શ્રી રશ્મિબહેન ત્રિવેદીએ કરેલો ગુજરાતી અનુવાદ વાંચવો ને વંચાવવો જોઈએ એમ માનીને આનું રસદર્શન કરવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી હરિન્દ્ર દવે અને શ્રી અમૃતલાલ યાજ્ઞિકે લખેલ તેની પ્રસ્તાવના પ્રમાણે દરેકે એક વાર આ પુસ્તક વાંચવું ને વંચાવવું જ જોઈએ…. શ્રી હરિન્દ્ર દવેના શબ્દોમાં કહું તો આ પુસ્તક વિશે તેમણે કહ્યું છે….

‘રાજી રહેવાની અનોખી રમત…..
ને વેરાતાં સ્વપ્નોનું ઘૂંટાતું રહસ્ય….’

ચાલો, આપણે પણ આ રમત ચીપીને રમીશું ?

Advertisements

12 responses to “રાજી રહેવાની રમત – નીલમ દોશી

 1. Excellent piece of writing,,,,having read the original book, I would say that this review comes closest to what I actually felt while reading the book…

  To captivate a reader’s mind by way of review is always difficult…to catch it by a review of so great a work means that the reviewever has not just “read” the book, but has lived it…experienced it…

  Hats off to this writing!

 2. મનોબળની મહેકની સુગંધ આવે છે તમરા આ લેખમાં.
  સુંદર.

  નીલા

 3. જીવન માણવા ની અને નહી માત્ર જીવવા ની કળા બહૂજ સરળ ભાષા મા સમજાવામા આવિ છે. આ લેખ વાંચ્યા પછી મારુ સાહિત્ય પ્રત્યે અને ખાસ કરિ ને ગૂજરાતી સાહિત્ય પ્રત્યે ની સમજ વધી છે.
  Now I am fond of readgujarati.com

 4. Excellant story… very very interesting.Jindagi kai rite jivvi eni sachi rah batave chhe.

 5. Excellent story… very very interesting.Jindagi kai rite jivvi eni sachi rah batave chhe.

 6. thanks to all for giving encourging response.

 7. Presented in a very interesting way. Even though I have not read the original book I get a perfect idea of what will be in it. Very good work. Please keep postings such as these coming…

 8. વિજયસિંહ મંડોરા

  શ્રી નીલમબહેન દોશીએ ‘રાજી રહેવાની રમત’ નો સુંદર રસાસ્વાદ કરાવ્યો. ખૂબ ખૂબ આભાર અને હ્રદયથી અભિનંદન.

 9. i must read the book

 10. અમિત પિસાવાડિયા ( ઉપલેટા)

  ઘણી જ સુંદર શૈલી નો લેખ છે , દ્દ ષ્ટિ તેવી સૃષ્ટિ , think positive n act positive ,,

  thank you ,,,

 11. Really a great review… You have captured the essence of the book in your review. Reading it one can feel that you must have for sure at least tried living like that in your life….Hats off to you

 12. a beautiful gujarati translation of this book “pollyanna” has been done by rashmiben trivedi and published by n.m. tripathi of mumbai.

  your review is not clear about whether nilam doshi has translated the entire book, and who is the publisher. pl. tell us.