રચના – જાતુષ જોશી

આંખ

આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી,
આંખની સામે રહેલું રણ ફક્ત રેતી નથી.

કોઈ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે
કે નદી જેવી નદી આગળ પછી વહેતી નથી.

આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.

આ ક્ષણો તો મસ્ત થઈને મોજથી ચાલ્યા કરે,
કાંઈ એ લેતી નથી ને કાંઈ પણ દેતી નથી.

હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.

વેશ

વેશ વરણાગી હતો,
મૂળમાં ત્યાગી હતો.

દ્વાર ખખડાવે નહીં,
એ અનુરાગી હતો.

ક્યાં કશું કરતો હતો ?
એ ખરો બાગી હતો !

એ મરણ જીવી ગયો,
એ જ બડભાગી હતો.

ગીત ગણગણતો રહે,
કોઈ વૈરાગી હતો.

Advertisements

2 responses to “રચના – જાતુષ જોશી

  1. Neela Kadakia

    સુદર કૃતિઓ છે.
    ધન્યવાદ
    નીલા

  2. બંને રચનાઓ ખરેખર ખૂબ સરસ છે. ગઝલ લખાયેલા કાગળને અતિક્રમી જાય છે એ કલ્પન દાદ માંગી લે છે.

    -વિવેક