સીંદરીનો વળ – ઈંદીરા નૂપુર

અમે નૈનીતાલમાં રહેતા ત્યારની વાત છે. પપ્પા, મમ્મી, મોટાભાઈ, સંજુભાઈ અને હું. મોટાભાઈ અમારા બંનેથી મોટા હોવાથી અમારા પર રૉફ કરવાનો જાણે તેમને જન્મસિદ્ધિ હક મળી ગયો હતો. સંજુભાઈ મારાથી ફક્ત એક જ વર્ષ ઉંમરમાં મોટા હતા પણ હું મોટાભાઈ પાસે સાવ લાચાર. મોટાભાઈ પાસે તેમનું કંઈ ચાલતું નહોતું એટલે બધો ગુસ્સો બહુ પ્રેમથી મારા પર ઢોળી દેતા. હું ગુસ્સાથી બળીઝળી જતી. ‘આ તે કંઈ રીત છે? આખો દિવસ હડિયાપાટી કરવા હું જ મળું.’ ‘નીનુ પાણી લાવ, નીનુ જરા મારી ચોપડી લઈ આવ, નીનું આ કર ને નીનુ તે કર’ પણ જ્યારે રમતગમતનો વારો આવે એટલે તુરંત ‘અરે નીનુ તું તારા ઢીંગલા પોતિયાથી રમ અથવા મમ્મી સાથે રસોડામાં કંઈક કામ કર….’ આજુબાજુમાં પણ મારી સાથે રમવાવાળું કોઈ ન હતું એટલે મોટાભાઈની હેરાનગતિ તથા મોટાઈ સહન કરતી.

અમારા પિતા ખૂબ કડક સ્વભાવના હતા. બાળકોને શિસ્તમાં રાખવા તેઓને ગમતું. પપ્પા જાણે કે લશ્કરના વડા ન હોય. અમારી દિનચર્યા તેમણે જ નક્કી કરી રાખી હતી. સવારે ઊઠો, પથારી સાફ કરો, દાતણ કે બ્રશ કરો, ગાઉન પહેરો અને પછી બહાર બાલ્કનીમાં આવી પપ્પાને ગુડમોર્નિંગ કરો. ત્યાં પપ્પાની સામે જ સૌ પોતપોતાની ખુરશી પર બેડ ટી પીઓ અને તે પણ ફકત એક જ પ્યાલો, બસ. મને તો પપ્પાની આ કડક શિસ્ત જરાય નહોતી ગમતી. પપ્પા કંઈ જેલર નહોતા કે તેમની સામે ચૂં કે ચાં પણ ન કરાય ? પથારીમાંથી ઊઠી, હાથ મોં ધોઈ, ઠીકઠાક કપડાં પહેરી બહાર આવો પછી તેને બેડ ટી કેમ કહેવાય ?

મારી એક મિત્ર હતી, રશ્મી. તેના પપ્પા રોજ સવારે તેને પ્રેમથી ઊઠાડતા, પોતાની સાથે નદીકિનારે ફરવા લઈ જતા. તેનું તો હૉમવર્ક સુદ્ધાં કરાવતા અને એક બાજુ માર પપ્પા હતા કે….

તે દિવસે તો પપ્પાના હિસાબે તો મેં મહા મોટો ગુનો કરી નાખ્યો. રોજની જેમ ગુડમોર્નિંગની પરેડ પૂરી થઈ ગઈ હતી. જ્યારે માએ ચાનો પ્યાલો આપ્યો તો મેં ખૂબ હિંમત ભેગી કરીને કહ્યું, ‘મમ્મી, આજે મારે આ બૅડ ટી – ખરાબ ચા નથી પીવી મને કૉફી આપો.’

વાતાવરણમાં જાણે શાંતિ છવાઈ ગઈ. મોટાભાઈએ મારા તરફ આંખ ફાડીને જોયું. તેમનું મોં ગુસ્સાથી લાલચોળ અને આંખમાંથી આગ. શું મારી આ હિંમત ? પપ્પા જેને સવારની ચા – બેડ ટી કહે છે તેને મેં ખરાબ ચા કહી ? સંજુભાઈએ તરત ચાંપલાશ કરી, ‘નીનુ તને બેડ ટી કહેતા નથી આવડતું ? તું કૉન્વેન્ટમાં ભણે છે ? જલ્દીથી પપ્પાને સૉરી કહી દે.’
‘હા – જે ચા પીતા પહેલાં આટલી કવાયત કરવી પડે. જે ચાના સબડકા પણ આરામથી ન લેવાય અને જે મને ભાવે નહી તેને સવારની ચા નહીં પણ ખરાબ ચા જ કહેવાય.’ મારા ઉપર ગુસ્સો તથા કંટાળાનું ભૂત સવાર હતું ને મેં આમ જવાબ દીધો.

અચાનક પપ્પા ઊઠ્યા. એક જોરદાર થપ્પડ મારા ગાલ પર ચોડી દીધી. મને આંખે અંધારા આવી ગયા. મેં ડરથી પપ્પાનો સફેદ પડી ગયેલો ચહેરો જોયો. શું થયું એ કંઈ સમજાય ત્યાર પહેલાં તો પપ્પા ત્યાંથી ચાલ્યા ગયા ને હું માંના પાલવની ગરમીનો અનુભવ કરતી રહી. એક મમ્મી જ હતી જે આવા તનાવપૂર્ણ વાતાવરણમાં પોતાની બંગડીના ખણ-ખણાટ જેવા સૂરથી અમને સૌને શાંત પાડતી હતી.

પપ્પા સાથે મારું શીત-યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. તેઓ ચા પીતા-પીતા મોટાભાઈ તથા સંજુભાઈનાં અભ્યાસ માટે, ક્રિકેટ અને એટીકેટ તથા મેનર્સની વાતો કરતા અને હું ચૂપચાપ એક ખૂણામાં બેસી ચોપડીના પાનાં ઉથલાવતી. પપ્પાની નજર સમક્ષ હું ન જાઉં તેનો બધો જ પ્રયત્ન હું કરતી. હવે તેઓ મમ્મી સાથે માર અંગે કોઈ બહારના અજાણ્યા માણસ માટે બોલતા હોય તેમ વાતચીત કરતા.

વખત તો પલકારામાં ખૂબ વીતી ગયો. સંજુભાઈ ઉપરાઉપરી બે વાર નપાસ થયા હતા અને તે વર્ષે અમે બંનેએ સેકન્ડરીની પરિક્ષા સાથે આપી હતી. રીઝલ્ટ આવ્યું ત્યારે સંજુભાઈ થર્ડકલાસમાં અને હું ફર્સ્ટકલાસમાં પાસ થઈ હતી. મમ્મીએ હોંશથી મારા ઉપર ખૂબ સ્નેહ વરસાવ્યો અને બોલી કે ‘જોયું તમે આપણી નીનું ફર્સ્ટકલાસમાં પાસ થઈ.’

પણ પપ્પા કંઈ જ બોલ્યા વિના છાપુ લઈ બીજા રૂમમાં ચાલ્યા ગયા. મને લાગ્યું જાણે મારા અંતરમાં ક્યાંક કાચની કણી ભોંકાઈ. મારી આંખો ગુસ્સાથી અને આંસુથી ડબાડબ અને લાલ થઈ ગઈ. મોટાભાઈ પણ હાયર સેકેન્ડરીમાં ડચકાં ખાતાં ખાતાં ત્રીજા કલાસમાં પાસ થતા હતા અને હવે તેમના એડમિશન માટે જુતા ઘસતા હતા. સંજુભાઈને તો ભણવું જ નહોતું ગમતું. તે તો સ્કૂલના ‘સુનીલ ગવાસ્કર’ હતા અને તેમને ફકત ક્રિકેટનો જ શોખ હતો.

એક દિવસ પપ્પા ઑફિસથી ખૂબ થાકેલા આવ્યા. તેમણે મમ્મીને કહ્યું, ‘દસ હજાર રૂપિયા કેપીટેશન ફીઝ આપીને રાજુનું એડમિશન એન્જિનિયરીંગ કૉલેજમાં મેળવ્યું છે. તેને કહે કે જલગાંવ જવાની તૈયારી કરે.’
‘શું ?’ મમ્મી રાડ પાડી ઊઠી, ‘તમે દસ હજાર ફકત એડમિશન માટે જ આપ્યા ?’
‘હા અને સંજુને કહે કે મન ભણવામાં લગાડે. તેણે આઈ.એ.એસની પરિક્ષામાં બેસવાનું છે.’ આટલું કહી પપ્પા આંખો મીંચી સૂઈ ગયા.
‘અને નીનુ, તેને પણ મેડિકલમાં જવું છે…’ મા કંઈ વધુ બોલે ત્યાર પહેલા પપ્પાએ ધૂંધવાતા અવાજે ગુસ્સાથી કહ્યું, ‘મારી પાસે કાંઈ પૈસાનું ઝાડ નથી ઉગ્યું કે હું સૌને એન્જિનિયર, ડૉકટર કે કલેકટર બનાવું. એ તારી દીકરી છે તેને ઘરનું કામકાજ શીખવો.’ મમ્મી ઝંખવાણી પડીને ચૂપ થઈ ગઈ. ઘરનું વાતાવરણ તંગ થઈ ગયું. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. હું ઉઠીને બીજા ઓરડામાં ચાલી ગઈ.

હું દીકરી છું તો શું દીકરી થવું એ કાંઈ ગુનો છે ? હું તો ત્રણેય ભાઈ-બહેનોમાં સૌથી વધુ હોંશિયાર છું. મારા પ્રિન્સિપાલે મારી પાસે ખૂબ આશા રાખી છે અને હું જ મારું ભણતર છોડી રસોડું અને રસોઈમાં લાગી જાઉં ? કદી નહીં.

પપ્પાની કમનસીબી કે જે મોટાભાઈ માટે તેમણે પસીનાની કમાણીમાંથી દસ હજાર રૂપિયા વેડફી નાખ્યાં હતાં તે પણ ખોડંગાતો આગળ વધતો હતો. સંજુભાઈને આઈ.એ.એસ બનાવવા પપ્પાએ કેટકેટલા સ્વપ્ન જોયાં હતાં. તે આખરે ઝેરીલા ને નશીલા પદાર્થનો શિકાર થઈ ચૂક્યો હતો. તેના ચહેરાની રોનક ચાલી ગઈ હતી અને તે અબુધ જેવો, આંખો ફાડી ફાડીને બધાં સામે જોઈ રહેતો. ચાલતો તો પગ ડગમગતા, કંઈક પકડતાં હાથ ધ્રૂજતા. અમારી નજર સમક્ષ સંજુભાઈ હીરામાંથી પથ્થર બની ગયા. આ બધું થવાથી પપ્પાનો સ્વભાવ અત્યંત ચિડિયો થઈ ગયો હતો. હવે તેઓ વાત વાતમાં જાણે તૂટી પડતા. મમ્મી કંઈ પણ કહેતી તો બૂમાબૂમ કરી મૂકતા. એમનું ચાલત તો અમારા સૌનાં ગળા દાબી દીધા હોત. મને પપ્પાની દયા આવતી હતી પણ હું તો જાણે તેમની દુશ્મન હતી. એન.ટી.એસ.ની સ્કોલરશીપ લઈ હું એમ.બી.બી.એસ થઈ ગઈ હતી. અને હવે ઈંટર્નશીપ કરતી હતી. પપ્પાનાં સપનાં રગદોળાઈ ગયાં હતાં. ન તો મોટાભાઈ એન્જિનિયર થયાં કે ન તો સંજુભાઈ આઈ.એ.એસની પરીક્ષા દઈ શક્યા. પપ્પા હવે પીંજરામાં પુરાયેલા સિંહની જેમ ઘૂરકતા, અકળાતા અને પછી નિરાશ થઈ ઢળી પડતા. હું પણ ગુનાહિત ભાવથી વિચારતી કે જો હું તેમનો દીકરો હોત તો ! હું તો તેમનું સપનું સાકાર કરી શકત.

પછી એક દિવસ મારો ઑર્ડર આવ્યો. નરેન્દ્રનગરમાં મને નોકરી મળી હતી. હું મારો થોડો ઘણો સામાન બાંધી ભારી હૃદયે જવા નીકળી. ઘરમાંથી નીકળતાં ધડકતા હૃદયે પપ્પાનાં ઓરડામાં ગઈ. પપ્પા સીગરેટ પીતા હતા અને ધુમાડાથી થતાં કુંડાળાને નિર્વિકારભાવે જોતા હતા. મેં તેમને પાસે જઈ કહ્યું ‘પપ્પા’. જવાબમાં મળી ચૂપકીદી. ‘પપ્પા’ મેં ફરીવાર કહ્યું, ‘મને આશીર્વાદ આપો હું મારા કામમાં સફળ થાઉં, હું મારી પહેલી નોકરી પર નરેન્દ્રનગર જાઉં છું.’

મેં જોયું કે પપ્પાની આંખો જાણે ચમકી ઊઠી હતી. શું ખરેખર તેમની આંખોમાં સ્નેહના દીપ પ્રગટયા હતા ? હું આમ વિચારતી હતી ત્યાં જ તેમણે મોં ફેરવી લઈ મમ્મીને કહ્યું, ‘ઈશ્વરને ખાતર મને એકલો છોડી દો. જાઓ…જાઓ…અહીંથી.’ હું અપમાનિત થઈ બહાર આવી. મમ્મીએ મને ખૂબ સ્નેહથી છાતીએ લઈ વ્હાલ કર્યું. મેં મારા હૃદયમાં ઉછળતા આવેગ અને ગુસ્સાની જ્વાળાઓને આંસુઓથી શાંત કરી ભારે મને ઘર છોડ્યું. આમ પણ હવે ઘરમાં મમ્મી સિવાય બીજુ આકર્ષણ પણ શું હતું ?

એક દિવસ ખબર આવ્યા કે મોટાભાઈ જલગાંવથી આવી ગયા છે અને સુરા અને સુંદરીની લતે ચડી ગયા છે. સંજુભાઈનાં અવસાનને બે વર્ષ થઈ ગયા હતા. પપ્પા સાવ ભાંગી પડ્યા હતા અને મમ્મી એક બહાદૂર સિપાઈની જેમ એકલે હાથે ઝઝૂમતી હતી અને અગરબત્તીની રાખની માફક ધીરેધીરે પડતી જતી હતી.

તેવામાં મમ્મીનો તાર આવ્યો. પપ્પાની હાલત ચિંતાજનક છે. આખરે તો એ મારા પિતા જ હતા. હું પહેલી જ બસમાં દહેરાદૂન પહોંચી ગઈ. તેમની સ્થિતિ જોઈ મારું રુંવાડું રુંવાડું રડી ઊઠયું. તેમને હાઈ બ્લડપ્રેશર સાથે હાઈપરટેન્શન પણ હતું. રાતમાં અચાનક બેભાન થઈ ગયા. ટેકસીમાં અમે તેમને દિલ્હી લઈ આવ્યા. મને ખબર પડી કે પપ્પાને બ્રેઈન હેમરેજ થઈ ગયું છે અને હવે કદાચ તેઓ કદી ભાનમાં નહીં આવે, છતાં મારી આંખ તેમના ચહેરા પર એક ટકી બાંધી રહી હતી. કદાચ તેઓ મારા તરફ સ્નેહથી જોશે. જેમ બાળપણમાં મને ખોળામાં લઈ સ્નેહ કરતાં તેમ…. હું એ જ નીનું છું પપ્પા……

પણ પપ્પાએ આંખો ન ખોલી. તેઓ મારાથી રિસાઈને જ ચાલ્યા ગયા. મારા આંસુઓનો બંધ તૂટી પડ્યો. ક્યાં ખોવાઈ ગયા તેમના સપનાંઓ સાકાર કરવાવાળા તેમના પુત્રો ? પણ ત્યાં તો ફક્ત સમાજની પરંપરા મોં ફાડીને બેઠી હતી. દીકરા અને દીકરી વચ્ચેના અંતરને વધારતી હતી અને બાપ-દીકરી વચ્ચે સંબંધોની ખાઈ ખોદતી હતી. એવી ખાઈ જે કદાચ કદી પુરાય તેમ નહોતી.

આજે પપ્પાનો સ્ટડીરૂમ સાફ કરતાં તેમની એક ડાયરી હાથમાં આવી. ભૂતકાળનાં પાનાંઓ એક પછી એક ખૂલતાં જતાં હતાં. ‘નીનુ, નીનુ ખરેખર કંઈક કરી રહી છે. જે હું રાજુ અને સંજુને બનાવવા માંગુ છું. કદાચ એ જ મારા સપનાંઓ સાકાર કરશે.’ મને યાદ આવ્યું. અરે આ તો મારું સેકન્ડરીનું રીઝલ્ટ આવ્યું તે જ દિવસની વાત છે. પપ્પાની એ સમાચાર સાંભળી, ઠંડી નજર પેપર પર નાખી અંદર ચાલી જવાનું – આ બધું નજર સમક્ષ આવી ગયું.
‘આજે નીનુને એન.ટી.એસની સ્કોલરશીપ મળી છે. નીનુ સાચા અર્થમાં મારો દીકરો છે. હું તેના માટે ખૂબ ગર્વ અનુભવું છું.’
‘આજે નીનુ ડૉકટર થઈ ગઈ. આ સમાચાર જાણી હું આનંદવિભોર થઈ ગયો છું. પણ રાજુ – સંજુ…….. એનું હું શું કરું ?’
‘નીનુ – મારી નીનુ જે આ ઘરની શ્રી હતી તે પોતાની પહેલી નોકરી પર ચાલી ગઈ. અને હું અપરાધીની માફક જોતો રહ્યો. સ્નેહથી એના માથે હાથ ફેરવી આશિષ પણ ન આપી શક્યો. તેની માએ જ બાપનું કર્તવ્ય નિભાવ્યું છે. મને મારી પત્ની અને પુત્રી બંને માટે ખૂબ અભિમાન છે…..’ આ વાંચી મારી આંખો વરસી પડી.

પપ્પા તમે તો મનથી પરંપરાની બેડીઓ ક્યારનીય તોડી નાખી હતી. તો આ શું હતું ? અનાયાસ પપ્પાનો કરચલીવાળો વૃદ્ધ ચહેરો મારી સામે આવે ગયો. એમના મોંની કરચલીઓની દોરીઓમાંથી જાણે દોરી વણાઈ ગઈ…. સીંદરી જેવી. એક બળી ચૂકેલી સીંદરી જેનાથી તેઓ મને પોતા સાથે બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે – મેં મારા છલકાતા આંસુઓ મનમાં જ પી લીધાં.

Advertisements

13 responses to “સીંદરીનો વળ – ઈંદીરા નૂપુર

 1. હૃદયસ્પર્શી સત્ય છે. આંખો છલકાઈ ઊઠી.
  ધન્યવાદ નર્યા સત્ય માટે.

  નીલા

  મુંબઈ

 2. ankho bhini thayi gayi, aa varta vanchta , hridaya ni aarpaar nikari gayi aa varta!!

 3. Hello Indira Ben,

  very heart-touching story.. tears are just running out of my eyes.
  nice story…

 4. it is a very touching story. is this real? i would like to know a little bit more about the Author.

 5. Its a heart-touching story….aa varta ek undi chap chodi gayi. Thanks for wonderful story:)

 6. Really heart-touching. While reading it made my eyes wet.

  Indeed it must have been very tuff for the girl to have her father with her – but not getting his affection / care.

  It reminded me my daughter Tithi. At present we are bit separated due to my job at far place.

 7. I think Our society can learn many things by this story.It is very meaningful story.

 8. really a great story ever i read,this is a first time when there were tears in my eyes while reading something,so i appriciate author to give such a nice story which holds living emotions and required for every single human.n really i want o write so many things regarding to this story but i can’t find more words,so anyway thanx for giving such a nice story.

 9. Excellent ,Such feeling are predominanat in man-dominated society, at that time Girls were considered as helper of her mother later on to follow her mother footsteps to become some body else wife

  feelings of Girl is expressed touchingly

 10. varta vachine thy chhe ke pita ae jara potani lagni ane khushi jo vyakt kari hot to kadach chhekraoni haar pachavi shakya hot.

 11. perhaps this is the true story of lots of ‘Ninus’ who still exist in Indian culture – we need more of these articles to make parents aware that girls are equally capable and clever provided they are given the oportunities to prove themselves with correct guidence